10- જીવન-મરણ વચ્ચે પાર્વતીનું દેવ રટણ

04 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

હસ્તરેખાઓની ચાલ અજબ હોય છે. મનુષ્ય ધારે છે કંઈ અને કુદરત કરે છે કંઈ. પાર્વતી સાથે પણ કશુંક આવું જ બની રહ્યું હતું. જો કે પારો નામની આ અભાગણી આમ પણ ક્યાં ઠરીઠામ હતી? કોણ જાણે દેવદાસ સાથે તેને ક્યા મુહૂર્તમાં પ્રેમ થઈ ગયેલો કે, એ ઘડીથી પારોની એવી તો સાડાસાતી બેઠેલી કે ત્યારથી અત્યાર સુધીમાં ન તો એને એના હિસ્સાનું સુખ મળ્યું કે ન એ ક્યાંય સ્થિર રહી શકી. બસ ધ્યેયહિન રઝળપાટ જ લખાયો હતો એના નસીબમાં!

રાજશેખર શેરોનનાં ગામનું નામ બીરભૂમિ હતું. બીરભૂમિમાં બંગ-ભંગનાં ચળવળકારીઓ વિશેષ હતા. અહીંનાં લોકોમાં માભોમ માટે મરી ફીટવાની ભાવના ધબકતી હતી. હજુ ભારતીય સ્વાતંત્ર્યતાનું આંદોલન શરૂ થયું ન હતું. ગામના એક માત્ર શિક્ષક આલોકબાબુ ભાવિ સંગ્રામનું વર્ણન કરીને યુવાનોને બંગ-ભંગ ચળવળમાં જોડાવા પ્રેરી રહ્યા હતા.

સવારનાં સમયે પાર્વતી ઘરના કામ આટોપીને કપડા સૂકવી રહી હતી ત્યાં આલોકબાબુ આવ્યા.

‘કેટલાય દિવસોથી જોઈ રહ્યો છું કે, રાજ સાથે તું રહે છે. શું રાજ સાથે....?’

‘ના, ના… માસ્ટરજી... એવું કશું નથી.’

‘તો પછી શું છે?’

‘રાજે ઘરસંસાર માંડી દીધો હોય એવું લાગે છે. મારી વૃદ્ધ આંખોથી આ વાત છૂપી શકે નહીં.’

‘માસ્ટરજી, હું તો અહીં ઘડી બે ઘડીની મહેમાન છું. શેખર બાબુએ મારા જેવી અભાગણને આશ્રય આપ્યો છે. હું તેમનું ઋણ કદાપિ ભૂલીશ નહીં.’

‘હા બેટા, એ છે તો આમ પરોપકારી. પણ મને હંમેશાં એનાં લગ્નની ચિંતા થાય છે. પણ એના માથે બંગ-ભંગની ચળવળની કેટલીક જવાબદારી છે. બંગાળનાં ભાગલા પાડવાના અંગ્રેજી હકુમતનાં નિર્ણયથી એ ખિન્ન છે. તેની અંદર અંગ્રેજો પ્રત્યે ભારોભાર રોષ છે.’

‘માસ્ટરજી, ટુકડા તો કોઈના પણ થવા ન જોઈએ. પછી એ દેશ હોય, પ્રદેશ હોય કે કોઈનું દિલ...’ પારોની આંખમાં પાણી તરી આવ્યા.

‘વાહ બેટી, તું તો સમજદારીની વાતો કરે છે. હું શેખર માટે તારા જેવી જ સમજદાર, બાહોશ કન્યાની શોધ કરું છું. જોઈએ તેના લલાટે શું લખાયું છે? કોઈ કન્યાને પરણવા એ વરરાજાનો પોષાક પહેરશે કે પછી વતન કાજે ફના થઈ શહીદી વહોરી લેશે? જો કે એ જે કરશે એમાં મને એનાં પર ગર્વ રહેશે.’ થોડું અટકીને ‘તો ચાલ બેટા, જાઉં છું. ધ્યાન રાખજે તારું.’

આલોકબાબુનાં જતાંવેંત પાર્વતીનાં મગજમાં ઝબકારો થયો. અહીંના ગામ લોકો તો એવું વિચારતા નથી કે મારા અને રાજશેખર વચ્ચે? ‘ના... ના... ગજબ થઈ જશે.’ તે સ્વગત બબડતી રહી અને આ વિચારને કારણે તે ફરી ઉદાસીની ગર્તામાં ધકેલાઈ ગઈ.

લાકડા અને પતરાની ખોલીમાં પાર્વતી ઉદાસ બેઠી હતી. આલોકબાબુની વાતો યાદ આવી તો સાથે પોલીસ થાણામાં બનેલી ઘટના પણ તેને કોરી ખાઈ રહી હતી. તેનાં મસ્તિષ્કમાં હવેલીની વિભિષિકા તાજી થતાં તે અંદરથી કંપિત થઈ ગઈ. તેને ફરી દેવદાસ સાંભરી આવ્યો. ઊંડો નિસાસો નંખાઈ ગયો તેનાથી. દેવદાસની સ્મૃતિઓની ઝીણી ટીસ રહી-રહીને ઉઠતી હતી. ખાલીપાનો પણ તેને ભાર લાગતો હતો. ઝુરાપાને ઝુરાપામાં તે અડધી થઈ ગઈ હતી. કણસતી ક્ષણો વચ્ચે તે વેદના રણોત્સવને માણી રહી હતી. પોલીસ થાણામાં પણ ભયાવહ સ્થિતિમાં દેવદાસને કેટલીયવાર યાદ કરી ચૂકી હતી એ.

ઉદાસ આંખો નિ:સ્પૃહ હતી. તેને થયું કે બીરભૂમિ ગામમાં બીજી કોઈ ચર્ચા થાય તે પહેલાં તાલસોનાપુર જઈને તે માતાને સઘળું કહી દે. તે મક્કમતાથી ઊભી થઈ અને હાથમાં કપડાની પોટલી લઈ રાજશેખરની ખોલીમાંથી બહાર નીકળી. દરવાજો વાસી રહી હતી ત્યારે જ સામેથી રાજશેખર આવતો દેખાયો. લંગડાતી ચાલે રાજશેખર આવી રહ્યો હતો. પોલીસના મારનાં કારણે રાજશેખરનાં ચહેરા પર ઉઝરડા દેખાઈ રહ્યા હતા.

આવતાવેંત જ રાજશેખરે પ્રશ્ન કર્યો,

‘કઈ બાજુ? ક્યાં જાઓ છો? અને આ બધું શું છે?’

‘રાજબાબુ, તાલસોનાપુર જવું છે.’

‘પણ તમે તો કોલકાતા જવાનું કહેતા હતા ને?’

‘ના... તાલસોનાપુર જવું છે.’ પાર્વતીએ દોહરાવ્યું.

‘દેવીજી, તમે રોકાઈ જાઓ તો સારું. મારી તબિયત પણ ઠીક નથી.’

‘ના, તમારે તકલીફ લેવાની જરૂર નથી. હું એકલી પણ જઈ શકું છું.’

‘તમે એકલા જઈ શકો એમ નથી. દૂરની સફર છે. સાથ સંગાથ હોય તો સારું.’ જાણે કંઈક વિચારતો હોય એમ રાજ શેખર થોડું વિચારીને ફરી બોલ્યો, ‘જવા દો. હું જ તમારી સાથે આવું છું.’

‘અરે, નહીં નહીં. તમારી હાલત બરાબર નથી. તમે આરામ કરો. હું જતી રહીશ. મારી ચિંતા ન કરો.’

‘તમારી ચિંતા ન કરું? મારા કારણે તમારે પોલીસ થાણામાં કેટલું વેઠવું પડ્યું? મારા લીધે તમારો સુખનો જીવ દુખમાં પડ્યો. હવે મારી ફરજ બને છે કે, તમને સહી સલામત તમારા ઠેકાણે પહોંચાડવા. હવે છોડો બધી રકઝક, હું તમારી સાથે આવું છું.’

આટલું કહી રાજશેખરે પણ પાર્વતી જોડે તાલસોનાપુર જવાની તૈયારી કરી. કોઈ પણ વાત કાને ધર્યા વગર રાજશેખરે પાર્વતી સાથે તાલસોનાપુરની વાટ પકડી અને થોડા જ સમયમાં તેઓ તાલસોનાપુર માટે નીકળી પડ્યાં.

બીરભૂમિ ગામથી તાલસોનાપુરનો રસ્તો લાંબો હતો. એક આખો ચકરાવો લેવો પડતો હતો. બીરભૂમિ અને તાલસોનાપુર વચ્ચે યમુના નદીનાં વિશાળ પટને પાર કરીને જવું પડતું હતું. રસ્તો પણ જર્જરિત હતો. કદાચ એટલા માટે જ તબિયત બરાબર ન હોવા છતાં રાજશેખરે સાથે આવવાની જીદ કરી હતી. બંને ચાલી રહ્યા હતા. ટાંગાવાળાને બૂમ પાડીને રાજશેખરે યમુના ઘાટ સુધી જવાનું કહ્યું. ટાંગાવાળા સાથે ભાવ-તાલ કરીને બંને ટાંગામાં બેઠા.

મુસાફરી દરમિયાન રાજશેખર વારંવાર પાર્વતી તરફ પ્રેમભાવથી જોયા કરતો હતો. બેધ્યાનપણે પાર્વતી દૂર ખેતરાળ તરફ જોયા કરતી હતી. ક્યાંક ખેતરોમાં લીલોતરી હતી તો ક્યાંક સુક્કાભઠ્ઠ વૃક્ષો પરથી લીલાશની ચાદર હટી ગયેલી દેખાતી હતી. રાજશેખરે પાર્વતીનું ધ્યાન પોતાની તરફ વાળવા વાત કરવાનો પ્રયાસ કર્યો. પાર્વતીતીનાં હાથને ટપારીને તેણે કહ્યું,

‘આપણે જ્યાંથી પસાર થઈ રહ્યા છે તે જગ્યા પર એક જમાનામાં બે પ્રેમીઓ રહેતા હતા. બંને એકબીજાને ચાહતા હતા પણ બંનેનું મિલન શક્ય બન્યું નહીં. જાણો છો એ પ્રમીઓનું નામ? સુબોધ અને સુહાસી. સુબોધ અને સુહાસીની પ્રેમકથા આજે પણ ગામે ગામ ચર્ચાય છે. બંનેનાં પ્રેમની ગામલોકોને જાણ થતાં સુબોધ અને સુહાસી પર કાળો કેર વર્તાવવામાં આવ્યો હતો. ગામલોકોએ પંચાયત બોલાવીને સુબોધને દેહાંતદંડ આપ્યો હતો અને બીચારી સુહાસીના વાળ કાપી નાંખવામાં આવ્યા હતા.

રાજશેખરની વાત પાર્વતી ગંભીરતાથી સાંભળી રહી હતી. તેણે કહ્યું,

‘પછી? પછી શું થયું?’

‘પછી?’ રાજશેખરે ઊંડો નિસાસો નાંખ્યો. ‘સુબોધને ગામલોકોએ ઝાડ સાથે બાંધી દીધો. આખી રાત સુબોધ ઝાડ સાથે બંધાયેલી હાલતમાં રહ્યો. સુહાસીનીને ક્યાં ગાયબ કરી દેવાઈ તેની ખબર ન પડી.સુબોધ કરગરતો રહ્યો પણ કોઈએ પણ તેની તરફ દયા રાખી નહીં. ઝાડ સાથે બંધાયેલી હાલતમાં સુબોધ મૃત્યુ પામ્યો. સુબોધના મૃત્યુના એક દિવસ પછી સુહાસીની લાશ નદીમાંથી મળી આવી.’

રાજશેખરે તેની કથા અટકાવી. તે કંઈક વિચારવા લાગ્યો. થોડીવાર પછી તે ફરી બોલ્યો,

‘હું આવી ભદ્દી સામાજિક રીત-ભાતમાં માનતો નથી. આવા સમાજ માટે મને ધૃણા થાય છે. શું પ્રેમ કરવો પાપ છે? તમને ખબર છે થોડા સમય પહેલાં હાથીપોતામાં પણ કોઈ દેવદાસ મુખરજીએ પ્રેમિકાના દ્વારે દેહત્યાગ કર્યો હતો.’

દેવદાસનું નામ સાંભળી પાર્વતીનાં શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેનાથી બોલી જવાયું,

‘દેવદાસ? તમને કેવી રીતે ખબર પડી?’

‘અરે દેવીજી, બાર ગામમાં ચર્ચા છે. હું તો એ સ્ત્રીને જોવા માંગું છું, જેના માટે એ પ્રેમીએ પોતાના પ્રાણત્યાગ કર્યા. શું મહાન પ્રેમ છે…’

પાર્વતીથી નીચે જોવાઈ ગયું. તે ચૂપ થઈ ગઈ. રાજશેખરે ત્યાર બાદ અનેક વાતો કરી પણ પાર્વતીએ ટુંકમાં ઉત્તરો આપ્યા. ટાંગામાં જ બંનેની નજરો બે-ત્રણ વાર મળી. રાજશેખરે સ્મિત કર્યું પરંતુ પાર્વતીએ એ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. એવું લાગતું હતું કે રાજશેખર પાર્વતીને કશુંક કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પાર્વતીએ રાજશેખરની કોટડીમાં પખવાડિયું વીતાવ્યું હતું. તે અંદરો-અંદર પાર્વતીને ચાહવા લાગ્યો હતો. પણ પાર્વતીને કહેવાની તેની હિંમત ન ચાલી. તે આડી-અવળી વાતો કરી પાર્વતીને કહેવાની હિંમત એકઠી કરી રહ્યો હતો.

આમને આમ ટાંગાની સવારી યમુનાઘાટ પર આવી પહોંચી. રાજશેખરે પાર્વતીનો હાથ પકડીને તેને ટાંગામાંથી નીચે ઉતારી. પાર્વતી પડતા-પડતા બચી. રાજશેખરે તેને સંભાળી લીધી.

ઘાટ પરથી યમુના નદીનો નજારો ખુબસુરત હતો. યમુનાનાં દર્શન કરી પાર્વતીએ નમન કર્યા તો રાજશેખરે કહ્યું,

‘આ શું કરો છો?’

પાર્વતીએ કહ્યું, ‘યમુનાનાં દર્શન કરીને ધન્ય થઈ રહી છું. તમે પણ દર્શન કરો. દિલને શાતા મળશે.’

રાજશેખરે તરત જ નકારમાં માથું ધુણાવીને કહ્યું, ‘પાણીને નમન કરવાનું? ભલું થાજો તમારું? આ કેવી આસ્થા છે? મને સમજાતી જ નથી.’

‘તમને નહીં સમજાય. યમુના નદી તો હિમાલય પુત્રી છે. જુઓ, યમુનાનાં ખોળામાં રમતી આ લહેરોને, તેના પ્રવાહમાં ઉઠતી વમળોને… ભક્તિરસનાં ગાન સંભળાય છે મને.’

‘મને આસ્થા-શ્રદ્ધાની સાથે કોઈ નિસ્બત નથી. આ બધું તમને અર્પણ.’

પાર્વતીએ ફરી કહ્યું, ‘શેખરબાબુ…ભજીને જુઓ. જીવન આયામ બદલાઈ જશે.’

‘બસ, બસ. હવે આ ભક્તિ પુરાણ બંધ કરીએ અને યમુનાને પાર કરવા માટે હોડીવાળાને શોધીએ.’ પછી થોડું અટકીને, ‘તમે અહીં બેસો. હું હોડીવાળાને જોઈ આવું છું.’

સંધ્યાકાળ થવામાં હજુ સમય હતો. સૂર્ય પશ્ચિમાકાશે લાલાશ પાથરવાની તૈયારીમાં હતો. હોડીમાં સવાર થઈ રાજશેખર અને પાર્વતી તાલસોનાપુર તરફ જઈ રહ્યા હતા ખોબામાં યમુનાનાં નીર ભરીને પાર્વતીએ માથે ચઢાવ્યા.

રાજશેખરે આ જોઈ ફરી ટકોર કરી,

‘આ શું કરી રહ્યા છો?’

પાર્વતીએ ટુંકમાં ઉત્તર આપ્યો, ‘યમુનેશ્વરીનાં જળથી જલાભિષેક લઈ રહી છું. તમને નહીં સમજાય રાજબાબુ...’

પહેલી વખત પાર્વતીને વળતો જવાબ આપવાનું રાજશેખરે ટાળ્યું. રાજશેખર માટે એટલું કહી શકાય કે એ આસ્થા-શ્રદ્ધામાં માનતો ન હતો. એનું વ્યક્તિત્વ નાસ્તિક પ્રકારનું હતું. પાર્વતીને આ વાતનું જ્ઞાતવ્ય થયું.

હોડીના હલેસાએ રાજશેખરના ધબકારા પણ વધી ગયા હતા. સાચી વાત એ હતી કે તેને પાર્વતીનો સહવાસ ગમવા લાગ્યો હતો. તે નહોતો ઈચ્છતો કે પાર્વતી તેનાથી દૂર જાય. મનોમન એ પાર્વતીને ચાહવા લાગ્યો હતો. પણ પાર્વતીને હવે ક્યાં કોઈ તમા હતી?

નાવિકે હોડીને જોરથી હલેસા મારવાનું શરૂ કર્યું. ત્યારે રાજશેખરની વિચારધારા અટકી,

‘કી કરતોય માંઝીબો? શું થયું?’

નાવિકે જવાબ આપ્યો, ‘ભરતી છે, બાબુજી. જલદી પહોંચવું પડશે. નહીંતર સમસ્યા થઈ જશે.’

રાજશેખરે કહ્યું, ‘બીજી પતવાર હોય તો આપો. બે-ત્રણ જણા ભેગા થઈને હલેસા મારશે તો વધુ આસાની રહેશે.’

‘નોહી હૈ. બીજી પતવાર નથી.’ રાજશેખર પોતાની જગ્યાએ બેસી રહ્યો. હોડી હવે થોડી-થોડી વારે હાલક-ડોલક થઈ રહી હતી. નાવિકે એડીચોટીનું જોર લગાવી દીધું. રાજશેખરે પણ તેને સાથ આપ્યો અને તેને મદદ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નદીમાં ભરતી ઉછાળો મારતી આવી અને એક જ થપાટે હોડી ને ફંગોળતી ગઈ. રાજશેખરે પાર્વતીની પાસે પહોંચીને તેને સંભાળાવની કોશિશ કરી. નદી ઉફાને હતી. જોત-જોતમાં તો વિકરાળ મોજાએ ફરી થપાટ મારી અને હોડી ઊંધી વળી ગઈ.

રાજશેખરે પાર્વતીને મજબૂતીથી પકડી લીધી. પાર્વતીને અકળામણ થઈ. પણ કોઈ વિકલ્પ જ ન હતો. તેણે પણ રાજશેખરનો હાથ મજબૂતીથી પકડી લીધો. બંને હવે યમુનાની ભરતીમાં સપડાયા હતા. પાર્વતીને તરતા આવડતું ન હતું. રાજશેખર તો તરવૈયો નીકળ્યો. પગના જખ્મની પરવા કર્યા વિના તે ઝઝુમી રહ્યો હતો. તેણે પાર્વતીને બરાબર ઝાલી લીધી. ભરતીના પાણીમાં તે પાર્વતી રાજશેખરના સહારે હતી. એક પળ એવી આવી કે પાર્વતીનો હાથ રાજશેખરથી છૂટી ગયો. જો કે પાર્વતીએ એ સમયે ‘બચાવો’ની ચીસાચીસ ન કરી. જીવન-મરણના એ સમય વચ્ચે પણ તેના હોઠો પર એક જ નામ આવ્યું, ‘દેવ... દેવ...’

તે દેવદાસના નામનું સતત રટણ કરતી રહી. જાણે યમુનાનાં નીરમાં ફના થઈ જઈ પાર્વતી પોતાના પ્રેમની મંજિલને પામવા અધીરી હોય. મોજાએ પાર્વતીને ફરી ઘકેલી અને તેને થયું કે કદાચ આ જ દેવદાસ સાથેનાં ભવોભવના મિલનનાં પ્રસંગ છે. યમુનાનાં જળમાં તે સ્થિર બની ગઈ હતી. ખરેખર તો એ થીજી ગઈ હતી.

રાજશેખરે પહેલી વાર એનું નામ લીધું અને બૂમ પાડી,

‘પાર્વતી.... પાર્વતી... સંભાળજો....’

ઝડપથી તરીને રાજશેખર પાર્વતી પાસે પહોંચ્યો. તેને બંને હાથોમાં કસીને પકડી. બેભાન જેવી હાલતમાં પાર્વતીને મહામુસીબતે કિનારા પર લવાઈ. અન્ય મુસાફરો પણ હાથ-પગ મારી રહ્યા હતા. રાજશેખરે તેમને પણ મદદ કરી.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.