18-બે અભાગણીઓની વાત...

29 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

દેવદાસનાં મુખેથી જેના માટે સાંભળ્યા કરતી હતી તે આ પારો હતી. દેવદાસે હંમેશ જેની સેવાચાકરીની વાતો કરી હતી તે આ ચંદ્રમુખી હતી. જાણે કોઈ પૂર્વાપરનો સંબંધ હોય એમ બંને ભેટી પડ્યા હતા. ચંદ્રમુખી બોલી,

'જેવું વર્ણન સાંભળ્યું હતું તેવું જ રૂપ અને જાજરમાન વ્યક્તિત્વ... અદ્દલ ઠાકોરાઈન. દેવદાસની પસંદ ચંદાને પણ પસંદ છે. ખૂબ ભાલો. ખૂબ ભાલો... પારોદેવી, ભાલો દિસો...'

'બિલકુલ દેવદાસની પરિકલ્પનાની કોઈ પરીને નિહાળી રહી છું. ચંદ્રમા જેના લલાટે સોળે કળાએ ખીલી રહ્યો છે તેવી છે ચંદ્રમુખી. જોવાની બહુ ઈચ્છા હતી પણ આવી રીતે મળવાનું થશે તે વિચાર્યું ન હતું.' પારો આભી બનીને કહી રહી હતી.

'બસ બસ, ઠાકોરાઈન બસ. આટલી પ્રશંસા ન કરો. નહીંતર હું પણ સદ્દગૃહસ્થ બની જઈશ. લોકો તમારા પર આળ મૂકશે કે, પારોએ એક ગણિકાને સભ્ય બનાવી દીધી.' ચંદ્રમુખીએ અર્થસભર હાસ્ય વેરતા કહ્યું.

'ચંદાજી, તમે મને ઠાકોરાઈન ન કહો. હું પારો છું. દેવની પારો. બસ પારો કહેશો તો ગમશે.'

'તો તો હું પણ તમને કહી દઉં છું. ચંદાજી કહેવાની જરૂર નથી. અહીંયા મને કોઈ માનથી બોલાવતું નથી. ચંદારાણી. ચંદા કે પછી ચંદ્રમુખી કહીને જ બોલાવે છે. મારી સાથે આટલો બધો વિવેક રાખવાની જરૂર નથી. નહીંતર હું બેભાન થઈ જઈશ.'

'ચંદા' પારોએ તરત જ કહ્યું, 'ચંદા કહું તો ગમશે?'

'હા હા.. કેમ નહીં. હું પારો કહીશ.' ત્યારબાદ બંને વચ્ચે સખીપણાની નવી કૂંપળો ફૂટી. દેવદાસની બે પ્રેયસીઓ પળવારમાં સખી બની હતી. એક દેવનાં પ્રેમ માટે સદા તરસતી રહી તો બીજી પ્રેમને ઓળખ આપવા ઝઝૂમી રહી હતી. કોઈ રાધા તો કોઈ મીરા સરીખો પ્રેમ કરે છે. પ્રેમ એક પણ પ્રિયતમા બે. દેવદાસે પારોનાં પ્રેમને સરાજાહેર સ્વીકાર્યો નહીં અને ચંદ્રમુખીનાં પ્રેમને ઠુકરાવી દીધો. એક હતી પ્રેમાલીન તો બીજી હતી પ્રેમભગ્ન. એકનું હ્રદય દેવ દર્શન માટે સદા વિહરતું રહ્યું. તો બીજીનું હ્રદય દેવનાં સહવાસને પામવા આજે પણ ઝૂરી રહ્યું હતું.

પારોએ રૂપાલીનો પરિચય કરાવ્યો. નાસ્તા માટે ચંદ્રમુખીએ આગ્રહ કર્યો પણ પારોએ ભૂખ ન હોવાનું કહી ટાળ્યું. હા, ફ્કત ચા ગ્રહણ કરી. ચા પીતા-પીતા ચંદ્રમુખીએ કહ્યું.

'હા, એ વાત પૂછવાનું તો ભૂલી જ ગઈ કે કોલકાતામાં કેવી રીતે આવવાનું થયું? એ પણ આમ સાવ અચાનક?'

પારોની નજર સામે ઠાકોર ભુવન ચૌધરીની હવેલીથી લઈ તાલસોનાપુર અને અંગ્રજો સાથેનું ઘર્ષણ તરવરી ઉઠ્યું. પારોએ

ચંદ્રમુખીને સઘળી હકીકતથી વાકેફ કરી. શું થયું તે ઘટનાક્રમ કહી સંભળાયો.

ચંદ્રમુખીની આંખમાંથી નીર વહી રહ્યા હતા.

'પારો, એક વાત કહું? અનેક વાર દેવદાસ મારી સાથે, મારા બિસ્તર પર ઊંઘ્યા હતા પણ હું દેવને પળવાર માટે પણ પામી શકી ન હતી. હું તો દેવની દાસી પણ ન બની શકી. અને પારો તું? તો ભાગ્યશાળી છો કે દેવનાં પ્રેમને હાંસલ કરી શકી છો.

નસીબવંતા લોકો હોય છે એ કે જેમને મનનાં મણીગરનો લખલૂટ પ્રેમ મળે છે. હું તો અભાગણી હતી અને રહીશ.'

'ના ચંદા. અભાગણી તો હું છું. એક વચનને નિભાવવા મારે દ્વાર સુધી આવ્યા અને મારી નજરની સામે પ્રાણનો ત્યાગ કર્યો. તેમના માટે હું કશું પણ કરી ન શકી. અને ચંદા તું તો ખુશનસીબ છે કે, દેવનાં અંતિમ સમય સુધી તેમની સાથે હતી. તેમનો ઈલાજ કર્યો. સેવા કરી. આ સદ્દભાગ્ય હું પામી ન શકી. તે દેવના પ્રેમને પામ્યા વગર દેવને મેળવ્યો અને હું દેવને પામી પણ દેવનો પ્રેમ મેળવી ન શકી.

એક કોરા વાદળ સમી હું આજે ગગને ગગને વિહરી રહી છું. મને કહે ચંદા એક દેવનું નામ પારો સાથે નહીં હોત તો? આ સમાજે પારોને પણ પીંખી નાંખી હોત. કાલીદાસ જેવા પિશાચો જ્યાં ને ત્યાં નજરે પડે છે. જો રાજશેખરે ઉગારી લીધી ન હોત તો પારો આજે તારી સામે ઊભી ન હોત.'

'રાજશેખર...?'
'હા, ચંદા... રાજબાબુ... એ જ મને કોલકાતા લાવ્યા. હવે ખબર નથી કે આગલો મુકામ શો હશે?'

'પારો...' ચંદ્રમુખીએ તેની પાસે આવી માથા પર હાથ પ્રસરાવી દિલાસો આપતા કહ્યું, 'પારો, ચિંતા ન કરતી. કોઈ બંદોબસ્ત ન થાય ત્યાં સુધી અહીં રોકાઈ શકે છે.'

'જાણે છે હવે ચંદ્રમુખી મુજરો નથી કરતી. લોકોનું મનોરંજન નથી કરતી. જે દિવસથી દેવબાબુ ગયા છે અને ચુન્નીલાલે તેમના અવસાનનાં સમાચાર આપ્યા છે ત્યારથી ચંદ્રમુખીએ કોઈ મુજરો કર્યો નથી. ચંદ્રમુખી પણ વિધવા થઈ ગઈ. આમ પણ ગણિકા તો રોજ પરણે છે અને તેને રોજ ત્યજી પણ દેવાય છે. અમારી તો કિસ્મતમાં જ પારકાને સુખી કરવાનું લખાયેલું છે.' થોડું અટકીને.

'પારો, ચિંતા ન કરતી. હવે દુખાંત છે અને સુખારંભ થશે. સમાજ કે કોઈની ચિંતા કરવાનું છોડી પોતીકી રીતે જીવન જીવી લેવાનું.'

'ચંદા મને મારી ચિંતા નથી. દેવનાં સંતાનની છે.'

પારોનાં છેલ્લા શબ્દો પર ચંદ્રમુખી ચોંકી.

'દેવનું સંતાન?'

'હા ચંદા. દેવ ચે પુત્રો... દેવનાં સંતાનની ચિંતા છે.'

પારો...તુઈ શાણીબો...દેવનું ફુલ ખીલેશે? ખરેખર પારો?

હા..ચંદા..હા...
ચંદ્રમુખીનાં ચહેરા પર અપ્રતિમ આનંદ જોવા મળી રહ્યો હતો. જાણે કે તેને કોઈ અણઘારેલી ખુશી મળી ગઈ હતી..

દેવા..દેવા...દેવા..કહીને ચંદ્રમુખી ઝુમવા લાગી..

પારો..તેં મારા દિલને કેટલી ખુશી આપી છે તેની તને ખબર નથી. દેવનું સંતાન....તે વારંવાર આ શબ્દો દોહરાવીને નાચવા લાગી...

તે બોલી...પારો..મને એવું થાય છે કે આજે ફરી એકવાર મુજરો કરી નાખું...તે ગાવા લાગી..

ગૃહો આશો ઓતિથિ અમાર ગૃહો....પારો અને રૂપાલી પણ તેને જોઈને હરખઘેલા બની ગયા.

તાળીઓ પાડતી જાય અને ફરતી-ફરતી ગાતી જાય. ચંદ્રમુખીને એવું થયું કે જાણે તેની ભીતરમાં પણ નવી કૂંપળ ફૂટી ગઈ.
પારો...આજે ચંદ્રમુખી..આખા મહોલ્લાને મીઠાઈ ખવડાવશે...ચંદ્રમુખીને પણ બળુકો દેવ મળશે...

હા..ચંદા..આ નાનકા દેવનાં કારણે જ હવે જીવન હંકાવવાનું છે. બીજો ક્યો આશરો છે? નાનકાની ખુશીમાં સામેલ થઈ ચંદા તેં મને શાતા આપી છે. મને તો એવું હતું આ વાત સાંભળી તું પણ દેવની માતા અને ભાઈની જેમ ભડકી જશે. પણ ના..ચંદા, તેં જે પ્રકારે આનંદ વ્યકત કર્યો તે જોઈને મને પણ થયું કે તારી સાથે ઝુમી લઉં...

ચંદાએ સાંભળ્યું ન સાંભળ્યું અને પારો-રૂપાલીનો હાથ પકડી નાચવા લાગી. પારો અને રૂપાલી પણ ઝુમવા લાગ્યા.

વર્ષોથી આનંદરહિત ચંદ્રમુખીનાં કોઠામાં ગૂંજતા થયેલા ગીતોની સુરાવલિને જોઈને સેવકરામ પણ ભાવ-વિભોર બની ગયો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.