7- પારોનું માતૃત્વ અને…

13 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

દિસો બા દિસો બા... પ્રેમરંગે દિસો બા...

મીરા સંગા, રાધા સંગા, કાના સાજે,
નવ સૂરજે નવ કિરને કમાડ ખોલે પ્રભાતમ.

પરોઢે સૂર્યની કિરણો રેલાય છે અને પહો ફૂટે છે. કોઈ મસ્ત-મૌલા ફકીર આ મજાનું ગીત ગાતો ચાલ્યો જાય છે. વરસાદી બુંદોને આખીય રાત પોતાના ખોળામાં લઈને લીલા પાંદડા ડાળખીની પથારી પરથી જાણે આળસ મરડીને જાગ્યા. પવનની આછેરી લહેરખીએ પાંદડાઓનાં ખોળામાં ઝીલાયેલી બુંદોને ઉછાળી તો એવું લાગ્યું કે કોઈએ હેત, વહાલ અને પ્રેમ રસનાં અમીછાંટણા કર્યા. આ સાથે જ પાર્વતી એક મદમસ્ત શબનમી અંગડાઈ લઈને બિસ્તરમાંથી બેઠી થઈ. તેને થયું કે આજે ઉઠવું જ નથી.

દેવદાસને મળવાની અનુભૂતિએ નવપલ્લવતા અર્પણ કરી હતી. તેના પર જાણે મધુરજનિનો કૈફ છવાયેલો હતો. એક અસીમ નિરવતા અને લખલૂંટ પ્રેમમાં તરબોળ રહેવાના ગુમાનમાં તે ગૂમ રહેવા માગતી હતી. મીઠા-મીઠા સ્પંદન, કંપન, આલિંગન અને ચુંબનના એક પછી એક થયેલા આરોહણને તે મમળાવી રહી હતી.

‘દેવ...’ કહી તે શરમાઈ ગઈ. ‘તુમી બોદમોશ.’ અરીસા સામે ઊભી રહી તે સ્વગત બોલી. ‘બહુ અંચઈઓ કરો છો. હવે જોજો બરાબર કરીશ તમને. બીજી વખત આવું કર્યું છે તો યાદ રાખજો, હું પણ હવે છોડીશ નહીં.’ અરીસામાં પોતાની કાયાને જોતાં તે સ્વ સાથે જ વાતો કરવા લાગી.

રૂપ અને સૌંદર્યમાં પાર્વતી કુદરતનો નાયાબ તોહફો જ હતી. ઠસોઠસ ચસચસતું જોબન તેને શણગારતું હતું. મુખારવિંદ પર ફરફરતા કેશકલાપ ઘેઘૂર ઘટાઓને પ્રતિબિંબિત કરતા હતા. સૌંદર્યની ભીતરેથી ઉઠતી કસ્તુરી સુગંઘ કોઈ મનમોહક મૃગનયનીની ઝાંખી કરાવતી હતી. હોઠો પર અવિરત રહેતી મીનાકારી સરાબોર કરી દેનારી હતી. ગાલોનાં મરમરી આરસપહાણ પર મહોબ્બતની કૃતિ કંડારાઈ હતી. ઉત્તુંગ વક્ષ સ્થળ અને લાવણ્યમય કમરબંધ પાર્વતીને અપસરાનો તાજ પહેરાવતા હતા. બસ, તેને થયું કે આ કાળ કદાપિ વીતે નહીં. સમય અહીં જ થંભી જાય.

‘ઓહ દેવ... કહી તેણે કાંડે અડધી તૂટેલી બંગડી પર નજર કરી. કાચની બંગડી તૂટી ગઈ હતી. ફરી તે સ્વગત બોલી, ‘આટલા બળથી કાંડાને મચકોડવાનો હોય? બોદમોશ. ફરીવાર મળ્યા તો બતાવીશ.’ તે અરીસામાં જોતી જાય અને સ્વગત બબડતી જાય. દેવદાસને મળવાનો તેને અપરંપાર આનંદ હતો.

‘બસ બસ માતાજી, હવે આમ અરીસા સામે જ ઊભા રહી સાજ-સજ્જા જ કર્યા કરશો? કે ઘરના આટલા બધા કામ બાકી છે એમાં પણ મદદ કરશો?’ મનોરમા ક્યારે આવી તેને ખબર જ ન પડી. અરે, હમણા તો તે સાસરે ગઈ હતી અને પાછી પણ આવી ગઈ. માંડ બે દિવસ સાસરે રહીને મનોરમા પાછી આવી તો પાર્વતીને થોડી નવાઈ પણ લાગી.

મનોરમાને જોઈ તે ઝટપટ સ્નાનગૃહ તરફ નીકળી પડી. કોઈ સવાલ-જવાબ વિના પાર્વતી ત્યાંથી નહાવા જતી રહી. મનોરમાનો અવાજ આવ્યો,

‘નવા વર્ષની તૈયારી કરવાની છે. બીજું કશું નહીં તો સાફ-સફાઈમાં મદદ કરજો. સાંભળો છો કે નહીં?’

પાર્વતીએ સ્નાનગૃહમાંથી જ હાનો ઉત્તર આપ્યો.

નવા વર્ષના વધામણા કરવા ઠાકોર ભૂવન ચૌધરીએ અનેક કોડ અને અરમાનો સાથે હવેલીને શણગારી હતી. તૈયારીઓમાં કોઈ કચાશ બાકી રાખવામાં આવી ન હતી. હવેલી પર પ્રકાશપૂંજના ઝુમખા, રંગોળીના મેઘધનુષી રંગોનું ચિત્રણ ઉપરાંત જાત-જાત અને ભાત-ભાતના ફૂલોથી હવેલીનાં પ્રાંગણને બાગમાં ફેરવી નાંખવામાં આવ્યું હતું.

હવેલીના આવા વાતાવરણને કારણે પાર્વતી પણ ખુશ હતી. બધું જ સમુંસૂતરું ચાલી રહ્યું હતું. ગામની મહિલાઓ સાથે પાર્વતી હસી-હસીને વાતો કરી રહી હતી. પણ ભૂવન ચૌધરી અને પાર્વતીને ક્યાં ખબર હતી કે હવેલીને ઝગમગાવતો પ્રકાશપૂંજ જ્વાળામુખીમાં તબદિલ થવાનો છે. હા, આ બધી ઝાકમઝોળ વચ્ચે હજુ પણ ચૌધરી કે ઘરવાળાઓએ પાર્વતી સાથે સીધા મોએ વાત ન હતી કરી. જિગરનું દર્દ જિગરમાં રાખીને હસતા ચહેરે પાર્વતી પણ ગામની મહિલાઓ સાથે મનને મનાવી રહી હતી.

પાર્વતીની નજર મેતરાણી પર પડી અને તેને ધ્રાસ્કો પેસી ગયો. મનમાં ફાળ પડી. તેના ધબકારા વધી ગયા. અધૂરામાં પૂરું પૌલોમીકાકી પણ સાથે હતા. તેના શરીરમાંથી કંપારી છૂટી ગઈ. તેને થયું કે મેતરાણી કે પૌલોમીકાકી કોઈ પણ જાતના વટાણા વેરે તે પહેલાં તે બંનેને વાળીને તે પોતાની સાથે લઈ લે. પણ નિયતીએ પાર્વતીનાં મનનું થવા દીધું નહીં. પાર્વતીએ મેતરાણી તરફ ડગ માંડ્યાં ત્યાં જ મનોરમાએ તેને અધવચ્ચે અટકાવી દીધી.

‘તુમી કિધોર? આંય કિધોર? રસોઈઘરમાં શું ચાલે છે એ જોઈ આવો અને આમ મટકવાની બહુ જરૂર નથી, સમજ્યા…?’ પાર્વતીને ઝાટકો લાગ્યો છતાં તેણે સ્મિત વેરી મનોરમાની વાતનો કોઈ જવાબ વાળ્યો નહીં. પાર્વતી મેતરાણીને જોતાં-જોતાં અનિચ્છાએ પરાણે રસોઈઘર તરફ જવા લાગી. તેને અકલ્પ્ય ગભરાટ હતો. આવી ગભરામણ તેણે આજદિન સુધી હવેલીમાં અનુભવી ન હતી.

થોડી જ ક્ષણો થઈ હશે ને ચૌધરીએ રસોઈઘરમાં પ્રવેશ કર્યો. ચૌધરીને જોતાં જ પાર્વતીને ફડક પેસી ગઈ. પાર્વતીનો હાથ પકડી ચૌધરીએ તેને પોતાના કમરા તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો.
પાર્વતી બોલી, ‘સ્વામી...’

‘ચૂપ રહો. બહુ થયું તમારું. આજે હવે ફેંસલો થઈ જ જશે. ચાલો મારી સાથે.’

‘પણ શું થયું એ તો કહો?’

‘હોહા કર્યા વગર કમરામાં ચાલો પાર્વતી. તેમાં જ તમારું ભલું છે. પાર્વતી ગાયની જેમ ઘસડાતી ગઈ અને મૂંગા મોઢે ચૌધરી સાથે ચાલી રહી. રસ્તામાં બેએક જણાએ પૂછ્યું તો તેણે ‘આવુ છું’નો ટૂંકો ઉત્તર આપ્યો. મેતરાણી તો છપ્પનભોગ પર તૂટી પડી હતી. તેણે દૂરથી જ ટોણો માર્યો, ‘પારો રાણી આજે તો ચૌધરીને છોડો.’

મેતરાણીને જરાય ભાન ન હતું કે તેણે ચૌધરીને એવી ખબર આપી છે કે, જેનાથી ચૌધરીની આંખમાંથી અંગારા વરસવા માંડ્યા હતા. કમરામાં પ્રવેશતાં જ ચૌધરી તાડૂક્યા...

‘પાર્વતી, મારા પ્રેમમાં શું ઓછપ હતી? કોની પાસે મોં કાળું કરીને આવ્યા છો તમે? મારી ઈજ્જતના ચીથરા ઉડાવવાની નોબત કેમ આવી? બોલો, પાર્વતી બોલો...’

‘મેં… મેં... શું કર્યું છે?’

‘શું કર્યું છે? મારી સાલસતા, ભલમનસાઈનો તમે ગેરફાયદો ઉઠાવ્યો છે. મેતરાણીએ મને બધું જ કહી દીધું છે અને કેટલાક દિવસોથી હું તમારા ફેરફારોને પણ જોઈ રહ્યો હતો. દાળમાં કાળું છે એવું મને ચોક્કસ લાગતું હતું પણ અહીં તો આખી દાળ જ કાળી છે.’

‘સ્વામી...’

‘મને સ્વામી ન કહે.’ ભૂવન ચૌધરીએ તુંકારેથી સંબોધન કરતાં જ પાર્વતીને થયું આજની શુભ ઘડીમાં નક્કી કશુંક અશુભ થવાનું છે.

ભૂવન ચૌધરીએ પળનોય વિલંબ કર્યા વગર પાર્વતીને સીધો જ સવાલ કર્યો.

‘બોલ પાર્વતી તારા પેટમાં કોનું સંતાન છે? મારું તો હરગીજ નથી. તો પછી કોનું પાપ લઈને મારા ઘરને અભડાવી રહી છે?’ ચૌધરીની વાત સાંભળી પાર્વતી સડક જ થઈ ગઈ. તે નીચે જોઈ ગઈ. કશું બોલી નહીં.

ચૌધરીએ બોલવાનું આગળ ચલાવ્યું, ‘નિર્લજ્જ, કુલટા, હરામખોર… તારા જેવી સ્ત્રીઓ પર ભરોસો રાખવો એ જ મોટું પાપ છે.’

ચૌધરીનાં છેલ્લા શબ્દો પાર્વતીને કારમો આઘાત આપી ગયા. તેની આંખમાં આ વખતે આંસુ નહીં પણ ચિનગારીઓ લપકારતી હતી. પાર્વતીએ ચૌધરી તરફ લાલચોળ નજરે જોઈને કહ્યું,

‘હું કુલટા, નિર્લજ્જ અને હરામખોર છું તો તેના માટે પણ તમે જ જવાબદાર છો. કોઈ સ્ત્રીને માત્ર ઘરની શોભા વધારવા માટે વિવાહના બંધને બાંધીને ઘરની ખીંટીએ ટીંગાડી દેવી એ ક્યાંનો ઈન્સાફ છે? મને સોનામહોરમાં જડીને એમ સમજો છો કે તમે તમારું કર્તવ્ય નિભાવ્યું. ના ચૌધરી સાહેબ ના… પાર્વતીને પણ ઘણા ઉમંગ હતા, સપના હતા, કોઈ ફૂલ તેની સોડમાં ખીલે તેની અભિપ્સા હતી. તો શું આ ગુનો કર્યો છે. જો આ ગુનો હોય, પાપ હોય તો મેં આ પાપ કર્યું છે. હું પણ પતિવ્રતા પત્ની બનવા માગતી હતી. ભારતીય નારી છું અને ભારતીય નારીની માન-મર્યાદાની રક્ષા મારા જેવી અનેક પાર્વતીઓ વર્ષોથી કરતી આવી છે. હું તો પ્રેમને માટે સદા તરસતી રહી છું.’

‘પાર્વતી, મર્યાદાને પાર કરી રહી છે તું. તને ખબર નથી આનો અંજામ શો આવશે. ચૌધરી છળકપટ કરનારાને કોઈ દિવસ માફ નથી આપતો.’

‘છળ અને કપટ? ચૌધરી સાહેબ, આ તો બાહ્ય આવરણમાં લપેટાયેલા ભદ્ર સમાજનો સદીઓથી ચાલી આવતો શિરસ્તો છે. કોઈ દિવસ તમે મને પત્નીરૂપે સ્વીકારી નથી. શું આ છળકપટ નથી? રહેવા દો ચૌધરી સાહેબ. દરેક આંગળીના કાપા એક સરખા નથી હોતા. મેં તો તમારી ચાકરી કરવામાં કોઈ કસર બાકી રાખી નહીં. બસ મેં તો ચાહ્યો હતો આ ઘરના એક ખૂણામાં આશરો હવે એ પણ છીનવાઈ જશે.’

પારોના સ્વરમાં હવે આજીજી ભળી હતી.

‘હા ચૌધરી સાહેબ, મેં કપટ કર્યું છે,મારી જાત સાથે.. છળ કર્યું છે, મારા દિલ સાથે...  મેં મારા દિલની વાત માની લીધી હોત તો પાર્વતી જૂતા અને ચંપલની જેમ ઘસાઈ ન હોત. મેં શું ખોટું કર્યું છે? બસ એક બુંદ પ્રેમરસ પીવાથી હું ગુનેગાર થઈ જતી હોઉં તો આવો ગુનો વારંવાર કરીશ.’

‘પાર્વતી... શું બકે છે તું? તને ભાન નથી. યાદ રાખજે મારી ઈજ્જત ગઈ તો તું પણ જીવિત નહીં રહે. ચૌધરી ખાનદાનની આબરૂની લિલામી હું હરગીજ નહીં થવા દઉં.’ ચૌધરી હાંફતા-હાંફતા જોરથી બોલી રહ્યા હતા. તારું સ્થાન જૂતા-ચંપલની નીચે નહીં પણ ઉકરડામાં હોવું જોઈએ. સાલી ગામની ઉતરણ મારા ઘરમાં હું જરાય સહન નહીં કરું તને સમજી કે નહીં?’

‘ચૌધરી સાહેબ, હું ઉતરણ હતી તો મારી સાથે વિવાહ કરવાનો ઈન્કાર કરી દેવાનો હતો. મને વિવાહિતા બનાવીને લાવ્યા તમે. બીજું એ કે સમાજની નજરમાં પાર્વતી ગુનેગાર હોઈ શકે છે પણ હકીકતમાં હું ગુનેગાર નથી. ગુનેગાર તમે છો અને ગુનેગાર આ સમાજ છે. દેવદાસને પ્રેમ કરવો ગુનો છે? જો હોય તો મેં એ ગુનો કર્યો છે. દેવદાસ સાથેની મારી ચાહનાને સમાજ પાપ સમજતું હોય તો ભલે સમજે. હું દેવદાસની હતી. છું અને રહીશ. મારા અને દેવદાસના પ્રેમની વચ્ચે કોઈ આડે આવશે તો પાર્વતીને ચંડીકાનું રૂપ ધારણ કરતાં કોઈ અટકાવી નહીં શકે.’

થોડું અટકીને પાર્વતી ફરી બોલી.

‘ચૌધરી સાહેબ, જાણવા માગો છો ને મારા ખોળામાં કોનું સંતાન ખીલી રહ્યું છે તો જાણી લો…’

પાર્વતી કંઈ બોલે તે પહેલાં જ ઠાકોર ભૂવન ચૌધરીએ પોતાના બંને હાથ હ્રદયના ભાગ પર મૂકી દીધા.

‘પાર્વતી...’ તે અચાનક બરાડી ઉઠ્યાં, ‘પાર્વતી...’

‘સાંભળો ચૌધરી સાહેબ…’ પાર્વતીની આંખે આંસુ હતા તો જીભે ક્રોધાવેશ હતો. ‘તમે જાણવા માગતા હતા ને મારી કુખે કોનું ફૂલ ખીલી રહ્યું છે? તો સાંભળો અને જાણી લો. મારી કુખમાં દેવદાસનું ફૂલ ખીલી રહ્યું છે.’

‘પાર્વતી…’ કહીને ચૌધરી તેના પર તૂટી પડ્યાં. પાર્વતીને તમ્મર આવી જાય એટલા જોરથી ચૌધરીએ પારોને તમાચો મારી દીધો. ચોધાર આંસુએ પાર્વતી રડી રહી હતી. ચૌધરી ઉઠવાનો પ્રયાસ કર્યો પણ તે ઊભા થઈ ન શક્યા.

‘પાર્વતી.... કલંકિની... નીકળી જા મારા ઘરમાંથી. મારે તારો પડછાયો પણ જોવો નથી. આ અવૈધ સંતાનને મારા ઘરમાં જન્મ આપે તે પહેલાં હું તને મારા બંધનમાંથી છૂટી કરું છું.’

‘ચૌધરી સાહેબ, કલંકિની તો એ કહેવાય કે જે મોઢું કાળું કરીને સમાજનાં ડરે ભાગતી ફરે છે. આ કોઈ અવૈધ સંતાન નથી. મારા અને દેવના પ્રેમની નિશાની છે. અને તમને કદાચ ખબર ન હોય તો કહી દંઉ કે, પુરાણોમાં રાજા દુષ્યંતની સાથે લગ્ન કર્યા વગર શકુંતલા તેમના સંતાનની માતા બની હતી.’

‘ઓહ...’ ચૌધરીએ રૂંધાતા શ્વાસે પણ બોલવાનું ચાલું રાખ્યું. ‘હવે છિનાળું કરનારી બાઈ અમને માન-મર્યાદા શીખવશે?’ ચૌધરીએ ફરી એક વાર પાર્વતીના બંને ગાલો પર તમાચા ચોંટાડી દીધા અને પોતે ફસડાઈ પડયા. તેઓ બબડતા રહ્યા, ‘ચાલ નીકળ કુલટા મારા ઘરમાંથી....’

પાર્વતીએ પળનો પણ વિલંબ કર્યા વિના રડતા રડતા પોતાના ઓરડા ભણી દોડ મૂકી. ચૌધરીનું શું થયું તેની પણ તેણે દરકાર રાખી નહીં. એવામાં કાલીદાસે પાર્વતીને રડતી જોઈ લીધી. પળનોય વિલંબ કર્યા વિના કાલીએ ચૌધરીના ઓરડા તરફ ડગ માંડ્યાં. ઓરડા પહોંચીને કાલીએ જોયું તો ઠાકોર ભૂવન ચૌધરી ફર્શ પર આડા પડેલા હતા.

આંખે છવાયેલા અંધારા વચ્ચે ચૌધરીએ તૂટક-તૂટક કહ્યું, ‘જમાઈ રાજા, મને વૈધજી પાસે લઈ જાઓ. જલદી કરો નહીં તો અનર્થ થઈ જશે.’

‘જલદી શું છે સસુરજી? તમારા પછી તો આ બધું જ મારું છે. ચિંતા ન કરો. બધા સારા વાના થશે. હું બોલાવી લાઉં છું.’ એમ કહીને કાલીદાસે કમરામાંથી નીકળી બારણાને બહારથી વાસી દીધું. તેણે પ્રાંગણમાં નજર કરી, બધા નવા વર્ષની ઉજવણીમાં મસ્ત હતા. બસ એક નીલકંઠ શાસ્ત્રીએ પૂછયું કે શેઠજી દેખાતા નથી? તો કાલીદાસે ચૌધરીનું બહાર ગયાનું બહાનું કાઢ્યું. તેઓ હમણાં આવશે એમ કહીને કાલીએ વાત ટાળી દીધી. શ્યામદાસ અને મનોરમા પાસે પણ કાલીદાસે આ જ વાત દોહરાવી અને ખિસ્સામાં મૂકેલી દારૂની બોટલ ખંધા હાસ્ય સાથે ટગટાવી ગયો.

વહેલી સવારે મનોરમા અને શ્યામદાસે કમરાનું બારણું ખોલીને જોયું તો ઠાકોર ભૂવન ચૌધરી અચેતન અવસ્થામાં ફર્શ પર પડ્યા  હતા. તેમનું શરીર ઠંડુગાર થઈ ગયું હતું. મનોરમાએ મરણપોક મૂકી અને આખી હવેલી દ્રવી ઉઠી. હવેલીની નવા વર્ષની ઉજવણી પળવારમાં માતમમાં પલટાઈ ગઈ હતી.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.