19-ચંદ્રમુખીની વીતેલી જિંદગીના ઉઝરડા
આમ તો લોકો એને ગણિકા, નગર વધુ કે તવાયફના નામથી જ બોલવાતા હતા.પરંતુ, તવાયફને પણ દિલ હોય છે. વળી પાછું એના દિલમાં શું ચાલતું હોય છે એ તો રામ જાણે! ચંદ્રમુખી નિ:શંકપણે તવાયફ હતી પણ એના પોતાના સિદ્ધાંત હતા. સોનાગાછીની આખીય મંડીમાં ચંદ્રમુખી જેવું સૌંદર્ય જડવું મુશ્કેલ હતું. મંડીમાં ચંદ્રમુખીનો મોભો હતો. કાલીદાસ જેવા કંઈ કેટલાય ભોગવિલાસીઓ તેને ભોગવવા લાળ ટપકાવતા હતા પણ ચંદ્રમુખી કોઈને ભાવ આપતી ન હતી. જોકે, એમાં ચુન્નીલાલની વાત જુદી હતી. ચુન્નીલાલને એ પોતાનો હમદર્દ માનતી હતી. એની સાથે ચંદા દિલ-મનની વાત કરી લેતી હતી. ચુન્નીલાલનો હસમુખા સ્વભાવ અને રમૂજથી ચંદ્રમુખીને થોડીઘણી ખુશી મળી જતી હતી.
જોકે ચંદ્રમુખી તવાયફોની આ દુનિયામાં પોતાની મરજીથી નહોતી આવી. એ પરાણે ઘસડાઈ હતી.
તે સમયે ચંદ્રમુખીની ઉંમર સાત-આઠ વર્ષની આસપાસ હતી. ત્યારે તેનું નામ ચંદ્રમુખી નહીં પણ તારીકા હતું. તેને ભણવાની તીવ્ર ઈચ્છા હતી. તેના પિતાનું દેહાંત થઈ ગયું હતું. પિતાના અવસાનને કારણે એકની એક દીકરી અને માતા નોંધારા બની ગયા હતા. ઘરનું ગુજરાન ચલાવવાના સાંસા પડી ગયા હતા. તેનું ભણતર છૂટી ગયું તો એની સાથે એનું બાળપણ પણ ગયું. પિતાના મૃત્યુ અને ઘરની આફતો વચ્ચે ઘેરાયેલી તેની માતા અર્થોપાર્જન કરે તો કેવી રીતે?
ચંદ્રમુખીને બરાબર યાદ હતો તે દિવસ.
ઘરના ચૂલા પર ખાલી હાંડી ચઢાવીને બીમાર મા બેઠી હતી અને તેને દિલાસો આપી રહી હતી કે હમણાં જમવાનું તૈયાર થઈ જશે. પિતાના નિધન બાદ માતા પણ પથારીવશ બની હતી. તારીકાને ભયંકર ભૂખ લાગી હતી. માતાથી દીકરીનો તલસાટ જીરવાતો ન હતો. તેની મમતા પણ ટટળી રહી હતી. કરે તો શું કરે? આખરે માતાની મમતાનો બંધ તૂટી ગયો. માએ તારીકાને ભીંસમાં લઈ જોરથી જકડી લીધી. તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. નાનકડી તારીકાએ કહ્યું, ‘મા ચિંતા ન કર. હું છું ને? હવેથી આપણે કદી ભૂખ્યા નહીં રહીશું.’ માનો પાલવ છોડી તારીકા શેરીમાં નીકળી. બાજુનાં ઘરમાં સંગીત માસ્ટર રહેતા હતા. તેમની સામે ભાણાની માગણી કરતા તેને રોટલી અને થોડી દાળ મળી ગઈ અને મા દીકરીએ થોડાં કોળિયા ગળે ઉતાર્યા.
બીજા દિવસે તારીકાએ ફરી પાડોશીઓ પાસે જમવાનું માગ્યું તો તેને ધુત્કારી દેવામાં આવી. નાનકડી તારીકા પર તેની વિપરીત અસર પડી. બે ટંક અન્ન માટે તે શેરીએ-શેરીએ ભટકવા લાગી. મંદિરનાં ઓટલા પર બેસીને ભીખ સુદ્ધાં માગવા લાગી. માતાની માંદગી અને એ બંનેની ભૂખ. આ બંને વચ્ચે એક ફૂલ ધૂળિયા રસ્તાઓ પર ભટકી રહ્યું હતું. તારીકાના સગા-સંબંધીઓ તો હતા ન હતા જેવાં જ હતા. એ નાનકડી જાને આમને આમ કંઈ કેટલાય દિવસો કાઢ્યા.
નાનપણથી જ તારીકા અત્યંત સ્વપરૂવાન હતી. પણ એની ગરીબી અને ફાટેલા વસ્ત્રોએ તારીકા જેવા ફૂલ પર મેલનું લીપણ કરી દીધું હતું. ગરીબનાં ચહેરા પરનો મેલ તેનું રક્ષણાત્મક કવચ બની જાય છે. તારીકાનાં રૂપને પણ મેલે એક આવરણ પ્રદાન કરી દીધું હતું.
...અને એક દિવસ તેની માતાએ પણ આખરી શ્વાસ લીધા. તારીકા અનાથ બની ગઈ. સહ્રદયી સંગીત માસ્ટરે તારીકાને પોતાની પાસે રાખી. સંગીત માસ્ટર જ એનાં જીવનની એક એવી કડી બન્યા, જેમના કારણે તેને સુખાનુભવનો ભાસ થયો. સંગીત સાથેનો તેનો નાતો બંધાયો. તે સંગીત માસ્ટરના ઘરનું કામકાજ કરી આપતી. બદલામાં તેને બે ટંકનું ભોજન મળી જતું હતું.
સંગીત માસ્ટરની પત્ની ગરમ મિજાજી હતી. તે તારીકાને હેરાન કર્યા કરતી. આમ તો તેને કોઈ સંતાન ન હતું પણ તારીકા સાથે તે અણછાજતું વર્તન કરતી. તારીકાની દસ વર્ષની ઉંમર થઈ અને સંગીત માસ્ટરની ગેરહાજરીમાં તેમના પત્નીએ તારીકાને ઘરની બહાર તગેડી મૂકી. સંગીત માસ્ટર બહારગામ ગયા હતા. તક ઝડપીને સંગીત માસ્ટરની પત્ની તારીકાને ઢોર માર મારી શેરીમાં ઘસડતી લઈ ગઈ. ગરીબનું કોઈ બેલી હોતું નથી તો તારીકા જેવી અનાથનું તો કોણ હોવાનું?
શિયાળાની એક બેહદ ઠંડી રાત હતી. એ રાત તારીકાએ ઠુઠવાતી કાઢી. તે ફુટપાથ પર એક ખૂણામાં ધ્રુજતી હાલતમાં પડી રહી. સવાર પડી ત્યારે તેને તાવ ચઢ્યો હતો. ભલું થાજો એ રાહગીરનું, જેણે તારીકાને તરફડતી જોઈ. એ અજાણ્યો રાહગીર તેને દવાખાને લઈ ગયો. પણ તારીકાને શું ખબર કે રાહગીરની હમદર્દી પણ એક છળ હતું. રાહગીરની આંગળી પકડીને એ ચાલ્યે ગઈ અને જોતજોતામાં એ આવી પહોંચી હતી સોનાગાછી!
સોનાગાછી એ જિસ્મનાં સોદાગરોની મંડીનું થાણું કહેવાતું હતું. અજાણ્યો રાહગીર તારીકાને સોનાગાછીમાં છોડી ગયો. તારીકાને શું ખબર કે આ એ જ સોનાગાછી છે, જે એક દિવસ તેને ચંદારાણીના નામથી બોલાવશે. સોનાગાછીમાં તે માયા મૌસીના આલિશાન કોઠામાં રહેવા લાગી. તેને તો એવું જ લાગ્યું કે, તે કોઈક અમીરનાં ઘરમાં આવી ગઈ. ત્યાંનો માહોલ જોઈને તે ખૂબ ખુશ હતી. ત્યાં તેની નાચ-ગાનની તાલીમ પણ શરૂ થઈ.
તારીકાને જોઈને માયા મૌસી કહેતી, ‘આ છોકરી કોઈ તારલો નથી પણ ચંદ્રમા છે.’ તારીકાનાં ચહેરા પર હાથ ફેરવતી તે બોલી,
‘હવેથી આનું નામ ચંદ્રમુખી છે ચંદ્રમુખી.’
તે દિવસે તારીકાના જીવનનો એક અધ્યાય પૂર્ણ થયો અને ચંદ્રમુખીના જીવનનો નવો અધ્યાય શરૂ થયો. તારીકાનો તો પરકાયા પ્રવેશ થયો જાણે! એક નવું નામ, એક નવી દુનિયા, એક નવી જિંદગી! યુવાનીમાં પગ મૂક્યો તો સોનાગાછીમાં ચંદ્રમુખીના નામનો ડંકો વાગવા માંડ્યો. ચંદ્રમુખી મંડીની દરેક હિલચાલને અનુભવી રહી હતી. તેના સ્વરમાં જાદુ હતો. સૂરોમાં દેવીનો વાસ હતો. એ જ્યારે ગાતી ત્યારે કોઠા તરફ અમીર-ઉમરાવોનાં ધાડેધાડા ઉમટી પડતા! ચંદ્રમુખીનાં યૌવનની સાથે તેના સુરીલા અવાજનો કરિશ્મા હતો.
દરેક રૂપજીવિનીનાં જીવનમાં બને એમ ચંદ્રમુખીની પણ નથ ઉતારવાનો સોદો થયો. માયા મૌસીએ ત્યારે ઉમરાવ પાસેથી તગડી રકમ લીધી હતી. એ ઉમરાવનું નામ હતું કિર્તનદાસ. કોઈ પણ તવાયફ કદી પણ પોતાના પહેલા ગ્રાહકને ભૂલતી નથી. ચંદ્રમુખીને પણ તે યાદ હતું. કિર્તનદાસનું દિલ ચંદ્રમુખી પર આવી ગયું હતું. રાત્રે સાજ શણગાર સાથે પાલખી આવી. કિર્તનદાસનાં નોકરો હતા. કિર્તનદાસ નજીકનાં ગામ થોરાવલીનો ઉમરાવ હતો. ચંદ્રમુખીના લાખ ઈન્કાર છતાં માયામૌસી અને તેના માણસોએ તેને બળજબરીપૂર્વક પાલખીમાં બેસાડી.
કિર્તનદાસની હવેલીએ પહોંચ્યા બાદ ચંદ્રમુખીને એક આલિશાન ખંડમાં શણાગારીને પલંગ પર બેસાડવામાં આવી હતી. રાતના પાછલા પહોરમાં શરાબના નશામાં ચકચૂર કિર્તનદાસ આવ્યો અને તે ચંદ્રમુખી સાથે છેડછાડ કરવા લાગ્યો. તેના અંગો ઉપાંગો સાથે રમવા લાગ્યો. ચંદ્રમુખીની ભીતરનું સ્ત્રીત્વ જાગી ઉઠ્યું. નશામાં ડૂબેલા કિર્તનદાસના માથા પર લાલટેનનો જોરથી પ્રહાર કરી ચંદ્રમુખી નાસી આવી હતી. આ કારણે બીજા દિવસે કિર્તનદાસે કોઠા પર આવીને ભારે બબાલ કરી હતી, જેના કારણે માયામૌસીએ ચંદ્રમુખીને માર મારીને અધમૂઈ કરી નાંખી હતી.
માયામૌસી બોલી રહી હતી કે, ‘ફુટપાથ પરથી ઉંચકીને અહીંયા નહીં લાવી હોત તો તું કેટલાય હવસખોરોનો શિકાર બની ગઈ હોત. કિર્તનદાસ જેવાં ઉમરાવ સાથે સૂવામાં તને શો વાંધો હતો? તગડી રકમ મળી હતી.’
‘મૌસી...’ ચંદ્રમુખીએ આંસુ સારતા કહ્યું, ‘તમારી સગી દીકરી હોત તો? હું ગવૈયણ છું મને ગવૈયણ જ રહેવા દો. બીજી વખત આવું થયું તો ચંદ્રમુખીનો મરેલો ચહેરો જોવો પડશે.’ આ ઘટના પછી કદી પણ ચંદ્રમુખીના શરીરનો સોદો કરવાથી માયા મૌસી મૃત્યુ સુધી દૂર જ રહી. તેને ચંદ્રમુખી પ્રત્યે અદમ્ય હેત હતું. માયા મૌસી મરતા-મરતા કહી ગઈ હતી કે, ‘ચંદા, ગળું સાથ આપે છે ત્યાં સુધી બધા સારાવાના છે. પણ વિચાર કર, જે દિવસે તારું ગળું સાથ નહીં આપે તે દિવસે પાપી પેટનો ખાડો પુરવા કૂવો પણ ઓછો પડશે.’
‘મૌસી… મારી ચિંતા છોડો. કૂવો નહીં પુરાય તો નદી પૂરી દઈશ અને નદી પણ નહી પુરાય તો દરિયે ઝંપલાવી દઈશ.’
માયામૌસીની આંખ મીંચાઈ ગયા બાદ ચંદ્રમુખી કોઠાની રાણી બની ગઈ. એક ગંધાતી ખોલીની તારીકા આજે સોનાગાછીના કોઠાની શાન હતી. ચારેકોર તેની બોલબાલા હતી. તેનાં કંઠથી ગીતો સાંભળવા અને તેનું નૃત્ય જોવા માટે માત્ર અમીર-ઉમરાવ નહીં પણ અંગ્રેજો પણ આવતા હતા. એક અંગ્રેજે નજર બગાડી હતી તો ચંદ્રમુખીએ તેને પણ આડે હાથે લઈ લીધો હતો.
વીસીની નજીક પહોંચેલી ચંદ્રમુખીનું દિલ દેવદાસને જોતાં જ તેનાં પર આવી ગયું હતું. કોઈ પણ પુરુષ માટે ચંદ્રમુખીને કદી તાલાવેલી રહેતી ન હતી. પણ દેવદાસ માટે ચંદ્રમુખી ઝુરતી રહેતી. દેવદાસને જાયા વગર તે કોઠા પર સંગીત સંધ્યા યોજતી ન હતી.
‘દેવબાબુ... તમારા સર્વ દુખ ચંદ્રમુખીને આપી દો. હું એમ સમજીશ કે આકાશમાં આજે ચંદ્ર ગ્રહણ થયું. બસ એક વાર દિલથી ચંદ્રમુખીને અપનાવી લો. જીવનમાં કંઈ કેટલાય પુરુષોએ લાલચો, ભેટ-સોગાદ અને કિંમતી વસ્તુઓ આપીને મને ભોગવવાનો પ્રયાસ કર્યો છે. પણ ચંદ્રમુખીને તમે ગમી ગયા છો દેવબાબુ…’ દેવદાસના શરીર સાથે પોતાના શરીરને ઓગાળતી હોય કેમ ચંદ્રમુખી મદહોશ થઈ બોલી રહી હતી. થોડીક ક્ષણો માટે તો દેવદાસ પણ ચંદ્રમુખીની જુલ્ફોની જાળમાં કેદ થઈ ગયો.
મદમસ્ત થઈ દેવદાસે કહ્યું, ‘ચંદ્રગ્રહણ તો ઠીક છે ચંદા. પણ, સૂર્યગ્રહણ થઈ ગયું તો? આગ સાથે રમવાનું છોડી દે. અરે હું તો કહું આ કોઠો જ છોડી દે.’
‘આગ સાથે રમવાની આદત પડી ગઈ છે દેવબાબુ. દાઝશો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે આગ શું છે? બસ એકવાર દેવબાબુ… એકવાર ચંદ્રમુખીનો સ્વીકાર કરો.’ ચંદ્રમુખીએ સાડીનાં પાલવને નીચેની તરફ સરકાવી દીધો. ચંદ્રમુખીનાં વક્ષસ્થળ અને શરીરમાંથી ઉઠી રહેલી ઊની-ઊની બાષ્પથી દેવદાસ કૈફી બની ગયો હતો.ચંદ્રમુખીની હથેલીઓ દેવદાસની હથેલીઓ સાથે તાદાત્મ્ય મેળવી રહી હતી.વાળોની ખુલ્લી લટો વચ્ચે દેવદાસ સંતૃપ્તિનો અહેસાસ કરી રહ્યો હતો. ચંદ્રમુખીએ દેવદાસનાં હોઠ પર હોઠ મૂકવા માથું નમાવ્યું. દેવદાસનાં મુખેથી એક જ નામ આવ્યું.
‘પારો…’
ચંદ્રમુખીએ સાડીનો પાલવ સરખો કરતાં કહ્યું, ‘ખરેખર દેવબાબુ, કશુંક તો અનોખું છે જ આ પારોમાં. નહીંતર આમ કોઈ સોળે કળાએ ખીલેલા ચંદ્રની સાથે ક્રૂરતા નહીં દાખવે.
‘તુમી કી જાનો? પારો તો પારો છે ચંદા... એના વગર દેવ નથી અને દેવ વગર પારો નથી. કદી પ્રેમ કરશે તો ખબર પડશે.’
તે સ્વગત બોલી, ‘દેવબાબુ... પ્રેમ નહીં કરવાની સજામાં જ તમે છો. બાકી આ ચંદ્રને તો ક્યારનુંય ગ્રહણ લાગી ગયું હોત. કદાચ તમારા માટે જ પ્રેમનો રસ અત્યાર સુધી ચાખ્યો ન હતો. હવે રસાસ્વાદની વેળાએ ખબર પડી કે તવાયફને પ્રેમ કરવાનો અધિકાર હોતો નથી.’
‘ચંદા’ નશામાં ચકચૂર દેવદાસ બોલ્યો, ‘ચંદા, જે દિવસે આ દિલમાંથી પારોનું નામ મટી જશે તે દિવસે દેવદાસ તારો. પણ શરત એ છે કે ચંદ્રમુખીએ પારો સરીખી તો બનવું જ પડશે.’
‘દેવબાબુ… પારો સરીખી તો ચંદા ક્યાંથી બનવાની? પણ તમારા પ્રેમ માટે તો ચંદા નોકરાણી પણ બનવા તૈયાર છે. હું તમારો આજીવન ઈન્તેજાર કરીશ.’
ચંદ્રમુખીએ જોયું તો દેવદાસ નિંદ્રામાં પોઢી ગયો હતો. તે દિવસ બાદ દેવદાસ સાથે મોકળા મને વાત કરવાનું બન્યું નહીં અને તે અસાધ્ય રોગમાં સપડાઈ ગયો.
દિવસો પછી દેવબાબુનાં નિધનનાં સમાચાર ચુન્નીલાલે આપ્યા ત્યારથી ચંદ્રમુખીએ કોઠા પર મહેફીલો બંધ કરી દીધી હતી.
પારોને જોઈને ચંદ્રમુખીની આંખ સામે જૂની વાતોનાં ઉઝરડાં ફરી તાજા થઈ ગયા. ઘસઘસાટ ઊંઘી રહેલી પારોને જોઈ ચંદ્રમુખી બોલી,
‘ખરેખર, આ ધરતી પર પ્રેમની કોઈ દાસ્તાન હોય તો પારો તું છે. દેવદાસ સાચું કહેતા હતા કે પ્રેમનું બીજું નામ પારો છે. ચંદ્રમુખી તો ચંદ્રની જેમ રોજ આવે છે અને પ્રાતઃકાળે અસ્ત થઈ જાય છે. પણ તારો પ્રેમ અમર છે પારો.’ સ્વગત આટલું કહી ચંદ્રમુખીએ ઊંડો નિસાસો નાંખ્યો. પારો તરફ નજર કરીને તે પોતાના કક્ષ ભણી જવા લાગી.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર