11-રાજશેખરનો એકરાર અને પાર્વતીનો ઈન્કાર

11 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

યમુના નદીના તોફાનમાંથી બહાર આવ્યા પછી પાર્વતીની હાલત ખરાબ થઈ હતી. રાત સુધીમાં તાલસોનાપુર પહોંચવાનું હવે શક્ય લાગતું ન હતું. પાર્વતી તાવમાં પટકાઈ હતી. રાજશેખરને કંઈ સૂઝ ન પડી. પાર્વતીને સહારો આપી તે પાર્વતીને યેનકેન રીતે નજીકમાં આવેલા આશ્રમ સુધી લઈ આવ્યો. પાર્વતીની સહનશીલતા જવાબ આપી રહી હતી. આશ્રમની મહિલાઓ પાર્વતીને આરામ કક્ષમાં લઈ ગઈ. ત્યાં એની જરૂરી સારવાર કરવામાં આવી. કલાકો બાદ પાર્વતીને સારું લાગવા માંડ્યું. તેણે કમરા તરફ નજર માંડી. બે મહિલાઓ દરવાજા પાસે ઊભેલી દેખાઈ. પાર્વતીએ ધીમે સાદે તેમને પાસે બોલાવી. બંને મહિલાઓએ પાર્વતી પાસે આવીને તેની નાડ તપાસી. બેમાંથી એક બોલી,

‘હાશ… તાવ ઉતરી ગયો છે.’

પાર્વતી અજાણી મહિલાઓની ચાકરીથી અચંભિત હતી. ટગર-ટગર જોયા કરતી પાર્વતીનાં ચહેરાનાં ભાવ ઓળખી જઈ મહિલા બોલી,

‘બેન, ચિંતા કરવાની જરૂર નથી. આ આશ્રમ છે. રાજશેખર અવાર-નવાર આવતા રહે છે અને તમને ધગધગતો તાવ હતો. એ તો સારું થયું કે રાજશેખર તમને અહીયાં લઈ આવ્યા. ચાલો અમે જઈએ. તમે આરામ કરો. ખૂબ મોડું થઈ રહ્યું છે.’

પાર્વતી બીજું કંઈ પૂછે તે પહેલાં તો બંને મહિલાઓ બહાર નીકળી ગઈ. અડધા કલાક પછી એક મહિલા પાછી આવી. તેનાં હાથમાં ભોજનની થાળી હતી. પાર્વતી પાસે જઈને મહિલાએ તેને ખાવાનું કહ્યું. પાર્વતીએ તેને અટકાવી. પૂછ્યું,

‘રાજશેખર ક્યાં છે? એ કેમ દેખાતા નથી?’

રાજબાબુ પણ અહીયાં જ છે અને બીજા કમરામાં આરામ કરી રહ્યા છે. પાર્વતીને જમવું તો ન હતું પણ તેણે કમને કોળિયા ગળે ઉતાર્યા. ખાતા-ખાતા પાર્વતી બોલી,

‘તમારું નામ શું?’

‘મારું નામ રૂપાલી છે. હું અહીં દેખરેખ રાખું છું. મારી સાથે જે મહિલા પહેલાં આવ્યા હતા તે આશ્રમની મહિલાઓને કૌશલ્યની તાલીમ આપે છે. પણ તમને હું એક વાત કહીશ. તમને સારા દિવસો જાય છે અને આવી અવસ્થામાં બહાર નીકળવું જોખમકારક છે. ભગવાનનો પાડ માનો કે કશું થયું નહીં.’

‘રૂપાલી... મારી એક વાત માનશે?’

‘બોલો શું છે?’

‘તને કોઈ વાંધો ન હોય તો, મારી સાથે તાલસોનાપુર સુધી આવીશ?’

રૂપાલી વિચારમાં પડી ગઈ. તે બોલી,

‘તાલસોનાપુર સુધી? મારે આશ્રમવાળાને પૂછવું પડશે.’

‘જો રૂપાલી ના નહીં કહેતી. તું સાથે રહેશે તો મને હિંમત રહેશે, રસ્તામાં તારો સાથ મારા માટે આશીર્વાદરૂપ બની રહેશે.’

‘પણ...’

બોલતાં બોલતાં રૂપાલી અટકી. કોઈનાં પગરવ પડઘાયા હતા. થોડીવારમાં કમરામાં રાજશેખરે પ્રવેશ કર્યો. કમરામાં આવતાવેંત જ રાજશેખરે પૂછયું,

‘હવે કેમ લાગે છે?’

પાર્વતીએ કહ્યુ, ‘સારું લાગે છે રાજબાબુ. તમે ક્ષેમકુશળ છો?’

‘હા, હા… બિલકુલ સલામત છું. મને તો તમારી ચિંતા હતી. તમને સ્વસ્થ જોઈને હવે રાહત મળી છે.’

‘મારા કારણે તમારે બહુ તકલીફો વેઠવી પડી રહી છે. સમજાતું નથી કે આ ઋણ હું કેવી રીતે ચૂકવીશ?’

‘અરે અરે... આ શું કહો છો? માનવધર્મથી વિશેષ કોઈ ધર્મ નથી.’

‘પણ રાજબાબુ…’ પાર્વતી કશુંક કહેવા જતી હતી એટલામાં રાજશેખરે તેને વચ્ચેથી અટકાવી.

‘પણ બણ છોડો. નિરાંતે સૂઈ જાઓ, સવારે ફરી મુસાફરી કરવી પડશે. તાલસોનાપુર જવું છે ને?’

પાર્વતીએ હકારમાં માથું હલાવ્યું. રૂપાલી તરફ પાર્વતીએ આશાભરી નજરે જોયું. રૂપાલીએ પણ જતાં-જતાં પાર્વતી તરફ એક દૃષ્ટિ ફેંકી અને રાજશેખર સાથે પાર્વતીનાં કમરામાંથી બહાર નીકળી ગઈ. બંનેનાં જતાં જ પળવારમાં પાર્વતી ઘસઘસાટ ઊંઘી ગઈ.

વહેલી સવારે પાર્વતીની આંખ ખૂલી ગઈ. તેને તાલસોનાપુર જવાની અધીરાઈ હતી. તે ફટાફટ તૈયાર થઈ. કમરામાંથી બહાર નીકળીને તે રૂપાલીને શોધવા લાગી. રૂપાલી કશે નજરે પડી નહીં. રાજશેખર ક્યાં હતો તેની પણ તેને ખબર ન હતી. તે ઝટપટ સામાન લઈ આશ્રમનાં સ્વાગત કક્ષ પાસે આવીને બાંકડા પર બેસી ગઈ. થોડી જ વારમાં રાજશેખર આવી ગયો. તેણે પાર્વતીને ચાલવાનો ઈશારો કર્યો. પાર્વતીએ આજુબાજુ જોયું. તે રૂપાલીને શોધી રહી હતી. તે દેખાઈ નહીં.

નિરાશ થઈને પાર્વતીએ પગ ઉપાડયા અને રાજશેખર સાથે તે આશ્રમમાંથી બહાર નીકળી. એટલામાં આશ્રમનાં ગેટ પર રૂપાલી હાંફળી-ફાંફળી આવી. કશું કહ્યા વગર રૂપાલીએ પાર્વતીનાં હાથમાંથી સામાન લઈ લીધો.

રાજશેખર, રૂપાલી અને પાર્વતી મુખ્યમાર્ગ પર પહોંચ્યા. નસીબજોગે તેમને બળદગાડું પણ મળી ગયું. ત્રણેય એમાં સવાર થયા. રસ્તામાં નાનકડું ગામ આવ્યું, જ્યાં તેમણે ચા-નાસ્તો કર્યો. પણ પાર્વતીને તો કશાની સૂધ ન હતી. તે ખોવાયેલી હતી તાલસોનાપુરની યાદોમાં.

રૂપાલીએ પાર્વતીનાં કાનમાં કહ્યું કે ‘હું જરા આવું છું. મારી વાટ જોજો.’ રૂપાલીને જતાં જોઈ રાજશેખર પાર્વતીની સમીપ આવ્યો. તેણે વાત માંડી,

‘પાર્વતીજી, મારે તમને એક વાત કહેવી છે?’

‘બોલો. શી વાત છે?’

‘મને એ વાતનો ડર લાગે છે કે, હું એ વાત કહીશ તો તમને માઠું તો નહીં લાગે ને?’

‘રાજબાબુ, માઠું લગાડવાનું હું કદાચ ભૂલી ગઈ છું અને વળી તમારી વાતનું શા માટે માઠું લગાડું? બોલો શું કહેવું છે?’

રાજશેખરથી શરમાઈ જવાયું. આમ તો તે ચળવળકારી હતો પણ સ્ત્રી સાથેની વાતચીતમાં શરમાળ પ્રકૃતિ ધરાવતો હતો. રાજશેખરને મૌન જોઈ પાર્વતીએ કહ્યું.

‘શું થયું રાજબાબુ? ક્યાં ખોવાઈ ગયા? કોઈની યાદ આવી રહી છે કે શું?’ આટલું કહી પાર્વતીએ મધુર સ્મિત વેર્યું. ઘણા દિવસો પછી પાર્વતીનાં ચહેરા પર સ્મિતની ઝલક જોવા મળી.

‘શું થયું મહાશય? બોલો, બોલો…’

‘પાર્વતીજી, હું એવું કહેવા માગું છું કે....’ રાજશેખરના દિલની ધડકન અચાનક વધી ગઈ હતી. હ્રદયનો ધબકાર સાંભળીને એક વાર તો એને થયું કે કાબૂની બહાર નીકળી ગયેલું એનું આ હ્રદય ક્યાંક બહાર તો નહીં આવી જાય ને?

રાજશેખર તરફથી થનારા અચાનક એકરારથી અજાણ પાર્વતીએ તેની સાથે શરારતી અંદાજમાં કહ્યું, ‘રાજ સાહેબને કોઈની સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને?’

‘હા, પાર્વતીજી.’ રાજશેખરે પાર્વતી તરફ ફરી તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘હા, બિલકુલ સાચી વાત છે.’

‘તો, બોલો કોણ છે એ...?’

‘તમે… તમે છો એ વ્યક્તિ. જ્યારથી મેં તમને જોયાં છે ત્યારથી બસ હું તમારા વિશે જ વિચાર કરું છું. મને કશી સૂઝ પડી રહી નથી. મારું મન ક્યાંય પણ ચોંટતું નથી.’

તે આગળ બોલી રહ્યો હતો. મેં તમારામાં નવશક્તિનો સંચાર જોયો છે. લાગણીના ગર્ભમાં પાંગરીને અદ્રશ્ય સ્વરૂપે અવતરેલા આપણા પ્રેમને હું શબ્દ રૂપ આપું તો પણ કઈ રીતે? કેટલો આપું.? મને કંઈ સમજાતું નથી. બસ મને એટલો જ ખ્યાલ છે કે હું તમને ચાહું છું....
રાજશેખરનું રૂપ નિહાળી પાર્વતી અવાચક જ થઈ ગઈ. તે નિ:શબ્દ થઈ. તે કશું પણ બોલી શકવાની સ્થિતિમાં જણાતી ન હતી.

પાર્વતી માટે વિપદા આવી પડી. તેને આલોકબાબુની વાસ સ્મરી..મારા રાજ માટે તારા જેવી જ કન્યા મળી જાય તો સારૂં...પાર્વતી અંદરથી કાંપી ગઈ. 

રાજશેખરે તેની સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. રાજશેખરનાં પ્રસ્તાવથી પાર્વતી ખિન્ન જણાઈ.

રાજશેખરની ખૂબીઓથી પાર્વતી પણ વાકેફ થઈ ગઈ હતી. રાજશેખરે અણીનાં સમયે મદદ કરી, પોતાના જીવનાં જોખમે પાર્વતીનો જાન બચાવ્યો..એટલે પાર્વતી પર રાજશેખરનાં અનેક અહેસાન હતા. રાજશેખરનાં અચાનક એકરારથી પાર્વતી ડઘાઈ ગઈ હતી. તે કેવી રીતે પાર્વતીને પ્રેમ કરી શકે છે?

રાજશેખર એકધારી રીતે પાર્વતીને જોઈ રહ્યો. પાર્વતીને સમજ ન પડી કે ક્યાંથી શરૂ કરે? શો જવાબ આપે? એક તરફ રાજશેખરના અસંખ્ય અહેસાન હતા અને બીજી તરફ અનંત પ્રેમનો દરિયો...તે વિચારવા લાગી...શું કોઈ પાર્વતીને જાણ્યા-મુક્યા વગર પ્રેમ કરી શકે છે? ના..ના..રાજબાબુને રોકવા પડશે.નહિંતર અનર્થ થઈ જશે.

પાર્વતીએ સાડીના પાલવથી પ્રસ્વેદની બુંદોને કપાળેથી લૂછી....

મે જવાબ ન આપ્યો??

પાર્વતીએ રાજશેખર તરફ જોયું.  પાર્વતીએ સ્વંય પર કાબુ મેળવ્યો. બહુ તોળી-તોળીને પાર્વતીએ બોલવાનું શરૂ કર્યું.

જવાબ...? શો જવાબ આપું? આ પાર્વતી વિષે તમે શું જાણો છો? તમને પાર્વતીનાં અતીત અંગે કશી ખબર નથી. તેનાં સ્વરમાં આદ્રર્તા હતી.
રાજબાબુ..આગ અને પાણીનો કદી મેળ નથી હોતો. આગમાં હાથ નાંખો તો દઝાડે છે અને પાણીમાં કુદી પડો તો ડુબી જવાય છે. આ પાર્વતી તો પ્રેમની આગમાં દાઝી ગઈ છે, ફના થઈ ગઈ છે. કોઈ પ્રિયની ચાહમાં દરિયાનાં પાણીમાં સરાબોર છે. સ્મૃતિઓ અને વિસ્મૃતિઓની વણજાર છે મારી પાછળ..હું જીવનમાં આમથી તેમ ફંગોળાઈ રહી છું. દ્વારે દ્વારે ભટકી રહી છું...
હું એટલા માટે જ કહું છું ને કે મારા નામથી સેંથીને શણગારી લો...બધા સારાવાના થશે..
સેંથીને શણગારવાનો સમય વીતી ગયો રાજબાબુ...હવે આ સેંથીમાં સહરાની તપતી રેતની ધીખ છે. અંતિમ મિલનની ઈચ્છા છે...હું તમને પ્રેમ ન કરી શકું..જાણો છો કેમ???

રાજશેખર સડ઼ક થઈ ગયો. પાર્વતીની આંખમાં આંસુ આવી ગયા. સ્વર રડમસ હતું..

જ્યારે ટાંગામાં તમે દેવદાસના નામનો ઉલ્લેખ કર્યો હતો...અને કહ્યું હતું કે પ્રેમ માટે ફના થનારા આવા માણસ કદી જોયા નથી.જાણો છો..એ દેવદાસનો પ્રેમ કોણ હતો..?

પાર્વતીએ આકાશ તરફ જોઈ કહ્યું...રાજબાબુ...જેના પ્રેમમાં દેવદાસ ફના થયો એ અભાગણનું નામ પાર્વતી છે...

આ વાક્ય સાંભળી રાજશેખરને ઝાટકો લાગ્યો. તેને ભરોસો ન બેઠો કે આ એ જ પાર્વતી છે કે જેની એક ઝલક માટે દેવદાસે અંતિમ શ્વાસ તેના દ્વારે લીધા હતા. તેના પગ તળેથી ધરતી ખસી ગઈ હોય તેમ તેને જોરદાર આંચકો લાગ્યો.

તમારા નામથી હું સેંથી કેવી રીતે શણગારૂં? હું ભારતીય નારી છું અને ભારતીય નારીની માન-મર્યાદાને કદીય લજ્જીત નહીં થવા દઉં. મારી સેંથીમાં તો દેવદાસની યાદોનો કુંભ છે.

ધીમા ડગલે રાજશેખર તેની પાસે આવ્યો. તે બોલ્યો..

જરૂરી છે કોઈ પણ વ્યકિત કોઈને દેહથી જ ચાહતો હોય. આજે તમે પ્રેમની વ્યાખ્યા બદલી નાંખી. મને આજે ખબર પડી કે દેવદાસે તમારી ઝલક માત્ર માટે શા માટે પ્રાણ ત્યાગ કરી દીધા? મને આજે સાચા પ્રેમનો મતલબ સમજાયો છે. હવેથી હું તમને બમણો પ્રેમ કરીશ. શું મીરાબાઈને પ્રેમ કરવા સદેહ કૃષ્ણ ક્યાં કદી મળ્યા? બસ હવે હું પણ મીરાબાઈની જેમ તમને ચાહતો રહીશ. ભલે હું તમાર પ્રેમને લાયક નથી, પણ દેવનાં દાસને પાર્વતીનાં ચરણમાં તો જગ્યા મળશે ને? બસ મારા માટે એ જ ઘણું રહેશે.

નહીં...રાજબાબુ..હું કોઈ પ્રેમની દેવી નથી. તમે મારા શુભચિંતક અને સહહ્રદયી જેમ હંમેશ યાદ રહેશો. તમારા માટે આ જન્મમાં કોઈ કામે આવીશ તો મારી જાતને ખુશનસીબ માનીશ...

બન્નેનાં ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાંથી આંસુ હતા. કોઈ ઉપાસક પોતાના દેવતાને જોતો હોય તેમ રાજશેખર પાર્વતીને ભીની આંખે જોઈ રહ્યો હતો.

ક્રમશ:

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.