દેવ-પારોનું સ્વર્ગ મિલન

05 Dec, 2015
12:00 AM

સૈયદ શકીલ

PC:

વડની વડવાઈઓએ સોનેરી પાલવ પાથરી દીધો. પાંદડાં નૃત્ય કરવા લાગ્યા. બાગોમાં ક્યાંક નવતર ફૂલો મહોરી ઉઠ્યાં હતા. હવાની લહેરખીઓમાં કેકારવ હતો. ગગને વિહરી રહેલાં પંખીઓએ પાંખો પ્રસરાવી આનંદિત થઈ આભનાં દરિયામાં ડૂબકી લગાવી. વાદળોએ ઘટાનાં ગાલે મધમીઠી ચૂમીઓ ભરી. જાણે કે પરીકથા સાકાર થઈ રહી હોય તેમ સ્વર્ગારોહણની ભાત આખાય હાથીપોતા ગામમાં પડી રહી હતી. છોળછોળ ઉછળી રહેલી નદીમાં મમતાની ધારાઓ વછૂટવા લાગી. મમતાનો પ્રતિધ્વનિ નિરંકુશ ખાલીપાને સદૈવને માટે તિલાંજલિ આપવા આવી ગયો હતો. કોયલે હાલરડા ગાયા. ચકલીની ચીંચીંએ સત્કાર સમારંભ યોજ્યો હોય એવું લાગ્યું. પારેવડાઓની કલબલ પ્રેમનો રસપાન કરાવી રહી હતી. વાદળો પર નિરૂપાયેલી ભાતીગળ કિનારીઓએ મહેકતા ગજરાને પ્રતિબિંબિત કર્યું. તારલાઓએ સેંથીમાં રંગ પૂર્યા. કુદરતનાં અણમોલ નજરાણાને વધાવતું હોય તેમ વક્ષા વૈભવ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. નીતનીત વારી જવાની મંગળમય વેળા હતી. આનંદોચ્છવ ઉફાળા મારી રહ્યો હતો.

જાણે શું થવા માંડ્યું? ભવસાગરનાં અમી બુંદો સ્મૃતિઓને ઝબકોળી રહ્યા હતા. સંસ્મરણોની ભીની ભીની સુગંઘ ઉરમાં ઉત્સરી રહી હતી. બાળપણથી લઈ યૌવનકાળ અને દેવદાસ સાથેનાં સંભારણા એના મનમાં ઉછાળા મારી રહ્યા હતા. ઓજસ્વનાં પ્રગાઢ આશ્લેષને પામવાની ઉત્કંઠા પ્રજવળી રહી હતી. અનુસંધાનને સાંધવા તરંગો એકાકાર થઈ રહી હતી. શ્વાસે-ઉચ્છવાસે કશીક અલૌકિકતા હતી, અદમ્યતા વ્યાપ્ત હતી.

રણમાંથી પસાર થયેલી સુકીભટ્ટ નદી જેવું આયખું જાણે ટૂંટિયું વાળીને વડની ઓથ પામવા મથી રહ્યું હતું. જીવનનાં ઉપસર્ગને સાર્થક કરવામાં પારોએ ઉંમરનાં વૈશાખની સદીને પગનાં ફોલ્લાં સાથે ગુજારી દીધી હતી.

દીર્ઘ પોકાર સાથે પારો ચૂપ થઈ ગઈ. ચંદ્રમુખીનો ચહેરો પુલકિત પુલકિત થઈ ગયો. લોકોએ જોયું કે ચંદ્રમુખીનાં બે હાથ હવામાં અદ્ધર હતા. તેનાં હાથોમાં નવજાત બાળક રોકકળ કરી રહ્યું હતું. રૂપાલીએ આંખનું અંજન બાળકનાં કપાળે કર્યું. ચંદ્રમુખીએ જોરથી કહ્યું,

'દીકરાનો જન્મ થયો છે... પારો મા બની ગઈ...'

ચંદ્રમુખીનાં મુખેથી ખબર સાંભળીને પારોનાં ચહેરા પર ખુશીની વાસંતી કળીઓ મહોરી ઉઠી. કૌશલ્યાદેવી અને દ્વિજદાસે આઘાપાછા થવાની કોશિશ કરી પણ એમને લોક લાજ નડી ગઈ. જ્યાં ઊભા હતાં ત્યાં જ ઊભા રહી ગયા. ગામનાં લોકો અને પંચો દ્વિધામાં હતાં કે શું કરીએ? કોઈકે ગણગણાટ કર્યો.

'હવે આ બાઈને ગામમાંથી તગેડી મૂકવી જોઈએ. જો એમ નહીં કરીએ તો ગામને શ્રાપ અને આપણને પાપ લાગશે.'

ચંદ્રમુખી જવાબ આપવા માગતી હતી, પણ પારોએ ઈશારતથી ના પાડી દીધી. ચંદ્રમુખી સમસમીને બોલનાર તરફ ગુસ્સામાં જોવા લાગી. પારોના ઈશારા તરફ આંખ-આડા કાન કરી ક્રોધાવેશમાં બોલનાર વ્યક્તિ તરફ ચંદ્રમુખી ધસી ગઈ. તે બોલી...

પારોએ પાપ નથી કર્યું પણ મા બનવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. પારોએ દેવદાસ સાથે પ્રેમ કર્યો છે કોઈ પાપ કે ગુનો નહીં. પ્રેમને માનો તો કુદરતની અનમોલ ભેટ છે અને ન માનો તો પાપ? આ સમાજનાં બેવડા ધોરણો છે. પારોનાં સંતાનને સ્વીકૃતિ મળી ગઈ છે અને આવી દારૂણ સ્થિતિમાં અભદ્રવાણી ઉચ્ચારતા તમારું કાળજું ચિરાતું નથી? હવે બસ કરો...અભાગણને વધુ વગોવો નહીં. પારોનો પ્રેમ પવિત્ર છે. તેને સંતાનનો જન્મ પણ નિષ્કલંક છે. 

ચંદ્રમુખી બોલી રહી હતી ત્યારે જ પારોથી દર્દીલી ચીસ નીકળી ગઈ. તરત જ ચંદ્રમુખી તેની પાસે દોડી આવી. ચંદ્રમુખીએ બાળકને પારોનાં હાથમાં મૂક્યું. પારોએ બાળકને વહાલથી હાથમાં લઈ છાતી સરસો ચાંપી દીધું.

વારંવાર બાળકનો ચહેરો જોઈ પારો તેને બાથમાં ભીડી લેતી હતી. તેની મમતાનો બંધ તૂટી ગયો. આંખમાં હર્ષનાં અશ્રુ છલકાઈ રહ્યા હતા. બાળકને પારો વહાલ કરતી રહી અને હર્ષાશ્રુ વહેતા રહ્યા. ચંદ્રમુખી અને રૂપાલી તેની પાસે બેસી ગઈ.

પારોએ બંને તરફ પડખું ફેરવીને કહ્યું,

'ચંદા... જો તો ખરી, દેવદાસ પાછો ફર્યો છે.'

'હા, હા... પારો... દેવદાસ પાછો ફર્યો છે. અદ્દલ એનાં જેવો જ લાગે છે.'

'હા... એ જ નાક, એ જ કાન અને એ જ ચહેરો. દેવને તો આવી જ રીતે અવતરવાનું હતું.'

'પારો તારા તો ભાગ્ય ખૂલી ગયા. સાક્ષાત નટખટ, શરારતી કાનુડો આવ્યો છે.'

ચંદ્રમુખીને અપરંપાર આનંદ હતો. વડને ટેક લગાવી પારોએ ઉઠવાનો પ્રયાસ કર્યો પણ તે ઊઠી શકી નહી. ત્યાં જ ફસડાઈને ઢગલો વળી બેસી ગઈ. હાથને નકારમાં હલાવી બોલી.

'હવે જાન રહી હોય એવું લાગતું નથી. મારા પ્રાણ તો નાનકામાં રૂપાંતરિત થઈ ગયા છે. કમજોરી લાગી રહી છે ચંદા...'

પારોનું શરીર સફેદ થઈ રહ્યું હતું. શરીરમાંથી શ્વાસોનો રસ નીકળી રહ્યો હતો. ચંદ્રમુખી અને રૂપાલીએ પારોનાં શરીરનું ક્ષણાર્ધમાં અવલોકન કર્યું. બંનેને ધ્રાસ્કો પડ્યો. ચંદ્રમુખીએ રૂપાલીને ગાળો બનાવવા માટે કહ્યું. રૂપાલીએ નજર કરી. એક મહિલાને વિનંતી કરી તો પરાણે-પરાણે તે તૈયાર થઈ. મહિલા સાથે રૂપાલી ગાળો બનાવવા માટે નીકળી.

પારોનાં શ્વાસ ફૂલી રહ્યા હતા. શરીર ઠંડુગાર થઈ રહ્યું હતું. તેના પર શ્વેત કણોનું વરખ ચઢી રહ્યું હતું. ચંદ્રમુખીને લાગ્યું કે પારો મૂર્છિત થઈ છે તો એણે જોરજોરથી પારોને ઢંઢોળી.

'પારો... પારો...'

પારોએ મંદસ્વરે કહ્યું, 'સાંભળું છું રે પગલી, હજી ભ્રમણ કર્યું નથી. દેવ લેવા આવશે પછી જ અહીંથી જઈશ. તને ખબર છે ચંદા? આ જ વડની સોડમાં દેવે મારી બાહમાં પ્રાણ ત્યજ્યા હતા. આજે એ જ જગ્યાએ પારોનો વારો છે...'

'પારો, શુભ-શુભ બોલ.' ચંદ્રમુખીએ આંખમાં બાઝેલા અશ્રુબિંદુ લૂછતા કહ્યું.

'તું રડે છે ચંદા?' પારોએ નિર્લેપભાવથી પૂછ્યું. ચંદ્રમુખીએ ડોક હલાવી ઈન્કાર કર્યો.

'ચંદા, રડીશ તો હું ભાંગીને ભૂક્કો થઈ જઈશ. મને વિદાય આપે છે તો હસતા ચહેરે આપ.'ચંદ્રમુખી વીજળીક રીતે પારોને ભેટી પડી.

'પારો... આમ શીદને કહે છે? તને તો મારું જીવન પણ અર્પણ કરી દઉં. મારું આયખું તારા નામે કરી દઉં છું.'

'ચંદા... રહેવા દે તારા આયખાને નાનકા માટે. જો...જો...આ વડની છાયા પ્રલમ્બાતી જાય છે. ખૂણે બેઠેલો પ્રેમ ઉલ્લાસે ચઢ્યો છે. મને તું એક વચન આપ.'

આટલું કહેતા પારોનાં થડકાર વધી ગયા. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તૂટક-તૂટક રીતે તે બોલી રહી હતી.

'ચંદા... સમય નિકટ આવી ગયો છે. દેવ આવતા જ હશે મને સદૈવ માટે લેવા. સાંભળ, મારા નાનકાને માતાનું વહાલ આપજે. કહેજે કે દેવ-પારોનું મિલન તો અમર હતું. કોઈ ભૂંસી શકે નહીં અને એને ભૂલાવી પણ શકે નહીં.'

પારોએ પૂરેપૂરું જોર લગાવ્યું. તેને આંખે અંધારા આવવા લાગ્યા. વડ સાથેની ટેક છૂટી ગઈ. તે એક તરફ ઢળી ગઈ. પણ પારોએ નાનકાને છાતીથી અલગ કર્યો નહીં. નાનકાને તેણે અડાબીડ ભીંસી રાખ્યો હતો.

'જવાની વેળા છે. નાનકાને છોડીને જવાનું મન નથી માનતું. ભૂંડું ભાગ્ય છે મારું.' વાક્ય પૂરું કરતાં પારોના આક્રંદનો વિસ્ફોટ થયો. નાનકા પર મમતાનો સાગર છલકાવી પારો ચિત્કારી ઊઠી.

ચંદ્રમુખી પણ ભાંગી પડી હતી. પારોએ નાનકાને અનેક ચૂમીઓથી નવરાવી દીધો. તેનાં હાથ ધ્રુજવા લાગ્યા. શરીરમાં કંપન થઈ રહ્યું હતું. આંખ પર ધૂંધળાશ જામી રહી હતી. નાનકા પરની પકડ ઢીલી થઈ. નાનકો પડી જાય તે પહેલાં તેને ઝાલી લેવા ચંદ્રમુખી પકડી લીધો પણ પારોએ તેને છોડ્યો નહીં. પારોની દશા ગંભીર બની. તેણે નાનકાને ચંદ્રમુખીને આપવા કરવા હાથ લાંબા કર્યા. ચંદ્રમુખીએ સહારો આપ્યો.

નાનકાને ચંદ્રમુખીને આપતા તે બોલી, 'ચંદા, લે દેવદાસ આજથી તારો...'

પારોનું શરીર શિથિલ થઈ રહ્યું હતું. તેણે પડખું ફેરવી લીધું. આકાશમાં વાદળો ગોરંભાયા. વડની ફરતે ઊભેલા લોકો છત શોધવા દોડ્યાં. ધોધમાર વરસાદ શરૂ થયો. વડ પાસે હતા તો પારો અને ચંદ્રમુખી... વરસતા વરસાદમાં ચંદ્રમુખીએ નાનકાને પાલવની આડશમાં લઈ લીધો. કણસતી હાલતમાં પારોએ વડની ડાળખી પકડી.

'દેવ...' કહીને પોકાર કર્યો. દેવદાસ સ્વયં આવી પહોંચ્યો હોવાનો ભાસ થયો. પારોનાં હાથમાં હાથ પરોવી દેવદાસે સ્મિત વેર્યુ. દેવદાસે નાનકા પાસે પહોંચી જઈ તેને ચૂમી લીધો. પારોએ દર્દ સાથે સ્મિત વેરવાનો પ્રયાસ કર્યો પણ તે વેરી ન શકી. ચંદ્રમુખી અને નાનકા તરફ એક અમી દૃષ્ટિ ફેંકીને પારોએ લાંબો શ્વાસ લીધો.

'દેવ...'

'પારો...'

તેનાં કાનમાં દેવદાસનાં શબ્દો પડઘાયા. ઘસડાતી પારોએ હાથ લાંબો કર્યો. જાણે કે દેવદાસને મળી રહી હોય તેમ! તેની આંખો બોઝલ હતી. ગામ લોકો ક્ષોભ સાથે છોભીલા પડી ગયા હતા. કોઈ કશું પણ બોલી રહ્યો ન હતો. કૌશલ્યાદેવીએ નાનકાનાં માથે પ્રેમાળ હાથ મૂક્યો. પારોનાં શરીરે જવાબ આપી દીધો. હોઠ સૂકાઈ ગયા હતા. આંખોમાં અંઘારું ઘર કરી ગયું હતું. મંથર ગતિએ પવન વાઈ રહ્યો હતો. એક સૂનકાર વ્યાપી ગયો હતો.

ધીમે-ધીમે પારોની આંખો મીંચાવા લાગી. શરીરનું લોહી શીત બની ગયું. આકાશ પણ ચક્રાકાર થઈ ગયું. નભ મંડળમાં સ્તબ્ધતા ફરી વળી. એક નિરવ અને અફાટ શાંતિ પ્રવર્તી રહી. સરગોશી કરી રહી હતી તો તે પારોનાં શ્વાસોની આવન-જાવન. કાલિમા પથરાઈ હતી. પારોએ અંતિમ વાર હોઠ ફફડાવ્યા.

'દેવ...'

સુકાભઠ્ઠ હોઠ પર દેવનું નામ જપતી પારોનાં ધબકારા બંધ થઈ ગયા. પારોએ સદૈવને માટે આંખ મીંચી લીધી.

દૂર ક્યાંક આકાશમાં મેઘધનુષ રચાયું. લોકોએ જોયું કે વરસાદી વાદળોમાં બે આકાર દેખાયા. એક દેવદાસ અને બીજો આકાર પારોનો હતો. સ્વર્ગવિહારે પ્રેમીઓનું મિલન થયું. પારો અને દેવદાસ સદાને માટે એક થઈ ગયા.

-----------------

નવલકથાનાં અન્ય પાત્રોનું શું થયું?

- જ્યાં દેવદાસ અને પારોએ પ્રાણ ત્યાગી દીધા હતા તે હાથીપોતા ગામનાં વડ પાસે ગામ લોકોએ પ્રેમીઓનાં મિલનનું સ્મારક બનાવી દીધું. સ્મારક પર દેવદાસ અને પારોનાં અમર પ્રેમની કથા આલેખવામાં આવી છે.

- રાજશેખર અને રૂપાલીએ લગ્ન કરી લીધા. ઈન્સપેક્ટર એનરોન શેરોને રાજશેખર સામેની તપાસ બંધ કરી દીધી.

- દેવદાસ અને પારોનાં પ્રેમની નિશાની એવાં નાનકાનું લાલન-પાલન ચંદ્રમુખી કરવા લાગી. ચંદ્રમુખીએ તેનું નામ દેવકુમાર રાખ્યું. કોલકાતાનો કોઠો વેચી ચંદ્રમુખીએ અસથઝુરી ગામમાં નવું જીવન શરૂ કર્યુ. ચુન્નીલાલ બે વર્ષ સાથે રહ્યો અને લાંબી માંદગીનાં અંતે મૃત્યુ પામ્યો.

- જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કૌશલ્યાદેવી છાના-છપના પૌત્રની ભાળ લેવા અસથઝુરી આવતા રહેતા હતા. દ્વિજદાસનો ગુસ્સો ઓછો થયો પણ માન-મર્યાદા અને અહંકારનાં કારણે દેવનાં સંતાનને અપનાવી શક્યો નહીં.

- પારોની વિદાય બાદ થોડા વખતમાં સુમિત્રાદેવીનું પણ નિધન થયું. કાલીદાસને પોલીસે જેલ ભેગો કર્યો. તેની વિરુદ્ધ વિશ્વાસઘાતનો કેસ કરવામાં આવ્યો. મનોરમાએ એ કેસ કરેલો. શ્યામદાસ અને ભાનુ આજે પણ પારોમાને યાદ કરે છે અને વડની સંભાળ રાખે છે.

- તાલસોનાપુર અને હાથીપોતામાં દેવદાસ અને પારોની પ્રેમ, ત્યાગ અને બલિદાનની અનેક વાયકાઓ લોકમુખે ચર્ચાતી રહી અને આ ચર્ચા આજે પણ ચાલે છે આવનાર સદીઓ સુધી ચાલશે.

સમાપ્ત

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.