મિલનનો આખરી મુકામ
સહરાના અફાટ તડકાએ રેત કણોમાં સૂર્યનો વાસ હોય તો અતૃપ્તિ ચરમસીમાએ પહોંચી જાય છે. નક્કર જીવન પણ આભાસી હોવાનાં ચાળા કરે છે. પૂર્ણ તૃપ્તિ પામવાનો તલસાટ રૂંએ-રૂંએ ખૂંપી જાય છે ત્યારે મૃગજળનાં બીબાંમાંથી પણ અમૃતરસ ટપકતું હોવાનો અહેસાસ થયા કરે છે. આયખું આખું તડકે જ વીતે તો શ્વાસોની ઘટમાળ પ્રસ્વેદનાં સાગરમાં ગોતા ખાતી રહે છે અને છાંયડાનાં અમીછાંટણાનો કાલ્પનિક આનંદ પણ શાતા બક્ષે છે.
વડ દેવતા અને પારોનો કોઈ અતૂટ નાતો હતો. એણે પહેલીવાર દેવદાસ સાથે ખુશનુમા સહવાસની અનુભૂતિ કરી હતી અને વડ દેવતાને દેવદાસ સાથેનાં મિલનની અરજ પણ ગુજારી હતી. ઠાકોર ભુવન ચૌધરીની હવેલીમાંથી બહારની તરફ દોડી આવેલી પારો વડને વિંટળાઈ વળી હતી. તેની અધીરાઈ છલકાઈ રહી હતી. જીભે એક જ નામ હતું. દેવ...
વડને વિંટળાયેલી પારોની આંખમાંથી શ્રાવણી છલકાઈ રહી હતી. તેણે અશ્રુભીની આંખે વડ તરફ જોયું. વડની વડવાઈઓએ જાણે કોઈ સોગાત રચી હતી. ડાળી-ડાળીએ ચાંદલીયા પાલવની મિરાત પથરાઈ હોવાનું લાગી રહ્યું હતું. સ્વર્ગનાં સૌષ્ઠવની કોઈ કલાકૃતિનો સ્વાંગ રચાયો હતો. વડ આજે વડ ન હતો, પ્રેમીઓનાં અમર પ્રેમની યશગાથાને એના પાંદડાઓનાં લીલાછમ કાગળીયે લેખાંકિત કરવા તત્પર હતો.
તેણે એક તલસાટ સાથે જોરથી હાક મારી, 'દેવ... ક્યાં છો તમે? આ વિયોગ અને આ ઝુરાપો હવે સહન થતો નથી. દેવ... સાંભળો છો? આજે કેમ મૂગા થઈ ગયા છો? બોલતા કેમ નથી? આજે કેમ મને કોઈ સોટાથી ફટકારતા નથી? કેમ મારી સાથે શરારત કરતા નથી? બોલોને દેવ. બોલો...
આજે આ પારો તમારામાં લીન થવા આવી છે. સમાઈ જવા માગે છે આજે એ તમારામાં. મોઢું નહીં મચકોડતા. ઈન્કાર નહીં કરતા.
દેવ... કેમ આજે આટલા કઠોર બની ગયા છો? હું તમારી પારો છું. કંઈક તો બોલો દેવ. મારી સાથે રમત ન રમો. ખૂબ થાકી ગઈ છું. જીરવાતું નથી. દેવ સાંભળો છો?' તેની આજીજીઓ આકાશને ચીરતી નીકળી ગઈ. પોતાના બંને હાથોને એ વડ પર અફાળતી રહી. તેના વાળ વેર-વિખેર થઈ ગયા. તેનાં શરીરમાંથી પ્રસ્વેદી ટશરો ફૂટવા લાગી.
'દેવ, ભગવાન વાસ્તે કશુંક તો બોલો. કંઈક તો કહો. સમી સાંજે આમને આમ આકરા ન થાઓ.' વડનાં થડ સાથે પારો માથું અફાળતી રહી. તેને પ્રસુતિનું દર્દ પણ થઈ રહ્યું હતું. પણ તેને ક્યાં દર્દની પરવા હતી. એ તો બસ દેવધૂનમાં તલ્લીન હતી. તેની બેચેની વધી રહી હતી. વડની સોડમાંથી તેણે જોયું કે કોઈ પડછાયો તેની પાસેથી પસાર થયો. તે ઝડપથી પડછાયા તરફ ભાગી. ગોળ ફરીને જોયું તો કોઈ દેખાયું નહીં. તેની આંખોમાં નિરાશા ડોકાઈ. એ ફરી તો જાણે કોઈએ તેને ભીંસમાં જકડી લીધી હતી. એ બીજું કોઈ નહીં પણ દેવદાસ હતો.
'દેવ...' કહી પારોએ મજબૂતીથી દેવદાસને જોરથી દબાવી દીધો.
'દેવ... દેવ...'
ધીમાં સાદે હવાની લહેરખીએ કહ્યું હોય એમ પારોનાં કાને પડઘાયું,
'પારો...'
'દેવ...'
'હા, પારો... હું બધું સહન કરી શકું છું. તને દર્દમાં પીડાતી જોઈ શકતો નથી. તારો તરફડાટ મને ચેન નથી લેવા દેતો.'
'દેવ, હવે એ બધું જ દૂર થઈ જશે. હું સદૈવને માટે તમારામાં એકાકાર થવા આવી રહી છું. નદીની ધારાને તો આખરે દરિયામાં જ વિલીન થઈ જવાનું જ હોય છે.'
'પારો...'
'હા, દેવ, હવે સમય નિકટ છે. પારોએ પોતાનો વાયદો પૂર્ણ કર્યો છે.' દેવદાસનાં હાથને લઈ પંપાળતા એ બોલી.
'આ નાનકા માટેનો જ ઈન્તેજાર હતો. દેવનાં સંતાનને ઓળખ આપવાની એક માત્ર તમન્ના હતી. પૂર્ણ થઈ કે ન થઈ એની મને સમજ પડી નથી. ભલુ થાજો ચંદ્રમુખીનું, જેણે મને પૂરતો સહકાર આપ્યો. દ્વિજભાઈ સાહેબ અને માતાજી પણ અહીંયા જ છે.'
પારોને ભાન ન હતું કે હવેલીમાં જેટલા લોકો હતા તે બધા વડની ફરતે એકત્ર હતા. પારોની કેફિયતને તેઓ સાંભળી ચૂક્યા હતા. તેની વિતકકથાનાં સાક્ષી બની ગયા હતા. મૌનનાં મૃદંગ અને વિસ્મયનું મહેરામણ પ્રતિબિંબિત થઈ રહ્યું હતું. પારોને આ બધાનું કોઈ ભાન ન હતું. એ તો માત્ર દેવમય હતી.
તે બોલ્યે જઈ રહી હતી.
'દેવ... અજરાઅમર થવા આવી રહી છું. ચિંતા થાય છે નાનકાનું શું થશે? પણ એક વાતનો સંતોષ છે કે ચંદા બધું સંભાળી લેશે. મારા નાનકાનું ભરણ-પોષણ કરશે. મારી ઈચ્છા તો હતી કે માતાજી અને દ્વિજ ભાઈસાહેબ નાનકાનો સહર્ષ સ્વીકાર કરશે. પણ નહીં. દેવ...' તે બોલતા અટકી. સામેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં.
'દેવ... દેવ...' કહી ફરી તે ચકોર નેત્રોથી વડની ફરતે ફરી. તેને અહેસાસ થયો કે હવાની લહેરખીનાં સૂસવાટામાં દેવદાસ કહીને જઈ રહ્યો હતો કે, 'પારો, હું તારો ઈન્તેજાર કરીશ.'
ચંદ્રમુખી અને રૂપાલીથી પારોની આ દશા જોઈ શકાઈ નહીં. બંને તરત જ પારો પાસે પહોંચ્યા. પારોને સંભાળી લીધી. પારોએ ચંદ્રમુખીનાં સમીપ આવતાં જ કહ્યું.
'ચંદા... જો, દેવ મારો ઈન્તેજાર કરે છે.'
'પારો, તારી હાલત બરાબર નથી.'
'ના, ચંદા મિલનની આ સોગાત બધાનાં નસીબમાં હોતી નથી.' ચંદ્રમુખી અને રૂપાલીનાં ટેકાથી તે ઊભી થઈ રહી હતી. ત્યારે જ હાજર લોકોમાંથી કોઈ બોલ્યું, 'હવે બધા ડીંડવાણા રહેવા દો. આવી રીતે ગાંડપણ કરીને લાગણી જીતવાનો પ્રયાસ નિરર્થક છે.'
પારોએ લોકો તરફ જોયું. તેની આંખો ભીની હતી. તેણે કહ્યું, 'અહીંયા હાજર લોકોને કહેવા માગું છું કે શું પોતાને ગમતા સપનાં જોવા ગુનો છે? દેવ સાથે મારો પ્રેમ પાપ નથી પણ એક પવિત્ર પ્રેમનો ધોધ છે. મારી પાસે સાબિત કરવા બીજું કશું નથી પણ પવિત્ર પ્રેમ જરૂર છે. જો કોઈએ કદી પણ દિલથી પ્રેમ કર્યો હશે તો મારી લાગણીઓને પિછાણશે. દેવ અને પારોનો પ્રેમ નિષ્કલંક અને અણીશુધ્ધ છે. તે કોઈ આળ નથી.'
પારોનાં ધબકારા વધી રહ્યા હતા. તેને પરસેવો છૂટી રહ્યો હતો. ચંદ્રમુખી અને રૂપાલીએ પારોને થાળે પાડવાનો પ્રયાસ કર્યો. પારો શાંત થઈ રહી ન હતી. તેનું બોલવાનું અવિરત ચાલું રહ્યું હતું.
'દેવ સાથે મારો કોઈ ક્ષણભંગુર સાથ ન હતો. ભવોભવનો સંગાથ છે અમારો. દેવ અને પારો તો એક જ છે. પારોની રક્તધારાઓ વછૂટશે ત્યારે ટીપે-ટીપે દેવનું જ નામ હશે. હું એટલું જરૂર કહેવા માગું છું કે, પ્રેમરસ પીવામાં મર્યાદાઓને ઓળંગતા નહીં, નહીંતર દરેક યુગમાં એક દેવદાસ જન્મશે અને એક પારો આવી રીતે જ અભાગણ બની પ્રેમનું અતૃપ્ત પ્રતિક બની રહેશે. મારી સૌ કોઈને વિનંતી છે કે દેવનાં સંતાનનું લાલન પાલન કરજો. રાજબાબુ...' રાજશેખરને સંબોધીને તે બોલી,
'તમારી હું ઋણી રહીશ. મુસીબતોનાં અનેક પડાવમાંથી મને ઉગારી છે. કોઈ પણ લાલસા વગર મારો સાથ આપ્યો છે. જો, ભગવાન મને કોઈ ભવે ધરતી પર ફરી ઊતારશે તો તમારું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરીશ.'
રૂપાલીને ગળે મળીને તે બોલી,
'કોઈ સંબંધ ન હતો છતાં તે મારી એક બહેન સરીખી સંભાળ રાખી. તારા સંગાથે મને હૂંફ આપી છે, મક્કમતા આપી છે. વિષમ સ્થિતિઓમાં ઝઝૂમવાની તાકાત આપી છે. રૂપાલી, તું પણ નાનકાનું ધ્યાન રાખજે.'
'બસ દીદી, બસ. રૂપાલીએ રડમસ સ્વરે કહ્યું. તમે ક્યાંય જવાના નથી.' રૂપાલીથી પોક મૂકાઈ ગઈ. તે અશ્રુ છુપાવતી વડની બીજી તરફ દોડીને રડતી રહી.
કૌશલ્યાદેવી તરફ ફરીને પારો બોલી,
'માતાજી, મને સોના-મહોર, હવેલીનો મોહ ન હતો. કોઈ વૈભવની અભિલાષા ન હતી. મને તો માત્ર દેવનો પ્રેમ જ કાફી હતો. આ મહેલાતો દેવનાં પ્રેમની સામે ગૌણ છે, તુચ્છ છે. બીજું તો કશું નહીં માગુ પણ બની શકે તો નાનકાને મમતાનો એક ઘૂંટડો આપજો.'
એ દ્વિજભાઈ તરફ વળી, 'દ્વિજ ભાઈસાહેબ... મારા વાસ્તે નહીં પણ નાના ભાઈની ખાતર જ કદી ઈચ્છા થાય તો નાનકાનાં માથે વહાલથી હાથ ફેરવી દેજો. મારાથી બોલવામાં અતિરેક થયો હોય તો માફ કરજો. હું તો કેટલી અભાગણ છું કે પ્રેમનાં પુષ્પોથી પણ વંચિત રહી અને ખીલતા ફૂલને પણ સંચિત કરી શકી નહીં. મને જ્ઞાતવ્ય છે કે મારું જીવન શેષ નથી.'
આટલું બોલતા પારો ચોધાર આંસુએ રડી પડી. તેને પ્રસવની અસહ્ય પીડા ઉપડી. તમ્મર ખાઈ તે ઢળી પડી. ચંદ્રમુખી અને રૂપાલીએ કેટલીક મહિલાઓને ગોળ કૂંડાળું કરવાનું કહ્યું. શરૂઆતમાં મહિલાઓ ખંચકાઈ, પણ માનવતા માટે તેઓ આગળ આવી. તેને વડની આડમાં લઈ જવાઈ. પારો ફરતે મહિલાઓએ કૂંડાળું રચી દીધું. પ્રસવની પીડાથી પારો ચીસાચીસ કરી રહી હતી. પુરુષો થોડાક દૂર જતાં રહ્યા.
... અને ફૂલની કૂંપળો મહોરવાની સાથે જ પારોએ રાડ પાડી.
'દેવ.....'
(ક્રમશ:)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર