13 કાલીદાસ, પારો અને દેવદાસનું કુટુંબ
આખી રાત પારોને ઉંઘ ન આવી. તેની સામે કૌશલ્યાદેવીની આંખો ટમટમતી રહી. તેને થયા કરતું હતું કે કૌશલ્યાદેવીને બરાબરની લસોટી નાંખુ, પણ મર્યાદાના પરિધ સમક્ષ તે લાચાર હતી. ગમે તે કહો કૌશલ્યાદેવી આખરે તો દેવદાસની માતા હતી. તેનાં હાથ બંધાઈ ગયા. કઈ રીતે કૌશલ્યા દેવીને દેવનાં સંતાન અંગે વાત કરાય? કૌશલ્યાદેવી કઈ રીતે માનશે કે આ સંતાન દેવદાસનું છે? તે ઉંઘમાંથી સફાળી બેઠી થઈ ગઈ. તેને શરીરે પરસેવો છૂટી ગયો. તેણે પેટ પર હાથ પ્રસરાવ્યો.
અંદરથી કોઈ ઝીણી ચૂંટલીઓ ખણતું હોય એવું લાગ્યું. કૌશલ્યાદેવીના વિચારોને પડતા મૂકી તે નવી કૂંપળ ફૂટવાની અનુભૂતિ કરવા લાગી. તેને મધુર અહેસાસ થઈ રહ્યો હતો. પારોને થયું કે દેવદાસ ફરી શરારતે ચઢ્યો લાગે છે.
'હવે શાંત થાઓ... ચૂપ બેસો હવે. બહુ સાંભળ્યું મેં. હવે મારો વારો છે દેવબાબુ... હવે ક્યાં જશો? છેવટે તો મારી કોખમાં જ અવતરવું પડશે કેમ? હવે બોલતા નથી? હવે તો દેવબાબુ હું તમારી માતા બનીશ, જેટલો પ્રેમ વરસાવવાનો રહી ગયો છે તે વ્યાજ સાથે વસૂલ કરીશ. મારા વહાલા કાનુડા... જોજો... બહુ હેરાન નહીં કરતા. નહીંતર હું રિસાઈ જઈશ તો પાછી નહીં ફરું. પછી તમારા પિતાની જેમ પારો... પારો... કહીને ફર્યા કરશો. અરે, પારોમા કહીને ફર્યા કરશો. પણ પિતાની જેમ મદિરાપાન નહીં કરતા. ક્યારે પધારો છો દેવબાબુ?'
હજુ તો પારોએ એનું વાક્ય પૂરું કર્યું ન કર્યું ત્યાં તો પારોને એવું લાગ્યું કે, નાનકો દેવદાસ તેના ગર્ભમાંથી કહી રહ્યો છે કે, 'હું બહુ જલદી આવીશ પારોમા.' પારો તેના ગર્ભ પર હળવેકથી હાથ ફેરવવા લાગી. 'મારા દેવ... પ્યારા દેવ, કોઈ કસર બાકી નહીં રહેશે હવે. મન મૂકીને પ્રેમ કરીશ. ધોધમાર વહાલ કરીશ મારા દેવને. કોઈ રોકી નહીં શકે, કોઈ ટોકી નહીં શકે. મારા દેવ સાથે અમે નવી દુનિયા વસાવીશું. ઓહ, હું તો દેવની દાસી પહેલાં પણ હતી, આજે પણ છું અને હવે પછી પણ રહીશ.'
પારોને જોતાં એવું લાગતું હતું કે, તે અલૌકિક જગમાં સ્વૈરવિહાર કરી રહી હતી. તેનો ચહેરો આનંદથી પુલકિત થઈ રહ્યો હતો. તેનો મમતાનો બંધ ઉમટી રહ્યો હતો. માતૃત્વ ધારણ કરવાની અકલ્પ્ય ઝંખના કેકારવ કરી રહી હતી. તેને થયું કે લાવને જરા ઝૂમી લઉં, પણ બાજુમાં સૂતેલી રૂપાલી પર નજર પડી અને તે ઝૂમે તે પહેલાં જ અટકી ગઈ.
એવામાં પવને જોરથી સુસવાટો કર્યો અને બારીની પાટ ખૂલી ગઈ. પારોની નજર દેવદાસની હવેલી પર પડી. કૌશલ્યાદેવીની ઝગારા મારતી આંખો તેની નજર સમક્ષ ફરી તરવરી ગઈ અને તે હચમચી ગઈ. કઈ રીતે કૌશલ્યાદેવીને કહું કે હું દેવદાસનાં સંતાનની મા બનવાની છું? કહી પણ દઈશ તો એ માનશે? શું કરું અને શું ન કરું? દ્વિજદાસનું શું? દ્વિજદાસ તો દેવદાસનાં ગુરુબંધુ છે એ પણ તો છે? માનશે નહીં? શું થશેની દ્વિધામાં પારોનાં વિચારો પૂરપાટ ઝડપે દોડી રહ્યા હતા. આંખમાંથી ઉંઘ ઉડી ગઈ. તે વિચારોનાં રેગિસ્તાનમાં ભટકી રહી હતી. બસ એક જ વાત તરફ તેનું મગજ દોડી રહ્યું હતું કે, કેવી રીતે કૌશલ્યાદેવીને કહેવાય અને તે માની પણ જાય? વિચારતાં-વિચારતાં તે ભરઊંઘમાં પહોંચી ગઈ.
તે ઊઠી ત્યારે સૂરજ માથા પર ચઢી ગયો હતો. તેણે રૂપાલીને ઠપકો પણ આપ્યો કે વહેલી જગાડી કેમ નહીં? રૂપાલીએ તેને કોઈ જવાબ ન આપ્યો બસ સ્મિત વેરીને તે જતી રહી. પારોએ હસવાનું કારણ પૂછ્યું, તો રૂપાલી એટલું જ બોલી કે રાત્રે તેણે બધું જોયું છે. 'કાનખજૂરી, જોતી હતી! હમણા તારી ખબર લઉં છું. ઊભી રહે... ઊભી રહે...' પારોએ લપકીને રૂપાલીને પકડવાની કોશિશ કરી પણ કૂદકા ભરીને રૂપાલી ભાગી ગઈ. પણ પારો દોડી ન શકી. તે માતા સુમિત્રાદેવી પાસે આવી. 'સારું લાગે છે?' સુમિત્રાદેવીએ જવાબ આપ્યો, 'ઠીક-ઠીક લાગે છે. તું આવી ગઈ ને હવે બધા સારા વાના થશે.'
વાસણ સાફ કરી રહેલી રૂપાલીને રાજશેખર અંગે પારોએ પૂછ્યું, તો રૂપાલી બોલી કે, 'કોઈ માણસ આવ્યો હતો તેની સાથે ગયા છે. એ માણસનું નામ... હા, યાદ આવ્યું માનવનાથ હતું. રાજબાબુ કહીને ગયા છે કે મોડું થાય તો ફિકર ન કરતા. હું આવી જઈશ.'
ઘરનાં કામમાં ચિત્ત પરોવવાની કોશિશ કરી પણ, પારોનું મન માનતું ન હતું. તે ઘરની છત પર જઈને બેસી ગઈ. તેની નજર દેવદાસની હવેલી પરથી ખસતી ન હતી. ઉદાસીની વેલ તેને વીંટળાઈ વળી. એકલતાએ ટોળે વળીને તેને ઘેરી લીધી. પારોએ ધર્મદાસને જોયા. ધર્મદાસને તો દેવદાસ માટે વિશેષ મમત્વ હતું. તે પારોને પણ એટલો જ વહાલ કરતો હતો. ધર્માદાસને દેવ-પારોનાં સંબંધો વિશે જાણકારી હતી. ધરમદાસ વર્ષોથી દેવદાસની હવેલીની સાર-સંભાળ રાખતો હતો. તે નોકર નહીં પણ ઘરના સદસ્ય જોવો જ હતો.
પારોએ જોયું તો ધર્મદાસની સાથે એક વ્યકિત હવેલીનાં દ્વાર પર વાતચીત કરી રહી હતી. પારોએ ધ્યાનપૂર્વક જોયું. ધર્મદાસ સાથે ઊભેલી વ્યકિતનો ચહેરો જોઈને પારો સચેત થઈ ગઈ. ધર્મદાસ સાથે ભુવનચૌધરીનો જમાઈ કાલીદાસ હતો. ધર્મદાસ સાથે કાલીદાસને જોઈ પારોની ભૃકુટિ તણાઈ ગઈ. કાલીદાસને જોતાં જ પારોનો પિત્તો ગયો. પળનોય વિલંબ કર્યા વગર પારો સીધી છત પરથી ઉતરીને કાલીદાસ તરફ દોડી ગઈ.
દેવદાસની હવેલી સુધી પારો પહોંચે તે પહેલાં તો ધર્મદાસ અને કાલીદાસ હવેલીની અંદર પહોંચી ગયા હતા. ગુસ્સામાં લાલચોળ પારો પણ રીતસર હવેલીમાં ઘસી ગઈ. એવું લાગતું હતું કે, કાલીદાસ પર હમણા પ્રલય ઉતરશે. પારોનું હાથીપોતાથી તાલસોનાપુર સુધી આવવાનું એક માત્ર નિમિત્ત કાલીદાસ જ હતો.
હવેલીમાં પહોંચી ગયેલી પારો પર કાલીદાસની નજર પડે તે પહેલાં તો પારોએ તેની પાસે જઈ સટાસટ તમાચા ઠોકી દીધા. અચાનક થયેલા હુમલાથી કાલીદાસ હેબતાઈ ગયો. કાલદાસ પ્રતિકાર કરે તે પહેલા તો પારો તેના પર તૂટી પડી.
રાક્ષસ, નપાવટ, જેહલી કહીને પારો તેનાં પર મુક્કીઓનો પ્રહાર કરતી રહી. ધરમદાસે પારોને વાળવાનો પ્રયત્ન કર્યો. શોરબકોર સાંભળી કૌશલ્યાદેવી અને દ્વિજદાસ સહિત ઘરનાં અન્ય લોકો પણ નીચે આવી ગયા. એવામાં દ્વિજદાસે ત્રાડ પાડી,
'આ શું થઈ રહ્યું છે?'
સાથે જ કૌશલ્યાદેવીનો રૂઆબદાર અવાજ પડઘાયો, 'મારી હવેલીમાં શાનું સમરાંગણ છે? અને કોણ છે આ?'
બીતા-બીતા ધર્મદાસે કહ્યું, 'હાથીપોતાવાળા ઠાકોર ભુવન ચૌધરીનાં જમાઈ કાલીદાસ છે...'
એટલીવારમાં કાલીદાસે પોતાની જાતને સંભાળી લીધી. હાંફતા સ્વરે કાલીદાસ બોલ્યો,
'પ્રણામ માતાજી...'
'ઠીક છે, ઠીક છે. શા માટે અહીંયા આવ્યા છો? અને પારો તું? તું શા માટે એનાં પર તૂટી પડી? આ તો તારો જમાઈ થાય ને?' કૌશલ્યાદેવીએ ગુસ્સા સાથે વ્યંગબાણ માર્યા.
પારોનાં પણ શ્વાસ ચઢી ગયા હતા. તે હાંફી રહી હતી. તે બોલી,
'આ કાલીદાસ અને જમાઈ? થૂં. આના જેવો પાપી મેં કદી જોયો નથી. કાલીદાસ તારી કાળી જીભને સદા માટે તાળા મારવાનો વખત આવી ગયો છે.'
પણ આવે વખતેય ગભરાય એ કાલીદાસ શેનો? કાલીદાસે નફ્ફટાઈથી હાસ્ય વેર્યું.
'કાલીની કાળી જીભ કદી જૂઠી પડતી નથી માતારાણી. આમ પણ હું તો તાલસોનાપુરમાં માતારાણી, તમારી ભાળ લેવા જ આવ્યો હતો. ખરેખર તમે મને અહીં જ મળી ગયા.'
કૌશલ્યાદેવી અને દ્વિજદાસ તરફ ફરીને કાલીદાસે ફરી બોલવાનું શરૂ કર્યું,
'હકીકતમાં એવું છે કે ઠાકોર ભુવન ચૌધરીનાં અવસાન બાદ માતારાણી પીયરમાં હળવા થવા આવ્યા છે. મારા પર એમનો ગુસ્સો એટલા માટે છે કે, ચૌધરી સાહેબનાં મરણાંતે હું કોઈ મદદ કરી શક્યો નહીં. બસ આ કારણોસર માતારાણીને મારા પર ગુસ્સો છે અને હવે ગુસ્સો પણ સમાપ્ત થઈ ગયો છે. કેમ માતારાણી?' કાલીદાસે પારો તરફ મોઢું ફેરવીને કહ્યું.
'કાલીદાસ, હજુય તમે સુધર્યા નથી. તો યાદ રાખજો, હવે પછી તમને કોઈ બચાવી ન શકે.'
'માતારાણી બચવાનો વારો તો તમારો છે. દેવીજી અને દ્વિજબાબુ, તમને આ સ્ત્રીની ખબર નથી. આ સ્ત્રી પોતાની જાતને પાવન માની રહી છે. પણ તે હકીકતમાં અપવિત્ર છે.' કાલીદાસે લાગ જોઈને પારોને નીચા પાડવાનું શરૂ કર્યું.
'માતા રાણી, કહી દો કે તમારા ગર્ભમાં કોનું સંતાન છે?'
કાલીના છેલ્લા શબ્દો સાંભળીને પારો સડક થઈ ગઈ. તેને કાલીદાસ પર અતિરોષ આવ્યો. 'કાલીદાસ... જીભને સંભાળીને વાત કરો.'
'માતારાણી, હું તો જીભને અંકુશમાં રાખીને જ વાત કરી રહ્યો છું. તો દેવીજી અને દ્વિજબાબુ, તમને એ જાણવામાં રસ છે કે માતારાણી કોનાં સંતાનની મા બની રહ્યા છે? ન હોય તો પણ સાંભળો...'
'કાલીદાસ...' પારોએ હાકોટો પાડ્યો.
પણ કાલીદાસ પર તેની કોઈ અસર ન થઈ.
'તો સાંભળો, આ પવિત્રતાની કહેવાતી મૂર્તિ ઠાકોર ભુવન ચૌધરીના નહીં પણ દેવદાસનાં સંતાનની માતા બનવાની છે.' આટલું કહી કાલીદાસ જોરથી હસ્યો.
આ બાજુ કૌશલ્યાદેવી અને દ્વિજદાસનાં ચહેરા પરનું નૂર ઉડી ગયું. બંનેને કોઈ સાપ સૂંઘી ગયો હોય એવું લાગ્યું. હવેલીમાં સ્તબધતા ફરી વળી. તો એક-બે જણે છૂપી ખુશી પણ પ્રગટ કરી. થોડીવાર સુધી સૂનમૂન થઈ ગયેલા કૌશલ્યાદેવી ધીમા સાદે બબડ્યાં, 'આ કઈ રીતે બની શકે. દેવદાસનું સંતાન? લગ્ન ભુવન ચૌધરી સાથે અને સંતાન દેવદાસનું? રામ... રામ...'
એવામાં દ્વિજદાસનો પહાડી અવાજ ગૂંજ્યો, 'આવી કોઈ વાત મુખરજી ખાનદાન સ્વીકરાવા તૈયાર નથી. દેવદાસના સંતાનની વાત સદંતર ખોટી છે. મુખરજીઓની આખા બંગાળમાં પ્રતિષ્ઠા છે અને સ્મરણ રહે કે જો કોઈ પણ આવી વાત ગામનાં ચૌરે કે ચોતરે ચર્ચા કરશે તો એમ સમજી લેજો કે તેના જીવનનો અંત નજીક છે.'
આ સાંભળીને પારોના ચહેરાનો રંગ ઉડી હતો અને કાલીદાસ પારો તરફ જોઈને મરક-મરક હસી રહ્યો હતો.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર