એક મજાની વેધશાળા
05/02/17 ' અભિષેક- જયંતિ ' ,રવિવાર
અમદાવાદ.
પ્રિય સપ્તક,
અભિષેક જયંતિ વાંચીને માથુ ખંજવાળવા લાગ્યો હશે. શરત આપણે તો મિંયા બાત યે હૈ કિ આજે અભિષેક બચ્ચનની વરસગાંઠ છે. ;) ‘ક્યા ચોઈસ હૈ, માન ગયે ગુરુ’ જેવું કંઈ પણ આડું કે sarcasm વાળું બોલશે તો જ્યારે મળશે ત્યારે મારા નામે હિંસા નોંધાઈ ચૂકી હશે યાદ રાખજે. ને ગીતે મને જેલમાં ટિફિન આપવા આવવું પડશે એ ભૂલતો નહીં. મને ગમે છે અભિષેક બચ્ચન તો ગમે છે. તને પેલી સન્ની ફન્ની ગમે છે તો અમે બોલીએ છીએ કંઈ? નહીં ને ? બસ તો. માપમાં રહેવાનું.
ઓહ… આ તો આઠમા નવમા વાળા દિવસો આવી ગયા જાણે કે. આવું જ ઝઘડતાં ને આપણે? કોઈ જુએ તો એમ કહે કે હવે આ બે જણ જિંદગીભર નહીં બોલે એકબીજાં સાથે. પણ સાંજ થતાં તો આપણે રામ એ ના એ. સાંભળ ને.. કાલે બપોરે હું એક મસ્ત જગ્યાએ અનાયાસ અને અમસ્તી જ જઈ પહોંચેલી. વેધશાળા. યસ્સ.. Observatory. ધૂમકેતુ યાદ છે ને ? કે હરિ: ૐ ? અલ્યા , સાહિત્યકાર નહીં.. ધૂમકેતુ.. પુંછડીયા તારાની વાત કરું છું. ઈ.સ. 1986મા જોયેલો હેલીનો ધૂમકેતુ. દર 76 વરસે દેખાતો comet - પૂંછડીયો તારો. વેધશાળા પાસેથી પસાર થતાં સ્કુટર ત્યાં વાળી લીધું. મને થોડાં સમય પર કોઈએ એમ કહેલું કે વેધશાળા તો બંધ થઈ ગઈ. મને જરા દુ:ખ થયેલું પછી તો વાત વિસારે પડી ગઈ. પેલું કહે છે ને out of sight, out of mind . બસ એવું જ કંઈક. કાલે વેધશાળાનાં કંપાઉન્ડમાં સ્કુટર મુક્યું ત્યાં સુધી એમ જ હતું કે બધું બંધ છે.
રિનોવેશન ચાલે છે એને ને વેધશાળાને કંઈ લેવાદેવા હશે એ ખબર ન હતી. મારા સાનંદાશ્ચર્યાઘાત વચ્ચે જોયુ તો એક રુમ ખુલ્લો હતો ને વિપુલ ત્રિવેદી નામના ભાઈ કંઈ ઑફિસને લગતા કામમાં વ્યસ્ત હતા. થોડીવાર રુમનું નિરીક્ષણ કર્યા પછી મેં વિપુલભાઈ સાથે વાત માંડી. એમના કહેવા પ્રમાણે નાસાએ પણ ઉત્તમ કક્ષાની વેધશાળાઓમાંની એક એવી આ વેધશાળા માટે નોંધ કરી છે. મોરારજી દેસાઈ , ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી એ પણ આ સ્થળ માટે મમત્વ દેખાડેલું છે. મોરારજીકાકા તો સંસ્થાના ચેરમેન પણ રહી ચુક્યા છે. સંસ્થાનું ખાતમુહુર્ત પણ મોરારજીકાકાના હસ્તે થયેલું. વેધશાળાને અત્યારે બિસ્માર હાલતમાંથી બહાર લાવવા માટે ઘણા બધાં આગળ આવ્યાં છે. એમાંના એક એટલે દાદા ના હુલામણાં નામથી ઓળખાતા નડિયાદનિવાસી શ્રી સુખદેવભાઈ વ્યાસ, જે ખગોળ, જ્યોતિષ, અવકાશ વિષે અદ્ભૂત જ્ઞાન અને માહિતી ધરાવે છે. . ૯૦ વરસની ઉંમરે જુવાનીયાઓને શરમાવે એટલો રસ આ દાદા વેધશાળામાં લઈ રહ્યા છે. સમયાંતરે અહીં મુલાકાત લેવી અને શક્ય એટલું જ્ઞાન વહેંચવાના એમના પ્રયત્નોને સલામ. મને ઘડીભર થઈ આવ્યું કે આપણા જ શહેરમાં આવી કોઈ સંસ્થા છે એવું કેટલાં જાણતા હશે? જાણતા હશે તો આવ્યા હશે ખરાં? મેં ત્યાં વિપુલભાઈને કહી જ દીધું કે આમાં મારાથી બનશે એ મદદ ચોક્કસ કરીશ. જે સંસ્થાના પાયામાં વિક્રમ સારાભાઈ, મોરારજીકાકા જેવા દિગ્ગજ હોય એ સંસ્થા વિશે લોકોને સરખી અને ખાસ તો સાચી માહિતી પણ ન હોય એ કેવું કહેવાય?
ચાલ, પછી વાત. આ દિશામાં શું થઈ શકે એ બિહાગ સાથે વાત કરું. એને બધી બહુ ખબર પડે આવા બધામાં. જૈતશ્રીબહેન કંઈ એક્ઝીબિશનમાં ગયેલાં છે. આવશે એટલે સીધું ખાવાનું શું બનાવ્યું છે એમ જ પુછશે. નાની હતી ત્યારની ટેવ હજી ગઇ નથી. સ્કૂલબસના પગથિયેથી બૂમ પાડતી: ‘મમ્મી, સબ્જી કયું બનાવી છે?’ હિન્દી ગુજરાતી બધું મિક્સ બોલીને ભાષાની ચટણી બનાવતી. હવે ફેર એટલો છે તે એમાં અંગ્રેજીય આવે છે. વળી હું ડોળાં કાઢીને એની સામે જોઉં એટલે ગમે તે એક પણ સાચી ભાષામાં પુછે ને બિહાગ સાથે મળીને મારી ઉડાવે. ઓછાં નથી બાપ દીકરી. એક એકથી ચડિયાતા બધા ય મારા માથે જ ભટકાયા છે.
ગીત ને કાવ્યાને વહાલ. કેદાર એન્ડ ફેમિલીને યાદ.
એ જ લિ.
અંતરા .
*****
છઠ્ઠી ફેબ્રુવારી, સને બે હજાર ને સત્તર ,
નવી દિલ્લી.
પરીય અનતરા,
તહમારો પતર મળીયો. પતરમાં લખીયા અનુસાર તહમોને થોળ મધીયે ઘહણો આનંદ મેળવીયો છે તે હમોએ જાણીયું.
ભઇસાબ.. ભયંકર જોડણીઓ. આપડે ધીમનઅંકલના ખજાનામાં ફાંફા મારતા તા તે આવા પ્રકારનું ઓંચવામોં આયું આપડાનઅ તે ઠેબે ચડી જ્યો ઓંચતા ઓંચતા. હારા આપડે તો સહેજ વારમાં જ વાંચવાનું પડતું મુકી દઈએ છીએ આવી ટાઈપનું . મને લાગે છે કે મોટો બધો વર્ગ તો આવું વાંચવા ટેવાયેલો ન હોય એટલે થોડું વાંચીને બાજુ પર જ મુકી દે. હા તો હમ ક્યા કેહ રહેલે થે? થોળમાં મઝા પડી એમ ને? સરસ . આપણે ચોક્કકસ જઈશું. મને ને ગીતને બંને ને કુદરતથી બઉ લગાવ છે. એ ય ને મસ્ત જંગલ ખુંદ્યા કરવાના.. પહાડો સર કરવાના.. નદીનાળામાં ખંખોળિયા ખાવાના.. મજ્જાની લાઈફ.. તને ય આવું બધું ગમે છે મને ખબર છે પણ તારે તો એક બેગ ભરીને ખાવાનું જોઈએ પહેલું. બકાસુર તો તું છે. બકાસુરનું લાડકું નામ એ વખતે ' અંતરા' હશે. હારુ હેડ.. ઈઝી મેડમ ઈઝી.. હમો જશ્ટ જોક્શીંગ.
હમણાં છાપામાં વાંચેલુ કે 300 વરસ પહેલાની ઈમોજી મળી. I repeat, 300 વરસ પહેલાની ઈમોજી. 1635ના એક લિગલ ડોક્યુમેન્ટમાં આ ઈમોજીએ દેખા દીધી છે બોલ. આપણાને એમ કે સોશિયલ મિડીયા આવ્યા પછી ઈમોજીની શોધ થઈ હશે. પણ આ તો કંઈક જુદી જ હકીકત જણાય છે. આની પહેલાં ખબર છે કે એવા ન્યુઝ આવેલા કે રોબર્ટ હેરિક નામના ઈંગ્લિશ કવિની 1648ની એક કવિતા ' ટુ ફોરચ્યુન' માં સ્માઈલી ફેસનો ઉપયોગ થયેલો. આ નવી તો વળી એનાથી ય તેર વરસ જુની છે. છે ને ભેજાં?
જો આ વાંચ. સોશિયલ મિડીયા પર કોઈ ટિમ બર્કહેડ નામના જીવવિજ્ઞાન શાખાના પ્રોફેસરે એક પત્ર પોસ્ટ કર્યો છે. એમાં શું નવું છે એવું વિચારવાનો બદલે આગળ વાંચ. આ પત્ર પ્રોફેસરને આયશા નામની આઠ વરસની છોકરીએ લખેલો. આ પત્રમાં જીવવિજ્ઞાનને સ્પર્શતા ઓછીવાર પુછાયેલા મહત્વની કડી સમાન પ્રશ્નો હતા. થયું એવું કે આયશાબેન એમાં પોતાનું નામ તો ન ભુલ્યા લખવાનું પણ એડ્રેસ લખવાનું ભુલી ગયા. એટલે પ્રોફેસરે આ પત્રલેખિકાની માહિતી મેળવવા પત્રનો ફોટો પાડીને સોશિયલ મિડીયા પર અપલોડ કર્યો.પછી રામજાણે શું થયું પણ પત્રની વાત આવી કે મને થયું કે આ તો મારે પત્રલેખકના નાતે ય તને જણાવવી જ જોઈએ. આયશા ય પત્ર લખે છે એટલે એ તો આપણી નાતીલી કહેવાય. બરાબર ને ? ;)
બિહાગબાબુ સાથે વાત થઈ નથી. બિઝી છે ? કે ખફા છે? ખફા થાય એવા કામ સુ કામ કરે ને પણ તુ? હમજણ નહીં પડતી એટલી? માણસ ઑફિસે થાક્યો હોય ને એ ઘેર આવે ત્યારે તું પકાવે.. આ તે કંઈ રીત છે? ચા પાણી આપે કોઈ કે સળીઓ કરે ? પેલી ચાંપલી ય એના પપ્પા આવે એની જ રાહ જોતી હોય. બે ય મા દીકરીએ મલીને તો બિચારા બિહાગની તો વાટ લગાડી દીધી છે.
અરે અરે.. માતા તો કોપાયમાન થયા. વિફરવાના લાગે હવે. ભાગો... સોરી હોં. આપડો કોઈ બદઈરાદો નહીં હોં.
ગુસ્સામાં વાસણ પછાડે ને કપ રકાબી ફોડે ને એવા બધા tantrum ના કરતી. : p
અંતરા. મને થાય કે સારુ છે આપણે જુદા જુદા શહેરોમાં રહીએ છીએ. કાગળ લખવાની મઝા એટલે શું એ કદી ખબર ન પડી હોત કદાચ. શું કહે છે?
બિહાગ અને જૈતશ્રીને વહાલ.
એ જ લિ.
હવે કાગળમાં સું લખ્યું હસે એ અનુમાન લગાવતો,
હું .
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર