26-મારા આ નાનકાને પિતાનું નામ મળશેને?
હાથીપોતાથી થોડાક જ અંતરે આવેલી નાનકડી ચાલમાં પારો અને ચંદ્રમુખીનાં કાફલાનો પ્રવેશ થયો. તેઓ લપાતા-છૂપાતા આવી તો પહોંચ્યા હતા પણ બધાના દિલમાં ફડક પેસી ગઈ હતી કે, રખેને ફરીવાર અંગ્રેજ પોલીસ અહીં પણ આવી જાય તો? છેક ત્રીજા દિવસે તેઓ ચાલમાં આવ્યા હતા. કોલકાતાથી નીકળ્યા બાદ બળદગાડા, આગગાડી, ઘોડાગાડી અને હોડી સહિતની મુસાફરી કરવી પડી હતી. આખાય રસ્તે પારોને થોડાથોડા સમયે પ્રસુતિની પીડા થતી રહી. રાત્રીનાં સમયે તેઓ જે ગામમાં રોકાયા હતા ત્યાં પારો દર્દથી ગ્રસિત હતી. તેને ખૂબ પીડા થઈ હતી. રૂપાલીએ દર્દ ઓછું થાય તેના માટે પારોને ગાળો બનાવી આપ્યો હતો. પારોને તેનાથી ખાસી રાહત થઈ હતી.
રાજશેખરની પણ એ જ ગામમાં સારવાર કરવામાં આવી. ચુન્નીલાલ અને સેવકરામ રાજશેખરને લઈને કોઈ વૈદ્ય પાસે ગયા હતા. એમનો એક દિવસ તો રાજશેખરનાં ઈલાજમાં જ પસાર થઈ ગયો હતો. યોગ્ય સારવારને કારણે રાજશેખરની હાલતમાં ઘણો ફરક પડી ગયો હતો. તે હરી-ફરી શકતો હતો. તેનાં પગમાં વાગેલી ગોળીનો ઘા પણ રૂઝાઈ રહ્યો હતો.
પારોને જે સ્થળે લઈ જવાયેલી એ જગ્યાને ચાલ તો કહેવા પુરતી કહેવાતી હતી. બાકી તો ત્યાં છાણનાં લીંપણથી બનેલા કાચા-પાકા ઘરો જ હતા. ક્યાંક ફૂંકણીઓથી ચૂલા ફૂંકતી ગૃહિણીઓ નજરે ચઢતી હતી. તો ક્યાંક અર્ધનગ્ન અવસ્થામાં કૂદાકૂદ કરતાં બાળકો જોવા મળતા હતા. એક હાંક મારો તો બધા જ ઘરોમાં સાદ સંભળાય એટલી જ સાંકળી હતી એ ચાલી!
દેવદાસનાં મિત્ર રખવદાસનું ઘર પણ અહીંયા જ હતું. રખવદાસને દેવદાસ અવારનવાર મદદ કરતા હતા. ચુન્નીલાલને બરાબર સ્મરણ હતું કે દેવદાસને રખવદાસ પ્રત્યે ખાસ લગાવ હતો. રખવદાસે લગ્ન કર્યા ન હતા. તેની અને દેવદાસની મુલાકાત પણ કોઠા પર જ થઈ હતી. રખવદાસ ચંદ્રમુખીને પણ ઓળખતો હતો. આમ તો એ રંગીન મિજાજી હતો પણ વંઠેલ ન હતો. ધંધા-ધાપામાં ખેતર હતું તે પણ ગિરવી હતું. દેવદાસનાં અવસાન બાદ તે આર્થિક સંકડામણમાં ફસાયો હતો.
પોતાના ઘરે બધાને જોઈને રખવદાસ રાજીનો રેડ તો થયો જ, પણ સાથે થોડો નાસીપાસ પણ થયો. ચંદ્રમુખીએ રખવદાસનાં ચહેરા પરનાં ભાવ કળી લીધા. એણે તરત જ કાપડની થેલીમાંથી કેટલાક રૂપિયા રખવદાસને આપ્યા. રખવદાસે આનાકાની કરી તો ચુન્નીલાલે જબરદસ્તી રૂપિયા તેને પકડાવી દીધા. રખવદાસ બોલ્યો,
'ચુન્નીબાબુ... દેવદાસની પારો માટે મારે મારી ચામડી પણ ખોતરવી પડે તો ઓછું છે. પણ આજે હું એવી સ્થિતિમાં છું કે મદદ કરી શકતો નથી.' રખવદાસની આંખો છલકાઈ ગઈ. ત્યાં વધુ રોકાયા વિના એ આંખ લૂછતો બહાર નીકળી ગયો. રખવદાસનાં ગયા પછી ચુન્નીલાલે પાડોશનાં ઘર તરફ કાન સરવા કર્યા. તેને ટીખળ સૂઝી.
ચુન્નીલાલે બૂમ પાડી, 'ભૌજી....ચૂડલા તૂટવાનો અવાજ આવી રહ્યો છે. કી કરતોય? ભૈયાજી.... જરા હળવે હળવે...'
બાજુમાંથી જવાબ મળ્યો, 'કોન બોલો બે... તારું કામ કર. બીજાનાં ઘરમાં ડોકીયું કરવાનું બંઘ કર... હરામખોર...'
ચંદ્રમુખીએ ચુન્નીલાલનાં ખભા પર જોરથી ધબ્બો માર્યો અને ચંદ્રમુખી અને ચુન્નીલાલ જોરથી હસી પડ્યાં.
ચંદ્રમુખીએ કહ્યું, 'ચુન્નીલાલ સુધરી જા...'
આવી હળવી પળો માણી રહેલાં ચંદ્રમુખી અને ચુન્નીલાલનાં કાને પારોનો અવાજ સંભળાયો. ચુન્નીલાલને ત્યાં જ અટકાવી ચંદ્રમુખી પારો પાસે ગઈ.
'ચંદા, મારો કોઈ ભરોસો નથી.' પારોએ ભીની આંખે કહ્યું.
'આવી ગાંડી-ઘેલી વાતો શું કામ કરે છે? બધા સારાવાના થશે. તું ચિંતા છોડી દે પારો...'
પોતાના પેટ પર હાથ ફેરવીને પારો ફરી બોલી, 'મારા આ નાનકાને પિતાનું નામ મળશે ને?'
'કેમ નહીં? કેમ નહીં? અરે નહીં મળશે તો ચંદા અપાવીને રહેશે. પારો, બહુ વિચારવાનું છોડી દે. આજે દુર્ગા પૂજા છે અને આજે હું હાથીપોતામાં ઠાકોર ભૂવન ચૌધરીની હવેલી જવાની છું. કાળો નાગ કાલીદાસ તો હશે જ. આમ પણ એણે મને કોઠાની પૂણ્યશાળી માટી સાથે નૃત્ય કરવાનું તો કહ્યું છે જ. પણ પારો...' તે જરા અટકી. એની ભમ્મર તંગ થઈ ગઈ. ફરી તેણે બોલવાનું શરૂ કર્યું, 'દેવદાસનાં સંતાનને દેવદાસનું નામ તો મળશે જ. ભલે આજે કશું પણ થાય...'
'ચંદા... એવું કશું પણ નહીં કરતી કે તારા જાનને જોખમ થાય. મને આશંકા થયા કરે છે. તું શું કરશે?'
'મૂઆ તેમાં ગરક થઈ જશે. કાલીદાસ અને દંભી સમાજની દુર્ગા પૂજાને દુર્ગમ કરી નાંખીશ.' ચાલીના બારસાખની માટીને મુઠ્ઠીમાં દબાવી ચંદ્રમુખી બોલી હતી.
'ચંદા, મને ડર લાગે છે. હું પણ તારી સાથે આવીશ. દૂર રહીશ, પણ તારી સાથે આવીશ ખરી...'
'પારો... વર્ષો બાદ ચંદ્રમુખીનાં પગે ઘૂંઘર બંધાશે. ચંદ્રમુખી ફરી મુજરો કરશે અને આ ચંદ્રમુખીનો આખરી મુજરો હશે...' તેનાં અવાજમાં મક્કમતાનો પડઘો હતો. તે ફરી બોલી,
'ના પારો... તારી જરૂર નથી. અને આમ પણ તારી હાલત કફોડી છે. તું ત્યાં કેવી રીતે આવીશ?'
'હું અને રૂપાલી આવીશું. અમે હવેલીમાં નહીં આવીએ પણ આવીશું ખરા...'
'ના પારો, જીદ ન કર... હું એકલી જઈશ. મારી સાથે સેવકરામ અને ચુન્નીલાલ પણ હશે. તું મારી ચિંતા છોડી દે.'
પારો અને ચંદા વચ્ચે લાંબી લમણાઝીંક ચાલી રહી હતી, એવામાં ચુન્નીલાલ આવ્યો.
'મને પરવાગી હોય તો હું કશું બોલું...?'
'ચુન્નીલાલ, મજાકનો સમય નથી.'
'ચંદા, આપણે હવેલીમાં જઈશું તો એમને ખબર પડી કે જશે કે આપણે હાથીપોતા કે એની આજુબાજુ જ ક્યાંક છૂપાયેલા છીએ. અંગ્રેજ પોલીસ અને કાલીદાસ તો આપણા જાનનાં દુશ્મન બની ગયા છે. અને ઈન્સ્પેક્ટર શેરોન પણ આપણને છોડશે નહીં. એના કરતા દુર્ગા પૂજા આપણે અહીં ચાલમાં જ ઉજવી લઈએ તો?'
'ચુન્નીલાલ, તારી વાત સાચી છે પણ પારોનાં સંતાનને પિતાનું નામ મળવું જોઈએ. આના માટે ઠાકોર ભૂવન ચૌધરીની હવેલીમાં જવું જરૂરી છે. દુર્ગા પૂજાનો મોકો છે અને દુર્ગા માતાનાં આશીર્વાદ આપણી સાથે છે.
હવેલીમાં આખું ગામ હશે અને આખા ગામની સામે કાલીદાસની કાળી કરતૂતો ખોલવાનો આનાથી ઉત્તમ મોકો ફરી નહીં મળે. વિચારી લો...'
ચુન્નીલાલ અને પારો પાસે કોઈ જવાબ ન હતો. પારોએ પ્રશ્ન કર્યો.
'ચંદા, વાત હાથીપોતા ગામના લોકોના સંતાન સ્વીકારની નથી. જ્યાં સુધી દેવદાસનાં માતા અને તેમનો પરિવાર દેવ અને મારા સંતાનને સ્વીકારી ન લે ત્યાં સુધી ઘાત રહેશે.'
'પારો...' ચંદ્રમુખીએ તેની પાસે આવીને કહ્યું,
'એની પણ ચિંતા નહીં કર. તારા અને દેવનાં સંતાનની સ્વીકૃતિ માટે બનતું બધું જ કરવાનું મેં બીડું ઝડપ્યું છે. હવેલીમાં મુજરો કર્યા પછી તેનો પણ માતા રાણી રસ્તો ખોલશે એવો મને વિશ્વાસ છે.'
રાજશેખર ક્યારનોય આ બધી વાતો સાંભળી રહ્યો હતો. તે અચાનક બોલ્યો.
'ચંદ્રમુખીજીની વાતમાં દમ છે. પારોનાં સંતાનને દેવનું નામ મળે તેના માટે ઠાકોર ભૂવન ચૌધરીની હવેલીથી જ આ જંગનો પ્રારંભ કરવાની જરૂર છે. રહી વાત અંગ્રેજ પોલીસ અને ઈન્સ્પેક્ટર શેરોનની તો એમનું ધ્યાન ભટકાવતા મને આવડે છે. હું અને મારા સાથીઓ અંગ્રેજ પોલીસને અવળે રસ્તે વાળી દઈશું.'
પારોનાં ચહેરા પર મિશ્ર ભાવો ઉપસી આવ્યા. એના ચહેરા પરના ભાવ જોઈને કળી શકાયું નહીં કે તે ખુશ હતી કે ભયભીત! ચંદ્રમુખી અને સેવકરામ મુજરાની તૈયારીમાં પડ્યા. રાજશેખર પોતાને કામે લાગ્યો. કમરામાં રૂપાલી અને પારો નજીકના ભવિષ્યમાં બનનારી ઘટનાઓની ચિંતામાં ખોવાઈ ગયા.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર