12- તાલસોનાપુરમાં પારો

18 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

વહેલી સવારે બળદગાડાની ધૂળથી ગામનું પાદર ધૂળિયું થઈ ગયું. બળદોનાં ગળામાં ખનખન કરતી ઘંટીઓનો ગુંજારવ પ્રભાતીય નૃત્યની ઝણઝણાટી જન્માવી રહ્યો હતો. ગામના કાચા રસ્તા પર ઠેર ઠેર ગોબર પડ્યું હતું. ઝાડીની પાછળ કુદરતી હાજત કરતા પુરુષો અને ખૂણો શોધતી મહિલાઓ દેખાઈ રહી હતી. કાચા રસ્તા પર બળદગાડું દોડ્યે જતું હતું. બળદગાડામાં એક તરફ પાર્વતી અને રૂપાલી બેઠા હતા તો બીજા કિનારે રાજશેખર બેઠો હતો.

પાર્વતીએ નજર દોડાવી તો તાલસોનાપુર આવી ગયું હતું. ગામમાં ગાડું પ્રવેશી ચૂક્યું હતું. બળદ હંકારતા માણસે જોરથી હાંક મારી અને બળદો એકસાથે ઊભા રહી ગયા. લગામ જોરથી તાણતા જ બળદગાડું બરાબર તાલસોનાપુરના દ્વાર પર આવીને અટકી ગયું. બળદગાડાનાં પૈંડા થંભી ગયા ત્યાં જ પાર્વતીનું દિલ પણ પળવાર માટે અટકી ગયું,

બળદગાડામાંથી ત્રણેય ઉતર્યા. ત્યાં જ પાછળથી કોઈએ બૂમ પાડી.

‘પારો....’

પાર્વતીએ ઝડપથી નજર ફેરવી પણ કોઈ દેખાયું નહીં. તેને થયું કે કોઈએ મશ્કરી કરી. તેણે બળદગાડાની ફરતે પણ લટાર મારી લીધી. કોઈ ન હતું. પાર્વતીને થયું કે તેને ભ્રમ થયો હશે. બળદગાડાની પાછળનાં ભાગેથી તે જરાક ખસી કે તેને ફરી અવાજ સંભળાયો,

‘પારો...’

પાર્વતીને તરત જ સમજાઈ ગયું કે આ અવાજ બીજા કોઈનો નહીં પણ દેવદાસનો છે. તેણે મોઢું મચકોડી પ્રેમાળભાવ ઉત્પન્ન કર્યા અને મીઠો છણકો કર્યો,

‘ભાલો આશો...’

‘દેવ... અહીં આવ્યા વગર ક્યાં છુટકો હતો. મારે દેવના પ્રેમની સ્વીકૃતિ મેળવવી છે. તોલસોનાપુરમાં નહીં તો આ સ્વીકૃતિ મને ક્યાં મળશે?’ પાર્વતીને સ્વગત વાત કરતા રૂપાલી તેની પાસે આવી.

‘બોનજી...’ રૂપાલીએ હાથની ઈશારતથી જ પૂછ્યું કે શું છે? કોની સાથે વાત કરો છો?

પાર્વતી ખાસિયાણી પડી ગઈ. પોતાના કપાળે એક ટપલી મારી મંદ હાસ્ય સાથે તે બોલી,

‘કંઈ નહીં રૂપાલ, બસ આમ જ. કશું નહીં. ચાલો.’ એટલીવારમાં રાજશેખર પણ આવી પહોંચ્યો.

‘શું ચાલી રહ્યું છે બંને સખીઓ વચ્ચે?’

‘કશું નહીં રાજબાબુ. કશું નહીં.’

‘તો પછી ક્યાં જવાનો ઈરાદો છે? હું તો તમને તમારી મંજિલ સુધી લઈ આવ્યો. મારું કામ પુરું થયું. હવે બોલો.’

‘રાજબાબુ, મારી માતાને મળ્યા વગર હું નહીં જવા દઉં તમને. તમારે મારા ઘરે આવવું પડશે. આવી રીતે થોડું જવાય?’

‘અરે, તમે તો ભાવુક થઈ ગયા. તમારા માતાને મળવાની તો મારી પણ ઈચ્છા છે. તો ઝટ ચાલો.’

રાજશેખર મનોમન બબડ્યો. ‘તાલસોનાપુર... તાલે તાલે સોનું કે પછી કે ફક્ત નામ જ છે તાલસોનાપુર?’

‘ચાલો રાજબાબુ.’ રૂપાલીએ બૂમ પાડી. રાજશેખર સફાળો ચાલવા લાગ્યો. ત્રણેય જઈ રહ્યા હતા પાર્વતીના માતા સુમિત્રા દેવીનાં ઘરે.

તાલસોનાપુરની ગલીઓમાં પ્રવેશતાં જ લાગ્યું કે ખરેખર આ ગામ તાલે તાલે સોના જેવું છે. જમીનદારી ઠાઠ દેખાતો હતો આ ગામમાં. ગામના ભવ્ય મકાનો આ વાતની ગવાહી આપતા હતા. રસ્તાઓ પર પથરાયેલી ગોરજની સોડમ પણ જાણે કંઈક અલૌકિક વિશ્વની ઝાંખીને પ્રતિબિંબિત કરતા હતા. ઠાકોરીપણાનો રૂઆબ જાણે તાલસોનાપુરનાં દરેક વૃક્ષો પર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.

રસ્તે ચાલતાં જ એક માણસે રાજશેખરને કોલરમાંથી ખેંચી લીધો.

‘શેખર...? કંઈ આ તરફ? શું ખબર છે? બધું સહી સલામત છે ને?’

રાજશેખરે કોલર છોડાવી કહ્યું, ‘આ શું કરો છો માનવનાથ?’

પાર્વતી અને રૂપાલી ચાલ્યે જઈ રહી હતી. બંનેને ખબર જ ન પડી કે પાછળ શું થઈ રહ્યું છે.

‘માનવ, તુમી કી કરતોય? અન્ય કામ માટે આવ્યો છું. વાસુબાબુના શા ખબર છે?’

‘શેખર, વાસુબાબુને પોલીસ શોધી રહી છે. પોલીસે તારી ધરપકડ કરી ત્યારે વાસુબાબુને ચિંતા થઈ હતી. તેમણે જ વકીલોનો પ્રબંધ કરી આપ્યો હતો.’

‘એ બધું તો ઠીક છે માનવનાથ, પણ અખંડ બંગનું આંદોલન ક્યાં સુધી છે? મને કોઈ સંદેશો હોય તો આપતો રહેજે. હું અહીં જ છું હમણા. વાસુબાબુને મારા પ્રણામ કહેજે.’

માનવનાથ વિદાય લે તે પહેલાં રાજશેખરની નજર પોલીસ પર પડી. રાજશેખરે ધ્યાનથી જોયું તો ઈન્સપેક્ટર એરોન શેરોન એમના પોલીસ કાફલા સાથે તાલસોનાપુરમાં દેખાયા. રાજશેખર અને માનવનાથ લપાઈ ગયા. પોલીસ ઈન્સપેકટર શેરોન એ જ દિશામાં ગયો હતો, જે દિશામાં પાર્વતી અને રૂપાલી ગયા હતા. રાજશેખરને ફાળ પડી. તે થોડો ગભરાયો. ઈન્સપેકટર શેરોને પાર્વતીને જોઈ લીધી છે? ન પણ જોઈ હોય અને હવે જોઈ લેશે તો મોટો બખેડો થશે. તાલસોનાપુરમાં પાર્વતી અને રાજશેખર પર શંકાના વાદળો ઘેરાઈ જશે. તેને સમજ ન પડી શું કરે? તેણે માનવનાથને વિદાય આપી. માનવ પણ અખંડ બંગનો ચળવળકારી હતો. શેખરને છોડી જવાનો માનવનાથે ઈન્કાર કર્યો. યેનકેન કરીને રાજશેખરે માનવને જવા માટે સમજાવી લીધો.

‘મારા સંપર્કમાં રહેજે શેખર.’ કહીને માનવ ગયો. રાજશેખર પણ લપાતો-છુપાતો પાર્વતી-રૂપાલી જે દિશામાં ગયા હતા તે તરફ ઝડપથી ચાલવા લાગ્યો. એક જગ્યા પર આવીને રાજશેખરના પગ અટકી ગયા. તેણે જોયું ઈન્સ્પેક્ટર શેરોન ભવ્ય મકાનની પાસે ઊભો હતો. રાજશેખરને થયું પાર્વતી આવા ભવ્ય મકાનમાં રહે છે. પણ તેની આ ભ્રમણા પડી ભાંગી. મકાનમાંથી વૃદ્ધ મહિલા અને તેની સાથે એક આધેડ દેખાયો. આ મકાન દેવદાસનું હતું. રાજશેખરે મનોમન દિલાસો આપ્યો કે ચાલો આ પાર્વતીની પાછળ શેરોન આવ્યો ન હતો. ત્યાં જ તેની નજર રૂપાલી પર પડી. રૂપાલી બરાબર શેરોનની સામે થોડે દૂર ઊભી હતી. આ ઘર પાર્વતીનું પિયરીયું હતું.

રાજશેખરને થયું હવે તો નક્કી કોઈ આફત નોતરાવાની છે. તેને ધ્રાસ્કો થયો. ‘જો પારો આવી ગઈ તો... ઓહ, આ શું?’

અચાનક પારો બારણે દેખાઈ. રાજશેખર એવી જગ્યાએ હતો કે તેને દેવદાસનું મકાન અને પારોનું ઘર બંને આસાનીથી દેખાતા હતા. પારોને જોતાં જ રાજશેખરનાં હોશકોશ ઉડી ગયા. ઈન્સ્પેક્ટર શેરોન દેવદાસના ભાઈ દ્વિજદાસ અને માતા કૌશ્લયા દેવી સાથે ગુફતેગૂ કરી રહ્યો હતો. રાજશેખરે ધીરજ ધરવાનું જ મુનાસિબ માન્યું. તે આડશ લઈને છુપાયેલો રહ્યો. બારણામાં આવેલી પાર્વતીએ રૂપાલીને કશુંક કહ્યું અને રૂપાલી બજાર તરફ જવા લાગી. સારું એ થયું કે ઈન્સ્પેક્ટર શેરોનની પીઠ ત્યારે પારો તરફ હતી. આ બાજુ રાજશેખરની બેચેની વધી રહી હતી. તે ઈચ્છતો હતો ઈન્સ્પેક્ટર શેરોન જલદીથી વિદાય લે.

લાંબી ચર્ચા કર્યા પછી ઈન્સ્પેક્ટર શેરોન અને પોલીસ કાફલો જવા લાગ્યો. પારોનાં ઘર પાસે આવીને ઈન્સ્પેક્ટર શેરોન રોકાયો. રાજશેખરને થયું હવે નક્કી પારો પર નવી મુસીબત ઊભી થશે. પણ થયું એવું કે ઈન્સ્પેક્ટર શેરોન ત્યાંથી રોકાઈને જતો રહ્યો. રાજશેખરને હાશકારો થયો.

પોલીસના જતાંવેંત જ રાજશેખર દોડતાંક પારોના ઘર તરફ ગયો. ઘરમાં પહોંચતા રાજશેખરે જોયું તો એક વૃદ્ધા પથારી પર સૂતા હતા. તેઓ બીમાર જણાતા હતા. રાજશેખરને જોઈને પારો તેની પાસે આવી.

'ક્યાં રોકાઈ ગયા હતા?'

'તાત્કાલિક કામ આવી ગયું હતું.' બિમાર વૃદ્ધા તરફ જોઈને રાજશેખરે કહ્યું, 'આ તમારા માતાજી છે?'

'હા, મારા માતાજી છે. કેટલાય દિવસોથી એમને મળવાની ઈચ્છા હતી. આજે તેઓ મળ્યા તો આવી બીમારગ્રસ્ત હાલતમાં...'

એટલામાં પારોનાં માતા સુમિત્રા દેવીએ જોરથી ખાસી ખાધી. પારો દોડતી એમનાં ખાટલા પાસે આવી.

'મા....'

'પારો, હવે આ જીવતર લાંબું નહીં ટકે પારો... વ્યાધિ વધી ગયો છે. જીવનની સંધ્યા સમીપ હોવાનું લાગે છે....'

'નહીં મા. આવું શું કામ બોલો છો?' પારોએ તેની માતાનાં હોઠ પર હાથ મૂકીને કહ્યું, 'હજુ તો તમારા નાતીનું મોઢું જોવાનું છે.'

પારોથી કુદરતી રીતે જ આ બોલાઈ ગયું. બોલ્યા પછી પારો અચાનક ચૂપ થઈ ગઈ. તેને લાગ્યું કે, આવી હાલતમાં તેનાથી માતાને શું કહેવાઈ ગયું. વગર કામની ચિંતામાં પડી જશે.'

'નાતી? પારો, આ તું શું કહે છે? ખરેખર? તેં મને સંદેશો પણ ન આપ્યો. હું તો ચૌધરીજીની હવેલી પર મીઠાઈ લઈને આવત.' સુમિત્રા દેવીએ પારોનાં માથે વહાલથી હાથ ફેરવ્યો.

પણ જીભ કચવીને પારોએ વાત ફેરવતા કહ્યું, 'આખી વાત કરીશ. પહેલાં તમે સારા થઈ જાઓ. રૂપાલી દવા લેવા ગઈ છે. આવતી જ હશે.'

માતાને ખાટલે સુવડાવી પારો પાછી બારણે આવી. રાજશેખરે પાછળથી જ સવાલ કર્યો,

'હવે શું કહેશો તમારા માતાજીને?'

'રાજબાબુ, અત્યારે કશું નહીં. સારા થશે તો હું એમને સઘળું કહી દઈશ.'

રૂપાલી આવી ન હતી. રાજશેખરને માતા પાસે રહેવાનું કહી પારો રૂપાલીને શોધવા ગઈ તો રાજશેખરે પોતે જવાનું કહ્યું. પારોએ ઈન્કાર કરી કહ્યું, 'તમારા બહાર જવામાં જોખમ છે. જોયું નહીં પોલીસે...' આટલું કહી પારો બહાર નીકળી.

ઘરમાંથી બહાર નીકળીને પારો રૂપાલીને શોધવા નીકળે ત્યાં તો દૂરથી રૂપાલી આવતી દેખાઈ. પારો ત્યાં જ થંભી ગઈ. પારો જ્યાં ઊભી હતી ત્યાંથી દેવદાસની હવેલી પૂરેપૂરી દેખાતી હતી. પારોએ હવેલી પર મીઠી નજર કરી, જાણે હવેલીને કહી રહી હોય કે, 'સ્વાગત માટે તૈયાર રહેજે. નવા મહેમાનની સાથે પગલાં પડવાનાં છે.'

વિચારોમાં ખોવાયેલી પારોને ખબર ન પડી કે દેવદાસનાં માતા કૌશલ્યાદેવી તેને જોઈ રહ્યા હતા. એવામાં રૂપાલીએ આવીને તેને ઢંઢોળી, 'બોનજી...' પારોની વિચાર શ્રૃંખલા તૂટી. તેણે જોયું તો કૌશલ્યાદેવી તેને જોઈ રહ્યા હતા.

પારો અને કૌશલ્યાદેવીની નજર સામસામે ટકરાઈ. પારોએ સસ્મિત નમસ્કાર કર્યા, પણ આંખમાં અંગારા વરસાવતી નજરે કૌશલ્યાદેવીએ પારો તરફ જોયું. પારો સમસમી ગઈ. પારોનાં ચહેરા પરનાં ભાવ બદલાઈ ગયા. તેણે પણ કૌશલ્યાદેવી તરફ ગુસ્સામાં જોયું અને તે ઘરની અંદર જતી રહી.

(ક્રમશ :)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.