પૂર્ણ મિલન તરફ પ્રયાણ

21 Nov, 2015
12:30 AM

સૈયદ શકીલ

PC:

ઠાકોર ભૂવન ચૌધરીની હવેલીમાં ઊહાપોહ મચી ગયો. એક પછી એક રહસ્યોદ્ઘાટન થઈ રહ્યા હતા. પારો અને દેવદાસનાં પ્રણ્ય-પ્રેમની ગાથા ઉજાગર થઈ રહી હતી. કાલીદાસ જેવા નપાવટનાં મુખેથી સત્ય હકીકત સાંભળી સૌ કોઈ અવાચક હતા. હવેલીમાં ગામનાં પંચો સહિત અનેક મહાનુભાવોની હાજરી હતી. રાજશેખર હજુ હવેલી પહોંચ્યો ન હતો. રાજશેખરને તેડી લાવવા સેવકરામને પારોનાં કહેવાથી જ ચંદ્રમુખીએ ચાલ તરફ રવાના કર્યો હતો. રાજશેખરને અંગ્રેજ પોલીસ પકડી ગઈ છે એવી આશંકા હતી. શંકાનાં નિવારણનું કામ સેવકરામનાં માથે આવ્યું.

પારો ખરેખર દેવદાસનાં સંતાનની માતા બની રહી છે એ સાંભળીને હાથીપોતા જ નહીં દુર-દુરનાં ગામોથી આવેલાં અમીર, પંચો-સરપંચો, ઉમરાવ અને મહાજનો મોં વકાસીને જોતાં જ રહી ગયા. આ કોઈ નાની સૂની વાત ન હતી. આમ તો પારો ઠાકોર ભૂવન ચૌધરીની વિધવા હતી પછી દેવદાસનાં સંતાનની માતા બની રહી છે એ વાત સમાજ અને પંચાયત માટે જઘન્ય અપરાધ હતી. પંચો પણ પૂજામાં સામેલ હતા. શ્યામદાસે નિમંત્રણ આપવામાં કોઈ છોછ રાખ્યો ન હતો. પારાનું ગર્ભવતી હોવાને સમાજ માટે હિણપત તરીકે જોનારા અનેક લોકો હવેલીમાં હાજર હતા.

ચંદ્રમુખી અને પારો એકીટશે બધાનાં ચહેરા જોઈ રહ્યા હતા. કોઈનાં ચહેરા પર ગ્લાનિનો ભાવ હતો તો કોઈ સંપૂર્ણ ધૃણાથી જોઈ રહ્યો હતો. ચંદ્રમુખીને મામલો સમજતા વાર ન લાગી. તેણે તરત જ મોરચો સંભાળી લીધો.
ચંદ્રમુખીએ ભરાવદાર અવાજમાં બોલવાનું શરૂ કર્યું.

અહીં ઉપસ્થિત સમાજનાં મહાનુભાવોનાં મનમાં શું ચાલી રહ્યું છે? સમાજનાં બની બેઠેલા ઠેકેદારો રીસ કાઢવા દેવદાસ અને પારોનાં પ્રેમ પર કાદવ ઉછાળશે, વગોવશે. મને એની ચિંતા નથી. પણ ખુશી એ વાતની છે કે કાલીબાબુની કાળી જીભે પહેલીવાર

કોઈ ભલાનું કામ કર્યું છે. કેમ બરાબરને કાલી બાબુ?

તમે બધા એમ વિચારતા હશો કે પારોએ મોં કાળું કર્યુ છે. પાપી છે. પારોને સજા તો મળવી જ જોઈએ. કેમ? બરાબરને? તો આપો પારોને સજા..કોની રાહ જુઓ છો? પણ એક વાત યાદ રાખજો..પારોને સજા આપતા પહેલા પોતાના ચહેરાને અરીસામાં જોઈ લેજો. ક્યાંકને ક્યાંક કોઈક પારો સાથે અધટિત જરૂર કર્યું જ હશે...

એઈ..ચંદ્રમુખી...બહુ સુફિયાણી વાતો ન કર. ખબર છે અમને તારો કુળ અને આ પારોનો પણ કુળ...આવી નિર્લજ્જ બાઈઓ સમાજ માટે કલંક છે..કલંક...દ્વિજદાસે રાતાચોળ થઈને કહ્યું.

દ્વિજ બાબુ..મને તો એવું હતું કે કાલીદાસનાં મુખે સત્ય સાંભળી તમારું હૃદય પિગળી ગયુ હશે અને દેવબાબુનાં સંતાનની સ્વીકૃતિ કરશો..પણ તમે તો રહ્યા નઠારા માન-મર્યાદાનાં બનાવટી આવરણો ધારણ કરનારા...જરા, ભીતરમાં ડોકીયું કરશો તો માલૂમ પડશે કે ખરેખર તમારું દિલ દેવબાબુનાં સંતાનનો ઈન્કાર કરી રહ્યો છે? જરા પૂછો તો ખરા તમારા દિલને?

ભલા કોઈ સ્ત્રી શા માટે આમ જાહેરમાં પોતાની અને જે હજુ આ દુનિયામાં આવ્યો નથી તેવા સંતાનનાં હક-અધિકાર માટે લડતી હશે? હું બધાને પૂછવા માંગુ છું કે પારોએ પાપ કર્યું હોય તો તેને પથ્થરોથી ટીંચીને મારી નાંખો...આટલું કહેતા-કહેતા ચંદ્રમુખી રડમસ થઈ ગઈ..

કાલીદાસ ઝડપભેર  ચંદ્રમુખી પાસે આવ્યો. ચંદ્રમુખી પર હાથ ઉગામવા ગયો. સેવકરામ સાથે હવેલીમાં પ્રવેશી રહેલા રાજશેખરે આ દૃશ્ય જોયું. તે વિજળીક ગતિએ કાલીદાસ પાસે પહોંચી ગયો. તેણે કાલીદાસનો હાથ પકડી લીધો. રાજશેખરે કાલીદાસે બરાબરનો આડે હાથે લીધો. તેણે કાલીદાસનો હાથ મરોડી નાંખ્યો. બન્ને વચ્ચે બાથમબાથી ચાલી. રાજશેખરે આંટી મારીને કાલીદાસને ભોંયભૂ કરી દીધો. જો ચુન્નીલાલ વચ્ચે પડ્યો ન હોત તો રાજશેખરે કાલીદાસનાં પ્રાણ હણી લીધા હોત. ચંદ્રમુખીએ કાલીદાસની કમીઝને જોરથી ખેંચતા બોલી. કાલીદાસ અધમૂવી હાલતમાં હતો. તે ચકરડી ખાતા પડી ગયો.

ના..કાલીબાબુ..ના...આજે આવી કોઈ હરકત ન કરતાં...નહિંતર પ્રાણની રક્ષા કરવાનો સમય આવી જશે...ચંદ્રમુખીએ કાલીદાસને જોરથી હડસેલી દીધો. પારોને બાવડેથી ઉંચકવાનો પ્રયાસ કરી કહ્યું.

ચાલ..પારો..આ નિષ્ઠુર સમાજ અને તેના રખેવાળો તને શો ન્યાય આપશે..

ના..ચંદા..આજે રોક નહીં. એવું લાગે છે કે કંઈ કેટલાય યુગોથી હું તો અકલ્પ્ય વેદનાનો ભાર લઈ ચાલી રહી છું. ભીતરની ભીની લાગણીઓ પર ઉધઈ જામી ગઈ લાગે છે. કોઈ આરો-કિનારો દેખાતો નથી.હવે હું ખૂબ થાકી છું. મારે દેવ પાસે જવું છે...હવે હું દેવ વિના જીવવા નથી માંગતી.

રહી વાત..આ સમાજની..પંચોની પંચાયતની કે પછી દેવનાં પરિવારની...મને હવે કોઈ હરખ-શોક નથી કે મારા સંતાનને દેવનું નામ મળશે કે નહીં. મારે તો બસ સ્વીકૃતિ જોઈતી હતી. તે હવે પુરી થઈ છે. કાલીબાબુ..તમારો આભાર કે ભરી સભામાં તમે સત્ય વચન કહ્યા.

તે થોડી અટકી..દ્વિજદાસ અને કૌશલ્યાદેવી તરફ ફરીને બોલી..

દ્વિજદાદા...માતાજી...હું તમારી ગુનેગાર પણ તે પહેલાં તો દેવની ગુનેગાર છું કે તે મારા પ્રેમમાં પડ્યો. મને માફ કરજો. હું તો પાપણ છું..દેવને ચાહ્યા છે અને ચાહતી રહીશ. તમે સ્વીકારો કે ન સ્વીકારો..આ સમાજ અને પંચો સ્વીકારે કે ન સ્વીકારે..હકીકત છે કે દેવ મારા છે અને સદા મારો રહેશે. મેં તો દેવદાસને પ્રેમ કર્યો છે કોઈ ખેલ નહીં. મારો પ્રેમ શૂધ્ધ છે, અણીશુધ્ધ છે. હું તો દેવને સમર્પિત છું અને યુગો-યુગો સુધી રહીશ.

તમે પણ એક મા છો...મને ખબર છે કે તમે બહુ ખુશ છો કે દેવનું સંતાન આવી રહ્યું છે. પરંતુ સમાજનાં બંધનો તમારી આડે આવી રહ્યા છે. મને તેનો પણ રંજ નથી માતાજી...બસ એક વખત દેવ ખાતર મને ગળે લગાડશો તો મારું આ ભવ સુધરી જશે...

પારોએ પોતાના બન્ને હાથ પહોળા કર્યા. કૌશલ્યાદેવી પોતાની જાત પર સંયમ રાખી શકયા નહીં. દેવને ખાતર તો કૌશલ્યાદેવી બધું કરી રહ્યા હતા. કૌશલ્યાદેવીએ પારોને બાથમાં જકડી લીધી. ચોધાર આંસુએ બન્ને રડી પડ્યા. દ્વિજદાસની આંખો પણ ઉભરાઈ ગઈ. ધર્મદાસ ભગવાનનો પાડ માની રહ્યો હતો તો સૌજન્યા મરક-મરક હરખાઈ રહી હતી.

માતાજી..કહીને પારોએ કંઈ કેટલીય વાર સુધી કૌશલ્યાદેવીને બાહમાં ભીડી રાખ્યા. પારોને એવું લાગ્યું કે દેવદાસ પણ સ્મિત વેરી રહ્યો છે. પાંપણો પર છલકાયેલા અશ્રુ બિંદુઓની આર પાર તેણે જોયું કે દેવદાસ પણ કૌશલ્યાદેવી અને પારોનાં સંયોગને વધાવી રહ્યો હતો. પારોને ભાસ થયો કે દેવે બન્નેને પોતાની બાથમાં લઈ લીધા.

અચાનક પારોએ રાડ પાડી.

દેવ....

કૌશલ્યાદેવીએ હળવેથી અલગ થઈ પારો તરફ જોયું. પારો બાંવરી બની ગઈ હતી. તે દેવ..દેવ કહીને વારંવાર રાડ પાડી રહી હતી. ચંદ્રમુખીએ પારોનાં માથે હાથ પ્રસરાવ્યો. તેણે ધીમા સાદે કહ્યું.

પારો...

ચંદા, દેવ અહીંયા જ હતો. મને હમણા દેખાયા. રૂપાલી પણ તેની સમીપ આવી.

પારો...રૂપાલીએ રડમસસ સ્વરે કહ્યું.

રૂપા...તને તો ખબર જ છે દેવ મને આવીને હેરાન કરે છે....એ અહીંયા જ હતો. ક્યાં ગયો?

પારો...પારો...શાંત થા..દેવ તો...આગળ ચંદાની જીભ ન ઉપડી. તે ચૂપ થઈ ગઈ.

આકળ-વિકળ નેત્રોથી પારો બધાને તાકી રહી હતી. ઉપસ્થિત મહેમાનો અને પંચોથી લઈ બધા સડ઼ક હતા. કૌશલ્યાદેવી પણ આંસુ સારી પારોને મમતાની સાંત્વના આપી રહ્યા હતા. પણ પારો પર કંઈક અલગ જ કેફિયતનો સિલસિલો ચાલી રહ્યો હતો. સાડીનાં પાલવથી ચંદ્રમુખી તેનો ચહેરો સાફ કરી રહી હતી.

સાડીનો પાલવ જોરથી છોડાવી પારો એકદમ હવેલીની બહારની તરફ દોડી ગઈ. દોડતી વખતે ભાનુ સામે ભટકાયો.

પારોમા..કહી તે પણ દોડયો. પરંતુ પારો તો દેવને ઝંખી રહી હતી. ભાનુ પણ દોડવા લાગ્યો. ચંદ્રમુખી, રૂપાલી, રાજશેખર,ચુન્નીલાલે પણ પારોની પાછળ દોડ લગાવી. દ્વિજદાસ અને કૌશલ્યાદેવી પણ પરાણે-પરાણે બધાની પાછળ-પાછળ ઝડપી ચાલે ચાલવા લાગ્યા. પારોને અટકાવવાના પ્રયાસો નાકામ રહ્યા. દોડતી પારોને તકલીફ થઈ રહી હતી પણ તે દોડી. ફરીવાર પારો ઠાકોર ભુવન ચૌધરીની હવેલીમાંથી બહારની તરફ ભાગી હતી. આ વખતે દેવદાસને અલવિદા કહેવા નહીં પણ અધુરા મિલનને પૂર્ણ કરવા માટે...     ( ક્રમશ:)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.