8- પાર્વતીનો હવેલી ત્યાગ

20 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

કાળમીંઢ રાત્રીની ભેંકારતા કૂતરાની રોકકળથી ડરામણી લાગતી હતી. બલાઓ રાતવાસો કરવા દૈત્યવાસમાંથી બહાર નીકળી રહી હોય એવું બિહામણું ચિત્ર ઉપસી રહ્યું હતું. ઘોર અંધકારમાં ખોફનાક રીતે બિલાડીની ટમટમતી આંખો આશંકિત કરી રહી હતી કે, આજે રાત્રે ઠાકોર ભુવન ચૌધરીની હવેલીમાં કોઈ અનહોની ઘટના બનવાની છે. ઠાકોર ભુવન ચૌધરીનું બારમું હતું. બારમાની વિધિ પતાવી ઘરનાં બધા જ ઘસઘસાટ ઊંઘી ગયા હતા. જાગતી હતી તો  કામાતૂર અને વાસનાલોલુપ માત્ર બે આંખો. એ આંખો હતી કલ્કીદાસ ઉર્ફે કાલીદાસ ઉર્ફે કાલીબાબુની.

ઠાકોર ભુવન ચૌધરીનાં દેહાંત બાદ કાલી સતત ફિરાકમાં રહેતો કે એ પાર્વતીનો ખેલ ખતમ કરી નાંખે. પાર્વતીને ભોગવી લેવાની કાલીએ ગાંઠ વાળી લીધી હતી. એક વાર કાલીએ પાર્વતી સાથે હરકત કરવાની કોશિશ કરી હતી પણ પાર્વતીએ પ્રતિકાર કરતા તેની વાસના મનમાં જ રહી ગઈ હતી. તેની મેલી મુરાદ બર આવી ન હતી.

પથ્થરો પર અફળાતી બુંદો પ્રચંડ ધડાકાથી ગભરાઈને અશ્વદોડની ટાપોની પ્રતીતિ કરાવતી હતી. આવી બિહામણી રાતમાં મૂશળઘાર વરસાદ વચ્ચે વૃક્ષો પર ઊંધા લટકેલા ચામાચીડિયાઓનો ઘોંઘાટ નિરવ શાંતિને અભડાવી રહ્યો હતો.

દારૂનો આખરી જામ ગટગટાવીને લથડિયા ખાતો કાલી પાર્વતીના કમરા તરફનાં પગથિયા ચઢવા લાગ્યો. બે-એક વખત તો એનું સંતુલન પણ ખોરવાયું. તે પડતાં-પડતાં માંડ બચ્યો. એ જેમ-તેમ પાર્વતીના કમરા પાસે પહોંચીને અટક્યો. તેણે આમ-તેમ જોયું. કોઈ દેખાતું ન હતું. હવેલીમાં ઊંઘરેટો સન્નાટો વ્યાપેલો હતો. કાલીએ પારોના કમરાની સાંકળ ખખડાવી. પાર્વતીના કમરામાંથી કોઈ જવાબ ન આવ્યો. કાલીને યાદ આવ્યું કે, પાર્વતીને કાલીનાં અવાજમાં પોકરવામાં આવશે તો દરવાજો નહીં ખુલે. તેણે યુક્તિ અજમાવી. કાલીએ મહિલાનાં અવાજમાં પાર્વતીને બૂમ પાડી

‘પાર્વતી... પાર્વતી… દરવાજો ખોલો.’

કાલીએ સાંકળને જોર-જોરથી ખખડાવી. સ્ત્રીન અવાજ અને સાંકળનાં સતત ખખડવાના કારણે પાર્વતીની આંખ ખુલી ગઈ. સ્ત્રીનો અવાજ સાંભળી પાર્વતીને નવાઈ લાગી. તે વિચારવા લાગી, આટલી રાત્રે કોણ હશે? મનોરમા તો સીધી વાત કરતી નથી. પછી આ મહિલા કોણ?

પાર્વતીએ બિસ્તરમાંથી ઊભા થતાં સામો સવાલ કર્યો,

‘કોણ?’

‘શેઠાણી હું છું. અનુરાધા, ગોપીનાથની પત્ની. સ્ત્રીના અવાજમાં કાલી બોલી રહ્યો હતો પણ જીભ બરાબર સાથ આપી રહી ન હતી.

‘કોણ અનુરાધા? કોણ ગોપી? પાર્વતીએ દરવાજા સુધી આવતાં આવતાં પ્રશ્નો કર્યા. કાલીએ અંદાજ બાંધ્યો કે પાર્વતી દરવાજો ખોલવા આવી રહી છે. તે હોશિયારી વાપરીને દિવાલની આડમાં લપાઈ ગયો.

‘જલદી દરવાજો ખોલો, અગત્યનું કામ છે. દારૂનો નશો હોવા છતાં સ્ત્રીના અવાજમાં ત્રાટક જરૂર કરી રહ્યો હતો અને કામિયાબ થઈ રહ્યો હતો. કાલીએ કાન સરવા કર્યા. દરવાજો ખોલવાનો અણસાર આવતાં જ તેણે દરવાજાનાં બારણાઓ પર હાથ મૂકી દીધા હતા. કાલીને જોઈ પાર્વતીથી રાડ પડાઈ ગઈ.

‘આ… આ… આ...’ કહીને તે હલબલી ગઈ.

પળનો પણ વિલંબ કર્યા વગર કાલીએ પાર્વતીને જોરથી ધક્કો મારી કમરામાં હડસેલી દીધી અને તરત જ સાંકળને અંદરથી વાસી દીધી. પાર્વતી તરફ ફરીને કહ્યું,

‘માતારાણી, નોમોસ્કાર. ભાલો ભાશો. ખૂબ ભાલો ભાશો. તુમી મન મોહી લેતા, તુમી નયનો-સો અનમૌલા રોતોન. તમે પણ તરસ્યા છો અને હું પણ તરસ્યો. અધૂરી રહી ગયેલી મુલાકાતને સંપૂર્ણ કરવાનો આ મોકો હું હાથથી જવા દેવા માગતો નથી. હવે ધીરજ નથી.’

કાલીએ હાથની ઈશારતથી પાર્વતીને પોતાની તરફ આવવાનું કહ્યું. કાલીએ ધક્કો મારતા થોડીવાર માટે તમ્મર ખાઈ ગયેલી પાર્વતી પોતાની જાતને સંભાળીને બેઠી થઈ. રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને પાર્વતી બોલી,

‘કાલી... હવે હું તને મર્યાદામાં રહેવાનું નહીં કહું. હું હવે તને તારી મર્યાદા દેખાડીશ. કોઈ સ્ત્રી રણચંડી બને છે ત્યારે તે શું કરી શકે છે તેનું તને ભાન કરાવીશ.પાર્વતીએ કાલીને જમાઈબાબુનાં બદલે તુકારેથી જ બોલાવ્યો.

‘માતારાણી… ફરી તમે ખોટા રસ્તા પર ચાલી નીકળ્યા. કાલીની વાત માનો. કોઈને કશી ખબર પડશે નહીં.’ કાલીએ પાર્વતીને ઝાલવાની કોશિશ કરી. આવા હુમલા માટે પાર્વતી પહેલાથી જ તૈયાર હતી. તેણે જોરથી કાલીને ધકેલી દીધો. લથડિયા ખાતો કાલી દિવાલ સાથે અફળાયો. તે વધુ ભૂરાંટો થયો.

‘એમ નહીં માને એમ ને?’નશામાં ધુત કાલીએ તેનો અસલ રંગ બતાવ્યો. તે પાર્વતી પર લપક્યો. પાર્વતીએ બચવાનો પ્રયાસ કર્યો. આથી કાલી વધારે અકળાયો. તેણે પાર્વતી તરફ કાતિલ નજર ફેંકી. તેનું લાવણ્ય જોઈને કાલી વધારે છકી ગયો. તેણે તેના કોટના ગજવામાંથી દારૂની બોટલ કાઢી અને એકી શ્વાસે ઢીંચી ગયો. બોટલને ફેંકીને તે પૂરજોશમાં પાર્વતી તરફ ગયો.

પાર્વતી પલંગની બીજી તરફ જવા મથી રહી ત્યારે જ તેનું કાંડું કાલીનાં હાથમાં આવી ગયું. ક્રૂર અટ્ટહાસ્ય સાથે પાર્વતીને ભીંસમાં લેવા તલપાપડ બન્યો. કાંડું છોડાવાની પારોની છટપટાહટની કાલી પર કોઈ અસર ન થઈ. એવું લાગતું હતું કે કાલી પોતાના બદઈરાદાને પાર પાડવામાં સફળ થઈ જશે. તેણે પાર્વતીનાં બંને હાથને જોરથી મચકોડી દીધા. પાર્વતીનાં પગ પર જોરથી બે-ત્રણ લાત મારી. પીડાને કારણે પાર્વતીથી ચીસ પડી ગઈ.

કાલીએ પાર્વતીને પોતાની બાંહોમાં જકડી લીધી અને ખંધા હાસ્ય સાથે હાંફતા શ્વાસે તે બોલ્યો,

‘કાલી જે કહે છે...’

તે પાર્વતી પર તૂટી પડવાની તૈયારીમાં હતો ને પાર્વતીએ એડીચોટીનું જોર લગાવ્યું. પાર્વતીએ કાલીના માથા પર પોતાનું માથું અફાળ્યું. પાર્વતીને દર્દ થયું પણ તેની પરવા કર્યા વગર પાર્વતીએ કાલીનો સામનો કર્યો. કાલીને માથામાં વાગ્યું. તેની પકડ ઢીલી થતાં જ પાર્વતીએ કાલીને ધકેલી દીધો. કાલીને તમ્મર આવ્યા હોય તેમ તે ખુરશી પાસે જઈને પડયો.

‘સાલી રાં…’

કાલી ફરી ઊભો થયો. એટલીવારમાં પાર્વતીની નજર ખૂણામાં પડેલા ધોકા પર પડી. ધોકાને લેવા જાય તે પહેલાં જ કાલીએ પાર્વતીને આડે પગ મારી આંટી આપી તેને પાડી દીધી. પાર્વતી ડચકાં ખાતા પડી. કાલી તેના પગ પર બેસી ગયો. પાર્વતી બંને હાથથી કાલીને મુક્કા મારતી રહી. મુક્કાની વચ્ચે કાલીએ પણ પાર્વતીને તમાચા ઠોકી દીધા. પાર્વતી કમજોર પડી રહી હતી. કાલીએ પારોની સાડીના પાલવને ખસેડ્યો. પાર્વતીની ચીસ નીકળી ગઈ,

‘દેવ…’

‘એમ? દેવને યાદ કરે છે? આજ પછી ફક્ત મારૂં નામ તારી જીભે હશે.’ ગિન્નાયેલો કાલી પાર્વતી પર ઝૂક્યો ત્યાં જ પાર્વતીએ પગનાં બંને ઘૂંટણ વાળી કાલી પર પ્રહાર કર્યો. કાલી ઊંધા માથે પટકાયો. તેને લોહી નીકળ્યું. લોહી લૂછતા કાલી બોલ્યો,

‘સીધી રીતે નહીં માનશે?’ જે ધોકો પાર્વતી લેવા ધારતી હતી તે ધોકો કાલીના હાથમાં આવી ગયો. ધોકો લઈ કાલીએ પાર્વતી પર પ્રહાર કર્યો પણ સદ્દનસીબે કાલીનો વાર ખાલી ગયો. પારો બચી ગઈ. પાર્વતી પરસેવે રેબઝેબ હતી. તેને સમજ ન પડી કે આ સમયે તેણે શું કરવું જોઈએ?

આ ધમાચકડીમાં બહારથી બારણું ઠોકવાનો અવાજ આવ્યો. પાર્વતીએ ‘બચાવ… બચાવ…’ની બૂમ પાડીને કમરાને ગૂંજવી દીધો. કાલી હેબતાઈ ગયો. દરવાજે કોણ છે એનો વિચાર કરે તે પહેલાં બહારથી ભાનુનો અવાજ આવ્યો,

‘પાર્વતી મા… દરવાજો ખોલો. મને ઊંઘ નથી આવતી. દરવાજો ખોલો.’

નાનકડા ભાનુને શું ખબર કે કમરાની અંદર પાર્વતી કાલી નામના દૈત્ય સાથે જીવન-મરણનો જંગ લડી રહી છે. ભાનુનો અવાજ આવતો રહ્યો પણ કાલીમાં કોઈ ફરક ન આવ્યો. તેણે પાર્વતી પર ધોકો ઉગામ્યો. પાર્વતી દૂર ખસી ગઈ અને પલંગ પાસે પટકાઈ. દેવદાસે જે સોટીથી તેનાં કપાળ પર કાયમી નિશાન બનાવ્યા હતા તે સોટી તેનાં હાથમાં આવી ગઈ. સોટી આવતાં જ પાર્વતીએ કશું પણ વિચાર્યા વગર કાલી પર હુમલો કરી દીધો. આવા હુમલા માટે કાલી તૈયાર નહતો. તેનાં હાથમાંથી ધોકો પડી ગયો. ધોકો સીધો પાર્વતીની નજીક આવીને પડયો. ધોકાથી પાર્વતીએ કાલીને ધીબેડી નાંખ્યો. બસ તે કાલીને ધીબેડતી રહી.પાર્વતીનો પ્રતિકાર કરવાની કાલીમાં હિંમત ન રહી. તે ઢળી પડયો અને બેભાન થઈ ગયો.

જમીન પર કાલી પટકાતાં જ પાર્વતીએ કબાટમાંથી કપડા ભેગા કરીને એક પોટલું બનાવ્યું અને તે દરવાજા ભણી દોડી ગઈ. તેણે દરવાજો ખોલ્યો. તે બહાર નીકળી. દોડતી પગથિયાં ઉતરી ગઈ. હવેલીનાં વરંડામાં ભાનુ બેઠો હતો.

‘ભાનુ…’ કહી પાર્વતી એને વળગી પડી.

‘મા...’ ભાનુ બોલ્યો. ‘શું થયું મા? બોલોને મા, શું થયું?’

માસુમ ભાનુને શું ખબર કે ઉપરનાં કમરામાં શું બની ગયું. પાર્વતીએ ભાનુને ખૂબ વહાલ કર્યું. તેણે હેતથી ભાનુના માથા પર હાથ ફેરવ્યો અને એટલું જ બોલી,

‘દીકરા, આ જન્મમાં તો હું તારી માતા ન બની શકી. આગલા જન્મે જરૂરથી તારી માતા બનીશ. તારી માતા હોત તો જરૂરથી અહીંયા આખું જીવન વીતાવી લેત. પણ દીકરા અહીં તારા માનાં જીવન પર જોખમ વધારે છે એટલે જવું જ પડશે. હાથમાં કપડાનું પોટલું લઈ પાર્વતીએ હવેલીના મુખ્ય દ્વાર તરફ ડગ માંડ્યા.

પાર્વતીનો હાથ પકડી ભાનુ બોલ્યો, ‘મા... તમે ક્યાં જાઓ છો? તમે ક્યાંય ન જાઓ. મને પણ સાથે લઈ જાઓ. મા...’
ચોધાર આંસુએ પાર્વતી રડી પડી.

‘ના દીકરા ના. તને સાથે લઈ શકું એમ નથી. મનેય ખબર નથી કે હવે હું ક્યાં જઈશ?’

પાર્વતીએ ભાનુને ચૂમીઓથી નવડાવી દીધો. અને કઠણ હ્રદય કરી તે હવેલીની બહાર નીકળવા લાગી. મુખ્ય દ્વાર પાસે પહોંચતા જ તેણે હવેલી તરફ છેલ્લી નજર કરી. ભાનુ દોડતો-દોડતો તેની પાસે આવ્યો. તે પણ રડી રહ્યો હતો. તેણે કહ્યું, ‘મા. તમે ન જાઓ…’

પાર્વતીએ ભાનુ પર મમતાનો વરસાદ વરસાવી દીધો. પાર્વતીને એક પળ માટે એવું થયું કે ભાનુને પણ સાથે લઈ લે. પણ તે વિવશ હતી. ભાનુને વહાલની આખરી ચૂમી અને હેતાળ હૂંફ આપી ધીમી-ધીમી ચાલે  હવેલીની બહાર તરફ પાર્વતી ચાલવા લાગી, ભારે હૈયે તેણે પ્રવેશદ્રાર પાર કર્યું. તે ચાલી નીકળી એક અજ્ઞાત પથ પર..... અને પાછળ છોડતી ગઈ કણસતા સંસ્મરણોને.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.