21-દેવ-પારોનું મધુર મિલન-ફલેશબેક-2

19 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

વાદળોની સોડમાં ડોકાતા ચંદ્રએ ડોકિયું કર્યું. રજની મધુર મધુર બનીને મહેકી ઉઠી. સોળે શણગારે નિશાની પધરામણી થઈ. રાતરાણીનાં ફૂલોએ ખુશ્બુનાં બિછાના પાથર્યા હતા. રસ્તા પણ જાણે નવપલ્લવિત કૂંપળોથી મહોરી રહ્યા હતા. એવામાં ક્યાંક કોઈ જાગી રહ્યા હતા તો બે પ્રેમીઓ. જેમના મિલનનું કુદરતે પણ જણસની જેમ જતન કરવાનું છે.

દેવદાસના કમરામાં પારોની સ્થિતપ્રજ્ઞ અવસ્થાનો મૂક સાક્ષી બન્યો હતો. હળુહળુ પ્રજવલ્લિત થઈ રહેલું ફાનસ અને એ ફાનસની જ્યોત પણ સ્થિતપ્રજ્ઞ જ હતી. ફાનસનાં પ્રકાશમાં બહાર ફેંકાતા મધ્યમ અને માઝમ અજવાસમાં કમરાની વચ્ચોવચ બે પડછાયા ડોકાઈ રહ્યા હતા. પારોની સાડીનો પાલવ દેવદાસનાં હાથમાં હતો. પારોએ સાડીનો છેડો હવળેથી છોડાવાનો પ્રયત્ન કર્યો ખરો. પણ પારો ફાવી નહીં.

દેવદાસે ધીમા સ્વરે કહ્યું, 'પારો... મારી પાસે આવ...'

'ના... દેવબાબુ પાપ લાગશે તો?'

'પાપ અને પુણ્યની હદોમાંથી આઝાદ થઈ વિહરવાનું મન થાય છે પારો. કાટ લાગેલી સાંકળો પરનો ક્ષાર ઉખેડી નાંખ અને મારી તરફ જો. મને તારા પ્રેમથી તરબોળ કર.' દેવદાસ જાણે ધીરે ધીરે પારોમાં ઓગળી રહ્યો હતો.

'ના, દેવબાબુ... મારી પાસે આવી અપેક્ષા નિરર્થક છે. હું તો હવે કોઈની અર્ધાંગના બની ગઈ છું. મારો સંસાર ભિન્ન છે. તમારી અભિલાષા ગુનાહિત છે.' પારોએ ઈન્કાર કર્યો.

'નહીં પારો... ગુનાનું પોતીકું આચરણ હોય છે. મેં અનેક કોઠા પર રાતોની રાત વીતાવી છે. ચંદ્રમુખીએ વારંવાર પોંખાવાની ચેષ્ટા કરી છે. પણ... પણ હું તો પારોનો જ રહ્યો. ત્યાં પણ મુખેથી એક જ નામ નીકળતું હતું. 'પારો...' હવે તું જ કહે કે પાપ અને પુણ્યની વચ્ચે અટવાઈને આજની આ મધુર પળ ગુમાવાનો કોઈ અર્થ ખરો?'

દેવદાસનો સવાલ વેધક હતો. પારો ચૂપ થઈ ગઈ. દેવદાસે પારોની સાડીનાં પાલવને પોતાની તરફ ખેંચ્યો. પારો જરા ખંચકાઈ. તેણે દરવાજા તરફ ડગ ઉપાડયા પણ તે જાણે જકડાઈ ગઈ હોય એમ ત્યાં જ ઊભી રહી ગઈ. તેના શ્વાસોનું ઉષ્ણતામાન વધી રહ્યું હતું. તેને થયું કે દેવને ભેટી પડું.

'દેવ...' પારોનાં માથા પર પ્રસ્વેદની બૂંદો બાઝવા માંડ્યા. 'મને ધર્મસંકટમાં નહીં મૂકો. મને જવા દો. નહીંતર હું લપસી જઈશ. પ્રેમ અને પતિ વચ્ચેનાં ભંવરમાં મને શા માટે ફસાવો છો? તમારા પ્રેમ માટે તો યુગોથી જાણે હું વાટ જોઈ રહી છું. મારી વાટ જોવાની પણ આવી અગ્નિપરીક્ષા?'

પારોની સાડીનાં પાલવની રમતમાં દેવદાસને ભાન જ ન રહ્યું કે સાડીનો પાલવ ફાનસ સાથે વિંટળાઈ ગયો છે. ફાનસની આંચથી સાડીનો પાલવ સળગવા માંડ્યો. દેવદાસ તો બસ પારોમાં ગુલતાન હતો. સાડીના પાલવે ભડકો લીધો અને એના કારણે દેવદાસની કફની પણ લપેટમાં આવી ગઈ.

આ જ અરસામાં પારો દેવદાસ તરફ ફરી. તેણે જોયું તો સાડી અને કફનીમાં આછી-આછી આગ લાગી હતી.

આગને બુઝાવવા ઝડપથી પારો લપકી તો દેવદાસે તેને અટકાવીને પોતાની બાહોમાં ઝાલી લીધી.

'સળગવા દે એને... આગ બંને તરફ બરાબર લાગી હોય તો ભડકો શું અને લપકારા શું? કોઈ સ્વાહા થશે તો કોઈ અગ્નિકુંડને સમર્પિત થશે. આગની નિયતિ છે બાળવાની તો ભલે ને સઘળું બળી જતું.'

દેવદાસે એક હાથથી પારોને ભીંસમાં જકડી લીધી અને બીજા હાથથી આગને મસળવાનું ચાલું રાખ્યું. દેવદાસનાં હાથ દાઝી રહ્યા હતા તોય તેણે તેની તમા રાખી નહીં.

'દેવબાબુ, બળીને રાખ થઈ જઈશું.' પારો બોલી.'

'હવે રાખ જ છું. રાખમાંથી દેવદાસને જીવતા થવું પણ નથી.' આ સાંભળીને પારોએ બંને હાથ દેવદાસનાં હોઠ પર મૂકી દીધા.

'પારોનાં પ્રેમની કસોટી કરો છો કે પછી કોઈની પત્નીની?'

'હું તો બસ પારોનો પ્રેમી છું. કોઈ પણ રૂપમાં પારો હશે તો દેવદાસ પ્રેમ કરતો રહેશે. સિવાય કે પારોને કોઈ વાંધો ન હોય?'

'દેવબાબુ...' પારોનું માથું હવે દેવદાસની બાંહોમાં હતું.

'તો પછી આગને બૂઝાવી નાંખવાની શી જરૂર હતી?'

'આગ તો આગ છે. એક વાર લાગ્યા પછી બીજાને ઝપટમાં લઈ લે છે. જો ફાનસની આગ ઠરી ગઈ પણ આપણા બંનેમાં લાગી ગઈ છે.

આ તો દીવડાની સાજિશ છે. પારો અને દેવનું મિલન કરવવા દીવાએ લગાવેલી આગ હવે નસે-નસેમાં પ્રસરી ગઈ છે.'

'પારો...' કહી દેવદાસે તેને જોરથી જકડી લીધી.

'બદનામી નહીં થશે?' પારોએ ભય બતાવ્યો.

'તો કહી દેજે મારો વર દેવદાસ છે.'

'અને દેવદાસ શું કહેશે...?'

હસતી મુદ્રા બનાવીને, 'હું પણ કહી દઈશ કે ચૌધરાઈન હવે મુખરજી થઈ છે.' દેવદાસની આંગળીઓ પારોની અર્ધ ઉધાડી પીઠ પર ફરી રહી હતી.

'વિશુદ્ધ પ્રેમ નહીં બની જાય?'

'ભલેને બનતો.' દેવ-પારોમાં વિલીન થઈ રહી છે અને પારોમાં દેવ આલોપ થઈ રહ્યો છે.

'દેવ...' પારોથી મદહોશી ટહુકો નીકળી ગયો. દેવદાસે પારોનાં કાનનાં ઝૂમખા સમીપ હોઠ મૂકી દીધા તો પારો પર માદકતાનો કૈફ વાદળો પર છવાયેલી ઘટા સરીખો ઉફાને ચઢ્યો. બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા હતા.

કમરામાં યુગો યુગોનાં પ્રમીઓનું મિલન થઈ રહ્યું હતું. એક નવા બીજનું વાવેતર થઈ રહ્યું હતું. શાનભાન ગુમાવી પારો અને દેવ એક બીજામાં લીન થઈ ગયા હતા. હોઠથી હોઠ મળ્યા અને પારો-દેવદાસ ગરમ શ્વાસોનાં સાગરમાં તણાઈ રહ્યા. અડાબીડ ચુંબન અને મર્યાદાના તમામ આવરણો દૂર થતાં જ અલૌકિક મોહિની ખીલી રહી. શરીરમાંથી નીકળી રહેલા પ્રસ્વેદનાં છાંટા પ્રથમ વરસાદે મહોરી ઉઠતી ભીની માટીની સોડમ જેવી સુગંધોમાં પરાવર્તિત થઈ ગયા. સ્પર્શે-સ્પર્શે પારોનાં રૂંએ-રૂંએ ઝણઝણાટી પ્રસરી રહી હતી.

પત્ની સુખથી વંચિત રહી ગયેલી પારો તો દેવલોકમાં વિહરી રહી હતી. આલિંગનોની સાંકળને વહી રહેલી હવા ઝૂલાવી રહી હતી. ઊનાં-ઊનાં શ્વાસોની આપ-લે થઈ રહી હતી, બે જીવ ઘડીભરમાં એક થઈ ગયા હતા. અધરોષ્ઠોનું મિલન ઉત્તેજનામાં વૃધ્ધિ કરી રહ્યું હતું. એકાકાર થઈ ગયેલા બે શરીરોઓ તમામ હદો ઓળંગી નાંખી. દેવ પારોમાં અને પારો દેવમાં એકાકાર થઈ ગયા. પારોનાં કેશ કલાપ લહેરાઈ રહ્યા હતા. કંઈ કેટલાય યુગોની તરસ મટી રહી હતી.

દેવ અને પારોનાં મિલનનું સમગ્ર બ્રહ્માંડ સાક્ષી હતું. પ્રેમીઓનાં મિલનની ગાથામાં દેવદાસ અને પારો વચ્ચેની મધુરજનીને પણ કુદરતે વધાવી હોય તેમ ચંદ્રે બધી જ પાંખો પ્રસરાવી વિહંગ કર્યું. પારો અને દેવદાસને થયું કે તેઓ સ્વર્ગમાં વિહાર કરી રહ્યા છે. 

સાડીનો પાલવ સરખો કરી પારો ઉભી થઈ. પલંગ પર પડેલા દેવદાસ તરફ નજર કરી. તેમની પાસે જઈ, કાનમાં ધીમેથી કહ્યું..

આજે પારોનું સ્ત્રીત્વ પૂર્ણ થયું. નકરા રણમાં પ્રેમનો ધોધમાર વરસાદ વરસાવનારા દેવદાસની પારો ઋણી રહેશે. પારોએ દેવદાસ તરફ મીઠી નજર કરી જોયું અને દરવાજા તરફની વાટ પકડી.

 ક્રમશ :

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.