16 માનવનાથની શહીદી....
પ્રગાઢ ધુમ્મસ છવાયેલું હતું. સૂર્ય કિરણોની આંગળી ઝાલી પુષ્પ-પર્ણોની કળીઓ પવનનાં સથવારે પ્રભાતિય પગલીઓ ભરી રહી હતી. ક્યાંક આરતીઓનો ગુંજારવ હતો તો ક્યાંક ઘરોમાંથી ભજનના રસગાન સંભળાતા હતા. ડોકિયું કરીને સૂર્ય પણ સંતાકૂકડી રમી રહ્યો હતો. પારોને દેવદાસની યાદ ન આવી હોય તેવી કોઈ પળ ન હતી. તાલસોનાપુરમાં આવ્યા બાદ તો દેવદાસની યાદો તોફાને ચઢી હતી. પારોનાં હ્રદયમાં એક ટીસ હતી, એક વેદના હતી. એવી વેદના કે જેનાં વિશે તે કોઈને કહી શકતી ન હતી.
દેવદાસની અંતિમ ક્ષણો જ્યારે પણ તેની આંખમાં તરવરતી ત્યારે તે વિહવળ થઈ ઉઠતી. મુખરજી પરિવારની હવેલી જોઈને પારોને હંમેશ એવું લાગતું કે જાણે દેવદાસ તેને હવેલીમાંથી ઝાંખી રહ્યા છે. તે એકીટશે હવેલીને નિહાળતી રહેતી. તેનાં મનમાં ક્યારેય એવું નહીં આવ્યું કે મુખરજી પરિવારની હવેલીની રાણી બની જાય. તેને તો બસ એટલું જ હતું કે ભારતીય પરંપરા અનુસાર તેના સંતાનને પિતાનું નામ મળી જાય. એક સ્ત્રીને જ ખબર હોય છે કે તેના સંતાનનો પિતા કોણ છે. પારોએ તો સરાજાહેર કહી દીધું છે કે દેવદાસ જ મારા સંતાનના પિતા છે.
રૂપાલીએ આવીને પારોને ચાનો કપ આપ્યો. પારોએ ચાનો કપ હાથમાં લઈ પૂછયું,
'આજે બહુ વાર લગાડી ચા મુકવામાં?'
'હા દીદી, ઉપર રાજબાબુ અને તેમના મિત્ર માનવનાથને ચા-નાસ્તો કરાવતી હતી એટલે મોડું થયું.'
'રાજબાબુ? તેઓ ક્યારે આવ્યા?'
'એ તો કાલે રાત્રે જ આવ્યા હતા.' રૂપાલીને કંઈક યાદ આવતા, 'અરે હા, દીદી પોલીસવાળા પણ આપણા ઘરની આસપાસ આંટા મારી રહ્યા હતા.'
'શું વાત કરે છે? ચાલ જલદી રાજબાબુ પાસે.'
ચાનો કપ બાજુ પર મૂકી પારો અને રૂપાલી ઝટ અગાશી પર ચઢયાં.
રાજશેખર અને માનવનાથ નાસ્તો કરી રહ્યા હતા. પારોને જોઈ બંને જરા ટટ્ટાર થઈ ગયા. પારોને જોતાં જ રાજશેખર બોલ્યો,
'તમે જાગી ગયા? મને એમ હતું કે...' પણ અધવચ્ચેથી વાત અટકાવીને પારોએ કહ્યું, 'રાજબાબુ, રૂપાલી કહેતી હતી કે પોલીસવાળા અમારા ઘરની આજુબાજુ આંટાફેરા કરતા હતા. શું વાત છે? મારા દિલમાં ફાળ પડી છે.'
રાજશેખરે હસીને કહ્યું, 'પોલીસવાળા...પારોજી, પોલીસને ચકમો આપીને જ અમે અહીં સુધી આવ્યા છીએ. તમે ચિંતા ન કરતા.'
'ચિંતા તો થાય જ ને રાજબાબુ. પોલીસે તમારી સાથે મને પણ જોઈ છે અને મારે પણ પોલીસ થાણા સુધી જવું પડ્યું છે. અહીં તાલસોનાપુરમાં અંગ્રેજ પોલીસ ઘર સુધી આવે તો મોટી મોકાણ સર્જાયા વગર રહેશે નહીં. તમારા પર અંગ્રેજ પોલીસે પહેલાં પણ જુલમ ગુજાર્યો છે અને હવે પછી જો તમને પકડશે તો કોણ જાણે શું કરશે?'
રાશેખરે ચાનો છેલ્લો ઘૂંટડો ગળે ઉતારી કહ્યું, 'હવે પોલીસ કરી કરીને શું કરશે? જાન લેશે? તો ભલે જાતો આ જીવ... કોને પરવા છે? માભોમની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપવા ક્યારનુંય દિલ થનગની રહ્યું છે. અંગ્રેજોને બંગાળના ભાગલા તો હરગીજ પણ કરવા નહીં દઈશું. આ સ્વરાજના હકની લડાઈ છે.'
'માનવનાથ...' રાજશેખરે માનવનાથ તરફ હાથ લાંબો કરી ગાવાનું શરૂ કર્યું,
'હાથ ઝાલીને ચાલો શહીદોની યારી તરફ
કોણ રોકે છે ભલા
જઈ શત્રુઓને કહી દો આવે ન અમારી તરફ'
માનવનાથ અને રાજશેખરે માતૃભૂમિની રક્ષાના ગાન કર્યા તો પારો અને રૂપાલી પણ ભીતરેથી હલબલી ગયા.
પારોએ રાજશેખર તરફ જોયું. રાજશેખરનાં ચહેરા પર દેશદાઝની જ્યોત પ્રજવલિત થઈ ઊઠી હતી. જ્યોતને મશાલ બનતા વાર લાગતી નથી. રાજશેખરનાં ભાવ જોઈ પારોને તેના પ્રત્યે માન થયું. દેશ માટે ફના થઈ શહીદી વહોરવાની ભાવના તેનામાં છલોછલ થઈ રહી હતી. ગાન અટકાવ્યા બાદ રાજશેખરે કહ્યું,
'પારોજી... જીવન ધ્યેય વગરનું હતું. સમજણો થયો તો માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી. કદી કોઈ રોટલી આપી દેતું તો કદી કોઈ કપડા. બસ આપણું જીવન પસાર થઈ ગયું. માસ્ટરજી આલોક બાબુએ બારાખડી શીખવી દીધી. બસ આપણું ભણતર પુરું. યુવાનીમાં પગ મૂકતાં જ વાસુબાબુ જેવાં કોમરેડ સાથે સામાજિક કામકાજ કરવા લાગ્યો. લોકોની સેવા કરીને સંતોષ મળતો ગયો. અંગ્રેજોએ બંગાળનાં ભાગલા કરવાની યોજના ઘડી. વાસુબાબુએ અંગ્રેજોની 'ભાગલા કરો રાજ કરો'ની નીતિનો વિરોધ કર્યો અને અખંડ બંગની ચળવળ શરૂ કરી. હું પણ તેમાં જોડાઈ ગયો. માતૃભૂમિની રક્ષા કરવાના ભેખ સાથે અખંડ બંગ આંદોલનમાં જોડાયો ત્યારે જીવન અને મૃત્યુની ચિંતા ન હતી કરી. બસ, દેશ કાજે મરી ફીટવાના ઓરતા લઈ આંદોલનનો હિસ્સો બની ગયો...' રાજશેખર બોલતા-બોલતા અટકી ગયો.
તેણે ફરી બોલવાનું શરૂ કર્યું, 'તમને જોયા પછી એવુ લાગ્યું કે જીવન આટલું ખૂબસૂરત પણ હોય છે.' માનવનાથ અને રૂપાલીને જોઈને તે આગળ બોલી ન શક્યો.
'છોડો આ બધી વાત. હા પણ, એટલું યાદ રાખજો કે આ મુઠ્ઠીભર અંગ્રેજો મારું તો શું કોઈ પણ હિન્દુસ્તાનીનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. તમે ચિંતા ન કરો. આ પોલીસ સાથે હવે અમને પણ ફાવટ આવી ગઈ છે.' આટલું કહી રાજશેખર અને માનવનાથ જોર-જોરથી હસવા માંડયા અને ગાવા લાગ્યા, 'મેરા રંગ દે બસંતી ચૌલા... મેરા રંગ દે બસંતી ચૌલા...'
પારો અને રૂપાલી આશ્ચર્યથી બંનેને જોઈ રહી હતી. એ બંનેએ પણ તેમની સાથે સૂર પુરાવ્યા. જો નીચેથી સુમિત્રાદેવીએ હાક ન પાડી હોત તો દેશભક્તોની ટોળી પોતાની ધૂનમાં જ મસ્ત રહી હોત. પારો અને રૂપાલી જલદીથી નીચેની તરફ ચાલ્યા ગયા. રાજશેખર અને માનવનાથ પોતાની ધૂનમાં મગ્ન હતા.
અચાનક રાજશેખરની નજર સામે દેખાતી હવેલી પર પડી. પોલીસ ઈન્સ્પેક્ટર એનરોન શેરોન અને દ્વિજદાસ પારોનાં ઘરની તરફ જોઈ રહ્યા હતા. રાજશેખરે તરત જ માનવનાથને સાવધ કર્યો. માનવનાથ પણ સતર્ક થઈ ગયો. રાજશેખરે કહ્યું, 'માનવ, પોલીસને ભાળ મળી ગઈ લાગે છે. અહીંયા રોકાવું હિતાવહ નથી. ઝડપ કર અને અહીંથી નીકળીએ. હું નથી ઈચ્છતો પારોજી અને તેમના પરિવાર પર આપણા કારણે કોઈ મુસીબત આવે.'
માનવનાથે પહેલા તો હા કહ્યું પણ અગાશી પરથી રસ્તા પર નજર કરી તો તે ચોકી ગયો,
'રાજ' માનવનાથ બોલ્યો.
'શું થયું?'
માનવે હાથની ઈશારતથી રસ્તા ભણી જોવાનું કહ્યું. રાજશેખરે રસ્તા પર નજર કરી. રસ્તા પર અંગ્રેજ પોલીસનો કાફલો ખડકાઈ ગયો હતો. ઘરને ઘેરી લેવામાં આવ્યું હતું. રાજશેખર ઝટપટ નીચેની તરફ આવ્યો. પારો અને રૂપાલીને સ્થિતિથી માહિતગાર કર્યા. પારો અવાચક બની ગઈ. તેણે તરત જ કહ્યું, 'રાજબાબુ, હવે શું...?'
રાજશેખરે કહ્યું, 'હમણાં જ અહીંથી નીકળવું પડશે. તમે પણ નહીં રોકાતા. નહીંતર આ શૈતાન શેરોન તમને પણ નહીં છોડશે.' પાછો સ્વગત પ્રશ્ન કરતો હોય તેમ તે બોલ્યો, 'પણ તમે આવી હાલતમાં જશો ક્યાં?'
પારોએ કહ્યું, 'અમારી ચિંતા ન કરો. માનવનાથ અને તમે નીકળો. જલદી નીકળો પાછળ દરવાજો છે.'
સુમિત્રાદેવીએ પારોને કહ્યું, 'બેટા, તું પણ હવે નહીં રોકાતી. મારી ચિંતા ન કરતી. હું હવે જીવું કે મરું કોઈ ફરક પડતો નથી.'
'મા, હું તમને છોડીને નહીં જઈ શકું.'
'પારો, મને સઘળી હકીકત માલૂમ પડી ગઈ છે. જો બેટા, મારી ઈચ્છા પણ છે કે તું દેવના સંતાનને જન્મ આપે. ભલે સમાજ કશું પણ બોલે. ગમે તેટલા લાંછન લગાડે. જા બેટા, તું પણ જા. આ અંગ્રેજોનો કોઈ ભરોસો નથી.'
પારોએ રડમસ સ્વરે કહ્યું, 'મા...'
એટલી વારમાં માનવનાથ પણ નીચે આવી ગયો હતો. રાજશેખર અને માનવનાથ ઘરમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા ત્યાં જ ઈન્સ્પેક્ટર એનરોન શેરોનનો અવાજ સંભળાયો, 'ડોન્ટ ગો અવે... એન્ડ ડોન્ટ રન એની વે... રાજશેખર ટુમારા ખેલ ખલાસ... સરન્ડર થઈ જાઓ...'
રાજશેખરે અવાજ તરફ ધ્યાન આપ્યા વગર જ પાછલા દરવાજા તરફ દોટ મૂકી. માનવનાથ પણ સાથે જ હતો. પાછળનાં દરવાજા પર બંને પહોંચે ત્યાં તો ઈન્સ્પેક્ટર એનરોન શેરોન અને પોલીસનો કાફલો ઘરનો દરવાજો તોડી અંદર આવી ગયો.
'એ રહ્યા...' એમ કહીને બંનેને ઝડપી લેવા પોલીસ દોડી. રાજ અને માનવ દોડતા રહ્યા. પારો અને રૂપાલી પોલીસ સામે અવરોધ ઊભા કરી રહ્યા હતા. ઈન્સ્પેક્ટર એનરોન શેરોને બંનેને ધક્કો માર્યો. પારોનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ. રૂપાલી દૂર ફંગોળાઈ ગઈ. સુમિત્રાદેવી હાફળા ફાંફળા થઈ ગયા. તેમને સમજ ન પડી કે શું થઈ રહ્યું છે. તેઓ બસ 'પારો... પારો...' કરતા રહ્યા.
ભાગી રહેલા રાજશેખર અને માનવનાથે પારોની ચીસ સાંભળી. બંનેએ ભાગવાનું અટકાવી દીધું. રાજશેખરે માનવનાથને બે આંગળીથી ભડાકાનો ઈશારો કર્યો. માનવનાથે કમરપટ્ટામાં છૂપાવી રાખેલો તમંચો બહાર કાઢયો અને પોલીસ પર ગોળી છોડી. રાજશેખરે પણ પોતાની પાસેના કડછામાંથી ગોળી છોડી. અંધાધૂંધ છોડાયલી ગોળીઓ નિશાન ચૂકી ગઈ. પોલીસે પણ વળતો ગોળીબાકર કર્યો. પારો અને રૂપાલી બેબાકળા બની ગયા. તેમને સમજ ન પડી કે તેઓ શું કરે?
સુમિત્રાદેવીએ પારોને બૂમ પાડી અને જોરથી કહ્યુ, 'પારો... તું પણ નીકળ મારી ચિંતા છોડી દે. જા... તું પણ જા... રૂપાલી...જા...'
ગોળી છૂટી હતી તે દિશામાં દોડતી પારોને થયું કે રાજશેખર કે માનવનાથને ગોળી તો નથી વાગીને?
તે દોડતી રહી. પાછળનાં દરવાજેથી રાજશેખર અને મનાવનાથ બહાર નીકળી ગયા હતા પણ તેઓ પોલીસની ઘેરાબંધીમાં ફસાઈ ગયા હતા. પારો અને રૂપાલી પાછળના દરાવાજામાંથી બહાર નીકળ્યા તો પોલીસે તેમને પણ ઘેરી લીધા અને ઈન્સ્પેક્ટર એનરોન શેરોને બોલ્યો, 'આ બંનેને પણ હિરાસતમાં લઈ લો. સુમિત્રાદેવીએ ઈન્સ્પેક્ટર એનરોન શેરોનને જોરથી ધક્કો માર્યો. તે ડચકાં ખાતા ગબડી પડયો. આ તક ઝડપી સુમિત્રાદેવીએ પારોને પણ જોરથી ઘરની બહાર હડસેલી. પળવારમાં પારો ઘરની બહાર હતી. તેણે પાછા વળીને જોયું. સુમિત્રાદેવીની આંખમાં આંસુ હતા. પારોએ તરત જ પાછા વળી માતાની પાસે જવાનો પ્રયાસ કર્યો તો રાજશેખરે તેને ખેંચી લીધી. રૂપાલી પણ તેની સાથે જ ઘસડાઈ. સુમિત્રાદેવી દીકરીને જોઈ રહ્યા, અંગ્રેજ પોલીસે તેમને બાનમાં લીધા. સુમિત્રાદેવીના ચહેરા પર કંઈક ગૌરવવંતો આનંદ હતો.
'શું ગાંડપણ કરી રહ્યા છો?' મોં પર આંગળીની ઈશારતથી ચૂપ રહેવાનો સંકેત કર્યો. ધીમેથી બોલ્યો, 'મરવાનો શોખ છે? આ અંગ્રેજો છે. કોઈને છોડતા નથી, વળી પાછા આપણે તો હિન્દુસ્તાની...'
રાજશેખર પારોને સમજણ આપી રહ્યો ત્યાં તો સનન કરતી ગોળી રાજશેખરનાં કાન પાસેથી પસાર થઈ ગઈ. રાજશેખરે આબાદરીતે ગોળીને ચૂકવી. માનવનાથે જોયું કે અંગ્રેજોએ ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું તો તેણે પોતાના કમરપટ્ટા પર રાખેલી પિસ્તોલ કાઢી સીધો ગોળીબાર કર્યો.
ત્યાં જ અવાજ આવ્યો, 'વન ઈઝ ધેર, કવર હીમ... ગો ધેર...'
પોલીસની એક બટાલિયને માનવનાથને ઘેરી લીધો તો બીજી કુમકે રાજશેખરને. પોલીસની ઘેરાબંધી તોડવી જરૂરી હતી. રાજશેખરને થયું કે અંગ્રેજો સાથે હવે આરપારની લડાઈનો સમય આવી ગયો છે. તેણે પાયજામામાંથી પિસ્તોલ કાઢી. ખૂણામાંથી બહાર નીકળીને અંગ્રેજો પર ગોળીબાર કરે તે પહેલાં તો માનવનાથે 'ભારત માતા કી જય' કહીને અંગ્રેજોને પડકાર ફેંક્યો. માનવનાથે અંધાધૂંધ ગોળીઓ છોડવા માંડી.
'આવો ગોરાઓ આવો... ભારતમાના ટુકડા કરનારના આજે તો ટુકડા થશે. તમે ક્યારેય સફળ નહીં થાઓ. આ માનવનાથની લાશ યુગો સુધી ભારતમાના જવાનોને કહેતી રહેશે કે જુઓ આ અંગ્રેજોના અધમ કૃત્ય. જેમણે ભારતમાના કટકે-કટકા કરવા આકાશ પાતાળ એક કર્યા પણ માનવનાથ જેવા હજારો શહીદોના બલિદાનથી હિન્દુસ્તાન અખંડ હતું અને અખંડ રહેશે. કોઈ બૂરી નજર ભારત મા પર પડી તો મારા જેવાં અનેક માનવનાથ દરેક યુગમાં જન્મ લેશે. ચલાઓ ગોળી...'
રાજશેખર પાછો વળી ગયો. તેનાથી નિસાસો નંખાઈ ગયો પણ બોલ્યો. 'વાહ દોસ્ત... મારા કરતાં પહેલાં જાનફિશાની કરવી છે. મને બચાવવા આગમાં કૂદી પડ્યો. રાજશેખર પણ ઝનૂનમાં આવી ગયો. તેણે જોરથી નારો લગાવ્યો. ઈન્કલાબ ઝિંદાબાદ... ભારત માતા કી જય...' કહીને રાજશેખરે ફરી ગોળીઓ છોડી. માનવનાથ હજુ પણ ગોળીઓ છોડી રહ્યો હતો. ઈન્સ્પેક્ટર એનરોન શેરોને હુકમ કર્યો,
'કિલ ધીસ બાસ્ડર્ટ....'
માનવનાથે સાંભળ્યું, 'યુ બ્લડી બાસ્ટર્ડ... હાક... થૂં.' પિસ્તોલમાં જેટલી ગોળી હતી તે બધી માનવનાથે છોડી દીધી. તેની પિસ્તોલ ખાલી થઈ ગઈ. માનવનાથે હાર ન માની. માનવનાથના ગોળીબારથી 10થી 12 અંગ્રેજોનાં મોત નીપજ્યા હતા. ઈન્સ્પેક્ટર એનરોન શેરોને પિસ્તોલનાં ટ્રીગરને દબાવ્યું. ઈન્સ્પેક્ટર એનરોન શેરોને છોડેલી ગોળી સીધી માનવનાથનાં હ્રદયને વીંધતી નીકળી ગઈ. રાજશેખરે જોયું કે માનવનાથને ગોળી વાગી છે તો તરત તેણે સ્થિતિને પારખીને આડેધડ ગોળીઓ છોડી. તેની પાસેના કારતૂસ પણ ખલાસ થવાની અણી પર હતા. રાજશેખરને માનવનાથ પાસે પહોંચવું હતું. પારો અને રૂપાલી તો હેબતાઈ ગયા હતા. તેમને પણ હવે ઝનૂન ચઢ્યું. માનવનાથ પાસે પહોંચવા પ્રયાસ કરવા રાજશેખરે ઘૂળ અને ડમરીનો સહારો લીધો. પારો અને રૂપાલી પણ તેને સાથ આપવા લાગ્યા. અંગ્રેજ પોલીસ માનવનાથથી દૂર થવા લાગી. રાજશેખર, પારો અને રૂપાલીએ ધૂળના વાદળો સર્જી દીધા. તેઓ હાથોથી ધૂળને હવામાં ઉછાળતા રહ્યા. અંગ્રેજ પોલીસ વધુ સમય સુધી ઘૂળ-ડમરીમાં ટકી નહીં. માનવનાથ પાસેથી પોલીસ દૂર થઈ ત્યાં તો ત્રણેય જણ તેની પાસે પહોંચ્યા.
લોહીમાં લથબથ માનવનાથ પડ્યો હતો. રાજશેખરે તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું. માનવનાથે તેની પાંપણો પટપટાવીને આંખો ખોલી. તે મંદ સ્વરે બોલ્યો,
'રાજ... મારા મિત્ર, તું ગયો નહીં...? જા.. જલદીથી નીકળી જા.'
'માનવ... તને છોડીને નહીં જાઉં. રાજશેખરે તેને ઉંચકવાનો પ્રયાસ કર્યો.'
'રહેવા દે રાજ... માભોમનો સાદ છે... હવે માનવનાથની વતન પર ફિદા થવાની પળ આવી ગઈ છે. જો આકાશની લાલાશ મારા જેવા કંઈ કેટલાય શૂરવીરોની ગાથાઓનું પ્રતિબિંબ પાડી રહી છે. નસીબથી શહાદત મળે છે. બધાના ભાગ્યમાં ક્યાં શહીદી હોય છે? ચાલ, મારો સમય થઈ ગયો છે.' તેનો સ્વર તૂટી રહ્યો હતો. 'રાજ... પારોજી... હવે હું જાઉં છું.... તમારા બચુકા દેવદાસને કહેજો કે માનવકાકુ... માનવકાકુ...' માનવનાથ આટલું બોલતા-બોલતા તકલીફ અનુભવી રહ્યો હતો. 'કહેજો કે... માનવ.. કાકુના... લાલ સલામ... જય હો અખંડ બંગ...' અખંડ બંગની જ્યોત પ્રજવલ્લિત કરી માનવનાથ શહીદ થયો.
(ક્રમશઃ)
સ્વાતંત્રતા પર્વ પર દેશ કાજે ફના થનારા શહીદો અને સ્વાતંત્રતા સેનાનીઓને લાખ-લાખ નમન....(લેખક)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર