દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં
04/04/2017,ચૈત્ર સુદ આઠમ, પુનર્વસુ નક્ષત્ર, દુર્ગાષ્ટમી,
અમદાવાદ.
પ્રિય સપ્તક,
બહુ જ મઝા પડી. તને લીમડાનો રસ પીવડાવનાર કોઈ મળ્યું ખરું. આરોગ્ય માટે થોડી કડવાશ તો જરૂરી છે જ. જીભમાં કડવાશ ન હોય એ પણ એટલું જ જરૂરી. તારી ટોણાં મારવાની ટેવ ઓછી થઈ છે એવું અનુભવીને રાજીપો.
હમણાંથી મારું વાંચન ઘણું ઘટી ગયું છે ને એનો મને અપરાધભાવ પણ ખાસ્સો કોરી ખાય છે. સાચું કહું તો થોડું આળસ આવી ગયું છે. બાકી બુકસ્ટોલ પર જતાં મને કોણ રોકે? મધુ રાય લિખિત 'નીલ ગગન કે તલે', ચિનુકાકાની આત્મકથા 'જલસા અવતાર' સહિત મોટું બધું લિસ્ટ છે પુસ્તકોનું તો. જે દિવસે બુક સ્ટોલ પર જઈશ એ દિવસે તારા બિ.કુમારનું વોલેટ ખાલી કરી દઈશ. ;) 'નીલ ગગન કે તલે’ મધુ રાયની એ જ નામની કોલમના અખબારી લેખોનું સંપાદન છે. છાપામાં તો મેં વાંચ્યા જ છે કાયમ પણ પુસ્તક સ્વરૂપેય ઘરમાં હોય તો મને ગમે. જ્યારે મન થાય ત્યારે વાંચી શકાય. દા.ત. જુલે વર્નની 'ખજાનાની શોધમાં' કે વિજયગુપ્ત મૌર્યની 'જિંદગી જિંદગી' આપણે બાર વર્ષના હતા ત્યારે વાંચી છે પણ બાસઠ વર્ષના થઈએ ત્યારે ય એટલા જ રોમાંચથી વાંચીશું. ખરું ને? ઘણાં બધા પુસ્તકોની શેલ્ફ વેલ્યુ ઝીરો હોય છે. એકવાર વંચાઈ જાય પછી ફરી વાંચવું ન ગમે. ઝીરો શેલ્ફ વેલ્યુ વાળા પુસ્તકોનું નથી લખતી કશું કારણકે એમાં આપણે દલીલો કરતા કરતા ઝઘડી પડીશું એવો મને ડર છે.
સાતમી તારીખે વિશ્વ આરોગ્ય દિવસ છે. કોઈ વોટ્સઅપ ગૃપમાં ફરતું ફરતું આવ્યું કોઈ ફોરવર્ડ એટલે ખબર પડી. એ ય ને સુફિયાણી વાતોનો દૌર ચાલુ થઈ જશે. મને સમજણ નથી પડતી કે જેવો કોઈ ખાસ દિવસ આવે કે તરત જ બધા જાગી જાય… જે-તે દિવસ વિષે પોતાની પાસે જે માહિતી હોય એ ઠાલવવા માંડે સોશિયલ મિડીયા પર. મોટાંભાગે એ જ ઘિસીપિટી ઇન્ફર્મેશન હોય. રજૂઆતમાં ફેરફાર કરો, રૂપાળાં ને ભારે ભારે શબ્દોનાં વાઘાં પહેરાવી દો, એટલે વાનગી પીરસવા માટે તૈયાર. તો વળી કોઈ મનોચિકિત્સકને ક્વોટ કરીને પોતાની માહિતીને વધુ અસરકારક ને ઑથેન્ટિક બનાવવાનો પ્રયત્ન કરે, કોઈ વળી પરદેશનાં સંશોધનના હવાલા આપે.વળી, આ જ સમયગાળો આપણે ત્યાં મોટાં ભાગે પરીક્ષાનો હોય છે. એટલે વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને વાલીઓને સ્ટરેસ લેવલમાં નોંધપાત્ર વધારો થાય છે. એટલે એવું ન થાય એ માટે શું ધ્યાન રાખવું કે એવું થાય તો શું કરવું એ માટે હવે તો ખાસ સેમિનારનું પણ આયોજન થવા લાગ્યા છે. મારું માનવું છે કે જો બે વિદ્યાર્થી વચ્ચેનું સરખામણી કરવાનું વલણ ઓછું થાય તો આપોઆપ આ બધી સમસ્યા અર્ધી તો ઉકેલાઈ જ જાય. જુદા જુદા મનોચિકિત્સકો ને કારકિર્દી નિષ્ણાતો આ દિવસો દરમ્યાન સુપર બિઝી થઈ જાય. જોવાની ખુબી એ કે એક દિવસ ,બહુ બહુ તો બે દિવસ આ આરોગ્ય દિવસના લેખો ખળભળાટ મચાવે. આપણાને એમ જ થાય કે આપણે આ હેલ્થ બુલેટિનને બરાબર સમજીને follow નહીં કરીએ તો ત્રીજા દિવસે આપણે ફોટો થઈ જઈશું. પણ આશ્ચર્યજનક રીતે જનતા જનાર્દનના આરોગ્યની સઘળી ચિંતા આવતા વર્ષ સુધી માળિયે ધુળ ખાતી થઈ જાય. ટુંકમાં, સોડા વોટરના ઊભરા જેવું. જેટલી તીવ્રતાથી ઊભરો આવે એટલી જ ઝડપથી શમી જાય.
બહુ લખાઈ ગયું નહીં આરોગ્ય દિવસ નિમિત્તે? મારે ય કોઈ મનોચિકિત્સકને કન્સલ્ટ કરવાની જરુર છે એવું તેં વિચાર્યું જ છે એવી મને પાક્કી ખાતરી છે.
કાવ્યાની તબિયત સુધારા પર છે જાણીને હાશ થઈ છે. ગીતને કહેજે કે ભાઈઈઈ મળી ગયા એટલે અમે ભાજીમૂળો? હા ભાઈ હા.. એમ રાખો. બીજું શું? ;) chill.. Just joking.. :D
એ જ લિ.
કંઈક તો છે જે મને સુખ નથી લેવા દેતું એમ વિમાસણમાં,
અંતરા.
***
04/04/17.
Tue. 10.10pm
New Delhi.
પ્રિય અં,
આપડે ભયંકર ખુસ છે આજે. એક તો એમ કે મારી બહેન ખુશ છે. એને ખુશ જોઈને અમને હુતા-હુતીને સુકુન મિલતા હે. બેટી હે મેરી વો… નન્હી સી... મુન્ની સી… એપલ ઓફ અવર આઈઝ. બીજું એમ કે ,પેલો તારી મમ્મી સ્પેશિયલ તાજે લીમડે કા તાજા રસ હવે એક્ક જ દિવસ પીવાનો છે. હાંઈસસસ.. ત્રાસ થઈ ગયેલો બાપા. રુક રુક.. એક ઓર .. કાલનો બેંગલોર ફોન કરવાનો વિચાર કરતો હતો પણ આઈ ડોન્ટ નો વ્હાય, થઈ ના શક્યો. આજે સાંજે કાવ્યાને ઘરેથી આવીને જોયું તો એક રુપકડું પાર્સલ અમારી રાહ જોઈ રહ્યું હતું. અક્ષર જાણીતા લાગ્યા.. કોના તરફથી હતું ખબર? ધીમનઅંકલ તરફથી. યસ્સ.. એમણે ખાસ બેંગલોરથી મને મોકલ્યું. ફટાફટ સાઈન કરીને પાર્સલ લીધું અને ઉત્સુકતાથી ખોલ્યું. અંદરથી તને કલ્પના ય નહીં આવે એવા પુસ્તકો નીકળી પડ્યા. ઢેનટેનેનનનન.. કોના એમ તો પુછ ? ધૃવ ભટ્ટ.... અત્યાર સુધીની પ્રકાશિત બધ્ધી જ બુક્સ.. મઝા પડી ગઈ. અલી મને તો ખબર જ નહીં કે ધૃવદાદાની ગીતોની ય બુક પબ્લિશ થઈ છે. તને ખબર હતી? મને કેમ કહ્યું નહીં? કે કહેલું? જે હોય એ.. આપડે તો ગીતો જોઈને ભાવવિભોર.. શું મસ્ત લખે છે આ માણસ તો આઈ ટેલ યુ.. ઘણાં બધાં શબ્દો મને સમજાયાં નથી પણ ભાવ સમજાઈ ગયો છે. એટલે એ શબ્દોનો અર્થ ફુરસદે ખોળીશ. જો આ વાંચ...
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં, દરિયે દરેક વાત સાચી,
ઘર ઘર સચવાઈ હોય નોખી નોખી ને તોય દરિયાની જાત એક પાકી.
કોઈ કહે મોજામાં આવે તે વેદના તો કોઈ ગણે ઊભરાતી મોજ,
દરિયો દિલદાર ‘તમે માનો તે સાચ’ કહી આવતો રહેશે રોજે રોજ.
પીર છે કે પથ્થર તે ભીંતરની વાત જેને આવડે તે જાણી લે આખી,
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.
આપણે જે આજ કાલ આવીને ગોત્યાં તે છીપલાંને કાંઠો કહેવાય નહીં,
ખારવાના દરિયા પર આવડા ભરોસાને વારતા ગણીને રહેવાય નહીં.
દરિયો તો જુગજુગનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી,
દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં, દરિયે દરેક વાત સાચી.
છે ને જોરદાર? સાવ સાદા સરળ શબ્દો ને અર્થ દરિયાથી ય ઊંડો. ( એંહહ.. કવિતા જેવું કંઈક લખ્યું આ તો આપડે;)) બીજાં ય ગીતો છે. મઝાની વાત શું છે કે ધીમનઅંકલે એમના મરોડદાર અક્ષરોમાં અમુક નોંધો ટપકાવી છે. જે એમણે પુસ્તકના છેલ્લાં પાનાં પર ચિપકાવી છે.( અગેઈન આપડે કવિ.. પ્રાસ જો , બોસ પ્રાસ..;)) તારી પાસે આ ચોપડી હોય તો સારુ ને ના હોય તો લઈ આવ આળસુ કહીં કી. પછી જ કંપની સરકાર તને આ નોંધના ફોટા મોકલશે. આખો દિવસ ટોળટપ્પા ઓછા કર ને વાંચ થોડું. મને કહેતા ય શરમ આવે છે કે આપડે વર્ષોથી દોસ્તી છે. :p માતાજી કોપાયમાન થયા કે નહીં? વોટ્સઅપ ટીન્ન થસે એટલે જ ખબર પડી જસે મને... કે બેટા… ખિસક લે... તુમારે દિન ખતમ હો રેલે હૈ… ;)
ગીતે ધૃવદાદાની ‘લવલી પાન હાઉસ’ વાંચવા તો લીધી છે . જોઈએ કેટલા ફકરાં વાંચી શકે તે ;)
બિહાગ અને જૈતશ્રીને સ્નેહ.
લિ. એક મેઈલ આવ્યો છે હેડઑફિસથી, મને અંદેશો છે એ સાચો ન પડે એવી પ્રાર્થના કરજે... તારી પ્રાર્થનાઓ ઉપરવાળો સાંભળશે (રોજ ભજે છે એને તો એટલું તારું કામ ના કરે એ રહ્યો એ ?)
Bye for now,
Saptak .
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર