22-પારોની વિહવળતા
સમયનું ચક્ર બહુ ઝડપથી ફરે છે. સમય ક્યારેય અટક્યો નથી અને અટકશે પણ નહીં. વણથંભી રફતારથી કાળનું ચકરડું ભ્રમણ કરી ગયું. વાસંતી પવનની લહેરખીઓ સાદ પાડી રહી હતી. નટખટ ક્ષણો મસ્તી કરી રહી હતી. પ્રહરો એક પછી એક નિતનવી સોગઠી મારી રહ્યા હતા. આમ પડખું ફેરવો તો રાત અને બીજે પડખે દિવસનો ખેલ નિરાળો હતો. વિચ્છિન્ન સ્મૃતિઓના ટકોરાની ઘરેરાટી આઘાતી અને પ્રત્યાઘાતી પરિબળની જેમ પડઘાઈ રહી હતી. ક્યાંક ન્યૂટનને પણ ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવતી વખતે ઝુરાપો થયો હતો કે શું? અર્પણ અને પ્રત્યાપર્ણમાં આકર્ષણનું ગુરૂત્વાપણું આવતું હશે?
જીવનમાં આજની ચિંતા, જીવનમાં કાલની ચિંતા
સમયનો માર્ગ ખરબચડો, સમયની ચાલની ચિંતા
બહુ આઘે સુધી જવું છે, એટલું યાદ રાખ જિંદગી
પડી લાશો અહીં ક્ષણોની, પળોનાં બેહાલની ચિંતા
ભીનીભીની યાદોની મોસમ અને મીઠુંમીઠું દર્દ. બંનેનો સરવાળો થાય તો ચોક્કસ સમજશો કે ક્યાંક બાગમાં પાંદડીઓએ નવોઢાનાં શણગાર સજ્યા છે. ઠાઠથી સજીધજીને પુષ્પ-પર્ણો રસ્તે લટાર મારવા નીકળ્યા છે. પ્રભાતિય સ્નાન કરીને ડાળીઓની લટોથી નિતનિત નિતરી રહેલી ઓસની બુંદો મધુરજનીનાં કૈફનાં સ્વાદને માણી રહી છે.
પારોની ભીતરે પણ એક બીજનું ફલન થઈ રહ્યું હતું. સોડમાં આનંદના ફુવારાની છોળો ઉડી રહી હતી. પ્રસુતિ પૂર્વે ચહેરા પર ઝિલમિલ કરતાં પ્રસ્વેદી ઝરણાઓમાં દેવદાસનો ચહેરો સ્ફુટ થઈ રહ્યો હતો. ભીતરનાં દેવદાસ અને યાદોનાં દેવદાસ સાથે તાલમેલ કરવામાં પારો તો કાળ, ખંડ અને સમયચક્રને પણ ભૂલી ગઈ હતી. અહીં કોલકાતામાં ચંદ્રમુખી કને રહેતા પારોને ભાસ થયા કરતો કે દેવદાસે આ જ કોઠાનાં કમરામાં બેસીને શરાબમાં જીવન ઓહિયાં કરી નાંખ્યું. તે કદી ઝબકીને જાગી જતી. તેને લાગતું દેવદાસ ઘટ... ધટ... કરીને શરાબનો પ્યાલો ભરી રહ્યો છે. પારો ઝટથી ઊભી થઈ જતી, 'દેવ... બસ હવે...' તેને ભાન થતું કે ભ્રમણા છે તો જાત સામે જ ખસિયાણી થઈ જતી.
તે દેવના વિચારોમાં લીન હતી ત્યાં જ ઉતાવળે ચંદ્રમુખી આવી. તેના ચહેરા પર વ્યગ્રતા હતી. પારો પાસે તે બોલી.,
'દેવબાબુ આવ્યા હતા કે? મેં તારા કમરા તરફ આવતા જોયાં છે?'
ચંદ્રમુખીનો સવાલ સાંભળીને પારો વિસ્ફારિત નેત્રોથી તાકતી રહી.'ચંદા... હા, મને પણ લાગ્યું કે દેવદાસ અહીં બેસીને શરાબનો પ્યાલો ભરી રહ્યા છે. શું ખરેખર દેવ આવ્યા હતા? બોલ ચંદા...'
'પારો... દેવ...'
ચંદાએ કોઠાની એક દિશા તરફ ઈશારો કર્યો. પારો તો વિહવળ થઈ ગઈ. તે દોડી. 'દેવ...'
ચંદ્રમુખી પણ તેની પાછળ દોડી. પારોનો અવાજ સાંભળી રૂપાલી અને સેવકરામ પણ દોડી આવ્યા.
'કી હોયા? કી હોયા?'
પારો તરફ જોઈને રૂપાલી સમજી ગઈ કે ફરી પારોને દેવદાસની ચાનક ચઢી છે. તેણે ચંદ્રમુખી તરફ જોયું. સ્થિતિ જોઈ રૂપાલીને થયું કે રાધા અને મીરાનું મિલન થયું હોત તો? કૃષ્ણની લીલા પણ અજબ છે! પારો અને ચંદ્રમુખી હજુ પણ જાણે દેવદાસ તે દિશામાં ગયો હોય તેમ તે તરફ જોતાં ઊભા રહી ગયા.
ચંદ્રમુખી બોલી, 'જોયું પારો, હજુ પણ મારાથી દરકિનાર જ રહે છે. દૂર ને દૂર જ રહે છે.'
'ચંદા, મને પણ ચિડવી રહ્યા છે. શરાબ પીવા ટોકતી હતી ને? મારી સામે પ્યાલો ભર્યો. હું ખિજાઈ જાઉં તે પહેલાં જ નીકળી ગયા...' પારો રઘવાટમાં બોલી.
રૂપાલીએ ચંદ્રમુખીનાં ખભા પર હાથ મૂક્યો અને ધીમા અવાજે કહ્યું, 'પારો તો પાગલ છે. પણ તમેય? તમે તો શાણા છો. શું કરો છો? એને વાળવાના બદલે તમે પણ એની સાથે જોડાઈ ગયા?'
ચંદ્રમુખીને વીજળીક ઝબકારો થયો. એ રૂપાલી તરફ ફરી અને કહ્યું, 'તને નહીં સમજાય.'
પારો તો હજુ પણ ભ્રમિત કરતી દિશા તરફ અવિરત જોઈ રહી હતી. ચંદ્રમુખીએ જોયું તો આજુ- બાજુ જે બની રહ્યું હતું તેનાથી પારો તદ્દન અનભિજ્ઞ હતી.
'ચંદા... હવે શરાબનાં પ્યાલા અને બોતલને તોડી-ફોડી નાંખવી પડશે. આવવા દે એમને, તેઓ કેવી રીતે શરાબ પીએ છે તો જોઉં છું.'
ચંદ્રમુખી થોડી સ્વસ્થ થઈ. વચ્ચે જ રૂપાલી બોલી 'લો, સંભાળો તમારી દેવઘેલી સખી પારોને. બહુ દેવબાબુ, દેવબાબુ કરતા હતા ને? હવે ખબર પડશે.'
'પારો...' ચંદ્રમુખીએ પારોનું ધ્યાન બીજે ખસેડવા પ્રયાસ કર્યો. 'હા, સાંભળું છું, ચંદા, બોલ...'
'દેવબાબુ... તો ગયા...'
'હોય કે? એ જતાં જ નથી. મને મળ્યા વગર જાય જ નહીં. જો... જો... ચંદા હજુ પણ હાથમાં ગ્લાસ લઈને ત્યાં ઊભા છે. થોભ હું જરા મળી આઉં.' આટલું બોલી પારો આગળ વધી. થોડે દૂર પહોંચી એટલામાં જ પારોએ બોલવાનું શરૂ કર્યું,
'કેટલી વાર તમને ના પાડી છતાં પણ તમે સમજતા કેમ નથી? ફેંકી દો, પ્યાલો...'
'કહું છું ને કે ફેંકી દો પ્યાલો...'
દેવદાસ સાથે વાત કરતી હોય એમ તે બોલ્યે જતી હતી. ચંદ્રમુખી, રૂપાલી અને સેવકરામ પારોને જોતાં જ રહી ગયા.
રૂપાલીએ ચંદ્રમુખીને મીઠો ટોણો માર્યો. 'બોલો ચંદાજી, તમને તો ભાસ થાય છે. પણ પારોને તો સાક્ષાત દેવદાસ દેખાય છે. એ તો વાત પણ કરે છે. જુઓ... હું ઘણા દિવસોથી આ બધું જોઈ રહું છું.'
'જુઓ દેવ... ચંદા પણ સાથે છે. વાત કરશો એની સાથે?'
પારોની દશા જોઈ ચંદ્રમુખી સડક થઈ ગઈ. તે ધીમાં ડગલે પારો પાસે ગઈ.
'પારો, દેવબાબુ ગયા. ફરી આવશે ત્યારે વાત કરીશું.'
તેણે પારોનો હાથ જોરથી ખેંચ્યો. પારો જડવત્ હતી. રૂપાલી પણ આવી. પારોને જોર જબરદસ્તીથી ત્યાંથી લઈ ગયા.
વારંવાર પારો પાછી ફરીને જોતી હતી. એ 'દેવ... દેવ...'ની બૂમો પાડી રહી હતી. તેને જોરથી ઉબકું આવ્યું. સેવકરામ ખુરશી લઈ આવ્યો. તે હાંફી રહી હતી. ફરી વાર ઉબકું આવ્યું. રૂપાલી ઝડપથી દોડી થૂંકદાન લઈ આવી. પારોને એક પછી એક ઊલટીઓ થઈ.
રૂપાલી બોલી, 'પારોની પ્રસૂતિનાં દિવસો નજીક છે. બહુ જલદી પારો રાણીનાં ખોળામાં ફૂલ મહોરી ઉઠવાનું છે.
કેટલી સોહામણી પળ હશે નહીં પારો? તારા ખોળામાં દેવબાબુનું ફુલ ખીલશે. હું ખૂબ રોમાંચિત છું. ભગવાન કરે આ પળ જલ્દી આવે.
હા, ચંદા, મને પણ ઈન્તેજાર એ પળનો
હું નાનકા દેવની માસી કહેવાઈશ કે કાકી?
ના..ચંદા, તું પણ તો નાનકા દેવી મા જ બનશે. દેવ એક મા બે...
ચંદ્રમુખીએ જોરથી હસીને કહ્યું...દેવબાબુની પ્રેમિકા પણ બે અને દેવની માતા પણ બે...
પારોનાં ચહેરા પર આનંદની રેખાઓ અંકિત થઈ અને આલોપ પણ થઈ ગઈ. પારોને ચિંતામગ્ન જોઈ ચંદ્રમુખી બોલી.
શાની ચિંતા કોરી ખાય છે?
મને અને ચિંતા...? ખસિયાણું સ્મિત વેરી પારો બોલી પણ ચંદ્રમુખીએ બન્ને બાવડા ઝાલી ભારપૂર્વક પૂછ્યું.
મારાથી કશું છુપું રહી ન શકે. શાની ચિંતા છે?
ચંદા, ખરેખર ચિંતા તો એક જ વાતની છે. મારા સંતાનને દેવદાસનું નામ મળશે કે કેમ? દેવનાં માતા,ભાઈ અને તાલસોનાપુરનાં લોકો તેને સ્વીકારશે?
ચંદ્રમુખીએ હાથ પર જોરથી હાથ મારી કહ્યું. આટલી જ વાત છે? ચિંતા ન કર પારો. જો તી જા, હવે ચંદારાણી કેવાં ખેલ કરે છે. જે સમાજ તને અને તારા નાનકા દેવને ઓળખ નહીં આપશે તો ચંદા બહરાવટે ચઢશે, એ નક્કી. તારી ચિંતા મને આપી દે. તારા માટે કશુંક કરવાનો મોકો મળ્યો છે. મને ના નહીં પાડતી.
ચંદા, પણ તું કરશે શું?
જોયા કર પારો...તારી લડાઈ એ હવે મારી પણ લડાઈ છે. સમાજે રૂપજિવિની શરીરો જોયા હશે હવે તેનો રૌદ્ર સ્વરૂપ પણ જોશે.
દુર્ગા પૂજા આવી રહી છે. ગણિકાનાં ઘરની માટીને પાવન માની શુભની શરૂઆત કરતા સમાજને આ વર્ષની દુર્ગા પૂજા ટાણે ચંદાનો નવો રૂપ જોવા મળશે. કસમ, માં દુર્ગાની પારો...ચિંતા છોડી દે...
ચંદ્રમુખીની આંખમાં તેજની સાથે અંગારા ઉતરી રહ્યા હતા. પારો તો તેને આભી બનીને જોતી જ રહી ગઈ. બન્ને એકબીજાને ભેટી પડી.
...ત્યાંજ દરવાજા પર ટકોરા થયા. સેવકરામે ઝડપથી દરવાજો ખોલ્યો તો સામે લોહીલુહાણ હાલતમાં રાજશેખર ઉભો હતો.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર