દેવની માતા અને પારો વચ્ચે ઘર્ષણ

01 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

દેવદાસની હવેલીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કાલીદાસની વાત સાંભળી કૌશલ્યાદેવી માનવા તૈયાર ન હતા કે પારો ખરેખર દેવદાસના સંતાનની મા બનવાની છે. કઈ રીતે બની શકે છે? દેવદાસે તો કોઈ દિવસ કશું પણ કહ્યું ન હતું. બીજી તરફ દ્વિજદાસ પણ અકળાયો હતો. જે ખાનદાન સાથે પિતાજીએ કદી પણ સંબંધ રાખવાનું પણ ઉચિત માન્યું ન હતું તેની સાથે હવે લોહીની સગાઈ થવા જઈ રહી છે.

કદાપિ નહીં...આવું તો કોઈ પણ રીતે નહીં ચલાવી લેવાશે. પારોએ છળ કર્યું છે..દ્વિજદાસ બબડી રહ્યો હતો. તેનું સ્વગત બોલવાનું ચાલુ હતું...આ તો ઘોર અનર્થ છે. એક બાજુ પારો ઠાકોર ભુવન ચૌધરીની અર્ધાંગિની છે અને બીજી તરફ દેવદાસનાં સંતાનની મા...શીદને ચલાવી લેવાય અનૈતિક સંતાનની જુઠી વાતને..જરૂર કોઈ ષડયંત્ર રચાયું લાગે છે...પારોનું ચરિત્ર જ કલુષિત છે, ખરડાયેલું છે.

આ બાજુ કૌશલ્યાદેવી પણ દ્વિજદાસ જેવા વિચારોનાં તોફાનમાં સપડાઈ હતી. અવૈધ....અવૈધ..સરાસર અવૈધ...આ હવેલી પર રાજ કરવાના પારો તારા ઓરતાને ઓરતા જ રહેવા દઈશ..મારા જીવતે જીવ તો અશકય છે કે પારો હવે પછી પગ પણ મુકે...

કૌશલ્યાદેવીએ કમરામાં વિચારોનાં ચક્રવાતમાં હતી ત્યાં જ દ્વિજદાસની હાક સંભળાઈ.

ધર્મદાસ....

બાજુનાકમરામાંથી તુરંત ધર્મદાસ દોડતો આવ્યો.

જી માલિકો....

સાંભળ..રૂઆબદાર અવાજમાં દ્વિજદાસે હુકમ કર્યો...

જો હવે પછી પારો કે પારોનો પડછાયો પણ આ હવેલીમાં દેખાશે તો દુર્ગામાનાં સોગંધ કે પારો જીવતી નહીં જાએ.

કૌશલ્યાદેવીએ પણ દ્વિજદાસનાં હાકોટા સાંભળ્યા. વરંડામાંથી નીચે નજર કરી.દ્વિજદાસે પણ માતા તરફ જોયું અને જોરથી હાથ પછાડતો પોતાના કમરામાં ચાલ્યો ગયો.

પ્રથમ તો દેવદાસનાં મૃત્યુનાં સમચાર સાંભળી મુખરજી પરિવાર માંડ-માંડ બેઠું થયું હતું. થોડા દિવસોથી જ કૌશલ્યાદેવીની હાલત સુધરી હતી. કૌશલ્યાદેવી મા હતી. દેવદાસ પ્રત્યે દ્વિજદાસ કરતાં વધારે વહાલ અને મમત્વ હતું. કાલીદાસની વાત સાંભળ્યા બાદ કૌશલ્યાદેવી બે છેડે હતી. એક તો પારોનાં સંતાનની સદંતર અસ્વીકૃતિ અથવા તો પારોનાં સંતાનની સ્વીકૃતિ....

રાતનું પ્રથમ પ્રહર હતું. સૂર્યાસ્ત થયાને માંડ ક્લાકો વિત્યા હતા. કૌશલ્યાદેવીએ રાત્રિ ભોજન આટોપી લીધું હતું. વિચાર કર્યો કે સૂઈ જાઉં પણ બેચેની વધી ગઈ. તેમની બેચેની પાછળનાં કારણમાં માત્ર પારો હતી. પારોને તેઓ મળવા માંગતા હતા. તેઓ ઉભા થયા. ધર્મદાસને બોલાવ્યો.

દ્વિજદાસ સૂઈ ગયો છે કે જાગે છે? કૌશલ્યાદેવીએ પ્રશ્ન કર્યો.

ધર્મદાસે જવાબ આપ્યો. હજુ જાગે છે પણ પોતાના કમરામાં વહુ સાથે છે.

સૌજન્યા શું કરે છે? કૌશલ્યાદેવીએ દ્વિજદાસની પત્ની અંગે પૂછ્યું.

એ તો ક્યારનાય સૂઈ ગયા છે.

સાંભળ...મને બહાર લઈ જા...અગત્યનું કામ છે. કોઈને કહેતો નહીં.

પણ આટલી રાત્રે...ગામમાં સૂનકાર થઈ ગયો છે. સવારે જઈએ તો....ધર્મદાસના વાક્યને અટકાવી કૌશલ્યાદેવીએ સાડીના પાલવથી મોઢું ઢાંકી ધર્મદાસને સીધો આદેશ આપ્યો..મારી પાછળ-પાછળ આવ અને જોતો રહે કોઈ જુએ છે કે નહીં....ધર્મદાસ પાસે બીજો કોઈ આરો ન હતો. કૌશલ્યાદેવીની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.

હવેલીનાં મુખ્ય ચોગાનમાંથી નીકળતી વખતે જલદી-જલદીમાં ધર્મદાસ લપસી પડયો. હે રામ...નાં અવાજ પર દ્વિજદાસે પોતાના કમરામાંથી જ પુછ્યું..

કોણ...?

છોટેબાબુ..ધર્મા...પાણી પીવા આવ્યો હતો, જરા લપસી ગયો.

કૌશલ્યાદેવી વરંડાનાં પિલર પાછળ સંતાઈ ગયા. સારૂં થયું કે દ્વિજદાસ બહાર ન આવ્યો.

સંભાળીને ચાલો ધર્માકાકા....

હા..છોટેબાબુ....આટલું કહી ઝડપભેર મુખ્યદ્વાર તરફ જવા લાગ્યો. કૌશલ્યાદેવી અને ધર્મદાસ સાંગોપાંગ હવેલીમાંથી બહાર નીકળ્યા અને ચાલવા લાગ્યા.

બે પડછાયા પારોનાં ઘર પાસે આવીને અટકી ગયા.

બન્ને પડછાયા લંબાતા ગયા. પારો અને રૂપાલી પથારીની ચાદર ઝાટકી રહ્યા હતા. અચાનક રૂપાલીની નજર પડછાયા પર પડી. રૂપાલીએ પડછાયા પર દૃષ્ટિપાત કર્યો. તેણે તરત જ પારોને પડછાયા તરફ અંગૂલિનિર્દેશ કર્યો. પારોએ જોયું તો બન્ને પડછાયા તેનાં ઘરનાં દરવાજા પાસે આવીને અટકી ગયા હતા. પારોને થયું કે કોઈ મહેમાન અથવા તો રાજશેખરનો મિત્રબંધુ આવ્યો હોવો જોઈએ. તેણે રૂપાલીને જોવા કહ્યું. તરત રૂપાલી બહાર નીકળી દરવાજા ભણી ગઈ. દરવાજો ખોલ્યો તો કોઈ જણાયું નહીં. પડછાયા આલોપ થઈ ગયા હતા. બહાર નીકળી નજર કરી પણ કોઈ ન હતું. તે પાછી વળવા જઈ રહી ત્યાં જ દરવાજાના ખખડવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળી પારો પણ આવી ગઈ.

રૂપાલીએ તરત જ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ વિસ્ફારિત નેત્રોથી પારો તાકતી જ રહી ગઈ. તેને આંખો પર ભરોસો બેઠો નહીં. તેની સામે બીજું કોઈ નહીં પણ સ્વંય કૌશલ્યાદેવી ઉભા હતા અને તેમની સાથે ધર્મદાસ હતા.

કૌશલ્યાદેવીએ સામેથી કહ્યું..અંદર આવવાનું નહીં કહે પારો..?

જાણે કોઈ સ્વપ્નમાંથી જાગી હોય એમ પારોએ કહ્યું...

આવો..આવો...મા જી...

મોઢું વાંકુ-ચુંકું કરીને કૌશલ્યાદેવી પારોનાં ઘરમાં પ્રવેશ્યા. પારોએ રૂપાલીને પાણી આપવાની ઈશારત કરી, રૂપાલી પાણી લેવા ગઈ. કૌશલ્યાદેવીને ખુરશી આપી. પારો થોડે દુર ઉભી રહી.

બેસતાં જ કૌશલ્યાદેવીએ પ્રશ્ન કર્યો...

સુમિત્રા ક્યાં છે?

પ્રશ્ન સાંભળી પારોને નવાઈ લાગી. કંઈ કેટલાય દિવસોથી મારી માતા બિમાર છે છતાં કૌશલ્યાદેવીએ ખબર-અંતર પણ ન લીધા? પારોને તેમના આગમન પર શંકા થવા લાગી. તે સજાગ થઈ ગઈ. નક્કર કશીક અળવિતરી વાત જ હશે.

રૂપાલીએ પાણીનો ગ્લાસ આપ્યો. ગ્લાસ હાથમાં લેતાં જ કૌશલ્યાદેવીએ વાત માંડી..તેમણે પાણીનો એક ઘુંટડો પણ લીધો નહીં.

પારો....હું હરખપદુડી થઈને તને મળવા આવી નથી. મારી વાતને ધ્યાનથી સાંભળજે. કાલીદાસે કહ્યું ત્યારથી મારું મગજ ચકરાવે ચઢ્યું હતું.તું દેવદાસનાં સંતાનની મા બનવાની છે?? વાત ગળે ઉરતી નથી. છતાં પણ તને કહેવા આવી છું કે આ વાત તારા પુરતી જ સીમીત રાખે તો એમાં જ તારી ભલાઈ છે. ગામ ઢંઢેરો પિટવાની જરૂર નથી....

પારોએ પણ સટાક દઈ ઉત્તર આપ્યો...આ દેવદાસની માતા બોલી રહ્યા છે કે કૌશલ્યાદેવી બોલી રહ્યા છે. ચોખ્ખે-ચોખ્ખું કહો કે અહીંયા આમ અડધી રાત્રે આવવાનું પ્રયોજન શું છે?

પ્રયોજન....મારૂં એટલું જ કહેવાનું છે કે તુ દેવદાસનું નામ તારી જીભેથી લેવાનું બંધ કર અને તારા પેટમાં જે બાળક છે તે દેવનો નહીં પણ ભુવનચૌધરીનો છે એવું જ કહેજે...

એમ?? કૌશલ્યાદેવી સાથે હું અત્યારે વાત કરી રહી છું. તો તમે પણ સાંભળી લો...બાળક તો દેવદાસનો જ છે અને આ બાળકને જન્મ આપવાનો મારો પણ જન્મસિધ્ધ અધિકાર છે. કોણ શું કહે છે એની મને ફિકર નથી. મને તો એવું હતું કે દેવના બાળકનું સાંભળી તમે ખુશીથી ઝુમી ઉઠશો. નાચશો..ગાશો..પણ ના...તમારે તો મુખરજી ખાનદાનની બનાવટી માન-મર્યાદા સાથે જ જીવવું છે અને મરવું પણ છે. હું તો તમને વિનંતી કરવા આવવાની હતી કે મારા બાળકને દેવનું નામ આપજો.

પારો...કૌશલ્યાદેવીએ તરડાકીથી કહ્યું..જીભડી સંભાળ અને તારી ઓકાતમા રહે...તને ખબર નથી કે હવે પછી તારી સાથે શું-શું થઈ શકે છે? દ્વિજદાસ અને કાલીદાસ તને છોડશે નહીં.....અને ગામવાળા તો તને કાચી જ ખાઈ જશે...

મા..જી...આ બધાની ચિંતા કરી હોત તો કોઈ અજ્ઞાત જગ્યાએ જઈને પણ દેવના સંતાન સાથે જીવી લીધું હોત...હું તો એક એવી અબળા છું જેણે દેવનાં પ્રેમ માટે વલખા માર્યા છે. પણ કશો વાંધો નહીં..હું તો દેવ સાથેની એક નાનકડી પળ જોડે પણ જીવી લેતે..તમે તો મા છો..અને એક સ્ત્રી પણ છો... તમે આવી ક્રુર રીતે મને આત્મહત્યા કરવાનું કહો છો....ના..મા જી...ના...

પારો....આખરી વાર કહું છું..હું વધારે લમણાઝીંકમાં પડવા નથી માંગતી...જો તારે આમ નહીં કરવું હોય તો મારી પાસે એક વૈધજી છે. જે ગર્ભને ખતમ કરવાનું કામ કરી આપે છે...બોલ શું કહે છે....

મા..જી...બસ બહુ થયું...પારોએ ક્રોધાવેશમાં કહ્યું.. તમારી ઘણી વાતો મેં સાંભળી લીધી.તમે દેવનાં માતાજી છો એટલે હું તમને વિનંતી કરૂં છું કે મને મારા હાલ પર છોડી દો...પારોની આંખ ભરાઈ ગઈ. થાય તો એટલું કરજો કે દેવના સંતાનની રક્ષા કરજો..બાકી તો દુર્ગા માતા જાણે....

કૌશલ્યાદેવીએ ગ્લાસને પટકી કહ્યું...ચાલ, ધર્મદાસ...હવે આને દેખાડવું પડશે કે કઈ રીતે આ બાળકને જન્મ આપે છે. હું તો તને સમજાવા આવી હતી. પણ તું આમ નહીં માને..હવે આંગળી વાંકી કરવી જ પડશે.

મા જી...આંગળી વાંકી કરો કે ત્રાંસી..હવે તો દેવદાસનાં સંતાનને આ દુનિયામાં પગરવ પાડતાં કોઈ રોકી શકે નહીં.....કોઈ તૃચ્છ માનવીની હેસિયત નથી કે દેવ-પારોનાં પ્રેમની નિશાનીને મિટાવી શકે......

કૌશલ્યાદેવીને જોરદાર આંચકો લાગ્યો હોય તેમ તેઓ સડસડાટ પારોના ઘરમાંથી બહાર નીકળી ગયા....ગુસ્સા સાથે આંખમાં આંસુ લાવી પારો તેમને જતા જોઈ રહી...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.