25-અંગ્રેજ પોલીસને ચકમો
પારો-ચંદ્રમુખી સહિત બધાને અંગ્રેજ પોલીસે ઘેરી લીધા હતા. કોઈને કશી સમજ પડી રહી ન હતી કે શું કરીએ? રાજશેખરની હાલત અંગ્રેજોએ દયનીય બનાવી દીધી હતી. ક્યાંકથી ચુન્નીલાલ કોઠા પર આવી પહોંચ્યો. સ્થિતિ જોઈ તે હબક ખાઈ ગયો. તેણે કોઠાની અંદર જવાનો પ્રયાસ કર્યો. અંગ્રેજ પોલીસે તેને અટકાવ્યો પણ ચુન્નીલાલ તો ચુન્નીલાલ જ હતો. પોલીસવાળાને ચકમો આપી તે કોઠાની અંદર આવી ગયો. અંગ્રેજ પોલીસે તેને પણ રાજશેખરનો સાથી સમજી લીધો, પણ એક પોલીસવાળો ચુન્નીલાલને ઓળખતો હતો. ચુન્નીલાલને તે નજીકથી જાણતો હતો. તેણે ચુન્નીલાલને કહ્યું કે, 'ચુન્નીબાબુ... હવે કોઠા પર ઘુંઘરની ઝણકાર નહીં પણ ગોળીઓનો રણકાર સંભળાશે. સલામતી એમાં છે કે તું પણ અહીંથી જતો રહે.'
ચુન્નીલાલે કહ્યું, 'મારો સામાન કેટલાય દિવસોથી અહીં પડ્યો છે. એ સામાન લેવા આવ્યો છું. કૃપા થશે તમે જવા દેશો તો...'
પોલીસમેને ઈન્સ્પેક્ટર શેરોન તરફ જોયું. ત્યાં જ ફરી ચુન્નીલાલ બોલ્યો,
'જવા દો, સરજી, ફરી આ કોઠો ક્યારે શરૂ થશે એની કોઈ ગણતરી નથી.' આટલી બધી પોલીસ અને ફર્શ પર પડેલા રાજશેખર તરફ જોઈને વળી તે બોલ્યો, 'આ માણસ કોણ છે? અર...રરર... શું હાલત થઈ છે બિચારાની...'
ઈન્સ્પેક્ટર શેરોનને થયું કે કોઈ ચસકેલ માણસ આવી ચઢ્યો છે. પોલીસે ઘણી આનાકાની કરી, પણ ચુન્નીલાલ સામાનનાં બહાને કોઠાની ભીતર સુધી પહોંચી ગયો. ઈન્સ્પેક્ટર શેરોને પણ 'ક્વિકલી... ક્વિકલી... કામ પતાવીને નીકળી જજે, કોઈ હોંશિયારી કરતો નહીં...' કહી ચુન્નીલાલને ત્રાંસી નજરે અંદર જવા દીધો.
અંદર આવતાં જ તેણે જોયું કે ચંદ્રમુખી તથા પારોને પોલીસે ઘેરી લીધા છે. તે મનોમન તરકીબ બનાવવા લાગ્યો. ચુન્નીલાલે એક કમરામાં જઈ પોતાની કેટલીક વસ્તુઓ હાથમાં લીધી. થોડી-થોડીવારે તે પોલીસ તરફ જોઈ લેતો હતો. ચુન્નીલાલને પણ ખબર હતી કે કોઠામાં ગુપ્ત દ્વાર છે. ધીમે ડગલે ચાલીને તે ગુપ્ત દ્વારને શોધવા લાગ્યો. તેની નજર ગુપ્ત દ્વાર પર પડી. બરાબર ચંદ્રમુખી-પારોને પોલીસે, જ્યાં ઘેરી લીધા હતા તેના થોડા જ અંતરે દ્વાર હતું. તેણે નિશ્ચય કર્યો કે, પોલીસનાં હાથમાંથી આમને છોડાવવા છે. એ વિચાર કરી રહ્યો કે આ આયોજન કરાય કઈ રીતે? ત્યાં જ તેની નજર પૂજાનાં થાળ પર પડી. તેને અબીલ- ગુલાલ અને કંકુ દેખાયા. તે મનોમન મુસ્કુરાયો. પોલીસ સામે અટકચાળા અને ઉટપટાંગ હરકતો કરીને ચુન્નીલાલ પૂજાના થાળ નજીક પહોંચ્યો. ચંદ્રમુખી-પારો સહિત બધાને સમજ ન પડી કે ચુન્નીલાલ શું કરી રહ્યો છે? ચુન્નીલાલે ચંદ્રમુખી તરફ જોયું. તેણે જોરથી કહ્યું,
'ચંદા... મા દુર્ગાની પૂજા કરવાની મનોકામના પૂરી થશે. બસ તૈયાર રહેજો. ચુન્નીલાલે અબીલ-ગુલાલને હાથમાં હવામાં પ્રસરાવી દીધા.અને તે સીધો ધસ્યો ચંદ્રમુખી અને પારોની તરફ. ઘેરો કરીને ઊભેલા પોલીસવાળાની આંખ તરફ તેણે ગુલાલ ફેંક્યો. પારો-ચંદ્રમુખીને આંખો બંધ કરવાનું કહી ચુન્નીલાલ ગુલાલનો છંટકાવ કરતો રહ્યો. આખા કોઠામાં ગુલાલનું વાદળ બંધાઈ ગયું. આખોય કોઠો લાલ વાદળોની સેનાનો સાક્ષી બન્યો. તકનો લાભ લઈને ચુન્નીલાલ બધાને લઈને ગુપ્ત દ્વાર તરફ દોડ્યો. ગુલાલનાં કારણે અંગ્રેજ પોલીસની દશા ખરાબ થઈ. બધા જ આંખો ચોળી રહ્યા હતા. ચુન્નીલાલની સતર્કતાને કારણે ઘડીભરમાં આ ઘટના બની ગઈ અને જોતજોતાંમાં બધા જ હવામાં ઓગળી ગયા હોય એમ અદૃશ્ય થઈ ગયા.
રાજશેખરનું શું થયું? રાજશેખરે પણ મોકાનો ફાયદો ઉઠાવ્યો. ચુન્નીલાલે ગુલાલનો છંટકાવ કરતા જ આવી વિષમ સ્થિતિમાં પણ એ ઈન્સ્પેક્ટર શેરોન અને કાલીદાસને ચકમો આપીને ફરાર થઈ ગયો. ગુલાલનાં વાદળો વિખેરાયા તો કાલીદાસ અને ઈન્સ્પેક્ટર શેરોને જોયું કે કોઠામાંથી રાજશેખર, ચંદ્રમુખી અને પારો સહિત બધા જ રફુચક્કર થઈ ગયા હતા. ઈન્સ્પેક્ટર શેરોન ગુસ્સામાં લાલાચોળ થઈ હાથ ઘસતો રહી ગયો. કાલીદાસની દશા પણ કંઈક આવી જ હતી.
બીજી તરફ પારોની હાલત બગડી રહી હતી. પ્રસુતિની પીડાનું દર્દ અસહ્ય બની ગયું હતું. ચંદ્રમુખી અને રૂપાલીને ખ્યાલ હતો કે, હવે ગમે ત્યારે પારોની પ્રસુતિ થઈ શકે છે. ખેતરોની ચાસમાં ચાલતાં-ચાલતાં પારોને કષ્ટ પડી રહ્યું હતું.
'બસ, હવે મારાથી વધુ ચલાશે નહીં ચંદા. થાક લાગે છે અને ચક્કર પણ આવી રહ્યા છે.' પારોએ એનું પેટ પકડીને કણસતા સ્વરે કહ્યું.
'પારો...' ચંદ્રમુખીએ હિંમત આપતા કહ્યું, 'ધીરજ રાખ, કંઈક કરીએ.' ચંદ્રમુખીએ ચુન્નીલાલ તરફ જોયું.
'ચુન્નીબાબુ, તમે અણીનાં સમયે અમને કામ લાગ્યા છો. ભગવાન આવી રીતે પણ કૃપા વરસાવી શકે છે એ આજે જાણ્યું.' પારો તરફ ઈશારો કરીને એ કંઈક બોલવા જતી હતી ત્યાં જ ચુન્નીલાલે કહ્યું,
'બસ... બસ... ઓળખ આપવાની જરૂર નથી. પારોને હું જાણું છું. હું કોઈ વ્યવસ્થા કરું છું.'
ચુન્નીલાલ જાણતો હતો કે, એમને અંગ્રેજ પોલીસ શોધી રહી હશે. એમને પકડવા અંગ્રેજ પોલીસ આકાશ પાતાળ એક કરશે. ચુન્નીલાલ અને દેવદાસની જૂની મિત્રતા હતી અને લાંબા સમય સુધી બંને એક સાથે રહ્યા હતા. એમણે સુખ અને દુખ સાથે જ ભોગવ્યા. ચુન્નીલાલને યાદ આવ્યું કે હાથીપોતાના (પારોનાં જ્યાં લગ્ન થયાં હતા તે ઠાકોર ભૂવન ચૌધરીનું ગામ) મંદિરનાં પૂજારીની ઓરડી હાલ તો સૌથી સલામત સ્થળ બની શકે એમ છે. પણ હાથીપોતા સુધી આટલા બધા લાવ-લશ્કર સાથે જવાશે કઈ રીતે?
ચુન્નીલાલને વિચારમગ્ન મુદ્રામાં જોઈ ચંદ્રમુખીએ પૂછ્યું, 'ચુન્નીબાબુ કી હોવા? શો વિચાર કરો છો?'
'ચંદા... હાથીપોતામાં દેવદાસ અને મંદિરના પૂજારીનું સારું બનતું હતું. હું અને દેવદાસ ઘણીવાર ત્યાં રોકાયા છીએ. હાલમાં તેનાં કરતાં સલામત જગ્યા બીજી કોઈ દેખાતી નથી. જ્યાં સુધી પારોજીનાં સારાવાના નહીં થાય ત્યાં સુધી હાથીપોતામાં રોકાવું વધારે હિતાવહ લાગે છે. અંગ્રેજ પોલીસ કે કોઈને શંકા પણ જશે નહીં કે આપણે હાથીપોતામાં રોકાયા છીએ. બોલો શું માનવું છે?'
ચંદ્રમુખીએ ઉંડો નિશ્વાસ નાંખ્યો. તે થોડીવાર સુધી શૂન્યમનસ્ક બેસી રહી. પારોની હાલત અને અંગ્રેજ પોલીસનાં ડરે ચંદ્રમુખીએ ચુન્નીલાલનાં હાથીપોતા જવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો.
પારોએ આનાકાની કરી. પારોએ કહ્યું કે, 'હાથીપોતા જવાની જરૂર નથી. એવું હોય તો પાછા તાલસોનાપુર જ જઈએ તો?'
'તાલસોનાપુરમાં જવાનું જોખમ વધારે છે. જોખમ તો હાથીપોતા જવામાં પણ છે, પરંતુ તાલસોનાપુર કરતાં વધારે નહીં.' ચંદ્રમુખીએ પારોને સમજાવવાનો મોરચો સંભાળ્યો.
'દીદી... સમય બરબાદ કર્યા વગર કોઈ એક નિર્ણય કરીએ તો સારું થશે. તમારી પ્રસુતિનો સમય નજીક આવી રહ્યો છે.'
પારોએ ત્યાર બાદ વિશેષ કોઈ દલીલ કરી નહીં. તે ચૂપ થઈ ગઈ. તે કમને મૌન થઈ ગઈ અને આકાશ ભણી તાકવા લાગી.
'ચુન્નીબાબુ... એક તકેદારી રાખવી પડશે કે, કોઈને કાનોકાન પણ ખબર ન પડે કે, આપણે હાથીપોતામાં છીએ.'
ત્યાં જ ઝાડીઓમાં સળવળાટ થયો. ચુન્નીલાલ સાવધ થઈ ગયો. કોઈ જાનવર કે સાપ હશે એમ માની ચુન્નીલાલ સળવળાટની દિશામાં લાકડી લઈને ફર્યો. ચંદ્રમુખી, પારો અને રૂપાલી એકબીજાનો હાથ પકડી ઊભા થઈ ગયા. સેવકરામ પણ ચુન્નીલાલ સાથે જોડાયો. ઝાડીઓનો સળવળાટ બંધ થઈ ગયો.
ચુ્ન્નીલાલ અને સેવકરામ ધીમે પગલે ઝાડી તરફ ગયા. થોડાક અંતર સુધી ચાલ્યા, પણ કશું જડ્યું નહીં. પરંતુ તેઓ પરત થઈ રહ્યા હતા ત્યાં જ કોઈ માણસનાં કણસવાનો અવાજ આવ્યો. ચુન્નીલાલ અને સેવકરામ ઝડપથી પાછા આવ્યા. જોયું તો ઝાડીઓની કાંટાળી વાડમાં રાજશેખર અધમૂવો થઈને પડ્યો હતો. ચુન્નીલાલ અને સેવકરામે મહામહેનતે રાજશેખરને બહાર કાઢ્યો. રાજશેખરને લઈ બંને જણ આવ્યા. રાજશેખરને જોઈ પારો અને ચંદ્રમુખીનાં ચહેરા પર સંતોષની આછી રેખા અંકિત થઈ ગઈ. બધાએ રાજશેખરને સલામત જોઈ હાશકારો અનુભવ્યો.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર