ચંદ્રમુખીનો વિયોગી મુજરો

07 Nov, 2015
12:01 AM

સૈયદ શકીલ

PC:

સૂરજ પર હજુ રાત્રીની ધૂળ બાઝી ન હતી. સાંજની સોડ તાણીને સૂરજ શાતા મેળવી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ નસીબમાં જ્યાં સળગવાનું જ હોય ત્યાં વળી સવાર શું? બપોર શું અને સાંજ શું? સૂરજનાં ભાગ્યમાં સળગતા રહેવાનું જ લખાયેલું છે. અનાદિકાળથી સૂરજ સળગી રહ્યો છે અને હજીય આવનારા અનેક કાળો સુધી એ સળગ્યા કરશે. પારો પાસે પણ એક આગ હતી. પારો જે આગમાં સળગી રહી હતી તે આગ હતી પ્રેમ વિરહની. કદાચ કોઈનાં પણ નસીબમાં આવી રીતે વિરાહાગ્નિમાં સળગવાનું લખાયું નહીં હોય.

ઠાકોર ભુવન ચૌધરીની હવેલીમાં પ્રવેશતાં જ પારોનું દિલ ઘ્રાસ્કા અનુભવી રહ્યું હતું. ઠાકોર ભુવન ચૌધરીના નિધન બાદ કાલીદાસની હરકત અને હવેલીમાં તે રાત્રીએ ઘટેલી ઘટના માનસપટલ પર તાજી થતાં જ તે આઘીપાછી થઈ. પણ તેનામાં એક હિંમત હતી, એક હોંસલો હતો, દેવદાસનાં સંતાનને પિતાનું નામ આપવાનું અને પ્રેમની અંતિમ નિશાનીનું જતન-સંવર્ધન કરવાનો. પારોને હવે બીજી કોઈ અપેક્ષા રહી ન હતી જીવનથી.

તે છાનીમાની રસોઈઘરમાં આવી પહોંચી. ભાનુને તેણે કાનમાં કહ્યું કે દીકરા કોઈને કશું પણ કહેતો નહીં. રસોઈઘરમાં આવીને પારોએ ચહેરો ઢાંકી લીધો. બે-એક જણાએ પૂછયું કે, ‘આ કોણ છે તો રૂપાલીએ મધ્યસ્થી કરીને કહ્યું કે, શ્યામબાબુએ બોલાવ્યા છે રસોઈઘરમાં કામ કરવા માટે.’ આ પ્રશ્ન બાદ પારો અંગે કોઈને કશું પણ પૂછવાનો મોકો ન મળ્યો. બધા પૂજાની તૈયારીમાં તલ્લીન હતા.પારો અને રૂપાલીએ લોટ દળવાનું શરૂ કર્યુ. રસોઈઘર સુધી આવ્યા બાદ પારોએ ભાનુને પૂજાવિધિમાં જવાનું કહ્યું. ભાનુએ તેનું કહ્યું માન્યું.

પૂજાવિધિમાં આમંત્રિતોનો જમાવડો હતો. પૂજા માટે ચંદ્રમુખી સુસજ્જ હતી. કોઠાની પૂણ્યશાળી માટી લઈને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા. ચુન્નીલાલ અને સેવકરામ પણ આરતીમાં જોડાયા. હવેલીમાં દુર્ગા માતાની ભક્તિમાં હર કોઈ લીન હતા. હવેલીનાં દ્વારે ઊભેલા શ્યામદાસે જોયું કે લોકોનો એક કાફલો વડના ઝાડ પાસે આવી પહોંચ્યો હતો. બ્રાહ્મણ સહિત મહિલાઓ અને પુરુષો વડની ફરતે ગોઠવાઈ ગયા. કુતૂહલતાવશ શ્યામદાસે નોકરને મોકલ્યો કે, ‘જાણી લાવ કે વડ પાસે શું થઈ રહ્યું છે?’ નોકરે શ્યામદાસની આજ્ઞાનું પાલન કર્યું.

ઉછળતો- કૂદતો ભાનુ ફરી શ્યામદાસ પાસે આવ્યો. તેણે પણ બાળસહજભાવે પૂછયું, ‘દાદા... શું થઈ રહ્યું છે?’

‘નાનકા, હું પણ એ જ જાણવાની કોશિશ કરી રહ્યો છું કે વડ પાસે શું બની રહ્યું છે?’

એટલીવારમાં નોકર શ્યામદાસ પાસે આવ્યો. તેણે ખબર આપી કે કોઈ તાલસોનાપુરવાળા છે અને વડ પાસે મહિનાઓ પહેલાં મૃત્યુ પામેલા દેવદાસ નામના માણસની મોક્ષ પ્રાર્થના કરવા આવ્યા છે.

શ્યામદાસે પિતા ઠાકોર ભુવન ચૌધરીનાં મુખેથી દેવદાસનાં પરિવાર વિશે સાંભળ્યું હતું. ખોળામાંથી ભાનુને નીચે ઉતારી શ્યામદાસ વડ પાસે પહોંચ્યો. દેવદાસનું નામ સાંભળી ભાનુ પારોને સંદેશો પહોંચાડવા દોડ્યો.

‘પ્રણામ...’ કૌશલ્યદેવી સામે પહોંચીને શ્યામદાસે કહ્યું. દ્વિજદાસે ત્રાંસી આંખે તેની તરફ જોયું.

‘અમી શ્યામદાસ... ઠાકોર ભુવન ચૌધરીનો પુત્ર છું. આપ સૌ હાથીપોતામાં આવ્યા છો. અને દુર્ગા પૂજાનો અવસર છે તો મારી ઈચ્છા છે કે આપ સૌ અમારી સાથે પૂજામાં જોડાઓ... વીતેલી વાતો વિસરીને નવો અધ્યાય શરૂ કરીએ. કોઈકને કોઈક રીતે આપણા બન્ને પરિવારો એક સાંકળથી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા જ છે...’

‘હરગીજ નહીં... અમે ફક્ત દેવ માટે અહીંયા આવ્યા છીએ.’

‘દાદા... દુર્ગા પૂજાથી મુખ ન ફેરવાય. મારું તમને નિમંત્રણ છે આપ સૌ જોડાશો તો અમને આનંદ થશે.’

દ્વિજદાસે શ્યામદાસની વિનંતી તરફ આંખમિચામણાં કરવાનો પ્રયાસ કર્યો. પણ કૌશલ્યાદેવીએ તેનો હાથ પકડીને હકારમાં માથું ધુણાવ્યું. દ્વિજદાસે શ્યામદાસે કહ્યું.

‘ઠીક છે શ્યામબાબુ... આપની પૂજામાં જરૂર આવીશું. દુર્ગા માતાનાં આશીર્વાદ, કૃપા અને મહેર વરસશે.’

‘આભાર, હું આપ સૌની રાહ જોઉં છું અને હા, કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો કહેજો... ખંચકાટ વગર કહેજો દ્વિજબાબુ...’

‘શ્યામદાસ... તમારો પણ આભાર... આ દેવદાસનું કોઈ ઋણ છે, જે ઉતારવા માટે હાથીપોતા સુધી આવવું પડ્યું છે. જરૂર કોઈ ઋણ છે... અમે ચોક્કસ પૂજામાં સામેલ થશું.’ આટલી વાતચીત કર્યા બાદ શ્યામદાસ હવેલીમાં પાછો ફર્યો. અને દ્વિજદાસ અને કૌશલ્યાદેવી હવનમાં લાગ્યા.

ભાનુએ જ્યારે પારોને સંદેશો આપ્યો કે દેવદાસનાં ઘરવાળા પૂજા કરવા વડ પાસે છે તો પારોના હૃદયમાં એક તીણી ટીસ ઊઠી.

‘દેવ...’ કહીને તે ફસડાઈ પડી. સ્થિતિની નાજૂકાઈ જોઈ પારોનાં ચહેરા સામે રૂપાલી ઊભી રહી ગઈ. પારોને રસોઈઘરમાં કંઈ કેટલીય આંખો ટગર-ટગર તાકી રહી હતી.

રૂપાલીએ વાતને વાળતા કહ્યું, ‘કશું નહીં, આ તો પ્રસુતિની પીડા છે...’

પારો તરફ ફરીને તે બોલી, ‘પારો... શું કરે છે?’

‘રૂપા, મને વડ પાસે લઈ જા. મારે પણ હવનમાં જવું છે…’

‘આ શકય નથી પારો. ચંદ્રમુખીએ પોતાના જીવનું જોખમ ખેડીને આપણને અહીંયા સુધી પહોંચાડયા છે. કાલીદાસ કે એનાં માણસોને ખબર પડશે તો અનર્થ થઈ જશે.’

‘હવે શો ફરક પડે છે, અર્થ હોય કે અનર્થનો?’

રૂપાલીએ પારોનાં કપાળેથી પરસેવો લૂછતા કહ્યું, ‘ચંદ્રમુખીને આવી જવા દે. હમણાં કશું પણ કરવું નહીં.’

‘રૂપા, તને ખબર છે? દેવે... દેવે... મારી આ બાંહોમાં પ્રાણ ત્યાગી દીધા હતા અને હું નિષ્ઠુર એનાં માટે કશું કરી ન શકી. મારા જેવી અભાગણ જોઈ છે તેં? મારા દર્શનની અભિલાષામાં તેમનાં પ્રાણ અટક્યા હતા. આખી રાત તેમણે મારી એક ઝલક માટે કણસતા કાઢી... શું વીતી હશે મારા દેવ પર... અને હું હવેલીમાં મખમલી ચાદર પર હતી? છી, મને ધૃણા થાય છે મારી જાત પર...

રૂપા... હું દેવ પાસે જવા માગુ છું.’

રૂપાલીનાં ગળે પણ ડૂમો ભરાઈ ગયો. ‘પારો, હવે શાંત થા. પૂજા શરૂ થવાની તૈયારી છે. આ તો સારું થયું છે કે દેવદાસનો પરિવાર પણ હાથીપોતામાં છે. તારા સંતાનને પિતાનાં નામની ઓળખનો રસ્તો દુર્ગામાએ ખોલી આપ્યો છે. બસ, થોડી રાહ જો.’ માંડ-માંડ પારો શાંત થઈ.

ચંદ્રમુખીએ પૂજાનો આરંભ કર્યો. પૂણ્ય માટીને માતા દુર્ગાના ચરણોમાં અર્પિત કરી. આરતીનો પ્રારંભ થયો અને શ્યામદાસે જોયું કે કૌશલ્યાદેવી અને દ્વિજદાસ પણ હવેલી તરફ આવી રહ્યા હતા. તે બે ડગલા આગળ વધ્યો. કાલીદાસની નજર પડી અને તેનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ‘આ દ્વિજદાસ ક્યાંથી આવી ચઢ્યો? મારી પોલ ખોલી નાંખશે તો? પારોને કરેલી હેરાનગતિની વાત ખૂલ્લી કરી દેશે તો?’ કાલીદાસ આઘોપાછો થયો. પણ તે છટકી શકે તેવી હાલતમાં ન હતો. ત્યાં અડીખમ ઊભા રહેવું તેની મજબૂરી હતી.

આરતી પૂર્ણ થયા બાદ ચંદ્રમુખી પાસે આવી કાલીદાસે કહ્યું, ‘ચંદારાણી... વાયદો અધૂરો છે, પૂર્ણ કર્યા વગર જશો?’

‘ના…ના.. કાલીબાબુ...ચંદા વાયદો જ પૂર્ણ કરવા આવી છે. દેવદાસનો અને પારોનો. આજે તો મુજરો કર્યા વગર ચંદા જશે નહીં. એ પાક્કું છે...’

ચંદ્રમુખીએ સેવકરામને ઈશારતથી કહી દીધું કે મુજરાની તૈયારી કરે. સેવકરામે ચુન્નીલાલની સાથે મળી મુજરાની મહેફીલ સજાવી. મહિનાઓ પછી ચંદ્રમુખી નાચી અને એટલી ઝૂમીને નાચી કે જોનારાઓ મોંમાં આંગળા નાંખી ગયા.

ચંદ્રમુખીનાં તાલે-તાલે, તેની દરેક થિરક પર એક તલસાટ હતો. આક્રંદ હતો. વિયોગી નૃત્યનું પ્રતિબિંબ હતું. તેનાં અંગે-અંગેથી દેવ અને પારોનાં પ્રેમની ગાથા છલકાઈ રહી હતી. દેવદાસ પ્રત્યેની એની ચાહના ઉફાને ડોકાતી હતી. ચંદ્રમુખીએ મુજરો નહીં પણ વિયોગી નૃત્ય કર્યું હોવાનો ભાસ થઈ રહ્યો હતો. પ્રેમમાં ભાંગી પડેલી વિયોગણની અશ્રુભીની વાચા હતી. એક ખૂણામાં પારો અને બીજા ખૂણામાં કૌશલ્યાદેવી અને દ્વિજદાસ અને ત્રીજા ખૂણા પર હતો કાલીદાસનો કાળ.
(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.