23-દુર્ગા પૂજાની તૈયારી

03 Oct, 2015
12:00 AM

સૈયદ શકીલ

PC:

'કોઈ માણસ છે... લોહીલુહાણ હાલતમાં છે.' સેવકરામ આટલું કહે તે પહેલાં જ કાલીદાસે લોહીમાં લથબથ રાજશેખરને જોરથી ધક્કો માર્યો. અધમૂઈ હાલતમાં રાજશેખર પછડાયો. સેવકરામનું વાક્ય સાંભળી પારો અને ચંદ્રમુખી દોડતાં આવ્યા. રાજશેખરને લોહી નિગળતો જોઈ પારોથી ચીસ પડાઈ ગઈ. એટલી વારમાં રૂપાલી પણ આવી ગઈ. રૂપાલીએ રાજશેખરને ઝાલવાની કોશિશ કરી. રાજશેખરને સુધ નહોતી. તે પટકાઈ ગયો. કાલીદાસ પર નજર પડતાં જ ચંદ્રમુખી અને પારો બંનેની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા.

'કાલીબાબુ...' પારોનાં મોંમાંથી આછી ચિચિયારી નીકળી પડી. ચંદ્રમુખીએ પણ કાલીદાસને જોઈ એટલી જ તીખી પ્રતિક્રિયા આપી. 'હલકટ...' પણ કાલીદાસ પર તેની કોઈ અસર થઈ નહીં.

'લો, તમારા ભડવીરને સંભાળો. મારી સાથે બાથ ભીડવા નીકળ્યો હતો. કાલી છું, કાલી... એક વાર કાળો નાગ ડંખ મારવાનું ભૂલી જાય પણ કાલી કદી નહીં ભૂલે...' વળી, પારો તરફ ફરીને કાલી બોલ્યો, 'માતારાણી, પ્રણામ... તમારા વગર ચૌધરી સાહેબની હવેલી સૂની થઈ ગઈ છે. અરે, મારી હાલત તો ખરાબ થઈ ગઈ છે. તાલસોનાપુર બાદ આમ કોલકાતામાં મુલાકાત થશે એવી કલ્પના કરી ન હતી. મુલાકાત થઈ તો એ પણ ક્યાં? ચંદારાણીનાં કોઠા પર...' કાલીદાસે અટ્ટહાસ્ય વેર્યું.

'મને ચકમો આપવાનું આસાન નથી માતારાણી... કાલીની નજર કાતીલ છે, કોઈ બચી શકે નહીં.' કાલીદાસની કાળી વાણી સાંભળીને ચંદ્રમુખીનો પિત્તો ગયો. ચંદ્રમુખીએ ઠાવકાઈ ધારણ કરી કહ્યું, 'કાલીબાબુ... ભૂલી જતાં રખે કે આ તાલસોનાપુર કે હાથીપોતા નથી. આ ચંદ્રમુખીનો કોઠો છે. તમે અહીંથી પ્રસ્થાન કરો છો કે મારી રીતે પ્રસ્થાન કરાવું...? વિકલ્પ તમારે પસંદ કરવાનો છે?'

'ચંદારાણી... કાલીને હજુ તેં ઓળખ્યો નથી. તારા મુજરાને જોયાને વખત થઈ ગયો, એક ઠુમકો જ બતાવી દે તો હું અહીંયાથી ચાલ્યો જઈશ.'

'કાલીબાબુ, ઠુમકો તો દેવદાસનાં ગયા પછી ક્યાંક ખોવાઈ ગયો છે. ઠુમકો અને ઠુમરી હવે દેવદાસની યાદમાં ઉદાસ થઈને ક્યાંક ઠૂંઠિયુંવાળીને પડ્યા છે. રહી વાત તમારા જવાની તો, તાકાત અજમાવી જુઓ...'

ચંદ્રમુખીનું રૂપ જોઈ કાલીદાસ ભીતરથી ખળભળી ગયો. શરીરનું પુરું જોર લગાડી રાજશેખર ઊભો થયો અને કાલીદાસ પર તૂટી પડ્યો. કાલીદાસ રાજશેખર પર મુક્કાનો વરસાદ વરસાવી રહ્યો હતો. રાજશેખર એને દૂર હડસેલી રહ્યો હતો. કાલીદાસનાં પેટ પર માથું અફાળી રાજશેખરે તેને પાછળ ધકેલાવાનું શરૂ કર્યુ. તો કાલીદાસે રાજશેખરને કમ્મરમાંથી પકડી ફંગોળ્યો. રાજશેખર સંતુલન જાળવી શક્યો નહીં. તે પટકાયો. સેવકરામે કાલીદાસનાં બાવડા પર પ્રહાર કર્યો. કાલીદાસે એ પ્રહારને ખાળી દીધો. આ બધી ધમાચકડીમાં પારો અને ચંદ્રમુખી અત્યાર સુધી જોઈ રહ્યા હતા. ચંદ્રમુખીએ બાજી પોતાના હાથમાં લીધી.

'કાલીબાબુ... જતા રહો, નહીંતર અનર્થ થઈ જશે.' કાલીદાસે જોયું તો ચંદ્રમુખીનાં હાથમાં કોયતો હતો. તે ફરી ખંધુ હસ્યો.

'સાપ મરી ગયા પણ લિસોટા રહી ગયા. દોરડી બળી ગઈ છે પણ હજુ કળ એવી ને એવી જ છે. ચંદારાણી... હું તો ચાલ્યો જઈશ પણ મુજરો ઉધાર રહ્યો. દુર્ગા પૂજા પર તમારા ઠુમકાનો ઈન્તેજાર રહેશે. માતારાણીને પણ સાથે લઈને પધારશો તો ગમશે. રંગત બેવડાઈ જશે. તો ચંદારાણી આપણે મળીએ છીએ દુર્ગા પૂજા પર. નહીં આવશો તો મને તેડાવતા પણ આવડે છે. કાલીદાસે મૂછને વાળતા કહ્યું. તો ચાલો...'

કાલીદાસનું હાસ્ય હજુ પણ કોઠામાં ગુંજી રહ્યું હતું. પારો, ચંદ્રમુખી અને રૂપાલી રાજશેખરને સહારો આપી કમરામાં લઈ ગયા. સેવકરામ વૈદ્યજીને બોલાવા દોડ્યો. રાજશેખરને પીડા થઈ રહી હતી. એવું લાગતું હતું કે કાલીદાસ અને રાજશેખર વચ્ચે લોહિયાળ ઝપાઝપી થઈ હશે.

વૈદ્યજી આવ્યા. રાજશેખરની પાટાપિંડી કરી. દવા આપીને તેઓ ગયા. પારો અને ચંદ્રમુખીએ એકબીજાની તરફ જોયું. બંનેની આંખમાં એક જ પ્રશ્ન હતો. 'હવે શું?'

ચંદ્રમુખીએ પારોનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈ કહ્યું, 'ચિંતા શું કરે છે પારો. બધા સારા વાના થશે. તને તારો હક મળશે. અને કોઈ સંજોગોમાં તારો અધિકાર નહીં મળે તો ચંદ્રમુખી આ અન્યાયી સમાજ સામે રણશિંગું ફૂંકશે.

આશાભરી નજર સાથે ચંદ્રમુખીને પારો સાંભળી રહી.તેનાં મુખે નિશ્વાસ સાથે નીકળી પડ્યું, 'દુર્ગા પૂજા...'

ચંદ્રમુખીએ તેનાં માથા પર હાથ મૂકી કહ્યું, 'પારો ચિંતા ન કર. જો દેવબાબુનાં સંતાન માટે ચંદ્રમુખી ફરી કોઠાની મહેફિલ માંડવી પડશે તો ચંદ્રમુખી એ પણ કરશે. આમ પણ ચંદ્રને શું? રોજે રોજ તેના આકાર અને કદ બદલાતા રહે છે. બસ આ ચંદ્રમુખીનું પણ એવું જ છે. રોજ બરોજ ચંદ્રમુખીએ પણ નીત-નવા વાઘા સજવા પડે છે. જો દુર્ગાપૂજાએ કોઠાની મહેફીલ સજાવી પડે તો ચંદ્રમુખી સજાવશે. દેવબાબુની યાદ અને દેવબાબુનાં સંતાન માટે અને પારો માટે... ચાલો, કશુંક તો એવું થશે કે જેથી દેવબાબુ પ્રત્યેનુ ઋણ ચુકાવાઈ જશે. ચાલ હવે આરામ કર, રાજબાબુ પણ આરામ કરી રહ્યા છે.'

વૈદ્યજીની દવાના ઘેનમાં રાજશેખર આરામ કરી રહ્યો હતો. રૂપાલી રાજશેખર પાસે બેઠી હતી. સેવકરામને ચંદ્રમુખીએ આરામ કરવાનું કહ્યું. સેવકરામે આનાકાની કરી તો ચંદ્રમુખીએ ડોળા કાઢ્યાં એટલે સેવકરામ તેના કમરા તરફ જતો રહ્યો.

દુર્ગા પૂજાને બહુ દિવસો ન હતા. નજીકનાં દિવસોમાં દુર્ગા પૂજા આવી રહી હતી. ચંદ્રમુખીએ બીજા દિવસથી દુર્ગાપૂજાની તૈયારીઓ કરવા માંડી. કાલીદાસ સાથેના ધર્ષણ બાદ પણ ચંદ્રમુખી બેફિકરાઈથી દુર્ગાપૂજાની તૈયારીઓમાં જોતરાઈ ગઈ હતી.

તેણે રૂપાલીને કહ્યું, 'જો રૂપાલી પૂજામાં કોઈ કસર બાકી ન રહી જાય. રાજબાબુને સારૂં લાગે છે ને? તો તેમને કહેજે કે બજારમાંથી પૂજાની સામાગ્રી લેતા આવે. બ્રાહ્મણોને ભોગ આપવાનો છે. તું જોજે, આ વખતની પૂજા બેમિસાલ હશે.

રૂપાલીનાં મનમાં ફડક હતી તો પારોનું દિલ થડાકારા મારી રહ્યું હતું. એક તો કાલીદાસની ધમકી અને બીજી તરફ રાજશેખરની પાછળ લાગેલી અંગ્રેજ પોલીસ. શું થશે? તેને અનેક ચિંતાઓ કોરી ખાતી હતી.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.