અંતરા મને એક ગિફ્ટ જોઈએ છે

10 Sep, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: futurecdn.net

શ્રાવણ વદ બારસ, પુનર્વસુ, વિ.સં. 2072,(29/08/2016) 

અમદાવાદ. 

પ્રિય ભાઈબંધ સપ્તક,

અહીંનું ટપાલ ખાતું ખરેખર સુધરી ગયું છે. તારો ત્રેવીસમીનો પત્ર આજે ઓગણત્રીસમીએ મળી પણ ગયો મને. રક્ષાબંધન વખતે જ ખબર નહીં કેમ પણ ટપાલ ગોકળગાયની ગતિએ મળે. મઝા પડે છે જુદા જુદા વિષયો પર વાતો કરવાની... તહેવારો એક પછી એક ફટાફટ પસાર થઈ રહ્યાં છે. ગણપતિ ઉત્સવ હવે માત્ર મુંબઈ કે પુણેનો ઈજારો ન રહેતા દેશના અન્ય ભાગોમાં પણ, ખાસ કરીને ગુજરાતમાં હર્ષોલ્લાસથી ઊજવાતો સામુહિક તહેવાર બની ગયો છે. નાની, મોટી,પર્યાવરણને અનુકૂળ એવી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓથી માંડીને પર્યાવરણને નુકસાન પહોંચાડે એવા કેમિકલ્સવાળી, પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ એક જૂઓ ને એક ભૂલો એવી ધ્યાનાર્ષક  ગણેશની મૂર્તિઓ બનવા માંડે. 500₹ ની ય મળે ને 15000 ની ય મળે. અલગ અલગ મુદ્રામાં ગણપતિ જોવા ય એક લહાવો છે હં કે. તેં અહીંનું જે જગ્યાએ આ મૂર્તિઓ બને છે એ 'હોલિવુડ' જોયું છે? ગુલબાઈ ટેકરે આવેલી આ 'હોલિવુડ' વસાહતમાં મુખ્યત્વે વસતી રાજસ્થાનીઓની છે. તહેવાર મૂળ મહારાષ્ટ્રીયનોનો, મૂર્તિ બને ગુજરાતમાં અને બનાવનારા રાજસ્થાની. વિવિધતામાં એકતાનું ઉદાહરણ છે ને?  અષાઢ પૂરો થાય થાય એટલે આ લોકો પૂરજોશમાં કામ ચાલુ કરી દે. આમ તો આખું વરસ કામ ચાલતું જ હોય પણ અહીં બનેલી ગણપતિ બાપ્પાની મુર્તિઓ પ્રખ્યાત છે એટલે સ્વાભાવિક છે કે મહત્તમ કામ પણ ગણપતિ ઉત્સવ સમયે રહેવાનું. જેમ જેમ ઓર્ડર પૂરા થતા જાય એમ એમ મૂર્તિઓ ટ્રક મારફતે જે તે સ્થળોએ પહોંચવા માંડે.અદ્ભુત આયોજન હોય. ગણપતિ ઉત્સવનું પુરું થાય એટલે નવરાત્રી માટે મા જગદંબાની મૂર્તિઓ બનવા માંડે. ને નવરાત્રિ જાય પછી આ લોકો થોડા નવરા પડે.

છાપાળવી ભાષામાં કહું તો વરસાદે વિરામ લીધો છે. :) કદાચ હવે સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ જોરમાં આવે એમ બને. નવરાત્રીમાં ય એકાદ દિવસ હાજરી પુરાવી જાય છે થોડાં વરસોથી. એ પરથી ઋતુઓની તાસીર બદલાઈ હોય એમ મને  લાગે છે. જો ને, ગરમી મોડેમોડેથી કેટલી બધી પડી?

હમણાં થોડાં દિવસ પર એક સમાચાર વાંચેલા.પોસ્ટકાર્ડ વિષે. રાજકોટના વિદ્યાર્થીઓએ ગાંધીજીને સંબોધીને લખેલું સૌથી મોટું પોસ્ટકાર્ડ બનાવ્યું છે, જેની લંબાઈ આઠ (08) ફૂટ, પહોળાઈ ચાર (04) ફૂટ અને જાડાઈ અઢાર (18) મીલીમીટર છે. ચાલીસ (40) કિલોગ્રામ વજનનું આ પોસ્ટકાર્ડ સનમાઈકાવાળી વુડનશીટ પર બનાવાયું છે. Hold your breath, buoyy...  સવાસો(125) વિદ્યાથીઓ આ પોસ્ટકાર્ડમાં ગાંધી બાપુને ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,,સંસ્કૃત અને પોર્ટુગીઝ ભાષામાં બાપુને શુભેચ્છા સંદેશ લખશે અને બીજી ઓક્ટોબરે રાષ્ટ્રીય શાળાવે અર્પણ કરશે. 

રિલાયન્સ  JIO નામનો  ડેટાપ્લાન બજારમાં મૂકશે એવી જોરશોરની જાહેરાતોએ અખબારોમાં ઘોંઘાટ કરી મૂક્યો છે. ખાસ કંઈ ખબર નથી પણ ફાયદો ગ્રાહકને થાય એ જ જો એમનો ખરો ઉદ્દેશ હોય તો સારું જ છે બાકી આવાં બધાં પ્લાન્સમાં  hidden expensesની 90% ગ્રાહકોને ખબર નથી હોતી ને સરવાળે 'વર મરો, કન્યા મરો  પણ ગોરનું તરભાણું ભરો' જેવો જ ઘાટ હોય છે. મને તો અદ્યતન ડિવાઈસીસમાં વધુ જિજ્ઞાસા અને કુતૂહલ હોય છે એટલે I am waiting for iphone- 7 & iphone 7 + launch on 7th september. અરે શાંતિ રાખ, ખરીદી નથી લેવાની બે માંથી એકેય ફોન. પણ જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી, યુ નો. આ આધુનિક ઉપકરણો વિશે જાણવાનો શોખ મને મારા પપ્પા પાસેથી વારસામાં મળ્યો છે. મેં તને કહેલું ને કે એમને જ્યારે હોસ્પિટલાઈઝ્ડ કરવાના હતા ત્યારે એમણે એમ્બ્યુલન્સ ઊભી રખાવીને ઘરમાંથી ખાસ કિન્ડલ મંગાવેલું મારી પાસે. 'હોસ્પિટલમાં હારા બો કંટાળો આવે.. કોઈ મલવા ની આવે તો એ વખતે આ કામ લાગે.' આ એમનો ડાયલોગ.:) ઓહ્હ... being nostalgic...

ગીતનાં શું સમાચાર છે? પ્રદર્શનની તૈયારી પુરજોશમાં ચાલતી હશે ને? અરે હા, કાવ્યાને ફોન કર્યો હતો પણ કદાચ મારે નંબર લખવામાં ગરબડ થઈ લાગે છે. રોંગ નંબર જ લાગે છે. નંબર ફરી મેસેજ કરજે. અથવા એને મારો નંબર આપજે. 

બેંગલોર કેવું લાગે છે? તું જ્યાં રહે છે ત્યાં કોઈ ગુજરાતી છે કે નહીં? પાડોશી કેવા છે? 

એ જ લિ. 

અંતરા. 

*************************************

28 ઓગસ્ટ,2016 ,

બેંગલુરુ.

અલી એ, 

I am quite surprised that you have not asked me for a single time about my new stay at Banglore,about neighbourhood.. All okay છે ને? ના ના, આ તો સુ કે તારો પંચાત કરવોનો સ્વભાવ હજુ પ્રગટ્યો નહીં એટલે મને જરા મૂંઝવણ થઈ. હવે હું જ કહી દઉં ચલ. તું પૂછે ત્યાં સુધી રાહો જોવાની અમારે? મારી બાજુમાં અંકલ છે એ જુનાગઢના નાગર છે. આમ પાંચ જણનો પરિવાર છે પણ દીકરાની દીકરી ઈશાની પરણીને હવે કેનેડા રહે છે. ધીમનઅંકલ, સુરુપા આંટી, કૌશિકભાઈ અને અચલાભાભી વર્ષોથી અહીં જ સ્થાયી થયા છે. આ તારી પંચાતની પૂર્વભૂમિકા પછી મને અને તને બંનેને રસ પડે એવી વાત એ છે કે નાગરોની વિશિષ્ટતા મુજબ આ લોકો એકદમ એજ્યુકેટેડ છે અને પાંચ રુમના ફ્લેટમાંનો એક લાયબ્રેરી રુમ છે. એક બે દિવસની ઓળખાણ પછી અમને એકબીજા સાથે ફાવી જશે એમ લાગે છે અને હું ફેમિલીથી હજારો માઈલ્સ દુર છું એ લાગણી જરા ઓછી થસે. અંકલે મને એમની એક ફાઈલ આપી છે વાંચવા માટે. જાત જાતના કટિંગ્સ ફાઇલ કરેલા છે એમાં. એકવાર મેં તને હિંદુ ધર્મમાં ઉલ્લેખ થાય છે એ સોળ સંસ્કાર વિષે પૂછેલું,યાદ છે? તેં મને કહેલું કે તું તમારા કોઈ ફેમિલી ફ્રેન્ડને પૂછીને કહેશે. પછી આપણે તો રાત ગઈ ને બાત ગઈ. એ સોળ સંસ્કાર વિશે મને આ ફાઈલમાંથી જાણવા મળ્યું. હિંદુઓના જીવનમાં સોળ સંસ્કારોનો બહુ મહિમા છે. કાળક્રમે એમાંથી કેટલાંક વિસરાતા જાય છે. જૂના સમયમાં પરિવારોનાં પ્રસંગો આ સંસ્કારાધારિત રહેતા. બાળકના કાન વીંધવાનો બી 'કર્ણવેધ સંસ્કાર ' હોય એ તો આ વાંચીને જ ખબર પડી. ગર્ભાધાનથી માંડીને અગ્નિ સંસ્કાર સુધીના જુદા જુદા  સંસ્કારો વિશે સરસ માહિતી વાંચી. તને એ સોળ સંસ્કારના નામ કહું જો.

1) ગર્ભાધાન સંસ્કાર, 2) પુંસવન સંસ્કાર- ગર્ભમાંના બાળકની રક્ષા માટે, 3) સીમન્તોનયન સંસ્કાર , 4) જાતકર્મ સંસ્કાર (જન્મ ) ,૫) જન્મના અગિયારમા દિવસે નામકરણ સંસ્કાર ,5) નિષ્કર્મણ સંસ્કાર , 7)અન્ન પ્રસન સંસ્કાર, 8) બાબરી ઉતારવા ચુડાકર્મ સંસ્કાર, 9) કાન વીંધવા - કર્ણવેધ સંસ્કાર , 10) ઉપનયન સંસ્કાર , 11) વેદારંભ સંસ્કાર,12) સમાવર્તન સંસ્કાર, 13) વિવાહ સંસ્કાર, 14) વાનપ્રસ્થ સંસ્કાર, 15) સંન્યાસ સંસ્કાર અને 16) અંત્યેષ્ટિ (અંતિમ ) સંસ્કાર.  

Interesting ને ? હજુ આવું તો કંઈ કેટલુંય હસે આ ફાઈલમાં. જેટલું વંચાય એટલું વાંચી લઇશ if time permits.  લાઇબ્રેરી તો ભયંકર મસ્ત છે. (ભયંકર અને મસ્ત સાથે ન વપરાય એવું તારા પપ્પા કહેતા તને... મને તેં પાનસો વાર કહ્યું છે ;) ) તેં નોટિસ કર્યો મેં એક શબ્દનો ઉપયોગ કર્યો એ? સંસ્કારાધારિત... સાચો છે કે ખોટો ખબર નથી.  Thesaurusમાં જોઈને કહેજે. યાદ રહે તો. પેલી ક.મા.મુનશીની ચોપડીઓનો સેટ મારા માટે ખરીદી લેજે. જોઈએ તો તુ વાંચી લેજે, પણ  મને ગીફ્ટ આપજે. મફત ચોપડી મલે એ તો આપડાને  ઓલવેઝ ગમે છે. ;)

બિહાગને યાદ કહેજે. આ જગ્યાએ એને ગમે એવું છે. ને મને અહીં ગમે છે એટલે જૈતશ્રીને ગમશે જ. અમારી ચોઈસીસ સરખી છે.

ચલ બાય ,

સપ્તક .               

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.