પારોએ કહ્યું ચંદા તને દેવદાસનાં સમ છે

14 Nov, 2015
12:05 AM

સૈયદ શકીલ

PC:

ચંદ્રમુખીનો મુજરો ચાલી રહ્યો છે. મુજરા પર કાલીદાસે લખલૂંટ રૂપિયા વહાવ્યા. તેમની પત્ની મનોરમા તો પતિનો આવો અસ્સલ ચહેરો જોઈને હેબતાઈ ગઈ. એક તબક્કે તો કાલીદાસે ચંદ્રમુખીને બાથમાં લેવાની કોશિશ પણ કરી હતી પરંતુ ચંદ્રમુખીએ તેના ઈરાદા બર આવવા દીધા ન હતા.ચંદ્રમુખી તો ચંદ્રમુખી જ છે. કાલીદાસનાં બધા જ પેંતરા વિફળ રહ્યા.

વડ પાસે દેવદાસના મોક્ષની પુજા પૂર્ણ કર્યા બાદ કૌશલ્યાદેવી અને દ્વિજદાસ હવેલીમાં આવી પહોંચ્યા હતા. પારો તો ઈન્તેજારમાં હતી કે ચંદ્રમુખીનો ક્યારે પૂર્ણ થાય છે? હજુ પારોની નજર કૌશલ્યાદેવી અને દ્વિજદાસ પર પડી ન હતી અને બન્નેએ પણ પારોને જોઈ ન હતી.

અચાનક મુજરો કરતાં કરતાં ચંદ્રમુખી તાંડવ નૃત્ય કરવા લાગી. તમામ મહેમાનો હબક ખાઈ ગયા. ચંદ્રમુખીનો તાંડવ નૃત્ય જોઈ કાલીદાસ પણ નાસીપાસ થયો.ચેહરા પર બનાવટી હાસ્ય રેલાવી તે પોતાની જાતને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરતાં જણાયો. ચંદ્રમુખીનો તાંડવ નૃત્ય ચાલી રહ્યો હતો ત્યારે જ ભીડને ચીરી પારો પ્રાંગણની વચ્ચોવચ આવી ગઈ. પારોને જોઈ પ્રથમ કાલીદાસને તમ્મર આવી ગયા. કૌશલ્યાદેવી અને દ્વિજદાસ સુધ્ધા સડક થઈ ગયા. જોરથી પારો તાડુકી.
બસ....ચંદા...તાંડવ નૃત્ય નહીં પણ હવે ખરેખર તાંડવ થશે.

પારોની ત્રાડ સાંભળી ચંદ્રમુખીએ નૃત્ય અટકાવી દીધું. તે આકળ-વિકળ નેત્રોથી પારોને તાકતી રહી. પારોની આંખમાં ઝગારા હતા. બેખોફ અને નિડર પારો જોવાઈ રહી હતી. બધાનાં મનમાં એક જ પ્રશ્ન હતો કે શું થશે? મહેમાનોમાંથી અવાજ આવ્યો.
કેવી બાઈ છે? સાવ નફ્ફટ છે. પતિને ખાઈ ગઈ અને ઘર છોડીને જતી રહી હવે પાછી મોં કાળું કરવા આવી છે?

આટલું સાંભળતાં જ પારોએ ફરી ત્રાડ પાડી.

કોણ બોલ્યું...પારોનો ભરાવદાર અવાજ પડઘાયો. કોણ બોલ્યું.

પારોનું રૂપ જોઈ કોઈએ હિંમત ન કરી કે કોણ બોલ્યું. પારોએ બે-ત્રણ જણાની પાસે જઈ આંગળી ચિંધી. તમે બોલ્યા...પેલા શું બોલે? નકારમાં માથું ધુણાવ્યું.

પારોએ ત્યાર બાદ કોઈને પુછ્યું નહીં. પણ મેતરાણીના નામથી હાક પાડી.

મેતરાણી...મહિલાઓ વચ્ચે બેઠેલી મેતરાણી દાંત કાઢતી દેખાઈ. પારો તેની પાસે ધસી ગઈ.

મેતરાણી...તમે તમારી હરકતોથી વાજ આવવાના નથી? પારોને જાણે મેતરાણી ખિજવતી હોય એમ અન્ય મહિલાઓ સાથે હંસતી જ રહી. મેતરાણીનાં બાવડે ધક્કો મારી કહ્યું..

તમે મારા કરતાં મોટી ઉંમરનાં છો. મારા સંસ્કાર મને આપતા નથી હું તમારી ફજેતી કરું. હવે દાંત કાઢવાનું બંધ કરો તો સારું..
હાં...હાં....કેમ નહીં...પારો રાણીનો આદેશ છે....બધા ચૂપ થઈ જાઓ...એમ કહી મેતરાણી સહિત બધા ચૂપ થઈ ગયા અને થોડી વાર બાદ ખૂબ જોર-જોરથી હસવા માંડયા. પારોનો પિત્તો ગયો. પારોનો હાથ સીધો મેતરાણીનાં ગાલ પર હતો. જ્યાં હાસ્યનાં ફુવારા ઉડતા હતા ત્યાં સાવ જ સન્નાટો છવાઈ ગયો. મેતરાણી ગાલ પંપાળતા રહી ગઈ.

પારો કશુંક અવળું કરી બેસશે એવા વિચારે ચંદ્રમુખી પાસેં પહોંચી. પારોએ ચંદ્રમુખીને કહ્યું..ચંદા, આ એ જ બાઈ છે જેણે મારા સંસારમાં પલિતો ચાંપ્યો હતો. મારી ઠેકડી ઉડાડવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. બુઝુર્ગ છે, વડીલ છે એમ સમજી હું તેમની હરકતોને ટાળતી રહી.

પારો, સંભાળ, તારી જાતને સંભાળ...

નહીં ચંદા, આજે તો એક ઘા ને કટકા થતાં હોય તો ભલે. આજે પારો નહીં અટકે. અને તું પણ અટકાવતી નહીં....તને દેવદાસનાં સમ છે....
દેવદાસ....ત્યાં જ કાલીદાસ ટપક્યો..

કૌશલ્યાદેવી અને દ્વિજદાસ તરફ નજર કરી તે બોલ્યો. આ બે મહાન આત્માઓ છે. આ બન્ને મહાન આત્માઓએ દેવદાસ માટે પોતાના પ્રેમનું બલિદાન આપ્યું. કોને મહાન પ્રેમિકાની ઉપાધિ આપું? આપ સૌ મારી મદદ કરશો..? પારો કે ચંદ્રમુખી...
સાડીનો પાલવ સરખો કરી ચંદ્રમુખી બોલી..
કાલીબાબુ...પારો અને ચંદ્રમુખી તો દેવની દાસી હતા, છે અને રહેશે. પણ તમારું જેવું નામ છે તેવાં જ તમારા કાળા કામો અને કાળા કારનામા છે...

આ લો, હવે ગાંડી ડાહીને શિખામણ આપી રહી છે. ચંદાજી...મુખડા દેખો દર્પન મે...

એમ? ચંદારાણીથી ચંદાજી..તમે આ બધાની વચ્ચે ચંદારાણી કહેતા જીભ કોચવાય છે? ત્યાં કોઠા પર તો જાત-જાતનાં સંબોધનો અને વાક્યો બોલો છે. આશિક બની જાઓ છો. ચંદા કહેતા-કહેતા થાકતા નથી. આજે આ મહેફિલમાં શું થઈ ગયું? હા, તમે રહ્યા ઈજ્જતદાર અને હું રહી કોઠાવાળી...પણ કાલીબાબુ કોઠાની પણ એક ઈજ્જત આબરૂ છે. એટલે જ તમારા જેવા લોકો ત્યાં આવે છે. અને કદાચ કોઠાની માટીને પૂણ્ય માટી તરીકે મા દુર્ગાનાં ચરણોમાં અર્પિત કરાય છે.

ચંદ્રમુખીની આંખનાં ખૂણે નીર બાઝી ગયા...અરે હા, તે રાત્રે શું કહ્યું હતુ મને..? ચંદારાણી..એક રાત....આટલું કહી ચંદ્રમુખી ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી.
કાલીબાબુ...ભલે અમે કોઠાવાળી પણ એક મહિલા છીએ. સમાજ સાથે જોડાવામાં અમારી પણ ઈચ્છા હોય છે. તમારા જેવા લોકો અમારી ઈચ્છાઓને અંધારી રાતની કાળ કોટડીમાં હરહંમેશ કચડતા આવ્યા છે. પણ હવે નહીં....હવે પછી ભોગવશે આ સમાજ અને સમાજના દંભી લોકો..
ઝડપથી પારો પાસે પહોંચી ચંદ્રમુખી બોલી..
આ પારોનો કસુર શો છે? શો ગુનો છે? દેવીદાસને પ્રેમ કરવો? કોઈને અનહદ ચાહવવું ગુનો હોય તો ભલે આ ભદ્ર સમાજ એને ગુનો ગણતો રહે. ચંદ્રમુખીનો દેવ દિવાનો હતો, ચંદા પણ દેવની દિવાની હતી પણ દેવે તો માત્ર પારોને ચાહી. તો શું ચંદ્રમુખીનો પ્રેમ મટી ગયો?
અશ્રુધારા લૂછતી ચંદ્રમુખી બોલી રહી હતી. કાલીદાસે તાળીઓ વગાડી.
વાહ, ભઈ વાહ, ખૂબ ભાલો..ચંદાજી..નહીં..ચંદારાણી... આવી સૂફિયાણી વાત કરવાથી પાપ પૂણ્ય થઈ જતું નથી. અને હા, જે પારોનાં પ્રેમના ચંદારાણી તમે યશોગાન કરી રહ્યા છો એ તો માત્ર એક વાસના હતી. બે શરીર વચ્ચેનું આકર્ષણ હતું..એ કોઈ પ્રેમ ન હતો...એ તો બસ હતું એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનું શારિરીક આકર્ષણ..
કાલીબાબુ...પારોએ જોરથી હાક પાડી.
અરે આ તો શરૂઆત છે આટલામાં જ અકળાઈ કેમ ગયા? મૂળ મુદ્દો તો હવે આવ્યો છે.
મહેમાનો તરફ ગોળ ચકરાવો ફરીને... સહુને જાણવાનો અધિકાર છે કે પારોજી કોનાં સંતાનની માતા બની રહી છે? જાણવા માંગો છો? કાલીદાસ થોડોક અટક્યો. કૌશલ્યાદેવી અને દ્વિજદાસ પાસે આવી લોકો તરફ પાછો ફર્યો.
તો જણાવી દઈએ કે પારોજી ઠાકોર ભૂવન નહી પણ દેવદાસ મુખરજીનાં સંતાનની માતા બની રહ્યા છે....
કાલીદાસનાં અંતિમ શબ્દો પર કૌશલ્યાદેવી અને દ્વિજદાસ ચોંકી ઉઠ્યા.
શું બકવાસ કરી રહ્યો છે કાલીદાસ...શું અલેલટપ્પુની જેમ જે મનમાં આવે તે ભસડી રહ્યો છે? ભાન પડે છે કે શું કહી રહ્યો છે. જીભડીને કાબૂમાં રાખ....
દ્વિજદાસ ગુસ્સામાં આવી ગયો. કૌશલ્યાદેવી વિસ્ફારિત નેત્રોથી એકીટશે જોવા લાગ્યા. તેમણે પારો તરફ પહેલી વાર પ્રેમભરી નજરે જોયું. તેમના મનની શંકાઓ જાણે દુર થઈ ગઈ. કૌશલ્યાદેવીને ઉંડે-ઉંડે મનમાં હતું કે પારોનું સંતાન દેવદાસનું નથી. પણ કાલીદાસે સરાજાહેર પારોનાં સંતાન અંગે કહેતાં કૌશલ્યાદેવીને અહોભાવ જાગ્યો પણ મુખરજી ખાનદાનની માન-મર્યાદા તેમની આડે આવી ગઈ. નારાયણાસ મુખરજીનાં શબ્દો તેમના કાનોમાં ગૂંજવા લાગ્યા.
સુમિત્રા અને તેની દિકરી પાર્વતી ગમે તેટલા પ્રયાસો કરશે પણ મારી હયાતી અને મારા મોત બાદ પણ મુખરજી ખાનદાનની વહુ નહીં બની શકશે આ પારો..કૌશલ્યા, મને વચન આપ...
કૌશલ્યાદેવી માથે હાથ દઈ બેસી ગયા. ધર્મસંકટ હતું. દેવનું નામ સરાજાહેર ઉછળી રહ્યું હતું. કાલીદાસ તો પાછો પારોનું બુરું ઈચ્છનાર છે અને તેનાં મુખેથી સત્ય પરથી પરદો ઉઠતાં જ કૌશલ્યાદેવી વ્યાકુળ બની ગયા.
પારોનો સ્વીકાર કરે કે ન કરે? પારોને સ્વીકારે તો તેનાં સંતાનને દેવદાસનું નામ આપવું પડે? કૌશલ્યાદેવીએ દ્વિજદાસ તરફ જોયું. દ્વિજદાસે માતાની હાલતનો ક્યાસ લગાવ્યો. તે ઝડપથી કૌશલ્યાદેવી પાસે આવ્યો. તેની પત્ની સૌજન્યા પણ આવી પહોંચી.
ચંદ્રમુખી સીધી કાલીદાસ સમક્ષ આવીને ઉભી રહી ગઈ. તે બોલી..
જોયું, કાલીબાબુ..આ મા દુર્ગાનો ચમત્કાર છે. આજે તમારા મોંમાંથી સચ્ચાઈ નીકળીને જ રહી. તમે પારોને નીચે પાડવાની કોશિશ કરતા હતા પણ થયું તેનાથી ઉલ્ટું. જે હકીકતથી અમે લોકોને વાકેફ કરવા માંગતા હતા તે હકીકત તમે જાતે જ ઉજાગર કરી કે પારોનાં સંતાનનો પિતા દેવદાસ છે.
ચંદ્રમુખીએ ભીંજાયેલીએ આંખોએ હર્ષાનીર વહાવ્યા તો પારોની આંખમાં મા દુર્ગા પ્રત્યેનો આભારભાવ પ્રકટ થઈ રહ્યો હતો. કૌશલ્યાદેવી અને દ્વિજદાસની કેફિયત એવી હતી આ સ્થિતિમાં શું કરી શકાય? એક તરફ મુખરજી ખાનદાનની માન-મર્યાદા હતી તો બીજી તરફ એક કડવું સત્ય હતું.
ક્રમશ :
દિવાળીની શૂભકામના.....નૂતન વર્ષાભિનંદન

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.