15 દેવદાસના હોવાપણાનો ભાસ

08 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

આજે ત્રીજો દિવસ હતો અને રાજશેખરનો કોઈ પત્તો ન હતો. તાલસોનાપુર આવ્યા પછી પારોની દિનચર્યા પણ બદલાઈ ગઈ હતી. તે માતાની શુશ્રૂષા કરવામાં લાગી ગઈ હતી. કૌશલ્યાદેવીની વાતોએ પારોનાં મસ્તિષ્કમાં ઝંઝાવાત સર્જી દીધું હતું. દેવદાસનાં સંતાનની વાત હવે ગામ લોકોથી પણ વધુ દિવસ છૂપી રહી શકશે નહીં. પારો હવે પૂરેપૂરી સતર્કતા અને સાવધાનીથી વર્તી રહી હતી. સાવધાની વર્તવાનું કારણ એટલું જ હતું કે કૌશલ્યાદેવી અને દ્વિજદાસ ગમે તે હદે જઈ શકે એમ હતા. બીજું કારણ એ હતું કે કાલીદાસ ડંખ માર્યા વગર રહેશે નહીં. વિચારી-વિચારીને એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. એવામાં સુમિત્રા દેવીએ હાક મારી પણ પારોએ એ સાંભળી નહીં હોય એવું લાગ્યું. પારો તો ખોવાયેલી હતી કોઈ અગોચર પરિકલ્પનાઓનાં મલકમાં. આમ પણ સુમિત્રાદેવીને બહુ દિવસો પછી સારું લાગી રહ્યું હતું. તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો.

તાલસોનાપુર આવ્યા પછી પારોએ અત્યાર સુધી તો બહાર નીકળવાનું ટાળ્યું હતું. બજાર-હાટના પરચૂરણ કામો રૂપાલી જ પતાવી આવતી. આ માટે મનોમન પારો રૂપાલીનો આભાર માનતી રહી.

રૂપાલી ઘરમાં ઝાડું-પોતાં કરી રહી હતી. પારોએ તેને પહેલાં પણ ક્હ્યું હતું કે, એ તેને ઘરની સાર-સંભાળ રાખવા કે ઝાડું-પોતાં કરવા માટે સાથે લઈને નથી આવી. પણ રૂપાલી માનતી ન હતી. તે કહેતી, 'પારોદીદી, આ કામ કરવા મને ગમે છે. તમારે આવી હાલતમાં બહુ ભાર લેવાની જરૂર નથી. હું તો ભગવાનનો પાડ માનું કે આશ્રમમાંથી તમારા જેવી દીદીની સેવા કરવાની મંજૂરી મળી. મારું કોણ આગળ-પાછળ છે? આશ્રમમાં જ કોઈ છોડી ગયું હતું. આશ્રમમાં જ મોટી થઈ. એવું લાગતું હતું કે આશ્રમમાં જ જીવન પુરું થઈ જશે. પણ હવે એવું લાગે છે કે તમારું કોઈક તો મારી સાથે લેણું છે, કોઈક તો ઋણાનુબંધ છે. બાકી આમ આપણે મળ્યા ન હોત...'

રૂપાલીની વાત સાંભળી પારોએ તેને ગળે લગાડી લીધી. બંનેની આંખમાં સ્નેહનો દરિયો છલકાયો.

પારોએ સ્વસ્થ થતાં કહ્યું કે, 'ચાલ, આજે નદીએ પાણી ભરવા જઈએ.' રૂપાલી રાજી થઈ. પારોએ સુમિત્રાદેવીને પાણી ભરીને આવીએ છીએ કહીને બેડું ઉંચકી લીધું. સુમિત્રાદેવીએ પણ વળતો જવાબ આપી કહ્યું કે, 'વહેલા આવજો.' બેડાં લઈને બંને બહેનપણીઓએ નદી તરફની વાટ પકડી. રૂપાલીએ પારોનાં હાથમાથી બેડું લેવાની કોશિશ કરી તો પારોએ ના પાડી. તે બોલી, 'રૂપા, આટલો ભાર તો ઉંચકી જ શકું છું. હું એટલી તો કમજોર નથી થઈ...'

'પણ, દીદી... આવી હાલતમાં?'

'બસ બહુ થયું આવી હાલતનું. મને બેડું ઉંચકવા દે.'

બંને નદીએ પહોંચ્યા ત્યાં તો પારો ફરી પાછી શૂન્યમનસ્ક થઈ ગઈ. પાણી ભરતા-ભરતા તે ક્યાંક ખોવાઈ ગઈ. અચાનક તે સ્ફુરી,

'રૂપા, અહીં આવ તો.'

પારોએ રૂપાલીને પાણીની અંદર કશુંક બતાવવાનો પ્રયાસ કર્યો.

'શું છે દીદી...?'

'તને કશું દેખાતું નથી?'

'પાણી છે. બીજું તો શું હોવાનું?'

'પાણી નથી. માત્ર પાણી નથી. ખરેખર કહે તને બીજું કશું દેખાતું નથી?'

'ના દીદી, બિલકુલ પણ નહીં. તમને શું થયું? પહેલાં જ કહેતી હતી કે વજન ઉંચકીને નહીં ચાલો. મારી વાત માને તો ને? લો, હવે તમ્મર આવવા લાગ્યા ને?'

'નહીં રૂપાલી. નહીં... નહીં... મને તમ્મર નથી આવતા. તું બરાબર જો. કશુંક તો છે પાણીમાં. તને કેમ દેખાતું નથી?'

'પણ શું છે?' રૂપાલીએ ચિડાઈને કહ્યું.

'દેવ... દેવ છે. મારા દેવદાસ. જો કેવું સ્મિત રેલાવી રહ્યા છે? જો તો ખરી. એ જ નિર્મળ હાસ્ય આજે પણ અકબંધ છે. જો તો ખરી રૂપા...'

રૂપાલીને હવે કંટાળો આવવા લાગ્યો.

'દીદી, આ તમારો વહેમ છે.'

'રૂપા, તું આવું કહે છે? મારી બહેન આવું કહે છે? નાના... જો.. હું અને દેવ અહીંયા જ તો મળતા હતા. આ નદીએ અમારી કંઈ કેટલીય સ્મૃતિઓ તેના લહેરાતા વહેણ વચ્ચે પણ સાચવી રાખી છે.'

'પારોની દિવાનગી જોઈ રૂપાલી અચંભિત હતી. રૂપાલીને થયું કે ચોક્કસ પારોમાં મીરા બાઈનો વાસ થયો. મીરાબાઈને પણ જ્યાં ને ત્યાં કૃષ્ણનાં દર્શન થતાં હતા તેવી જ રીતે પારોને દેવદાસ દેખાઈ રહ્યો છે. રૂપાલીએ પણ પારોનાં સૂરમાં સૂર પરોવવાનું નક્કી કર્યું.

'હા... હા...' રૂપાલીએ અચકાતા-અચકાતા કહ્યું, 'આ રહ્યા દેવદાસ, કેમ છો દેવબાબુ?' રૂપાલીએ એટલી ઠાવકાઈથી કહ્યું કે પારોને એમ જ લાગ્યું કે રૂપાલીને પણ દેવદાસ દેખાય છે.

'રૂપાલી એમને પૂછ કે શું લેવા આવ્યા છે?'

રૂપાલી શું બોલે? દેવદાસ દેખાય તો બોલે ને? તેણે ફરી ચબરાકીથી જવાબ આપ્યો.

'દીદી, દેવબાબુ કહી રહ્યા છે કે પારોને ઝટ ઘરે લઈ જા.'

'રૂપાલી...' પારોએ ગુસ્સાનો દેખાડો કરતાં કહ્યું, 'તું મારી મજાક કરે છે એમ ને?'

'દીદી...' રૂપાલીએ તેના કાન પકડી લીધા. 'દીદી, તમારું મન રાખવા ખોટું કહ્યું. માફ કરજો.'

'રૂપાલી...' પારો ભડકી. 'દેવ તો મારા કણકણમાં છે. મારા અણુએ અણુમાં છે. પારોએ વૃક્ષ પાસે પહોંચીને રૂપાલીને કપાળ બતાવતા કહ્યું.'

'જાણે છે. મારા કપાળ પર આ નિશાની કોણે કરી? દેવદાસે...'

'દેવબાબુએ?' રૂપાલી બોલી.

'હાસ્તો વળી. એમણે મને આ વૃક્ષની ડાળખી તોડી કપાળ પર ફટકારી હતી. પણ પ્રેમથી... એટલે મારા કપાળ પર આ નિશાની કાયમ માટે અંકિત થઈ ગઈ.'

પારો તો હવે સંભારણાનાં હિલ્લોળે ઝૂલવા માંડી. દેવદાસ સાથે નદી કિનારે વીતાવેલી એક-એક પળ યાદ આવી રહી હતી. તે રૂપાલીનો હાથ પકડીને તેને નદી કિનારે બનાવેલી પાળી પાસે લઈ ગઈ.

'રૂપા, અહીં... અહીં... બેસીને દેવ-પારોનો પ્રેમગ્રંથ લખાયો હતો. અહીં તો કંઈ કેટલીય વાત કરી છે. દેવ મને હંમેશાં કહેતા કે જો તું મને આ ભવમાં નહીં મળે તો મારો આત્મા ભટકતો રહેશે. હવે તું જ કહે રૂપા.' ઉદાસ થઈને પારો બોલી. 'એ ચાલ્યા ગયા એમાં મારો વાંક ખરો? મેં તો તેમનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કર્યું છે. અને હજુ પણ એ મને તેડવા આવે છે. જો આ પાણી પાછળ જ ઊભા છે.'

રૂપાલી ભયભીત થઈ ગઈ. તેને થયું પારોમાં મીરાબાઈ નહીં પણ ચોક્કસ કોઈ ભૂતાવળનો વળગાડ થયો છે. બાકી પારો આમ રવાડે ન ચઢે. રૂપાલીએ ડરતા-ડરતા કહ્યું, 'દીદી, હવે ઘરે જઈએ? મા રાહ જોતાં હશે.'

'અરે ગાંડી, થોડીવાર થોભ અને માને કહેતી નહીં કે આપણે દેવ સાથે વાતો કરવા બેસી ગયા હતા. હા, તો હું કહેતી હતી કે...' થોડું અટક્યા પછી ડાબે-જમણે જોઈને. 'દેવ ક્યાં ગયા? જો તો રૂપા. એ પાછા રિસાઈ તો ગયા નથી ને?'

ગભરાયેલી રૂપાલી શું બોલે? 'થોડી હિંમત કરીને તે બોલી, 'દીદી, તેઓ ચાલ્યા ગયા લાગે છે.'

'અરે હોય કંઈ. આવી રીતે તેઓ જાય જ નહીં.' અને બહાવરી બની પારોએ નદી તરફ દોટ મૂકી.

'દેવ... દેવ...' કહીને તે દોડવા લાગી. પારો ગબડીને પડી ન જાય તે માટે રૂપાલીએ પણ તેની પાછળ દોટ મૂકી. પારો થોડે જ દૂર દોડી હશે અને તે ડોલવા લાગી. રૂપાલીએ જોર બૂમ પાડી. 'દીદી...'

પારો પડી જાય તે પહેલાં રૂપાલીએ નજીક પહોંચીને પારોને ઝાલી લીધી. પારોની દશા અધમૂઈ જેવી થઈ ગઈ હતી. તેના શ્વાસ ચઢી ગયા હતા. રૂપાલીએ ઝટપટ પારોનાં મોં પર પાણીનો છંટકાવ કર્યો. ધીમે-ધીમે પારો સાનમાં આવવા લાગી. રૂપાલીએ તેને પાણી પીવડાવ્યું. ભાનમાં આવતાં પારો બોલી,

'દેવ ગયા કે શું?'

રૂપાલી પારોને રડતી આંખે જોતી રહી.

'દીદી... એ તો ક્યારનાય જતા રહ્યા છે.'

'રૂપા...' મંદસ્વરમાં પારોએ કહ્યું. 'એ મને સાથે લેવા આવ્યા હતા. હું જ અભાગણ છું કે, તેમની સાથે નહીં જઈ શકી. હવે આવે તો કહેજે કે દીદીને સાથે લીધા વિના ન જાય. જો સાથે નહીં લઈ જશે તો કહેજે કે કદી પણ દેવની સાથે પારો વાત કરશે નહીં. અબોલા થઈ જશે. કહેજે કે દીદીએ કિટ્ટા લઈ લીધા છે.'

'દીદી...' કહીને રૂપાલીએ પારોને જોરથી ભીંસમાં જકડી લીધી. 'બસ કરો દીદી...' તે રડવા લાગી.

નદીના પાણી જાણે અચાનક થંભી ગયા. કિનારા પરનાં લહેરાતા વૃક્ષો પર સન્નાટો વ્યાપી ગયો. પવનની ચીસાચીસ મૂંગી થઈ ગઈ. દર્શાનાભિલાષી દાસીને ભગવાનનાં દર્શન ન થાય ત્યારે ઉદ્દભવતા વૈરાગ્ય અને વિરહની મીરા બાઈ સરીખી એક નારીની વેદના ગગનને ભેદી રહી હતી. વૃક્ષોની ડાળખીઓ પર નિરવતા પથરાઈ ગઈ હતી.

જે નદી કિનારાએ ક્યારેક દેવ અને પારોનું મિલન થતું હતું તે કિનારો પણ ઝુરાપા અને અજંપાથી ત્રસ્ત હતો. બેડાં તો હજુ પણ ખાલી જ હતા. જાણે કે બેડાંમાંથી ટીપે-ટીપે ઝરીને સોનેરી ક્ષણો ઢોળાઈ ગઈ હતી. આકાશે સૂર્ય પણ વિરહની વેદનામાં સળગી રહ્યો હોવાનો ભાસ થઈ રહ્યો હતો.

(ક્રમશ:)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.