3- ભુવન ચૌધરીની માંદગી પારોની એકલતા
ઠાકોર ભૂવન ચૌધરી ઢળતી ઉંમરે પણ અલમસ્ત હતા. ગુચ્છાદાર મૂછ અને ચહેરા પર ઠાકોરીપણાનું તેજ ઠાકોરના વ્યક્તિત્વની ઓળખ હતી. જો કે દેવદાસ-પારો અંગે હકીકત જાણ્યા પછી તેમની તંદુરસ્તીમાં ઓટ આવી અને તેમને અચાનક જ વૃદ્ધાવસ્થાનો અહેસાસ થવા લાગ્યો. એવામાં હ્રદયરોગના હુમલાને કારણે ઠાકોરની તબિયત વધુ લથડી હતી અને તેઓ માનસિક રીતે પણ ભાંગી પડ્યાં હતા. ઠાકોર ભૂવન ચૌધરી અંદરથી પામી ગયા હતા કે, આ બિમારીમાંથી હવે તેઓ ક્યારેય ઊભા નહીં થાય અને આ હ્રદયરોગ તેમનો જીવ લઈને જ જશે. જો કે ચૌધરીના ઘરના સભ્યો તેમની સેવામાં કોઈ કસર છોડવા માગતા ન હતા.
ગઈકાલે પારોના કમરામાં જ ચૌધરી પડી ગયા હતા એની જાણ પારોને મોડેથી થઈ. તે ચૌધરીની સુશ્રૂષા કરવા માગતી હતી. પરંતુ ચૌધરીની દીકરી મનોરમાએ તેને એવું કહીને અટકાવી દીધી કે પિતાજીએ તમને અંદર આવવાની મનાઈ ફરમાવી છે. મનોરમાની વાત સાંભળીને પારોનું દિલ બેસી ગયું. તેણે ચૌધરીના ઓરડાની બારીમાંથી દૂરથી જોયું. ઊંડો નિસાસો નાંખ્યો. એ ત્યાં જ એક ખૂણો પકડીને બેસી રહી.
હવેલીમાં ગઈકાલ સુધી મા કહીને કે પછી પાર્વતી કહીને સંબોધતા અવાજો આજે અચાનક પારોને નફરત કરવા માંડ્યા હતા. ઘરનું એકપણ સભ્ય પારો સાથે સીધી વાત કરતું ન હતું. એક માત્ર ભાનુ તેની સાથે સારી રીતે વર્તી રહ્યો હતો. તેણે પારોનો પાલવ પકડી કહ્યું. ‘મા, જમી લીધું કે નહીં? તમારા પર પિતાજી ગુસ્સે ભરાયા છે. પણ કંઈ નહીં. તેમની તબિયત સારી નથી એટલે તેઓ ગુસ્સો કરી રહ્યા છે.’
ભાનુ પ્રત્યે પારોને વહાલ ઉભરાયું. તે ફક્ત એટલું જ બોલી, ‘હા બેટા.’ પારોએ તેના આંસુ લૂછ્યાં, એટલી વારમાં ચૌધરીનો મંદ અવાજ આવ્યો.
‘શ્યામ... શ્યામ... મારી દવા લાવ દીકરા... મનોરમા, ક્યાં છે?’
શ્યામનું કોઈ ઠેકાણું ન હતું. તો મહારાણી જેવો ઠાઠ ધરાવતી મનોરમા ક્યારનીય સૂઈ ગઈ હતી. પિતાનો અવાજ સાંભળી ભાનુ ઝડપથી દોડ્યો. વરંડાના ટેબલ પર મૂકેલી દવા લાવી તેણે પારોના હાથમાં આપી અને ઈશારત કરી ચૌધરીને દવા આપવાનું કહ્યું. પારોએ થોડો ખચકાટ દર્શાવ્યો. પણ ભાનુ પારોનો હાથ પકડીને ઠાકોરના ઓરડા સુધી દોરી ગયો. પારો ધીમે પગલે ચૌધરી પાસે ગઈ. દવા આપીને તેણે બે હાથ જોડ્યા અને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી. ખાટલી પર આડા પડેલા ચૌધરીના પગ પાસે તે પોટલું થઈને બેસી પડી.
‘મને માફ કરી દો સ્વામી. મને માફ કરી દો.’
ચૌધરીએ પારો તરફ જોયું સુદ્ધાં નહીં. જે હાથમાં દવા હતી તેને જોરથી હડસેલી દીધો. અને પારોએ જે પગને સ્પર્શ કર્યો હતો તે પગને વાળી લીધો. પારોને આંચકો લાગવો સ્વભાવિક હતો. તેના ગળે ડૂમો બાઝી ગયો. તેને જોરજોરથી રડવાનું મન થઈ આવ્યું. તે ઝડપથી કમરાની બહાર નીકળી પોતાના કમરામાં દોડી ગઈ.
કંઈ કેટલીય વાર સુધી પાર્વતી પોતાના કમરામાં જ કેદ રહી. ભાનુએ જોયું કે તેની માતાએ ખાધું નથી. એટલે તે પારો માટે એક થાળી તૈયાર કરીને લાવ્યો. તેણે પારો સમક્ષ ભોજનથાળ ધરી કહ્યું ‘મા... કૃપયા, ભોજા ખાઓયા’. પારોની લાખ ના છતાં ભાનુના આગ્રહને વશ થઈ તેણે બે કોળિયા માંડ ગળે ઉતાર્યા. તેને ક્યારે ઉંઘ આવી ગઈ તેનો તેને ખ્યાલ ન રહ્યો.
બીજા દિવસે સવારે ઊઠીને તે નિત્યક્રમ મુજબ ઘરનું કામ કરવા લાગી. રસોડામાં એ કામ કરતી હતી ત્યારે મનોરમાએ તેની પાસેથી વાટકી ઝૂંટવી લેતાં છણકો કર્યો. મનોરમાનાં વર્તનથી પારોને કશી નવાઈ ન લાગી. મનોરમાની તોછડાઈને નજરઅંદાજ કરી તે કામમાં જોતરાયેલી રહી. મનોરમાને બેથી ત્રણ વાર ‘ખુકી...ખુકી...’ (બંગાળીમાં દીકરીને ખુકી પણ કહેવામાં આવે છે.) કહીને પોતાની તરફ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી જોયો. પણ મનોરમાએ પારો સામે આંખ આડા કાન કર્યા. પારો માટે આ બધું અસહ્ય બની ગયું. તેણે મનોરમાનો હાથ પકડી પૂછ્યું.
‘શા માટે આટલો દ્વેષભાવ? શું કર્યું છે મેં?’
‘તુમી કી કોરબો? શું નથી કર્યું? પિતાજીની પ્રતિષ્ઠાને બટ્ટો લગાડ્યો છે. ખુદની ઈજ્જત તો છે નહીં ને ઉપરથી અમારી આબરૂ સાથે મેલી રમત રમી છે તમે.’
‘મનો... મારી વાત સાંભળ દેવ, દેવ તો...’ પારો આગળ બોલે તે પહેલાં મનોરમાએ વાત કાપી નાંખી. ‘બસ, રહેવા દો. મને તો તમને મા કહેતાં પણ શરમ આવી રહી છે. મને રીસ ચઢે છે તમારા પર. અમી તોમાર ધૃના થઈબો.’’
પારોએ લાગણીશીલ થઈ કહ્યું, ‘કેના તુમી બકા એઈ? શા માટે આટલી ધૃણા કરી રહી છે?’
પાર્વતી સૂનમૂન થઈ ગઈ. તેણે રાંધવાનું ચાલુ રાખ્યું. મનોરમાની વાતને દિલ પર લીધા વિના તે રાંધતી રહી. રાંધવાનું કામ પતાવી રસોઈઘરમાંથી બહાર નીકળી એને થયું ભલે ચૌધરી નારાજ છે પણ, પત્નીધર્મ નિભાવવો તેની ફરજ છે. તે ચૌધરીના કમરામાં ગઈ. ચૌધરી આરામ ખુરશી પર બેઠાં હતા. એ ધીમા ડગલે તેમની પાસે ગઈ. ચૌધરીએ તેની તરફ કોઈ તમા દાખવી નહીં. ખૂબ જ ધીમા સાદે તે બોલી, ‘સ્વામી.’ પાર્વતીનો અવાજ સાંભળ્યો નહીં હોય એમ ચૌધરી તેની તરફ પીઠ કરી બેસી ગયા. તેણે ફરી વખત કહ્યું. ‘સ્વામી... સ્વામી...’ પાર્વતી વધુ કંઈ બોલે તે પહેલાં જ ચૌધરીએ રોફદાર અવાજમાં કહ્યું, ‘મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. ચાલ્યા જાઓ. મહેરબાની કરો. કહું છું ચાલ્યા જાઓ.’
‘પણ સ્વામી...’
‘બસ પાર્વતી, મને આમ જ રહેવા દો. મારી દેખરેખ રાખનારા ઘરમાં બહુ છે. મને મારા હાલ પર છોડી દો.’ ચૌધરીની બેરૂખીથી પાર્વતી દ્રવી ઊઠી. થોડા સમય સુધી તે ચૌધરીની પાસે જ ઊભી રહી. ચૌધરીએ જરાય પ્રતિક્રિયા આપ્યા વગર પાર્વતી તરફ સદંતર દુર્લક્ષ સેવ્યું. ઘણીવાર બાદ ચૌધરીના કમરામાંથી માંદલી ચાલે પાર્વતી બહાર નીકળી. પોતાના કમરામાં જતી વખતે તેને દિવાનખંડમાં શ્યામ દેખાયો. પાર્વતીએ બૂમ પાડી, ‘શ્યામુ... શ્યામુ...’ શ્યામે સાંભળ્યું ન હોય તેમ એ હવેલીના મુખ્ય દ્વાર ભણી જવા લાગ્યો. શ્યામે થોડી દૂર જઈ પાર્વતીને પાછા વળીને જોયું અને ગુસ્સાભરી નજરે જોયું. એવામાં તે બનેવી કાલીબાબુ સાથે અથડાતા બચી ગયો. કાલી બાબુએ શ્યામને પડતો બચાવ્યો ને બોલ્યો,
‘જરા જોઈને ભાઈ. આમ પાછળવાળાને જોતાં રહેશો તો આગળવાળાની ઠોકર સિવાય કશું નહીં મળે.’ આટલું બોલી તેણે દૂર ઊભેલી પાર્વતી તરફ નજર કરી, ‘પાછળવાળા પાછળ જ સારા લાગે છે. હાથ કંગનને આરસી શું ? શ્યામ બાબુ સમજ્યા કે નહીં?’’
શ્યામદાસે બનેવી તરફ કટાણું મોં કરીને જોયું, ‘હા હા, ખબર છે હવે.’ એટલું કહીને શ્યામ બહાર નીકળી ગયો. કાલીદાસનું આખું નામ કલ્કીદાસ ચેટરજી હતું. પણ તેને બધા કાલી બાબુ કે પછી કાલીદાસ કહીને બોલાવતા હતા. તેની પડછંદ કાયા બાહુબલિ જેવી હતી. ઘેઘૂર અવાજ, આછી-પાતળી દાઢી, અણિયાળી મૂછ, વાત કરવાની મનમોહક છટા પણ સ્વભાવે ખંધાપણું અને આંખોમાં સતત રમતા સાપોલિયાઓ કાલીબાબુને ખરેખર કાલી બાબુ બનાવતા હતા. તેની દરેક રાત્રિ કોઈને કોઈ ગણિકાના કોઠા પર પસાર થતી હતી. આમ તો તે ઠાકોર ભૂવન ચૌધરીનો જમાઈ એટલે કે મનોરમાનો પતિ હતો પરંતુ ચાલચલગતે અય્યાસ હતો. દારૂ પી-પીને નકરો ઢીંચણબાજ બની ગયો હતો. ગણિકાઓ પર રૂપિયા લૂંટાવીને તે પોતાની જાતને રઈસજાદામાં ખપાવતો હતો. તેનો એક તકિયાકલામ હતો,
‘કાલી એટલે કાલી. કાલીની કલા જે જાણે તે જ જાણે, જે કાલીની વાત ન માને તેને માટે કાલી બને કાળ.’
ગુંડાગર્દી કરવામાં પણ કાલી બાબુ એક્કો હતો. થોડા સમય પહેલાંની જ વાત છે, કાલી બાબુ કલકત્તાથી પરત થઈ રહ્યો હતો ત્યારે હાથીપોતા નજીક આવેલાં અસથઝુરીના રેલ્વે સ્ટેશન પર કેટલાક લોકો સાથે તેણે ઝઘડો કર્યો હતો. મારામારી થઈ. મામલો પોલીસ થાણે પહોંચી ગયો હતો. ઠાકોર ભૂવન ચૌધરી અને ગામના વડીલોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
બીજી એક ઘટના એવી પણ છે કે દેવદાસ જીવીત હતો ત્યારે કલકત્તામાં ચંદ્રમુખીના કોઠા પર કાલી અને દેવદાસનો સામનો થયો હતો. દેવદાસ સાથે પણ કાલીએ ઝઘડો કરવાની કોશિશ કરી હતી. જો કે ત્યારે ચુન્નીલાલ, ચંદ્રમુખી અને અન્ય લોકોએ બાજી સંભાળી લઈ ઝઘડો થતો અટકાવ્યો હતો. છેલ્લા એક મહિનાથી મનોરમા પિયરમાં જ હતી. છેક આઠ દિવસ પછી કાલી બાબુ આજે ઘરે આવ્યો હતો. શ્યામ અને પાર્વતી વચ્ચે ઝરેલા તણખાં જોઈ કાલીબાબુના ખંધા મગજને એટલો ખ્યાલ આવી ગયો કે અહીં વાસણો જોરથી ખખડ્યા જ નથી પણ તૂટી સુદ્ધાં ગયાં છે. નહીંતર શ્યામ આવી રીતે પાર્વતી સાથે બદતમીઝી ન કરે. તેના હાથમાં હજુ પણ ફૂલોનો ગુચ્છો હતો. મોઢામાંથી દારૂની ગંધ આવી રહી હતી. રાતનો નશો ઊતર્યો હોય એવું લાગતું ન હતું.
હવેલીના પ્રવેશદ્વાર આગળથી પાર્વતીની નજીક આવી કાલી બાબુએ ટોણો મારતાં કહ્યું, ‘નોમોસ્કાર, માતા રાણી. કુશળ છો?’’ પૂછવાના ભાવમાં પણ તેની જીભ લથડતી હતી.
‘જમાઈબાબુ, તમારી હાલત ઠીક નથી લાગતી. રૂમમાં પહોંચો, હું મનોરમાને મોકલું છું.’
‘માતા રાણી.’ ફરી કાલીની જીભ લપસી, ‘મનોરમા તો આવશે જ, પણ તમે પણ કદી આવો...’
કાલીની વાત સાંભળીને પાર્વતી તેનો પિત્તો ખોઈ બેઠી. ભારાડી થઈને પાર્વતીએ કહ્યું, ‘જમાઈ બાબુ. તમારી જીભ પર લગામ રાખો.’
‘એમ? જીભ પર લગામ? તમે લગામની વાત કરો છો? મને કંઈ ખબર નથી એવું માનો છો? મને બધી ખબર છે, પેલા દેવદાસ સાથેના તમારા સંબંધોની. મુઠ્ઠી બંધ રાખેલી છે, જે દિવસે ખોલીશ ત્યારે લગામ-બગામની શિખામણો આપવાનું ભારે પડી જશે. સમજ્યા માતારાણી?’ કાલીબાબુએ છેલ્લા શબ્દો એટલી ખંધાઈથી કહ્યા કે પાર્વતી ભીતરથી હચમચી ગઈ.
જો કે આજે કાલી થોડો થાક્યો હતો એટલે પાર્વતી સાથે વધુ વાતમાં પડવાની જગ્યાએ પોતાના ઓરડાની વાટ પકડી. જતાં-જતાં કાલી બાબુ બોલ્યો. ‘માતા રાણી ધ્યાનમાં રહે, કાલી એટલે કાલી, કાલીની કલા જે જાણે તે જ જાણે, જે કાલીની વાત ન માને તેને માટે કાલી બને કાળ.’
કાલી બાબુના ગયા પછી પાર્વતી જાણે સૂન મારી ગઈ. તેનું હ્રદય જોરથી ધબકવા માંડ્યું અને તેનું મગજ ચકરાવે ચઢ્યું. ‘કાલીને દેવદાસ અને મારા સંબંધો વિશે કોણે જાણકારી આપી હશે?’ પાર્વતીનું મગજ કામે લાગી ગયું. તેને યાદ આવ્યું કે દેવદાસે ચંદ્રમુખીના કોઠા પર કાલી બાબુને મળવાની વાત કહી હતી. બની શકે ચંદ્રમુખીએ કાલીને આ બધું કહ્યું હોય.
પાર્વતીનું હ્રદય એક થડકાર ચૂકી ગયું. તેનો ભૂતકાળ રહી રહીને તેની આંખો આગળ બેઠો થઈ રહ્યો હતો. તેના ભૂતકાળની ભૂતાવળ પાર્વતીના વર્તમાનનો પણ ભરડો લઈ રહી હતી, જેના કારણે આજે હવેલીમાં એકપછી એક માણસ તેની સાથે નફરત કરી રહ્યું હતું અને તેની તરફ તિરસ્કારથી જોઈ રહ્યું હતું. પાર્વતીની આંખોમાં પાણી તરી અવ્યાં. તે દાદર ચઢી સીધી રૂમમાં આવી ગઈ. જે ભૂતકાળથી તે ભાગી રહી હતી એ ભૂતકાળ રહી રહીને તેનો પીછો કરી રહ્યો હતો. આ ભૂતકાળ જ હવે તેનું ભવિષ્ય પણ નક્કી કરવાનો હતો. પાર્વતીની આંખે અંધારા આવી ગયા. તેની ડાબી આંખ ફરકવા માંડી હતી, શરીરમાં ધ્રુજારીઓ છૂટી રહી હતી.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર