5- વડ દેવતાને પારોનો પોકાર
આજનો દિવસ પાર્વતી માટે કંઈક અંશે સારો ગયો. ઘરમાં કોઈએ તેની સાથે ઉદ્ધતાઈથી વર્તન તો ન કર્યું પણ તો બીજી તરફ કોઈએ એની સાથે જરાસરખી આત્મીયતાથી વાત પણ ના કરી. સરવાળે આજનો દિવસ આ રીતે સારો ગયો એવી તસલ્લી પાર્વતીએ દિલને આપી.
આજે તેને ઘણા દિવસ પછી હવેલીની બહાર પગ મૂકવાની તક મળી. ઠાકોર ભૂવન ચૌધરીએ જ નોકર હસ્તક પાર્વતીને બજાર જવાની સૂચના આપી. ચૌધરીની આ સૂચના સાંભળીને પાર્વતી મનમાં રાજીની રેડ થઈ ગઈ. તેણે ખુશી-ખુશી થેલી ઉંચકી અને સાથે ભાનુને લઈને સાંજની બજારી કરવા નીકળી પડી.
જો કે, પાર્વતીને ટોણાં મારનારાઓની ગામમાં કોઈ કમી ન હતી. બજારમાં પાર્વતીનો સામનો મેતરાણી સાથે થયો. મેતરાણી બોલવામાં મોં-ફાટ હતી. મેતરાણીની સાથે અન્ય આધેડ મહિલાઓ પણ હતી. પાર્વતી મેતરાણીને ઓળખતી હતી. મેતરાણીને જોઈ તેણે રસ્તો બદલવાની કોશિશ કરી તો મેતરાણીએ તેને અધ રસ્તે અટકાવી.
'કી ભાલો પારો રાણી... રસ્તો કાપીને નીકળી જવા માગો છો? અમારાથી ભાગવાનું કોઈ કારણ?'
'ના મૌસી. બસ જરા હવેલીએ જલદી પહોંચવું છે. મોડું થાય છે. તમારાથી કોણ ભાગે છે? ના... ના... હું તો જોતી હતી કે પેલી બાજુના લારીવાળા પાસે શું શું છે?'
'કંઈ વાંધો નહીં પારો રાણી. કદી અમારી સાથે પણ અલક-મલકની વાત કરતા રહો. અમારામાં કંઈ કાંટા નથી.' મેતરાણીના છેલ્લા શબ્દો સાંભળીને તેની સાથેની મહિલાઓ પણ એકસાથે હસી. પાર્વતીને થયું તેનો જેટલો જલદી છૂટકારો થાય એટલું સારું. એવામાં મેતરાણીની સાથે આવેલી પૌલોમી કાકી બોલ્યા,
'પારો રાણીના ગાલ ગુલાબી ગુલાબી થઈ રહ્યા છે. નહીં મેતરાણી? તમે શું કહો છો?'
'હા... હા... મને પણ એવું જ લાગે છે. પારો રાણી મોઢું મીઠું કરાવજો જરા!'
'મૌસી... કાકી... એવી કોઈ વાત નથી.' ભરભજારમાં આવી કપરી પરિસ્થિતિ ઊભી થતાં પારો અંદરથી ગભરાઈ ગઈ. તે માથેના બાઝેલા પ્રસ્વેદની બુંદોને લૂછવા લાગી.
'લો કર લોઅ બાત. આપણે ખુશીની વાત કરીએ તોય પારો રાણીને પરસેવો છૂટી જાય છે.' ટોળામાંની એક બીજી સ્ત્રી બોલી.
'મૌસી, હવે હું જાઉં. મને મોડું થઈ રહ્યું છે. અને હા... આવી કોઈ વાત નથી. ચૌધરી સાહેબને પણ તમારે આવી કોઈ વાત કરવાની નહીં. હમણાં જ ચૌધરી સાહેબ પણ માંદગીમાંથી માંડ-માંડ બહાર આવ્યા છે.' પાર્વતીએ આ વાત સખ્તાઈપૂર્વક કરી.
આ ઉપરાંત પણ બજારમાં જેમણે જેમણે પોરોને જોઈ, એમણે પારો તરફ જોઈને મોઢું વાકું કર્યું અને તેમના મનમાં જે આવ્યું એ બોલીને રસ્તો કાપી ગયા. આજે બજારમાં પાર્વતી પર નફ્ફટ-કુલટા, મોં કાળું કરનારી, ઈજ્જત કાઢનારી કે છીનાળ જેવા વિશેષણોની નવાજેશ થઈ.
ગામ લોકોની વાત કાને ધર્યા વગર પાર્વતી બજારમાં ચીજ વસ્તુઓ ખરીદી રહી હતી ત્યાં જ અચાનક ક્યાંથી શ્યામદાસ આવીને ટપકી પડ્યો. ભાનુને પાર્વતી પાસેથી આંચકીને તેને ઘરે લઈ જવાની જીદ કરવા લાગ્યો. પાર્વતીએ શ્યામને ઘણો સમજાવ્યો. પણ તે એકનો બે ન થયો. પાર્વતીએ આગ્રહ કર્યો કે ભાનુને મારી સાથે રહેવા દે તો શ્યામે તેને સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે, 'એને હવેલીથી બજાર લાવવા તમને કોણે કહ્યું? શા માટે ગામલોકોને વધુ એક તમાશો કરવાનો મોકો આપો છો? તમ-તમારે ઘરે જાઓ. હું બજાર જઈ આવીશ.' શ્મામદાસે પાર્વતીના હાથમાં રહેલી બજારની થેલી ઝૂંટવી લીધી અને તે ભાનુને લઈ ગયો.
પાર્વતીએ અનુભવ્યું કે ઘણા દિવસે ક્ષણભંગુર તો ક્ષણભંગુર પણ જે ખુશીની ઝલક જોવા મળી હતી તેના ઉપર પણ કાળાશ ઢોળાઈ ગઈ. બજારથી બહાર નીકળતી વખતે એણે રસ્તા પર લોકોનો કાફલો જોયો. પાર્વતીની નજર ધર્મદાસ પર પડી. 'અરે! તાલ સોનાપુરના લોકો હાથીપોતામાં?' તેને આશ્ચર્ય થયું. તે ઝડપથી ધર્મદાસ ચાલી રહ્યો હતો એ દિશામાં આગળ વધી. તેણે ધર્મદાસને બૂમ પાડી. ધર્મદાસની નજર પાર્વતી પર પડતા જ કાફલાને છોડી ધર્મદાસ યેન-કેન રીતે પાર્વતી પાસે આવ્યો.
'પારો... મારી દીકરી... કેમ છે?'
'પારોની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. બહુ ખુશ છું કાકા તમે કેમ છો?'
'આપણું તો ચાલ્યા કરે છે. તું ખુશ છે એ જાણીને આનંદ થયો, પણ તારી આંખમાં આંસુ? મને કંઈ સમજાતું નથી.' ધર્મદાસે કહ્યું.
'ના કાકા, તમને લાંબા સમય પછી જોયા એટલે અમસ્તા આંસુ નીકળી ગયા.'
'લપાતો-છપાતો આવ્યો છું. કોઈને ખબર પડશે તો મારી હાલત કફોડી થશે.
ચાલ દીકરા, હું જાઉં ત્યારે.'
'... પણ કાકા, તાલ સોનાપુરના લોકો અહીં....?' પારોએ ધર્મદાસને તેનું આશ્ચર્ય જણાવ્યું.
'હા દીકરી, દેવ બાબુનું બારમું કરવા આવ્યા હતા. વચ્ચે પણ શેઠાણી, દ્વિજ બાબુ સહિત સૌ અહીં આવ્યા હતા. દેવદાસના અસ્થિ કળશને લેવા માટે. તેઓ અસ્થિ કળશ તો લઈ ગયા પણ જીવનભર અફસોસ રહેશે કે દેવબાબુ એક લાવારિસની જેમ આ ગામમાં મૃત્યુ પામ્યા. દેવદાસના નામનો ઉલ્લેખ થતા જ પાર્વતી અને ધર્મદાસ ફરી રડી પડ્યા. પાર્વતીએ ધીમેથી કહ્યું, 'કાકા તમે મને મળવા પણ ન આવ્યા?'
'દીકરી તું તો જાણે જ છે મારી મજબૂરી શું છે?'
'કાકા, મને તાલસોનાપુર આવવાની ઈચ્છા છે. મારી માતાને સંદેશો કહેજો કે પાર્વતી બહુ યાદ કરે છે. મળવા આવજો. મહિનાઓ થયા માતાજી આવ્યા નથી. થોડી ચિંતા પણ થઈ રહી છે.'
'દીકરી તારે એમની ચિંતા કરવાની જરૂર નથી. સુમિત્રા દેવીની તબિયત સારી છે. તારા ભાઈના કારણે થોડી દુઃખી રહે છે. એના લગ્ન કરવાનું વિચારે છે. પણ, દીકરા... તારી હાલત પહેલાં જેવી નથી રહી. બધું ક્ષેમકુશળ તો છે ને?'
'કાકા...' ધર્મદાસને વળગીને પાર્વતી ધ્રૂસકે-ધ્રૂસકે રડી. ધર્મદાસે ધરપત આપતા કહ્યું, 'દીકરા, મને મોડું થાય છે. હવે હું જાઉં છું. તું સદા સુખી રહે. ભગવાન તને સલામત રાખે.' શુભ આશિષ આપી ધર્મદાસ ઝડપથી પાર્વતી પાસેથી રવાના થયો અને તાલસોનાપુરના કાફલામાં જોડાઈ ગયો.
એકલી પડી ગયેલી પાર્વતી બજારમાં મંથર ગતિએ ચાલી રહી હતી. પણ તેના પગ હવેલી તરફ જવાના બદલે બીજી દિશામાં જઈ રહ્યા હતા. હૃદયમાં ઘરબાયેલી સ્મૃતિઓને ધર્મદાસે ઝબકોળી હતી.
તે 'દેવ... દેવ...' ગણગણતી ચાલતી જતી હતી. તેની મનમાં અચાનક જ દેવદાસની અનેક યાદોનો મેળો ભરાયો. દેવ સાથેના તેના વિરહની ટીસ દિલ સોંસરવી હતી. આંખોની વેરાન વાદીઓમાં કેકારવનો મીઠો-મીઠો ગુંજારવ શાંત હતો. કીકીઓના શમણાં વલોવાઈ ગયા હતા. પાંપણોનાં ઝરણાં સૂકાઈ ગયા હતા. યુગોથી ધીખી રહેલી સહરાની તરસને મટાડવાનો જોગ હતો. તે ચાલ્યે જઈ રહી હતી. એકાએક તેનાં પગ અટકી પડ્યા. તેણે વડના ઝાડ તરફ નજર કરી. તેની આંખ સામે દેવદાસની અંતિમ પળોની યાતના તરવરી. ડગલેને પગલે દેવદાસની યાદ આવી રહી હતી. હવેલી તરફ આગળ જવાના બદલે પાર્વતીના પગ આપોઆપ વડના ઝાડ પાસે અટકી ગયા. વિકટ પરિસ્થિતિઓમાં પણ હાલવા-ફૂલવાની ક્ષમતા અને પોતે ધોમધખતા તાપને સહન કરી છાંયડો આપતા વડને તાકવા લાગી.
વડવાઈઓ તેની સ્મૃતિઓને પવનના હલેસે હંકારીને દૂર ક્યાંક ફંગોળી રહી હતી. ‘કલ્પવૃક્ષ’નું બહુમાન પામનારા વડને જોતાં જ તે મનોમન બોલવા લાગી, 'આયખાને શીતળ છાંયડીનો એક ટુકડો પણ નસીબ ન થયો. ભગવાન શિવ દક્ષિણામૂર્તિ તરીકે, ૠષિઓ સાથે હંમેશા તમારી સોડમાં સાધના કરતાં હતાં. તમે અનંત જીવનનાં પ્રતિક છો. તમારી ફરતે પવિત્ર નાડાછડી બાંધી સુહાગણો પતિદેવોના લાંબા આયુષ્યની કામના કરે છે.
પણ... પણ... મારું જીવન આનંદિત નહીં પણ ક્ષીણ બની ગયું. કેવી બલિહારી છે? તમારી સાથે જોડાયેલી મારી શ્રદ્ધાની પરીક્ષા લો છો? કોઈ દિવસ તો અમી દૃષ્ટિ કરો. મુજ અભાગણે તો માત્ર પ્રેમનું ભિક્ષાપાત્ર પ્રસરાવ્યું હતું. મારા ભિક્ષાપાત્રમાં કોઈએ પ્રેમનો એક દાણોય ન નાંખ્યો. ઉલ્ટાનું ભિક્ષાપત્રને સુદ્ધાં લૂંટવાના લોકોના બદઈરાદા છે. દેવદાસને ચાહી, કોઈ ગુનો કર્યો છે? શું કોઈને અનહદ પ્રેમ કરવું પાપ છે? તમે પણ તો પતિ-પત્નીના પ્રેમને દીર્ઘતા અર્પો છો. તમારી યશોગાથા સમગ્ર સૃષ્ટિમાં છે. એક મારા પર જ પ્રેમનો પરાભવ થયો. પરાભવ થયો તેની ચિંતા નથી પરંતુ દેવદાસ સાથે વિતાવેલી હરેક પળને કેવી રીતે વિસારે પાડું? એણે જ તો મને સાચા પ્રેમની અનુભૂતિ કરાવી હતી. સૂકા ભટ રણ જેવી થઈ ગયેલી પાર્વતી પર પ્રેમના અમીછાંટણા કરી સરાબોર કરી હતી. મારામાં પ્રેમના એક નવા બીજનું દેવદાસે વાવેતર કર્યું છે. હવે તમે જ કહો વડ દેવતા... પાર્વતી કરે તો શું કરે?' મારા પ્રેમની થઈ રહેલી અધોગતિને તમે કેવી રીતે સાંખી રહ્યા છો? વડ દેવતા કૃપા કરો...'
મનોમન વલોપાત કરતી પાર્વતીને રાહદારી મહિલાનો ધક્કો લાગ્યો. મન સાથે વાત કરવાની સાંકળ તૂટી ગઈ. આજુબાજુ નજર કરી. રસ્તા પર એકલ-દોકલ લોકો નજરે પડ્યા. અંધારું ગાઢ બની રહ્યું હતું. તેણે સાડીના પાલવથી ગાલ પર પડેલા અશ્રુ બિંદુઓ લૂછ્યા અને તે ભારે હૈયે હવેલી તરફ ડગ માંડી રહી હતી. થોડે દૂર જતાં શરીરમાં તેને અશક્તિ જેવું લાગ્યું, છતાં તે ચાલતી રહી. તેની તકલીફ વધી. કેટલાય દિવસોની પળોજણ અને ગૃહ ક્લેશની અસર અત્યારે વર્તાઈ. માથું ઘુમરાવા લાગ્યું, એને ચક્કર આવ્યા. તે જમીન પર ફસડાઈ પડી. આસપાસ શું ચાલી રહ્યું છે એનું એને ભાન ન જ રહ્યું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર