20-દેવ-પારોનું મધુર મિલન-ફલેશબેક-1
ફલેશબેક-1
વાત હતી દેવદાસનાં પિતાનાં મૃત્યુ પછીની. પારોનાં લગ્ન થઈ ગયા હતા. લગ્નને વર્ષ ઉપરાંતનો સમયકાળ વીતી ગયો હતો. ભૂવન ચૌધરી સાથેનાં લગ્નજીવનથી પારોને કોઈ સંતાન ન હતું. પારોને સંતાનની અભિલાષા હતી. પણ એ તેને પૂરી થતી દેખાતી ન હતી. ઠાકોર ભૂવન ચૌધરીએ પારો સાથે લગ્ન કર્યા પણ પતિ-પત્ની તરીકેના એમના સંબંધોમાં અંતર જ રહી ગયું એ રહી જ ગયું. જોકે ઠાકોર ભૂવન ચૌધરીએ પારો સાથેનાં સંબંધો મીઠાશભર્યા રાખેલા. એમણે સોના મહોરનાં ઘરેણાથી પારોને લાદી દીધી હતી. એટલે એક રીતે તો પારો ખુશ હતી પણ તેનો મમતાનો પાલવ સુકો હતો.
દેવદાસે પારોની જુદાઈમાં શરાબનું સેવન શરૂ કરી દીધું હતું. તે કોઠાઓ પર જવા લાગ્યો હતો. આ વાત પારોથી છૂપી ન રહી અને તેને આ વાતની જાણ ધર્મદાસ મારફત થઈ. ધર્મદાસે કહ્યું હતું કે, ‘દેવબાબુએ પોતાની જાતને શરાબનાં હવાલે કરી દીધી છે. સવાર-સાંજ મદિરાપાન કરવા સિવાય બીજું કશું પણ કરી રહ્યા નથી. પારો બેટા, એમને જરા સમજ પાડ. આમને આમ જીવન જીવશે એક દિવસ.... ધર્મદાસની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.’ પારો પણ આ સાંભળીને સડક જ થઈ ગઈ, ‘દેવબાબુ...’ તેણે ઊંડા શ્વાસ ભર્યા.
દેવબાબુને મળવા માટે તે વાટ જોઈ રહી હતી. દેવદાસ સાથેની મુલાકાતના કોઈ સંજોગ બની રહ્યા ન હતા. એક દિવસ એને ખબર મળી કે, દેવબાબુ તાલસોનાપુર આવી રહ્યા છે. એટલે પારોએ માતાને મળવાનું બહાનું બનાવ્યું અને તે તાલસોનાપુર પહોંચી ગઈ.
ત્યાં પહોંચીને એ સીધી દેવદાસની હવેલીમાં ગઈ. હજુ હમણાં જ સૂર્યાસ્ત થયો હતો. પારોએ દેવદાસનાં કમરામાં પ્રવેશ કર્યો. દેવદાસ ખુરશી પર બેસીને હિસાબકિતાબ લખી રહ્યા હતા. પારોનો પગરવ સાંભળીને દેવે નજર કરી,
‘કી હોયા...?’ પારો તરફ જોયા વગર જ દેવદાસે પૂછયું, ‘તાલસોનાપુરમાં પધરાણી થઈ ગઈ. કોણે ખબર આપ્યા? ધર્મદાસે? બોલો પારો...’
કમાડને અંદરથી વાસીને પારો ફર્શ પર બેસી ગઈ. પારોને ફર્શ પર બેસેલી જોઈ દેવદાસે પૂછ્યું.
‘આ શું છે? હું વાંધો ઉઠાવું તો?’
દેવદાસનું ચિત્ત શાંત હતું. તેણે ઉદ્દત ભાવનાથી પૂછયું હતું.
પારોએ હરણી નયનોથી દેવદાસ તરફ જોયું અને નજરને નીચેની તરફ વાળી લીધી. દેવદાસ જાણતા હતા કે, પારોનું સ્થાન તેમના હ્રદયમાં જન્મોજન્મ માટે અંકિત થઈ ગયું છે. પારો તો દેવદાસ સાથે અનેક વાતો કરવા આવી હતી. પણ દેવદાસનું મુખારવિંદ જોતાં જ તે સઘળું ભૂલી ગઈ. તે દેવદાસને એક પણ વાત કહી ન શકી. બસ નજરોને નીચે કરી ફર્શ પર કંઈક દોરતી હોય એમ આંગળીઓ ફેરવી રહી હતી.
દેવદાસે એની તરફ જોયું. ‘શું વાત ચૌધરાઈન. કશું બોલી રહ્યા નથી? શરમ આવી રહી છે? મારાથી? ખરેખર પારો હવે શેઠાણી બની ગઈ છે.’ અને પછી દેવ જોરજોરથી હસ્યો. બાજુમાં જ પડેલો શરાબનો ગ્લાસ ઉઠાવ્યો અને પારો તરફ જોઈને કહ્યું,
‘પારો, આ શરાબ પણ કમબખ્ત ચીજ છે. એને ન પીઓ તો એ તમને તરસાવે છે અને પીઓ તો તમારી તરસ મટતી નથી. સાલો, આ શરાબ પણ પારો તારા જેવો લાગે છે…’ દેવદાસ હસતો જ રહ્યો.
‘પણ હવે શરમા-શરમી છોડો. શું વાત છે તે કહો. આપણે તો બાળપણથી જ સાથી છીએ. હા, એક ગરબડ જરૂર થઈ ગઈ. ક્રોધાવેશમાં તારા દિલમાં આવ્યું એ તે મને કહી દીધું અને મેં પણ તને કપાળ પર ડાઘ આપી દીધો. આહ… પારો, કેવા સોહામણા દિવસો હતા આપણા.’ આટલું કહીને દેવદાસે શરાબના પ્યાલાને એક જ શ્વાસે ખાલી કરી દીધો.
દેવદાસ બીજો પ્યાલો ભરી રહ્યો હતો. પણ પારોથી આ જોવાયું નહીં એટલે તે સફાળી બેઠી થઈ.
‘નહીં, દેવબાબુ... હવે વધુ નહીં. મને જોયા કરો. હવે શરાબ નહીં પીશો. શરાબને છોડી દો. આ સારી આદત નથી.’
‘શરાબ અને શબાબનો કોઈ મેળ જ નથી પારો. એ બંને આગ છે. શરાબ સાથે શબાબનું મિશ્રણ તો ભડકો થાય.’
‘હા, જોઈ રહી છું એ તો. કોઠાની સંગતમાં દેવદાસની મતિ મરી ગઈ છે. જિંદગી અને તેનાં આનંદની તેને કંઈ પડી નથી. નજર ઉઠાવીને જોશો તો આ જગત પણ ખૂબસૂરત લાગશે. રહી વાત ભડકો થવાની? તો ભડકો ભલે ને થાય, પણ શરાબ ન પીઓ. હાલત તો જુઓ તમારી. શું થઈ ગયું છે? મારી જુદાઈ સહન નથી થતી તો છોડી જ કેમ?’
‘કોણ કમબખ્ત પારોને છોડવા માગે છે? અહીં તો પારો શરાબને છોડવાનું કહે છે, માતાએ પારોને છોડવાનું કહ્યું. હવે શરાબ કહી રહી છે કે જિંદગી જ છોડી દે. બોલ પારો શું કરું? શરાબ, જિંદગી, પારો, માતા, કોઠો, ચંદ્રમુખી… કોનું સાંભળું? બાકી તો પારો જ પારો છે કણકણમાં, નસનસમાં.’ દેવદાસે જોરથી હિસાબની ચોપડી જમીન પર પટકી. ‘શું કરું આ પાગલ દિલનું…?’ થોડું અટકીને.
‘શરાબને છોડી દઉં? પણ એ વાતનો કોઈ અર્થ નથી. પારો… હવે તું પારકી થઈ ગઈ છો. મારા માટે વર્જ્ય બની ગઈ છો. અઠંગ ચૌધરાઈન લાગે છે હવે તો તું!’ દેવદાસે ફરી હાસ્ય વેર્યું.
‘દેવબાબુ…’ વારંવાર ટોણા મારવાની ટેવ હજુય ગઈ નથી. હું તો તમને સમજાવવા આવી છું કે, ‘હવે શરાબ પીવાનું બંધ કરી દો.’
‘દેવબાબુ… પારોનાં પ્રેમ પર વિશ્વાસ છે ને? પારો મનથી આજે પણ તમારી જ છે. પારોને પ્રેમનો વરસાદ મળ્યો નથી. કોઈ અવસાદ મળ્યો નથી. ધીકતા રણના તડકામાં જાણે કંઈ કેટલીય સદીઓની વિરહ અગ્નિ છે.’
‘એટલે જ તો કહું છું પારો. મને તારું પ્રતિબિંબ જ જોઈએ. મારા પર એક ઉપકાર કર, તારા ગામમાં કોઈ તારી સરીખી કન્યા હોય તો મારા માટે શોધી રાખજે. જો તું હોત તો આ હવેલીનો બધો કારભાર તને જ સોંપી દેત! ભાઈને તો તું ઓળખે જ છે. પિતાના નિધન બાદ માતાની હાલતથી કેવી છે એનાથી પણ તું વાકેફ છે. અને ભાભીને તો તું જાણે જ છે. મારું… મારું કોઈ ઠેકાણું નથી. તું હોત તો વાત જુદી જ હોત.’
‘દેવબાબુ, આજે પણ પારો તો તમારી જ છે. માત્ર તમારા મનથી ઉતરી ગઈ હોઉં એવું લાગે છે. મારી સરીખી કોઈ નથી અને હશે તો હું ઈચ્છીશ કે એનો પ્રેમ દેવદાસ જ હોવો જોઈએ. કોઠા પર રાતો વીતાવનાર દેવદાસ હવે શરાબમાં પારોને શોધે છે?’
‘અરે પગલી, કેટલીવાર કહું તને. હું તો કોઠા પર મનની મોજ માણવા નહીં પણ મનને મૂર્ખ બનાવવા જાઉં છું. પારો તો સદૈવ મારી સાથે જ છે અને રહેશે.’
એવામાં દેવદાસને કંઈક સૂઝયું અને તેણે પારોને પોતાના ઓરડાની બહાર ચાલી જવા કહ્યું. શરાબ પીને મદમસ્ત બનેલા દેવને પોતાને ભાન ન હતું કે એ શું બોલી રહ્યો છે. એના મનમાં જાતજાતના તરંગો ઉઠતા હતા. દેવે કંઈક વિચિત્ર કડકાઈથી પારોને કહ્યું,
‘જા, પારો કમાડ ખોલી નાખ. રાત વીતી રહી છે. તને મોડું થશે. આ હલકટ ગામ લોકો પછી અર્થનો અનર્થ કરશે.’
દેવદાસની વાત માનીને પારોએ દરવાજા ભણી પગ ઉપાડ્યા. જોકે દેવદાસને પોતાની વાતનો પસ્તાવો થયો. એણે તો પારો સાથે વધુ સમય વીતાવવો હતો. દેવદાસને ટીસ ઉપડી. પારોને જવાનું ખોટું કહેવાઈ ગયું. પારોને બહાર જતી જોઈને દેવદાસ બેચેન બની ગયો.
દરવાજા તરફ જતી પારોની સાડીનો પાલવ ફર્શ પર લબડી રહ્યો હતો. દેવદાસે એનાં પાલવને હળવેકથી પકડી લીધો. પારોએ પાછા વળીને જોયું. દેવદાસની શરાબી આંખોમાં રમત હતી. પારોને થયું તે પણ આજે દેવદાસ પાસે જ રહે. પણ એની મર્યાદાની પણ એક હદ હતી. દેવદાસ માટે પણ પારોને આમ જતી જોઈ વિકટ હતું.
‘પારો...’
‘દેવ.’ પારો પાછી ફરી. તેણે દેવદાસ તરફ જોયું. પારોના પાલવને જોરથી ખેંચીને દેવદાસ બોલ્યો,
‘પારો... આજની રાત રોકાઈ જા. કોણ જાણે ફરી આવી રાત આવશે કે નહીં.’
પારો સ્થિતપ્રજ્ઞની અવસ્થામાં ઊભી રહી ગઈ. શું કરવું અને શું ન કરવું એની તે અવઢવ અનુભવી રહી હતી. આજે તેના મન અને હ્રદય વચ્ચે યુદ્ધ જામ્યું હતું. એનું મન એને ઘરે જવા માટે કહી રહ્યું હતું પણ દિલ તો દેવની પાસે જ રહી જવા કરગરતું હતું.’
(ક્રમશ: )
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર