4- પાર્વતીને કાલીની ધમકી

23 May, 2015
12:00 AM

mamta ashok

PC:

રાત્રીની ભેંકારતા પાર્વતીના દિલમાં શૂળીની જેમ ભોંકાતી હતી. આમ તો આજે ચાંદની રાત હતી, પરંતુ ચાંદનીના તેજ લિસોટા હૃદયને ચીરીને ક્યાંક અંધારામાં આલોપ થઈ જતાં હોય એવું લાગતું હતું. હવેલીની બહાર દૂર દૂર સુધી પથરાયેલા વૃક્ષો અંધારામાં વિચિત્ર આકારો ધારણ કરીને કોઈને ડરાવવાની પેરવીમાં હોય એવા લાગતા હતા. તો ગામના રસ્તાઓની ધૂળ પણ રાત્રિના સૂનકારને બાઝી પડીને ક્યાંક ટૂંટિયું વાળીને દરિદ્ર ક્ષણોના બિછાને રાતવાસો કરી રહી હતી. ઠાકોર ભૂવન ચૌધરીની હવેલીમાં પણ આવી એક દરિદ્ર સ્ત્રી કેટલાય દિવસોથી તેની સેંથીના આનંદને પામવાના તલસાટે ઝૂરી રહી હતી. એ દરિદ્ર સ્ત્રી બીજી કોઈ નહીં, પાર્વતી હતી. જેના જીવનમાં અચાનક ઝંઝાવાત ફૂંકાયો હતો અને જેમતેમ ઠેકાણે પડેલું તેનું જીવન ફરી અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

પાર્વતીની રાતોની ઉંઘ કોઈ ચોરી ગયું હતું. ડૂસ્કાં અને ડૂમાઓ વચ્ચે તણાતી જતી પાર્વતીને કશું સારું લાગતું ન હતું. તેનો જીવ સતત ઉચાટ અનુભવી રહ્યો હતો અને આટલી ઠંડી રાત્રે પણ તેના ગળે શોષ પડતો હતો. તે ઊઠી, થોડું પાણી પીધું. અને પથારી પાસે પહોંચી ત્યાં જ સાંકળ ખખડી. પાર્વતીને ધ્રાસ્કો થયો. કોણ હશે આટલી રાત્રે? બારણું ખોલવાની અનિચ્છા થઈ. તે કમને બારણું ખોલવા ઊભી થઈ. બારણાની બહાર કાલીબાબુ ઊભો હતો. તેના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. કાલીને જોઈને પાર્વતીએ બારણું તરત વાસી દેવાનો પ્રયાસ કર્યો, પણ કાલીએ બારણાના પટ વચ્ચે પગ અડાડી દીધો. તે નશામાં હતો. વાસનાથી છલોછલ દૃષ્ટિએ તેણે પાર્વતી તરફ જોયું.

‘માતા રાણી… અંદર આવવાનું નહીં કહો?’

‘જમાઈબાબુ... મર્યાદામાં રહો. ઝટ જાઓ અહીંથી નહીંતર સારું નહીં થાય.’

‘મર્યાદા? એમ? પેલા દેવદાસ સાથે તમે કઈ મર્યાદા હેઠળ હતાં? મને મર્યાદા ન શીખવાડતા. જોકે, હું હજી પણ મર્યાદામાં જ છું. હજુ મેં કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી.’ આટલું કહી કાલીબાબુ ખૂંધું હસ્યો અને તેણે પાર્વતીનો હાથ પકડવાની કોશિશ કરી. પાર્વતીએ હાથને ઝાટકો આપી ખંખેરી નાંખ્યો. બળજબરીપૂર્વક કાલીએ પાર્વતીના ઓરડીમાં દાખલ થવાના ધમપછાડા કર્યા. પરંતુએ પાર્વતીએ કેમેય કરીને તેને ઓરડીની અંદર પ્રવેશવા ન દીધો.

ગામમાં આમ પણ જમનાના ખાધેલા કાલીની છાપ સારી ન હતી. તે વ્યભિચારી હતો. પોતાના વિસ્તારમાં દબંગ તરીકે ઓળખાતો. પાર્વતી ચૌધરી સાથે પરણીને હવેલીમાં આવી ત્યારથી અત્યાર સુધી તેણે પાર્વતીને ક્યારેય સાસુની દૃષ્ટિએ જોઈ ન હતી. પાર્વતીને જોતાં જ એની આંખમાં વિચિત્ર લાલાસાઓ તરી આવતી અને પાર્વતીને એકાંતમાં મળવા માટે તે જાતજાતના નુસ્ખા શોધી કાઢતો. પાર્વતીને તેણે કદી સાસુનું માન આપ્યું ન હતું. એવું લાગતું હતું કે માતારાણી કહી તે પાર્વતીની ઠેકડી ઉડાડતો હતો. દેવદાસ અને પાર્વતી વચ્ચેના સંબંધો તથા દેવદાસના ચંદ્રમુખીના કોઠા પરની આવન-જાવનથી તે સારી પેઠે વાકેફ હતો. દેવદાસની હયાતીમાં પણ કાલીએ પાર્વતી સાથે અભદ્ર વ્યવહાર કરવાની કોશિશ કરી હતી. કાલીની હરકતોને પાર્વતી જમાઈની મજાક સમજીને ટાળી દેતી અને હવેલીમાં કોઈની આગળ તેની ફરિયાદ ન કરતી.

જો કે આજે પાર્વતીને એ વાતનો પસ્તાવો થઈ રહ્યો હતો. પાર્વતીને થયું કે, જે દિવસે કાલીએ પહેલી વાર તેની સાથે છીછરી હરકતો કરવાની કોશિશ કરેલી એ દિવસે જ જો કાલીને પદાર્થપાઠ શીખવાડી દીધો હોત તો આજે તેની આટલી હિંમત થઈ ન હોત. આજે કાલી આટલો ભૂરાંટો બન્યો હતો તેમાં પાર્વતીને પોતે કાલીને તે વખતે સખ્ત હાથે નહીં ડામી દેવાની ભૂલ સમજાઈ.

કાલીના તેની પત્ની મનોરમા સાથેના સંબંધો પણ સારા ન હતા. દિવસો સુધી કાલી ઘરે ન આવે ત્યારે મનોરમા તેના પર અકળાઈને ગુસ્સો કરતી. તો કાલી બહાનાબાજી કરીને પોતાની કાળી કરતૂતોને ઢાંકવાનો પ્રયત્ન કરતો. હવસખોર કાલીની માનસિકતા એટલી નિમ્ન હતી કે પાર્વતીમાં પણ તે એક ગણિકાને જ નિહાળતો. અને હવેલીમાં આવતી દરેક ઔરતને કાલી લોલુપ નજરે જોતો.

આજે પાર્વતીએ કરેલા પ્રતિકારની તેના પર કોઈ અસર વર્તાઈ નહીં. એ તો બેશરમ બનીને બારણાની પાસે જ ઊભો હતો. એણે ફરી બોલવાનું શરૂ કર્યું.

‘માતા રાણી….’ કાલીબાબુ તેનું વાક્ય પૂરું કરે એ પહેલા પાર્વતીએ કાલીને વચ્ચેથી અટકાવ્યો,

‘શરમ કરો શરમ. કોની સાથે વાત કરો છો તેનું પણ તમને ભાન નથી? શું સમજી બેઠાં છો તમારા મનમાં? હવે અહીંથી જાઓ છો કે જમાવડો કરાવું?’ પાર્વતીએ આજે જાણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

‘આટલા આકરા શું કામ થાઓ છો માતારાણી? હું તો માત્ર થોડી ભૂખ મટાડવા આવ્યો છું. મારી ભૂખ મટી જશે તો ચાલ્યો જઈશ.’ કાલીબાબુ બે હાથથી તાળી પાડતા ખાસીયાણું હસ્યો.

પાર્વતીએ આક્રમકતાથી કહ્યું, ‘જમાઈબાબુ... તમે આમ માનવાના નથી. તમે ખોટા દરવાજે આવી ચઢ્યા છો. આ પાર્વતીનું ઘર છે કોઈ ગણિકાનો કોઠો નથી. અને હા, બીજી એક વાત યાદ રાખજો, હવે પછી કોઈપણ હરકત કરી તો પાર્વતીને રણચંડી બનતા કોઈ અટકાવી શકે નહીં.

‘અરે... અરે... મર્યાદાની મૂરત પર તો હવે માખી પણ ઉડતા ડરે છે. વાહ! ખૂબ ભાલો’ નશામાં ધૂત બનેલો કાલી જોર જોરથી હસવા માંડ્યો અને જાણે તે પાર્વતીને ડરાવવા માગતો હોય એમ એ તેની વાણી ઉચ્ચારી, ‘કાલી એટલે કાલી... કાલીની કલા જે જાણે તે જ જાણે, જે કાલીની વાત ન માને તેને માટે કાલી બને કાળ.’

‘તમારા નાપાક ઈરાદા બર નહીં આવે. અહીંથી ચાલતા બનો. નહીંતર જોવા જેવી થશે.’ પાર્વતી પણ હવે ઊંચા અવાજે બોલતી હતી. પાર્વતીની ચીસાચીસથી મનોરમા પોતાના ઓરડામાંથી બહાર નીકળીને દીવાનખંડમાં આવી. તેણે જોરથી બૂમ પાડી,

‘કોણ બરાડે છે આટલી રાત્રે? શા માટે બીજાઓની ઊંઘ ખરાબ કરો છો?’ મનોરમાના અવાજથી શ્યામદાસ પણ બહાર આવ્યો.

‘બોના... કી ઘાટા...?’

‘ભાઈ, કોઈ અડધી રાત્રે રાડો નાંખે છે.’

‘તારો ભ્રમ હશે. હવેલીમાં તો બધા ક્યારના ઉંઘી ગયા છે.’ શ્યામદાસે જવાબ આપ્યો.

આ બાજુ હવેલીમાં કોઈ હંગામો ના થાય એ માટે કાલીદાસે પાર્વતીનું મોં દબાવી રાખ્યું હતું. પોતાના મોઢાં પરથી કાલીને હાથ હટાવવા પાર્વતીની કોશિશો નાકામ રહી. તેણે બધી તાકાત જોતરી દીધી હતી પરંતુ કાલીનો હાથ છોડાવવામાં તેને સફળતા મળતી ન હતી.

જો કે નશામાં ધૂત કાલી બહુ લાંબા સમય સુધી તેનું બળ નહીં વાપરી શક્યો. તેની પકડ જરા સરખી ઢીલી થતાં પાર્વતીએ તેની હથેળી પર એક બચકું ભર્યું અને દર્દથી રઘવાયો થઈ ગયેલો કાલી જોરથી ચીલ્લાઈ ઉઠયો, ‘સાલી…. રાં….’

તો બીજી તરફ પાર્વતીને પણ પોતાનું રક્ષણ કરવાની તક મળતા તે જોરથી ચીસ પાડી, ‘શ્યામુ... શ્યામુ....’

પણ શ્યામ પોતાના ઓરડામાં જતો રહ્યો હતો. અને મનોરમાએ પણ આમ તેમ નજર ફેરવી ઓરડાની વાટ પકડી લીધી હતી. એટલે બચાવ માટેની પાર્વતીની ચીસો નિરર્થક સાબિત થઈ હતી.

એવામાં કાલીએ પાર્વતીને ફરી ભીંસમાં લેવાની કોશિશ કરી. પણ આ વખતે પારોએ તેના ગાલે જોરદાર તમાચો ચોંટાડી દીધો. રણચંડીનું રૂપ ધારણ કરી ચૂકેલી પાર્વતીએ કાલીને જોરથી ધક્કો માર્યો તો એ સીધો દાદર પાસે જઈને ફસડાઈ પડ્યો. દાદર પાસેના ઉબડખાબડ ભાગમાં કાલી સંતુલન જાળવી ન શક્યો અને તે દાદરના પગથિયા પરથી ગબડીને નીચે દીવાનખંડમાં પટકાયો. કાલીને કપાળના ભાગે ઈજા થઈ તો કમરનું પણ એકાદ હાડકું ભાંગી ગયું હોય એવું તેને લાગી રહ્યું હતું.

મૂઢ માર વાગવાને કારણે કાલીની જાણે બધી શક્તિઓ હણાઈ ગઈ હતી. તે મહામુસીબતે ઊભો થયો અને પાર્વતી તરફ જોઈને તે થૂંક્યો અને બોલ્યો, ‘આ વખતે તો તું બચી ગઈ. પણ બીજી વખત તારો ભગવાન પણ તને નહીં બચાવે. યાદ રાખજે. આ કાલી છે અને કાલીની જીભ કાળી છે. કાળી જીભથી કહેલી વાત કદી ખાલી જતી નથી. થૂં’ કમજાત કાલીએ ફરી તેની જાત બતાવી.

કાલીની ચેતવણીથી પાર્વતીના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેણે ઝડપથી તેની ઓરડીનો દરવાજો ઢાંકી દીધો.

અસહાય પાર્વતી કંઈ કેટલીય વાર સુધી ધ્રુજતી હાલતમાં વાસેલા બારણાને ટેકે બેસીને રડતી રહી. ચૌધરીની હવેલીમાં પાર્વતીને હવે અસલામતી લાગવા માંડી.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.