9- બંગ-ભંગ ચળવળ અને પાર્વતી

27 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

બંગાળમાં આ સમય દરમિયાન બંગ-ભંગની ચળવળ ચાલી રહી હતી. બ્રિટીશ શાસન દરમિયાન વર્ષ 1905માં તત્કાલીન જનરલ લોર્ડ કર્ઝને ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પર ચાલીને વહીવટને વધુ સારો બનાવવા તથા પૂર્વ બંગાળના પછાત વિસ્તારોમાં તાત્કાલિક વિકાસ કરવા જેવી દલીલોને આધારે બંગાળના ભાગલા પાડ્યા હતા. આ ભાગલા દ્વારા પૂર્વ બંગાળ અને આસામના પ્રાંતોની રચના કરવામાં આવી. ભારતીયોએ અંગ્રેજોની ચાલ સમજી લીધી અને ‘બંગ-ભંગ’ના વિરોધમાં સમગ્ર બંગાળમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયાં. આ દરમિયાન પ્રથમ વખત સ્વદેશી અને બહિષ્કાર આંદોલન બંગાળથી શરૂ થઈને ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું હતું.

બંગ-ભંગની ચળવળ વચ્ચે પાર્વતી માટે કપરી સ્થિતિ હતી. ઠાકોર ભૂવન ચૌધરીની હવેલીથી નીકળી તે એવી જગ્યાએ આવી પહોંચી હતી, જ્યાંના લોકો તેના માટે અજાણ્યા હતા. કોણ એને અહીં લઈ આવ્યું હતું? એ વિચારે તે અસ્વસ્થ હતી .જાતને સંભાળીને સમય વ્યર્થ કર્યા વિના તે લાકડાના ઘરમાંથી બહાર નીકળી. ઘરની બહાર નીકળતાં જ તેની નજર સશક્ત બાંધો ધરાવતા એક યુવાન પર પડી. આછી-આછી દાઢી, વાંકળીયા વાળ અને અલમસ્ત શરીર સૌષ્ઠવ ધરાવતો ત્રીસી વટાવી ચૂકેલો એ યુવાન ઘરના ખેતરાળ ચોગાનમાં ઘાસના ભારા ગોઠવી રહ્યો હતો.

પારોએ યુવાનને દૂરથી જ જોયો. તેની પાસે જવાની હિંમત ન ચાલી. વળતા પગે ઘરમાં આવીને ફરી બિછાને આડી પડી. થોડી વારમાં યુવાન ઘરમાં દાખલ થયો. પારોને વિચારમગ્ન મુદ્રામાં જોઈને એણે પૂછ્યું.

‘કેમ છો? હવે કેવું લાગે છે?’

યુવાનના શબ્દો કાને પડતાં પારો ગભરાઈને બિછાનેથી ઉભી થઈ. તે યુવાનને એકીટશે અકલ્પ્ય ભયના ભાવથી જોઈ રહી હતી. હિંમત કરી પારોએ પૂછી લીધું.

‘કોણ છો તમે? હું અહીં કેવી રીતે પહોંચી?’

‘કહું છું દેવીજી... પહેલાં એ કહો કે કશું ખાશો? કે પછી ભૂખ્યા રહેવાનું નક્કી કર્યું છે?’

‘ના... ભૂખ નથી.’ થોડું અટકીને. ‘હું અહીં કેવી રીતે આવી? એ કહો પહેલા.’

‘તમે કેવી રીતે આવ્યા અહીંયા? તો સાંભળો. તાલ સોનાપુરના સીમાડે રાત્રિના સમયે તમે ખેતર પાસે બેભાન હાલતમાં પડ્યા હતા. તમારા નસીબ સારા છે કે હું પણ તાલસોનાપુરથી જ પાછો ફરી રહ્યો હતો. ખેતર પાસે મેં તમને બેભાન હાલતમાં જોયા. સારું એ થયું કે કોઈ જંગલી જાનવરે તમારા પર હુમલો નહીં કર્યોં. નહિંતર તમે આજે અહીં સહી-સલામત નહીં હોત.’

પારોથી બોલાઈ ગયું. ‘તાલ સોનાપુર....?’

પાર્વતીને યાદ આવ્યું કે ઠાકોર ભુવન ચૌધરીની હવેલીમાંથી નીકળ્યા બાદ તે તાલસોનાપુરમાં માતા કને જવા માગતી હતી. હવેલીમાંથી નીકળી તે સતત ચાલતી રહી હતી. કોઈ ઘોડાગાડી કે બળદ ગાડું પણ મળ્યું ન હતું. સતત ચાલવાના કારણે એ ક્યારે તમ્મર ખાઈને ફસડાઈ પડી તેનો પાર્વતીને ખ્યાલ ન રહ્યો. જ્યારે તેની આંખ ખુલી ત્યારે તે રાજશેખર શેરોનની ઝૂંપડીમાં હતી.

‘હા દેવીજી. તાલ સોનાપુર. હાલમાં બંગ-ભંગની ચળવળ ચાલે છે. મારું નામ રાજશેખર શેરોન છે. અમારા નેતા વાસુદેવજી ગઈકાલે તાલ સોનાપુરમાં જ હતા. તેમને મળવા માટે ગયો હતો. બ્રિટીશ સરકારે બંગાળના ભાગલા કરવાની જાહેરાત કરી છે. બંગાળના ભાગલાના વિરોધમાં અખંડ બંગાળની ચળવળ ચાલી રહી છે. હું પણ એ ચળવળમાં જોડાયેલો છું. પણ તમારે ગભરાવાની જરૂર નથી. તમારે ક્યાં જવું છે? હું તમને તમારા ઠેકાણે સુરક્ષિત પહોંચાડી દઈશ.’

પારોના મોંમાંથી ત્વરિત નીકળી પડ્યું. ‘ક્યાં???’

રાજ શેખરે આશ્ચર્યથી જોયું. ‘ક્યાં એટલે દેવીજી?’

પારોએ સવાલને ગળી જઈ કહ્યું ‘કશું નહીં.’

‘...તો પછી તમારે જવાનું છે ક્યાં?’

‘ક્યાં જવાનું છે? હજુ નક્કી નથી કે આ જીવન ક્યાં લઈ જશે? સઘળી દિશાઓના દરવાજા બંધ છે. એક અભાગણ માટે રસ્તો શું અને મંજીલ શું? કાં તો પવનની સંગાથે જવું પડશે અથવા પવનની સામે થવું પડશે.’

કંઈક યાદ આવ્યું હોય તેમ પારો બોલી. ‘શેખરજી મારે કોલકોતા જવું છે.’

‘કોલકોતામાં ક્યાં જશો?’

પારો અનુત્તર રહી.

‘સારું, હું કંઈક ગોઠવણ કરું છું.’ રાજ શેખર ઘરની બહાર નીકળી ગયો.

આમનેઆમ ત્રણ દિવસ વીતી ગયા. પાર્વતીએ રાજશેખર શેરોન સાથે આત્મીયતા બંધાઈ. બંને એકબીજાને હવે સારી રીતે ઓળખવા લાગ્યા હતા. રાજશેખરના માતા-પિતા હયાત ન હતા. તે એકલો જ હતો. તેણે પોતાનું જીવન બંગાળ માટે ફના કરવાનો નિર્ધાર કરી લીધો હતો.

બીજા દિવસે બપોરનો સમય હતો. પારોએ સમખાવા પૂરતા દાળ-ભાત આરોગ્યા. તેને હજુ પણ થાક વર્તાતો હતો એટલે તે આરામ કરવા માગતી હતી. રાજ શેખરનો કોઈ પત્તો ન હતો. સવારથી ગયા બાદ રાજશેખર દેખાયો નથી. અચાનક કોઈએ ઘરનો દરવાજો ખટખટાવ્યો. રાજશેખર હશે એમ માની ઊભા થઈને તેણે દરવાજો ખોલ્યો તો સામે સફેદ ગણવેશધારી કાફલો હતો. પારોએ અંદાજો બાંધ્યો કે બ્રિટીશ પોલીસ લાગે છે. પારોનો અંદાજો સાચો નીકળ્યો.

‘સી, મેમ. આઈ એમ ઈન્સ્પેક્ટર એરોન થોમસ. રાજશેખર શેરોનનું ઘર છે?’

પારોએ હકારમાં માથું ધૂણાવ્યું. ઈન્સ્પેક્ટર થોમસે તરત જ બાકી પોલીસવાળાઓને ઘરની તપાસ કરવાનો આદેશ આપ્યો. અચાનક થઈ રહેલી પોલીસ કાર્યવાહીથી પારો ગભરાઈ ગઈ. તે બોલવા જઈ રહી હતી તો ઈન્સ્પેક્ટર થોમસે કડકાઈથી અટકાવી દીધી અને કહ્યું ‘પોલીસને પોલીસનું કામ કરવા દો.’

પોલીસવાળાઓએ થોડી જ ક્ષણોમાં રાજ શેખરના ઘરને તહસ-નહસ કરી નાંખ્યું. ઘરની દરેક નાની-મોટી વસ્તુ ફંફોસી. લોખંડની પેટીમાંથી કેટલીક પત્રિકા મળી આવી. પોલીસમેને પત્રિકા ઈન્સ. થોમસેને આપી. થોમસે પત્રિકા પારો સામે ધરી પૂછ્યું.

‘આ શું છે?’ પારોએ પત્રિકા હાથમાં લઈને વાંચી. તે કંપી ગઈ. કંપતા હોઠે એટલું જ બોલી શકી,

‘મને કંઈ ખબર નથી.’

‘ખબર નથી? એમ? સરકાર વિરુદ્ધ પ્રચાર-પ્રસાર કરે છે અને હવે અજાણ હોવાનો ઢોંગ રચે છે. રાજશેખરે ઘોર અપરાધ કર્યો છે. રાજદ્રોહી છે. સરકાર સામે બંડ પોકાર્યું છે.’

પોલીસવાળાઓને સૂચના આપીને ઈન્સ્પેક્ટર થોમસે કહ્યું કે ‘આ મેડમને હિરાસતમાં લઈ લો. રાજશેખર સાથે મળી આ મહિલા પણ સરકાર વિરુદ્ધ વિદ્રોહી ચળવળમાં સામેલ છે.’

પારો કરગરીને બોલી, ‘ઈન્સ્પેક્ટર સાહેબ, હું નિર્દોષ છું, ચળવળ સાથે મારે કોઈ નિસ્બત નથી.’

પારોની વાત અને કાકલુદીને નજર અંદાજ કરીને પોલીસ તેને ઘસડીને લઈ ગઈ. તે હતપ્રભ હતી. પળવારમાં શું બની ગયું? તે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? જેલના સળિયા પાછળ તેને ધકેલી દેવામાં આવી. તેનું માથું ઘૂમરાવા લાગ્યું. ચક્કર આવ્યા. લોકઅપમાં તે ફસડાઈ પડી. પોલીસવાળાએ જોયું એટલે તે દોડી આવ્યો. તેના મોઢા પર પાણીનો છંટકાવ કર્યો. થોડી સ્વસ્થતા ધારણ કરીને તે બોલી.

‘ભ્રાતાશ્રી… રાજ શેખર સાથે મારે કોઈ નિસ્બત નથી. હું કોઈ આંદોલનકારી પણ નથી. હું તો એક નિરાશ્રિત સ્ત્રી છું, જે ઘર છોડીને નીકળી આવી છે. મારી વાત માનવા કોઈ કેમ તૈયાર નથી. મહેરબાની કરો, હું તો એક દુઃખીયારી છું. મને જવા દો.’

પોલીસવાળા પર પારોની વાતની કંઈક અસર થઈ હોય એમ લાગ્યું.

‘બોનજી, હું તમારી વિપદા સમજું છું. પણ મારા હાથમાં કશું નથી.’ આટલું કહીને પોલીસવાળો ચાલ્યો ગયો. પારોને વસમું લાગી રહ્યું હતું. નાનકડા પોલીસ થાણાના લોકઅપની કોટડીમાં પારોના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. પોતાના અસ્તિત્વની લડાઈ લડવા નીકળેલી પારો અનાયાસે બંગ-ભંગની ચળવળમાં સહભાગી થઈ ગઈ હતી. સાંજ થઈ ગઈ હતી. રાજ શેખરનો કોઈ પત્તો ન હતો. જેલમાંથી બહાર નીકળવા માટે રાજશેખર જ એક રસ્તો હતો. પોલીસ તેને શોધી રહી હતી.

મધ્ય રાત્રિનો સમય હતો. કાળા આકાશની કાળોતરી લપકારા મારી રહી હતી. ચંદ્ર પણ જાણે શૂન્યમનસ્ક બનીને પૃથ્વી પર ચાલતો ખેલ જોઈ રહ્યો હતો. ડાચું ફાડીને કોઈ માનવભક્ષી હોય તેમ કાળનું સમયચક્ર ઊભું હતું. આ સ્થિતને સહન કરવા પારો વિવશ હતી, લાચાર હતી. તેને ઊંઘ આવતી ન હતી. અચાનક થોડે દૂર થઈ રહેલી ચીસાચીસથી તેની તંદ્રા તૂટી. રાજશેખરના પોકાર પડઘાયા. રાજશેખરને પોલીસ પકડી લાવી હતી અને રાજશેખરને બર્બરતા આચરવામાં આવી રહી હતી. રાજ શેખરની ચીસ ગગનને પણ ચીરી-ફાડી નાંખે તેવી હતી. તે વ્યાકુળ થઈ ઊઠી પણ. પણ તે કરે શું? તેને થયું કે લોકઅપને તોડી નાંખે અને રાજ શેખરને બચાવે. આમ તો રાજ શેખરે પણ તેના પ્રાણ બચાવ્યા હતા. તેના હાથ બંધાયેલા હતા. તે ઈચ્છીને પણ રાજશેખર માટે કશું કરી શકવાની હાલતમાં ન હતી. પોલીસ રાજ શેખરને મારતી રહી. પોલીસ જાણવા માગતી હતી કે, ‘વાસુદેવ બાબુના અખંડ બંગના આંદોલનની મૂળ યોજના શું છે?’ બીજા જે અવાજો આવતા હતા, તેમાં એક અવાજ પોલીસ ઈન્સ્પેક્ટર એરોન થોમસનો હતો. રાજ શેખર એક જ રટણ કરતો રહ્યો કે તે પહેલી વાર અખંડ બંગના આંદોલનની બેઠકમાં ગયો હતો. પોલીસે તેને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો હતો. આખી રાત પારો ઊંઘી શકી નહીં. આમને આમ જાગીને તેણે રાત વીતાવી.

સવારના પહોરમાં પોલીસવાળો તેને ચા આપી ગયો પણ તેને ચા પીવાની ઈચ્છા ન થઈ. તેણે જોયું કે કાળો કોટ પહેરેલી વ્યક્તિ સાથે બીજી ત્રણ વ્યક્તિ પોલીસ થાણામાં આવી હતી. તેમણે પોલીસ ઈન્સ્પેક્ટર એરોન થોમસ સાથે વાતચીત કરીને કેટલાક કાગળિયા આપ્યા. એરોન થોમસે કચવાતા-કચવાતા પોલીસવાળાને ઓર્ડર કર્યો કે, પાર્વતી અને રાજશેખરને બહાર લઈ આવો. પોલીસવાળો બંનેને બહાર લાવે છે. પારો જુએ છે કે રાજશેખરથી ચાલતું પણ નથી. મોઢા પર સોજો છે. લોહીના ડાઘા બાઝી ગયા છે. થોડોક પગ પણ ખોડાય છે. તે દોડતી રાજ શેખર પાસે પહોંચી.

‘શેખર બાબુ...’

‘શેખર બાબુ? એમ? એરોન થોમસે જીભ કચવીને કહ્યું. ‘આ જૂઓ, આ પ્રેમઘેલા પંખીઓને?’ એ જોરથી હસ્યો.

આ સાંભળી સ્પષ્ટ દેખાતું હતું કે પારો કોપાયમાન થઈ છે. પારો કશું કરે તે પહેલાં અધમરી હાલતમાં પણ શેખરે તેને અટકાવી.

‘જો બંધુ, જામીનગીરી થઈ ગઈ છે. બીજી વખત પકડાયો તો આના કરતાં વધુ હાડકા ખોખરા કરતાં પોલીસને આવડે છે.

સાનમાં સમજી જા નહીંતર હાલવા- ચાલવાને લાયક પણ નહીં રહે. અને તું...’ પારો તરફ જોઈને, ‘તું પણ સમજી જજે. હમણાં તો તારી સાથે સલૂકાઈથી વર્તન કર્યું છે, બીજી વખત નહીં. સમજી? ચાલો હવે અહીંથી...’

વકીલ અને તેમની સાથે આવેલી ત્રણ વ્યક્તિના સહારે રાજ શેખર અને પારો પોલીસ થાણામાંથી બહાર નીકળ્યા. પારોને ઘરે મૂકીને ત્રણેય વ્યક્તિ રાજ શેખરને લઈ ચાલી ગઈ.

જતાં-જતાં પાર્વતીએ પોલીસ ઈન્સ્પેક્ટર એરોન થોમસ સામે ધૂરકીયા કર્યા. તેની આંખોમાં અંગારા હતા. આ અંગારા એટલા માટે હતા કે ગોરી ચામડીવાળા આ પોલીસ ઈન્સ્પેક્ટર એરોન થોમસ રાજશેખર સાથેનાં તેના સંબંધો વિશે એલફેલ બોલ્યો હતો. પાર્વતીએ પોલીસ ઈન્સ્પેક્ટર એરોન થોમસ તરફ બંને હાથની મુઠ્ઠીઓ વાળી કોઈક મક્કમ સંકેત આપ્યો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.