2- પારો અને દેવદાસના સંબંધનું રહસ્ય

09 May, 2015
12:00 AM

mamta ashok

PC:

દેવદાસના મૃત્યુએ ભુવન ચૌધરી અને પાર્વતી(પારો)ના દામ્પત્ય જીવનમાં કાળાં ડિબાંગ વાદળોની કાલિમા પાથરી દીધી હતી. દેવદાસ વાળી વાતે બંનેનાં ભુવન ચૌધરી અને પાર્વતી વચ્ચે પલીતો ચાંપી દીધો હતો. પરગામેથી પરત થયેલા ભુવન ચૌધરીને ગામ લોકો અને ઘરના સદસ્યોએ દેવદાસ મુખરજીના મૃત્યુ વખતની પાર્વતીની કથની સંભળાવી. ચૌધરી વિચલિત થઈ ઉઠ્યા. પહેલા તો એ માનવા જ તૈયાર ન હતા કે પાર્વતી અને દેવદાસ વચ્ચે સંબંધોની કોઈ મજબૂત કડી છે. પરંતુ તેઓ જેમજેમ લોકોની વાત સાંભળતા ગયા એમ તેઓ વિહવળ બનતા ગયા. લગ્ન પછી આજદિન સુધી ચૌધરીએ પારો સાથે કોઈ આડી-અવળી વાત કરી ન હતી. પરંતુ આ વખતે ચૌધરીને કારમી પીડા થઈ. જોકે ચૌધરી એ જાણતા હતા કે, દેવદાસના અવસાનથી ક્ષુબ્ધ બનેલી પાર્વતીને તેઓ દેવદાસ અંગે કશું પણ કહેવાની સ્થિતિમાં નથી.

ઉંમરે પહોંચેલા ચૌધરીએ પાર્વતી સાથે લગ્ન તો કર્યા પણ તેને પતિ સુખથી વંચિત રાખી હતી. ભુવન ચૌધરીની શાનદાર હવેલી હતી. સુખ સાહ્યબીના તમામ સાધનો હવેલીમાં મોજૂદ હતા. ત્યાં દોમદોમ સાયબી છલકાતી હતી. ચૌધરીનો મોટો પુત્ર શ્યામદાસ,પુત્રી મનોરમા અને નાનો પુત્ર ભાનુ એમ હવેલીમાં ચારનું ચોરસ હતું. શ્યામદાસ પિતાને કામકાજમાં મદદરૂપ થતો, જ્યારે મનોરમાના લગ્ન કલ્કીદાસ(કાલી બાબુ) સાથે થયા હતા. ભાનુ હજુ ઘણો નાનો હતો. ભાનુનો મોટાભાગનો સમય છળકૂદ અને મોજ-મસ્તીમાં જતો હતો. જો કે પાર્વતી આવતા હવેલીમાં પાંચમો ખૂણો રચાયો હતો. ભુવન ચૌધરીનું મન માનતું ન હતું કે દેવદાસ મુખરજી જેવા બ્રાહ્મણની સાથે ઉતરતી કક્ષાની સાંથલ જાતિની પાર્વતી ચક્રવર્તીને ભલા શો સંબંધ હોઈ શકે? કોણ હતો આ દેવદાસ?

ભુવન ચૌધરીને દેવદાસ વિશે તાલાવેલી થઈ. પાર્વતીને હાલ કશું કહેવાનું ચૌધરીને ઔચિત્ય ન લાગ્યું. તેઓ સમસમીને બેસી રહ્યા. પહેલી પત્નીથી થયેલા નાના પુત્ર ભાનુ પાસેથી ભુવને જાણ્યું કે પાર્વતીએ અન્ન-જળ લીધું નથી અને ખુદને ઓરડામાં કેદ કરી સૂનમૂન આંસુ સારી રહી છે. ચૌધરીએ હિંમત એકઠી કરી અને પારોના ઓરડા તરફ ડગ ભર્યા. તે ઓરડાની નજીક ગયા તો અંદરથી પારોના ડૂસકાંનો અવાજ આવી રહ્યો હતો. આ નાજુક ક્ષણોમાં પરિસ્થિતિ વણસી ન જાય એની તકેદારી રાખતા તેઓ દરવાજા સુધી જઈ પાછા વળી ગયા.

વહેલી સાવારે ભુવન ચૌધરીએ ઘરમાં કોઈનેય જણાવ્યા વિના તેમનો ટાંગો તૈયાર કરાવ્યો અને તેઓ જાતે જ ટાંગાને હંકારી ગયા. યાત્રાની મંજિલ હતી તાલસોનાપુર ગામ. તાલ સોનાપુર પહોંચી ચૌધરીએ પારોની માતા સુમિત્રાની મુલાકાત લીધી. પારોની માતાને ભુવન ચૌધરીએ આખી કથની સંભળાવી અને પારોની માતા પણ દેવદાસના મૃત્યુના સમાચાર સાંભળી અવાચક બની ગઈ.

ભુવન ચૌધરીએ વારંવાર દેવદાસ મુખરજી વિશે જાણવાની કોશિશ કરી પરંતુ પારોની માતા આખીય વાતને ટાળતી રહી અને દેવદાસ-પારોના સંબંધ વિશે કશું પણ બોલવાથી દૂર રહી. તેમના સંબંધ પર પારોની માતા ભલે કંઈ સ્પષ્ટ બોલતી ન હોય પરંતુ તેના ચહેરાના હાવભાવ ઘણી ચાડી ખાઈ રહ્યા હતા. આથી ભુવન ચૌધરીને ફાળ પડી કે ચોક્કસ ગરબડ તો છે . ચૌધરી દેવદાસ અને પારોના અતીતને ક્યારથી ફંફોળવા મથી રહ્યા છે પરંતુ તેમને કશું ઉકેલાતું નથી. પારોની માતાને મળીને ચૌધરી બહાર નીકળ્યા તો સામે જ એક આધેડ મહિલા નોકરો સાથે દેખાઈ. મહિલા એક નોકરને કહી રહી હતી,

દેવદાસનો કોઈ સંદેશો આવ્યો કે નહીં ધોરમદાસ? કોલકત્તામાં રહીને શું કરી રહ્યો છે એ? માતાના ખબર-અંતર પૂછવાની પણ મહાશયને ફુરસદ નથી?’

માલિકો… અમે દેવ બાબુને તાલસોનાપુર લાવવાની ઘણી કોશિશ કરી પણ તેઓ માન્યા નહીં. તેમની હાલત ગંભીર હતી, મદિરાપાન કરીને જીવનને ટૂંકાવી રહ્યા છે.’ માલિકણના પ્રશ્નો સાંભળીને નોકરે જવાબ આપ્યો.

ધોરદાસ’ મહિલાએ કરડાકીથી કહ્યું,

શુભ શુભ બોલ. આ શું લવારો કરો છે?’

આ વાતચીત ચાલી રહી ત્યારે જ ઠાકોર ભુવન ચૌધરી તેમની પાસે પહોંચી ગયા. વૃદ્ધ મહિલાએ ઠાકોર ભુવન ચૌધરી તરફ નજર કરી. તેણે પોતાની ઠાકુરાઈન અદામાં આંખની ભમ્મરો તાણી અને પછી તેને કશુંક યાદ આવ્યું હોય તેમ બોલી,

આપ તો… હા... હા...યાદ આવ્યું, તમે પાર્વતીના પતિદેવ છો.’ વૃદ્ધ મહિલાએ તેની સિફતપૂર્વક પહેરાયેલી બંગાળી સાડીને જરા સરખી કરી.

ચૌધરીએ ગંભીર મુદ્રા ધારણ કરી અને હકારમાં ડોકું હલાવ્યું.

ચૌધરી સાહેબ. આજે કંઈ આ તરફ? સોબ કુશલ મંગલ?’ વૃદ્ધ મહિલા ચૌધરીને ટોણો મારતી હોય એમ બોલી.

તમે દેવદાસના માતા છો?’ ચૌધરીએ મહિલાના પ્રશ્નની પરવા કર્યા વિના પૂછ્યું.

હા’ માલિકી સ્વરે વૃધ્ધા બોલી.

દેવદાસની બૂરી ખબર છે.’

શું બૂરી ખબર છે દેવ બાબુની? બોલો ચૌધરી સાહેબ...ઝટ બોલો’ ધર્મદાસ પોતાને રોકી ન શક્યો.

ચૌધરીની સ્થિતિ વિચિત્ર બની ગઈ. અહીં તેઓ શું કરવા આવ્યા હતા અને શું કરી રહ્યા છે. પારોની માતા સુમિત્રા દેવી પણ ત્યાં દોડતી આવી પહોંચી. સુમિત્રા દેવીએ વિચાર્યું કે દેવદાસની માતા કૌશલ્યાદેવીની પાસે જઈને તેમને સાંત્વના આપું. પરંતુ સુમિત્રાની જાણે ચીડ હોય એમ સુમિત્રા નજીક આવતા જ કૌશલ્યાદેવી દૂર ખસ્યા. પોતાના જમાઈની સામે કૌશલ્યાનું આવું વર્તન જોઈને સુમિત્રા સમસમી ગઈ. ચૌધરીએ હજીય મગનું નામ મરી પાડયું નહીં. તેમણે શરીરની પૂરી તાકાત એકઠી કરીને છેવટે કહી દીધું.

બોનજી, તમારો દેવદાસ....’

બોલો...બોલો... ચૌધરી સાહેબ' ધર્મદાસે અધવચ્ચે જ કહ્યું.

દેવદાસ હવે આ દુનિયામાં નથી...’

ચૌધરીએ કહેલી વાત પર કૌશલ્યાદેવી કે ધર્મદાસને ભરોસો નહીં બેઠો. કૌશલ્યાદેવીએ ભીની આંખે કરડાઈથી કહ્યું, ‘શું બકો છો ચૌધરી. દેવદાસ… મારો દેવ.... ના... ના... નહીં બને...નહીં જ બને.’ હવે કૌશલ્યાદેવીએ પોક મૂકી. દીકરાના મોતના સમાચાર સાંભળીને તેઓ આક્રંદ કરી ઉઠયા.

ચૌધરી, કહી દો કે આ ખબર ખોટા છે. કહો, ક્યાં છે મારો દેવ…?’

ચૌધરીએ હાથીપોતામાં ગામમાં બનેલી આખી ઘટનાનું વર્ણન કર્યું.

હાથીપોતા? દેવદાસ ત્યાં કેવી રીતે પહોંચી ગયો? હાથીપોતા તો પાર્વતીનું સાસરિયું છે.’ કૌશલ્યાદેવીએ તરત જ સુમિત્રા તરફ ત્રાંસી નજર કરીને કહ્યુઃ

તારી છોરી મારા દીકરાને ખાઈ ગઈ. જીવતે જીવ તો દેવદાસને જીવવા ન દીધો અને મરતા પણ દેવદાસે તેનો મોહ છોડ્યો.’

કરૂણ સંજોગોમાં પણ સુમિત્રાથી કૌશલ્યાદેવીનો તિરસ્કાર સહન ન થયો. જો કે તે કશું બોલી નહીં. બસ એટલું જ કહ્યું, ‘કૌશલ્યા, આવા માહોલમાં આવી વાત અશોભનીય છે.’

'શોભ અને અશોભ એ બધું તમારા જેવા નીચ લોકોને અર્પણ. બાળપણથી લઈ જુવાની અને મૃત્યુ સુધી પારોએ પીછો ન છોડયો મારા દેવનો. અને હવે સૂફિયાણી વાતો કરે છે? બંને મા-દીકરી કજાત હતી અને આજેય છે.'

બસ કૌશલ્યા. જાત પર ન જતી. તારી જાત જોઈ લે. મારું મોઢું ખોલાવતી નહીં. જમાઈ રાજા હવે તમે ઝટ અહીંથી નીકળો. હું નથી ઇચ્છતી કે અહીં તમારું પણ અપમાન થઈ જાય.’

કડવો ઘૂંટડો ગળી ગઈ હોય કે પછી ખસિયાણી પડી ગઈ પણ કૌશલ્યાદેવીએ ઠાકોરને કહ્યું, ‘મને દેવની ઘૂઘૂંબી જોઈએ છે. હું હાથીપોતા આવું છું. રડતી આંખે કૌશલ્યા અને ધર્મદાસ પોતાની હવેલીમાં જતાં રહ્યાં અને હાથીપોતા જવાની તૈયારીમાં લાગી ગયાં.

સુમિત્રા અને કૌશલ્યાની વાતથી ઠાકોર ભુવન ચૌધરીને દેવદાસ અને પારોના સંબંધોનું આખુંય વિવરણ મળી ગયું. તેઓ અવાચક હતા. દેવદાસને પારો ચાહતી હતી તો આ વાત મારાથી કેમ છૂપી રાખવામાં આવી? આમ પણ પારો પ્રત્યે પહેલાંથી જ ઠાકોર ભુવન ચૌધરીને થોડો રોષ હતો. હવે દેવદાસ અને પારોના સંબંધો પરનો પરદો તેમની આંખો સામે ખુલતા તેઓ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા.

કૌશલ્યાદેવી અને સુમિત્રાદેવીની વાતો પરથી ઠાકોર ભુવન ચૌધરીને તાળો મળી ગયો હતો કે દેવદાસ અને પારો એકબીજાને પ્રેમ કરતા હતા. ક્રોધાગ્નિથી ભભૂકી ઉઠેલા ઠાકોરે સાસુ સુમિત્રાદેવી તરફ જોયું. વિશેષ કંઈ બોલ્યા વગર તેઓ સીધા ટાંગામાં બેસી હાથીપોતાની દિશામાં રવાના થયાં.

                                            ***************************

સંધ્યાકાળ થઈ ચૂકયો હતો. ઈન્દ્રઘનુષી રંગો અર્પણ કરી સૂર્ય જાણે સાંજને નવોઢાના સાજ-શણગાર સજાવી રહ્યો હતો. નવોઢા બનેલી સાંજ સૂર્યના વિલય પછી સિંદૂર નંદવાઈ ગયું હોય તેવી દિસી રહી હતી. હવેલી પહોંચી ઠાકોર ભુવન ચૌધરીએ વરંડામાંથી થઈને સીધા પારોના કમરા તરફ ડગ ભરવા માંડ્યાં. મોટા પુત્ર શ્યામે પિતાને રોકવાનો પ્રયાસ કર્યો તો ચૌધરીએ તેને ધક્કો મારી દૂર કરી દીધો. પિતાનું રૌદ્ર સ્વરૂપ જોઈ શ્યામલાલ સડક થઈ ગયો. ચૌધરીને એટલો બધો ગુસ્સો હતો કે તેઓ દાદરના બબ્બે પગથિયા ઝડપભેર ચઢી ગયાં એનો પણ તેમને ખ્યાલ રહ્યો નહીં.

આજે કોઈ મારી વચ્ચે નહીં બોલે."પારોના કમરામાં પ્રવેશતા જ ચૌધરીએ તેમના સત્તાવાહી અવાજમાં જાહેરાત કરી.

પારોના કમરામાં પહોંચતા જ તેઓ માવઠાની જેમ વરસી પડ્યાં, 'પાર્વતી...'

કમરામાં પાર્વતી એક ખૂણે ખુરશી પર માથું નાંખીને રડમસ ચહેરે બેઠી હતી. રડી રડીને તેનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. પાર્વતીને આવી સ્થિતિમાં બેઠેલી જોઈને ભુવને તેનો પિત્તો ખોયો અને જોરથી રાડ પાડી, 'પાર્વતી... આ શું માંડયું છે? શા માટે ચૌધરી ખાનદાનની ઈજ્જત સાથે આવી ક્રુર રમતો રમી રહ્યા છો? શું બગાડ્યું છે મેં તમારું? કોઈ પણ જરૂરિયાત સંતોષવામાં મેં કદી પાછીપાની કરી હોય તો કહો? દેવદાસ સાથે આટલી બધી નજદીકી હતી તો મને કેમ કહ્યું નહી? કોણ લાગે છે દેવદાસ તમારો? મને કહો શા માટે આમ છડેચોક અમારી ઈજ્જત-આબરૂના ધજાગરા કરો છો?'

ભુવન એક શ્વાસે બરાડી ઉઠ્યા પણ પાર્વતીએ ભુવનના એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. તે નિરુત્તર રહી. તેના હાવભાવ પરથી એવું લાગતું હતું કે પાર્વતીએ ચૌધરીની વાત સાંભળી પણ નથી. તેની સ્થિતપ્રજ્ઞ અવસ્થા જેમની તેમ જ હતી. બીજી તરફ ચૌધરી એકી શ્વાસે બોલ્યે જતા હતા,

'આટલા વર્ષોની માન-મર્યાદા ભંગ કરીને પરપુરુષ સાથે આવી રીતે શામિયાણું કરતાં તમને જરાય શરમ ન આવી? મારી નહીં તો ચૌધરી ખાનદાનની ઈજ્જત-આબરૂનો કોઈ વિચાર પણ ન કર્યો? શું લાગે છે તમને? ગામ લોકો તમારી, મારી અને ચૌધરી ખાનદાનની આરતી ઉતારશે? ગામના લોકો દાંત કાઢીને કહે છે બહુ રોફ મારતો હતો ભુવન ચૌધરી, હવે તેની જ ઘરવાળીએ માન-મર્યાદાને રસ્તા પર લાવી દીધા. બોલો… શું જવાબ છે તમારો? તમે બોલતા કેમ નથી?'

હજુ પણ પાર્વતીની અવસ્થામાં કોઈ ફરક આવ્યો નહીં. ભુવન ચૌધરીની પ્રશ્નોની ઝડી સતત ચાલુ હતી. પણ શૂન્યમનસ્ક પાર્વતી કોઈ અન્ય વિચારોમાં ખૂંપી ગયેલી લાગતી હતી.

'નાક કાપી નાંખ્યું છે તમે મારું? મારી સામે ગામ લોકો કશું બોલવાની પણ હિંમત કરતા ન હતા તે આજે પત્નીઘેલો-સ્ત્રીઘેલો કહીને મારી મજાક ઉડાવી રહ્યા છે. બહુ અદ્દભુત કામ કર્યું છે. વાહ... વાહ... તાળીઓ વગાડું કે નાચું? મને સમજાતું નથી કે તમારા આવા મહાન કાર્ય માટે તમને શું ઈનામ આપું?'

પાર્વતીનો કોઈ જ પ્રતિઉત્તર ન આવતા ચૌધરીએ પાર્વતીને હચમચાવી કાઢી. પાર્વતીની આંખમાં દુનિયા આખીની શૂન્યતા વ્યાપી હતી, 'પાર્વતી હું તમારી સાથે વાત કરું છું. લોકો શું-શું નથી કહી રહ્યા? સાંભળો છો કે બહેરા થઈ ગયા છો. કોઈ તો જવાબ આપો.'

ચૌધરીના ગુસ્સાનો કોઈ પાર ન હતો. પહેલી વખત પાર્વતી સાથે આવી સખતાઈથી તેમણે વાત કરી હતી. ચૌધરીએ તેને અનેક વખત ઢંઢોળી પણ તે જરાય ટસથી મસ ન થઈ. ચૌધરી બોલતાં-બોલતાં હાંફવા લાગ્યા. તેમની બોલવાની ક્ષમતા જવાબ આપી રહી હતી. પણ પારો એકની બે ન થઈ. આ બાજુ ચૌધરીના શ્વાસ ચઢી ગયા. તેમને આફરો થયો. એક તો સફરની થકાન હતી, એમાં લાગલગાટ બોલાવાથી તેમની હાલત બગડવા માંડી.

'પાર્વતી... કંઈક તો બોલો... શું કામ ચૂપ છો?' આટલું બોલવામાં પણ તેમને તકલીફ થઈ. જાતને સંભાળાવની કોશિશ કરી પણ તે ફાવ્યા નહીં અને દિવાલ સાથે અફળાઈ ગયા. તેમનું માથું ફૂટી ગયું અને લોહીની ટશર વહેવા માંડી.

'હે..દુર્ગે..' કહીને તેઓ ફસડાઈ ગયા. પારોને કંઈ ભાન ન હતું કે તેના ઈર્દ-ગિર્દ શું બની રહ્યું છે. શ્યામલાલ કમરામાં ડોકીયું કરવા આવ્યો તો પિતાને ફર્શ પર પટકાયેલા જોઈને ચીસ પાડી ઉઠયો.

'બાબાજી…' હાંફળો-ફાંફળો થઈ શ્યામલાલ પિતાને ઉંચકીને નીચેના વરંડામાં લઈ આવ્યો. ઘરમાં કોલાહલ મચી ગઈ. બીજી તરફ દેવદાસના મૃત્યુના આઘાતમાં જકડાયેલી પારો આખી ઘટનાથી હજીય અનભિજ્ઞ હતી. ચૌધરીના બંને દીકરા અને દીકરી દોડી આવ્યા. હજુ જમાઈ કાલીબાબુ ક્યાંય દેખાયા ન હતા. આમ પણ સાંજ પડે કે જમાઈરાજ કાલી બાબુની રાતલીલા શરૂ થઈ જતી હતી. એટલે સાંજના સમયે તો તેઓ ઘરમાં જડે તો જ નવાઈ!

ચૌધરીની તબિયત બગડતા તાત્કાલિક વૈદ્યજીને બોલાવાયા. વૈદ્યજીએ નાડી ચકાસી. બધું બરાબર તપાસી વૈદ્ય દિનનાનાથે કહ્યું 'ચૌધરીને હ્રદય રોગનો હુમલો થયો છે. તેમને કોઈ કારમો આધાત લાગ્યો છે. નાડી પર ભાર છે.' વૈદ્ય દિનાનાથે ચૌધરી માટે દવા આપી અને વિદાય લીધી. ચૌધરીની સ્થિતિ ખરાબ હતી. તેઓ બેભાન હાલતમાં હતા. વૈદ્ય દિનાનાથે આરામ કરવવાની સલાહ આપી હતી. ચૌધરીને આરામ માટે એકલા છોડી નાના દિકરા ભાનુ સિવાય તમામ પોત-પોતાના કમરા તરફ જવા લાગ્યા. જતાં જતાં ચૌધરીના દીકરી મનોરમાએ તીખા સ્વરે કહ્યું, 'આ બધું નવી માના કારણે થાય છે. એ આવી છે ત્યારથી ઘરમાં પનોતી બેઠી છે. કોઈ દિવસ સુખનો જતો નથી. રોજ કોઈને કોઈ નવી આફત આવી પડે. હવે મારે જ કંઈક કરવું પડશે આ પનોતી માનું.'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.