6- દેવદાસ અને પારોનો લાગણીભીનો સંવાદ
ભૂતકાળની ભૂતાવળ કહેવાય કે પછી સોનેરી સંસ્મરણો, પણ હંમેશાં કાળ વહ્યો જાય છે અને સંસ્મરણો સદાકાળ રહી જતાં હોય છે. દેવદાસ સાથેના પ્રેમના વરસાદમાં ભીંજાયેલી પળોને પાર્વતી વાગોળ્યા કરતી હતી. દેવદાસની યાદ ખૂબ સાલી રહી હતી તેને. વડમાં પાર્વતીને હંમેશાં તેને દેવદાસના દર્શન થતા. આજે ફરી તેને થયું કે લાવ જરા વડ દેવતાના દર્શન કરી લઉં. ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ઘણાં દિવસો પછી ઠાકોર ભુવન ચૌધરી ઘરની બહાર નીકળીને શ્યામ સાથે ખેતરે ગયા હતા. મનોરમા સાસારિયે પાછી ચાલી ગઈ હતી. ઘરમાં ભાનુ અને નોકરો હતા. પાર્વતીએ લાગ જોઈ વડ વૃક્ષ પાસે જવાનું મનોમન નક્કી કર્યું. તે ધીરેથી હવેલીની બહાર નીકળી. વરસાદ હોવાથી વડની આજુબાજુ કોઈ દેખાતું ન હતું. તે વડ પાસે પહોંચી.
દેવદાસના દર્શન થતાં હોય તેમ પાર્વતી વડને નિરખતી રહી. વરસાદમાં ભીંજાવાની તેણે દરકાર રાખી નહીં. તે ભીંજાતી રહી અને દેવદાસને યાદ કરતી રહી. દેવદાસે જ્યાં દેહ ત્યાગ કર્યો હતો તે જગ્યા પર હાથ પસવારવા લાગી. દેવદાસ પર હેત વરસાવી રહી હોવાની અનુભૂતિમાં તે સરી પડી. એકતરફ આકાશેથી જળધારા વરસી રહી હતી તો અહીં પારોની આંખમાંથી પણ શ્રાવણી ઝરમરી રહી હતી.
'દેવ....' એક ઊંડો નિસાસો નંખાઈ ગયો પારોથી. તેના હાથ ભીની માટીમાં પ્રસરી રહ્યા હતા. હાથમાં ચોંટેલી ભીની માટીને કપાળ પર ચોળી દીધી તેણે. તેને એક અસીમ રાહત અને સંતૃપ્તી મળી. કંઈ કેટલાય યુગોની થકાન પળવારમાં દૂર થઈ ગઈ. મનમાં થયું કે જ્યાં દેવે પ્રાણત્યાગ કર્યા ત્યાંની જમીન પર આળોટી લઉં. અને તેણે મનની વાત માની. એક વરસાદી અંગડાઈ લઈ ભીની માટીની સોડમના સંગાથે દેવદાસમાં એકાકાર થવા તે આળોટવા લાગી. વરસાદની બૂંદે- બૂંદે તે ભીની માટીનો રોમાંચ લઈ રહી હતી. તેના તન-બદનમાં કંઈ કેટલીય કળીઓ ખીલી રહી હતી. તેને થયું કે બસ આ વરસાદ હવે ક્યારેય બંધ ન થાય. વરસાદ આમ જ વરસતો રહે અને તે આમ જ ભીંજાતી રહે. વાછટે-વાછટે તે ડોલી રહી હતી. હેલીએ-હેલીએ કેકારવ કરી રહી હતી.
પણ કોણ જાણે એ સમયે મેતરાણી ક્યાંથી આવી ગઈ. મેતરાણીને તેની તરફ આવતી જોઈ પારોને રીસ ચઢી પણ તે સફાળી થઈને ઊભી થઈ. મેતરાણીને જોઈને તે ગભરાઈ હતી.
'શું થયું પારો રાણી? આમ કાદવિયા-કાદવિયા કેમ થઈ ગયા છો?' પાર્વતીએ પોતાના શરીર તરફ જોયું. સાડી પર કિચડના થર બાઝ્યા હતા. તે થોડી ખસિયાણી થઈ. તે આમ તેમ જોવા લાગી. તાત્કાલિક તેને કોઈ જવાબ જડ્યો નહીં. તે થોથવાતા તે બોલી,
'મેત...મેત...મેતરાણી...એ તો....હાં...એ તો એવું થયું કે... શું થયું...હાં..હાં...મારો પગ લપસી ગયો...હું પડી... બસ... બસ... બીજું કંઈ નહીં... તમે જાઓ... મને વાગ્યું નથી.'
સાડી પરથી કિચડ લૂછવાનો તેણે ડોળ કર્યો. પણ મેતરાણી પણ જાય એવી ન હતી.
'પારો રાણી આવી હાલતમાં આવું થાય? કંઈ વાંધો નહીં, પડી જાઓ કે પડો, બંને એક જ વાત છે.'
તે વારેવારે સાડીના પાલવને આંગળીઓમાં લપેટતી રહી. મેતરાણી ફરી બોલી. 'તો પારો રાણી, આમ સરા જાહેર વરસાદમાં પલળવું સારું ન કહેવાય. અને તે પણ આવી હાલતમાં તો બિલકુલ પણ નહીં.'
'ના... ના... હું ક્યાં ભીંજાઉં છું? મને તો વરસાદ ભીંજવે છે.' પોતાના કપાળે પંજો થપકીને. 'અરે આ શું બોલું છું? હા... હા... તમે બરાબર કહો છો. વરસાદમાં ભીંજાવું ન જોઈએ. ચાલો, વહેલા ઘરભેગા થઈએ.' પારો આ વાક્ય બોલી તો જરૂર ગઈ પણ તેના પગ ન ઉપડ્યા.
'પારો રાણી માંદા પડવાનો શોખ હોય તો ભલે. હું તો ચાલી.' મેતરાણીએ છણકો કર્યો અને વિલંબ કર્યા વગર ત્યાંથી ચાલી નીકળી. પાર્વતીને મેતરાણી પર ગુસ્સો આવ્યો દેવદાસ અને તેની પ્રેમક્રિડામાં ભંગ પાડવા બદલ. ભલું થજો વરસાદનું કે કોઈ બીજું જોઈ ન ગયું નહીંતર ચોક્કસ વધુ એક ગામ ફજેતો થતે.
પારોને થયું કે ચૌધરી અને શ્યામદાસ આવે તે પહેલાં તે હવેલી પહોંચી જાય. પણ તેનું દિલ માનતું ન હતું. જાણે તેને ધરવ જ નહોતો થતો! તેનું દિલ કહેતું હતું રોકાઈ જા અને મગજ કહેતું હતું બસ બહુ થયું, ઘર ભેગી થા. દિલ અને મગજ વચ્ચે ફરી પારો અટવાઈ. એક પગ ઉપાડે કે તરત બે ડગ પાછા વળે. અજીબ ઘર્ષણમાળા બંધાઈ ગઈ. વડવાઈ પર આંગળીઓ પસવારતી તે બોલી. તેને એ પણ ખબર ન પડી કે સાડીનો એક છેડો વડવાઈમાં ભેરવાઈ ગયો હતો.
'દેવ, હવે મને રુખસત આપો. જવું છે મારે. હું જાઉં?' સ્વગત પ્રશ્ન હતો પણ તે કહી રહી હતી દેવદાસને.
'દેવ... દેવ...' ...અને અચાનક પાર્વતીને અવાજ સંભળાયો.
'પારો...'
પાર્વતીએ ચોંકીને જોયું. તે વડવાઈમાં ફસાયેલા પાલવના છેડાને કાઢવામાં લાગી. પણ, પાર્વતીના કાને પડેલો પેલો અવાજ કોઈ ભ્રમ હતો કે પછી...?
સાડીના પાલવને વડવાઈમાંથી કાઢવા પાર્વતી મથી રહી હતી ત્યાં ફરી અવાજ આવ્યો.
'પારો...' પાર્વતી થોડી ભયભીત બની ગઈ. ક્યાંથી અવાજ આવ્યો તેનો તાળો મેળવવા લાગી. તે ભય સાથે કંપી રહી હતી.
'કોણ?' પાર્વતીએ કંપતા સ્વરે પૂછયું.
'પારો, હું છું, હું... મને ન ઓળખ્યો?'
'દેવ... દેવ...' બહાવરી બની પાર્વતી આમતેમ જોવા લાગી. એક ક્ષણ માટે લાગ્યું કે દેવદાસ પાછો આવી ગયો છે.
'દેવ... દેવ... ક્યાં છો? ક્યાં છો દેવ? મને દેખાતા કેમ નથી? મારી સામે આવો.'
'હું તારી સામે જ છું પારો. તારા મનની આંખોથી જો.'
'દેવ.' તે વ્યાકુળ થઈ ઉઠી. ભયંકર પવનની એક થપાટે પાર્વતીને જોરથી ધક્કો મારી વડની સોડમાં પહોંચાડી દીધી.
'દેવ... સામે આવો. શા માટે પજવો છો મને?'
'પારો.' પાર્વતીને અહેસાસ થયો કે વડમાં દેવદાસનો વાસ હતો. ફરી જોરથી પવન ફૂંકાયો. તેને લાગ્યું કે દેવદાસે તેને બાંહોમાં જકડી લીધી છે. હવાના સૂસવાટાએ તેને કાનમાં ફૂંક મારીને કંઈક કહ્યું તેવો અહેસાસ થયો.
'પારો.'
'દેવ...' હવે તે વડ(દેવદાસ)ની ભીંસમાં હતી.
'હા પારો, હું જ છું.' વડમાંથી આવી રહેલા અવાજથી તે સંવેદનાની ક્ષિતિજો પાર કરી ગઈ. તેનામાં લાગણી અને ઉમંગોની છોળો ઉડવા માંડી. દિલ ધકધક કરતું હતું તોય તે જાણે ઝૂમવા લાગી. સાવનની રીમઝીમ, બૂંદોના હલેસા, વડવાઈનું રૂમાની કેફ, વરસતા વરસાદથી ઉઠતી માટીની પ્રેમોન્મુક્ત સોડમ અને ભ્રામક પણ દેવદાસનો સાથ. પાર્વતીનું અંગ અંગ કલશોર કરવા લાગ્યો.
'દેવ...'
'તુમી હુબહુ ચૌધરાઈન દિસોબા.. બિલકુલ ચૌધરાઈન લાગી રહી છે તું. માથા પર ચંદ્ર જેવો ચાંદલો, હોઠ પરની લાલાશ, ગાલ પરના ગુલાબી ગોટા, વાળની લહેરામણ, જોમવંતા બદન પર ઉતરી પડેલા તારલિયા, કમરમાં લટકતા અંગુરી ઝુમખા, હાથોના કંગનનો વરસાદી ઝનકાર અને આ મેઘમલ્હાર.... તને જોઈને લાગે છે ઈશ્વરે આ પ્રેમદાસીને ખોબે-ખોબે ભરીને યૌવન દાન કર્યું છે. 'ઓહ પારો, આજે પણ તું એટલી જ જોબનવંતી છે જેટલી પહેલાં હતી. મને થાય છે કે મૃત્યુની સોડમાંથી પાછો તારી પાસે આવી જાઉં.' જાણે દેવદાસ આકાશમાંથી બોલી રહ્યો હતો.
પારોને એવું લાગ્યું કે કોઈ મખમલી સ્પર્શની અલૌકિક સૃષ્ટિમાં તે વિહાર કરવા લાગી છે. તેના અંગમાં ઉન્મુક્ત લાગણીઓનો પ્રવાહ ફાટ-ફાટ થવા લાગ્યો. તેના ધબકારા દેવદાસનું સાંનિધ્ય પામી ઉત્તેજીત થવા લાગ્યા.
પારોની ધીરજનો બાંધ તૂટી જશે એવું તેને લાગ્યું. પારો વિચલિત થઈ ઉઠી. તેને એવું લાગવા માંડ્યું કે દેવદાસની આંગળીઓ તેના કેશમાં પ્રસરી રહી છે. દેવદાસ સમજીને તે વડવાઈને વળગી પડી. તેને એવું લાગતું હતું કે, દેવદાસના હોઠ તેના હોઠ સાથે પળવારમાં અડાબીડ થઈ જશે.
તેના હોશ ઠેકાણે ન હતા. તે બોલી ઉઠી. 'દેવ, ફરી એ ભૂલ નહીં કરતા.'
'એ ભૂલ નથી. તારા અને મારા પ્રેમની સોગાદ છે. એક અનન્ય અનુભૂતિનો આનંદ છે. દેવલોકમાં પારોએ કરેલા પ્રેમ વિહારની બેનમૂન સ્મૃતિઓનો ઝૂમખો છે પારો. જાણે કે તું એક અસ્ખલિત રીતે વહેતી નદીની ધારા છે અને એક એક બૂંદ માટે કોઈ તરસ્યો આવે એવી રીતે હું તારા માટે ભટકતો રહીશ. ભલેને કેટલાય ભવ લાગી જાય. હું તારો અહીં જ ઈન્તેજાર કરીશ.'
વડવાઈથી થોડી અળગી થઈ પ્રેમાળ ઠપકો આપતી હોય તેમ પાર્વતી બોલી. 'બસ બસ. આમ સૂફિયાણી વાતો કરશો તો હું કંઈ માની જવાની નથી. આટલો જ પ્રેમ હતો તો મને લઈને કેમ જતા ન રહ્યા? સાવ જૂઠ્ઠા. પહેલાં પણ હતા અને આજે પણ છો. મને આમ એકલી તરછોડીને ચાલ્યા ગયા? શું પારો માટે આવો પ્રેમ હતો? આ આલિશાન હવેલી મને રોજ નાગણની જેમ એક એક ફેણે ડંખતી જાય છે. મને નથી જીરવાતો તમારો વિરહ. મને પણ સાથે કેમ ન લઈ ગયા દેવ? કેમ ન લઈ ગયા? તે રડમસ થઈ ગઈ.
'હું નથી ઈચ્છતો હતો કે મારા કારણે તારી કોઈ બદનામી થાય. ઈચ્છાઓએ મને તારી પાસે ફંગોળવાની કોશિશ કરી અને હું ફંગોળાયો. પણ ક્યાં? જાણે છે તું? એક એવા સ્થળ પર કે જ્યાંથી કદી કોઈ પાછો આવી શકતો નથી. દેવદાસના સ્વરમાં ઉદાસી હતી. સંતાપ હતો.
તે બોલ્યે જતો હતો, 'પારો... તારી જુદાઈમાં હું પળેપળ મર્યો છું. હર ક્ષણે ઘવાયો છું. આ સમાજ અને આ બંધનોએ પારોને મારાથી છીનવી લીધી અને છેલ્લે મને પણ પારોથી સદાને માટે અલગ કરી દીધો. જાણે છે પારો, આજે પણ હું બેચેન છું અને કદાચ પહેલાં કરતાં પણ વધારે લાચાર છું. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને પુનર્જન્મ આપ. અને એ જનમમાં પણ પારો આપ.'
'દેવ, તમારી અખૂટ ચાહતના સહારે જ કદાચ પાર્વતી જીવિત છે. તમને ક્યાં ખબર કે તમારી પારો કેવી રીતે જીવી રહી છે? આજે પણ પારો તો દેવની જ છે. તન-મનથી દેવને સમર્પિત છે. મને લઈ ચાલો આ જગતથી દૂર તમારી સાથે દેવ. મારે નથી રહેવું એવા જગતમાં, જ્યાં માસુમ પ્રેમના બે કટકા કરી નંખાતા હોય. પાર્વતીએ વડવાઈઓને જોરથી ભીંસી લીધી. જાણે કે દેવદાસની બાંહોમાં જકડાઈ ગઈ હોય.
'મને ક્યારેક એવું થાય છે કે દેવ અંગને આગ લગાડી લઉં કે કૂવો પુરી દઉં. પણ હું આવું કરી શકતી નથી. ભારતીય નારી છું. પ્રેમિકા ધર્મ પણ જાણું છું. દેવના પ્રેમની કદી નાલેશી નહીં થવા દઉં. આ મારું વચન છે. હું દાસી છું દેવની, દેવદાસી નથી. પારો છું પ્રેમની, દેવની દિવાની છું. આ દુનિયા જોશે પાર્વતીના પ્રેમના લેખા.'
'પારો...' જાણે દેવે તેને અધવચ્ચે બોલતા રોકી હોય, 'ના પારો, ના. હજી તો પારોએ નવા અધ્યાય તરફ ડગ માંડવાના છે. આડું-અવળું વિચારવાનો આ સમય નથી. તને એ પળોનાં સોગંધ છે જે પળો આપણા મિલનની સાક્ષી રહી છે. તને એ ક્ષણોનાં સોગંદ છે, જે ક્ષણોને આપણે સાથે ગાળી છે. પારો તને સોગંદ છે એ પ્રેમના અસ્ખલિત વહેતા વાયરાઓના. અને.... અને... તને સોગંદ છે આપણા પ્રેમની નિશાનીનાં.'
દેવદાસની વાત સાંભળી પાર્વતીનો હાથ પ્રથમ તો કપાળ પર દેવદાસે મારેલા સોટાના કારણે થયેલી નિશાની તરફ ગયા. પણ પળવારમાં તે વડવાઈને હડસેલી સફાળી બેઠી થઈ. તે જોરથી બોલી પડી 'દેવ... મારા દેવ... આમ સોગંદ ન આપો. એક સોગંદમાં હું વૈરાગણના રૂપમાં આવી ગઈ. હવે વધુ જીરવાતું નથી. ફાળ પડે છે કે હવે શું થશે આ જીવતરનું?'
'પારો, હજી તારે ઘણું કરવાનું છે. દેવ અને પારોના મિલનનું જતન કરવાનું છે. અને હું ક્યાં જવાનું છું? સદૈવ તારી સાથે જ રહીશ હું.'
'કાળ કોટડીની કાળી કથા છે. કોઈ દિશા દેખાતી નથી. એક તમારા નામે આખું આયખું લખી દીધું છે. દેવ અને પારોનું મિલન કદાચ આ આયખાની સમાપ્તિ પછી જ થશે એમ લાગે છે. હું પણ એ દિવસનો ઈન્તેજાર કરીશ કે દિવસે હું ખુશી-ખુશી મોતને ગળે લગાડું.'
'ના પારો, ના. પાર્વતીએ તો જગમાં પ્રેમના પુષ્પો વાવવાના છે. દેવદાસનું અધુરૂં રહેલું કાર્ય પુરું કરવાનું છે. ડગલું ભર્યું તો હવે પીછેહટ નહીં કરવાની. દુ:ખ-દર્દને ભૂલી પાર્વતીએ જીવવું પડશે. મારા ખાતર જીવશે ને? આ ચમનમાં ફૂલને ખીલવવા માટે?'
ભીની આંખે પાર્વતીએ હકારમાં ગરદાન હલાવી. દેવદાસ રૂપે દેખાતી વડવાઈ મહોરી ઉઠી હતી. 'પારો, હવે હું જાઉં છું. યાદ કરજે ત્યારે હાજર થઈ જઈશ.' પારોને વડવાઈઓ સમેટાતી લાગી. પાર્વતી કશું બોલે તે પહેલાં જ તેના કાને શ્યામદાસનો અવાજ અથડાયો.
'ચાલો ઝટ-ઝટ સામાન ઉતારો. આમ ઢીલા થઈને કામ કરવાની આદત પડી ગઈ છે. પિતાજીને ખબર પડશે તો તમારા બધાની ખબર લઈ નાંખશે.'
ભુવન ચૌધરી અને શ્યામદાસ આવી ગયા હતા. પાર્વતીને તેઓ જોઈ શક્યા નહીં. તેઓ એટલા માટે પાર્વતીને જોઈ શક્યા નહીં કે તે હવેલીના દરવાજાથી સાવ જ વિપરીત દિશામાં ઉભી હતી. વડની આડના કારણે પાર્વતી પર ચૌધરી અને શ્યામદાસની નજર પડી નહીં. તેણે વડની તરફ જોયું. વડ પર જાણે અમીછાંટણા થઈ રહ્યા હતા. આકાશેથી રંગબેરંગી ફૂલોની વર્ષા થઈ રહી હતી. પાર્વતીએ મહેસુસ કર્યું કે દેવદાસ તેને હાથ હલાવી અલવિદા કરી રહ્યો હતો. પાર્વતીનો હાથ પણ અનાયાસે ઉંચો થયો અને તે પણ દેવદાસને અલવિદા કરી રહી હતી.
ચોર ડગલે ધીમે-ધીમે હવેલીના દરવાજા તરફ જવા લાગી. લપાતી-છુપાતી તે હવેલીના દરવાજા પર પહોંચી. ભુવન ચૌધરી, શ્યામદાસ સહિત નોકરોની નજર ચૂકવીને તે હવેલીમાં પહોંચી ગઈ.
(ક્રમશ :)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર