તું હજુ ફટાકડા ફોડે છે?

05 Nov, 2016
11:36 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

31/10/2016 સરદાર જયંતિ, ઈંદિરા ગાંધી મૃત્યુ તિથિ. 

અમદાવાદ.

 

પ્રિય સપ્તક,

નવું વરસ... વીતે વધુ સરસ... વહાલ મુબારક.... સાલ મુબારક. 

 

દિવાળી દિવાળી કરતા હતા તે દિવાળી કાલે પૂરી ય થઈ જવાની. આ વખતે જૈતશ્રીએ રંગોળી કરી છે આંગણામાં. હજુ ગયા વરસ સુધી તો ફટાકડાં લેવાની એટલી જિદ કરતી ને આ વરસે શું કહ્યું બિહાગને, ખબર છે?  'ડેડુ, આ વખતે આપણે ફટાકડાં લઈને આશ્રમમાં પેલાં સ્લમ્સમાંથી બચ્ચાંઓ આવે છે ને એને આપી દઈએ? કારણકે એમની પાસે પૈસા હોય એમાંથી ફટાકડાં લે તો કપડાં ના લઈ શકે. બધાંના કપડાંના માપ આપણાને તો ખબર ના હોય તો આપણે એમને ફટાકડાં આપીએ તો એ પણ આપણી જેમ નવાં કપડાં લઇને પહેરી શકે ને?' અમે તો આભાં જ થઈ ગયાં. આ સમજ એનામાં ઉગી એ બદલ ભગવાનનો આભાર. અન્યનું દુ:ખ કે વ્યથા સમજીને એ ઓછું કરવાનો પ્રયત્ન કરે તો ય માણસાઈની પરીક્ષામાં પાસ. બાકી હવે પડતાને પાટુ મારવાના રિવાજ છે. અમે તરત જ ફટાકડાં ખરીદીને  બોક્સ પેક કરાવ્યા અને આશ્રમ પાસે બાળકોને વહેંચ્યા. એ બાળકોના ચહેરા પર આનંદ અને મારી જૈતશ્રીના ચહેરા પર સમાજ માટે કશુંક સારું કર્યાનો ઉલ્લાસ જોઈને અમારી તો દિવાળી સરસ ઉજવાઈ ગઈ. અમે એને એના માટે કશું લેવાનું કહ્યું તો એણે થોડાં રંગ લીધા ને રંગોળી કાઢી. વોટ્સ એપમાં મેં મોકલ્યો હતો ફોટો જે આપે જોયો કે નહીં ખબર નથી. 

આ વખતે અહીં ફટાકડાં થોડાં ઓછાં ફૂટ્યાં એમ લાગ્યું. હવે દિવાળીની સળંગ રજાઓ મળે એમાં બહારગામ જતા રહેવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વિભક્ત કુટુંબની વિભાવનાએ એમાં છૂપો પણ ખાસો બધો ફાળો આપ્યો છે એવું મારું દૃઢપણે માનવું છે. તને યાદ છે આપણે કેવા ઘર ગણવા નીકળી પડતા તે? સવારમાં વહેલા ઊઠીને ફટાકડાં ફોડવાના અને  પછી અજવાળું થાય એટલે નહાઈ પરવારીને ઘરના વડીલોને પગે લાગીને 'બોણી' કરવાની અને પછી  'સાલ મુબારક સાલ મુબારક' કરતા નીકળી પડવાનું. એ વખતે તો કોઈ દસ રુપિયા આપે તો ઓહોહો થઇ જતું ને એ દસની નોટના માલિક તરફ બધાં છાની ઈર્ષ્યાથી જોતાં, નહીં? હવે એ મઝા ગઈ. કુટુંબમાં વડીલ સાથે રહેતા હોય તો એમને પગે લાગવાનો પ્રશ્ન આવે. ને આપણી પેઢીના વાલીઓ બાળકોને મિત્ર ગણે છે. મિત્રોમાં વળી કેવું પગે લાગવાનું? ને દસની નોટ કોઈને આપવામાં ય સ્ટેટસ સિમ્બોલ નડે છે. ને કોઈને ઘરે જવાવાળું તો ધીમા પગલે આઉટ ડેટેડ જ થવા માંડ્યું છે. દિવાળીમાં બહારગામ જતા રહેવાનું એટલે એ ય ને કોઈને ત્યાં જવાનું ય નહીં ને કોઈ આવવાનું ય નહીં. કોઈ આવવા જવાનું ન હોય તો ખાસ દિવાળી ટાણે જ બનતા મઠિયા, ઘૂઘરા, સુંવાળી , મગસ વગેરે કોના માટે બનાવવાના? કોઈ પણ પરિવર્તનની સ્પાઇરલ ઈફેક્ટ હોય છે. ધીરે ધીરે બધું જ ધરમૂળથી બદલાઈ જાય. એ પરિવર્તનથી ટેવાવ એટલામાં નવું પરિવર્તન શરૂ થઈ જ ચૂકયું હોય. This is the way of life... પરદેશોમાં આપણી પેઢીના વાલી બાળકો પાસે પોતે જે રીતે શીખ્યા હોય એ રીતે બધું જ ફરજિયાત કરાવે અને પોતે હજુ પરંપરા જાળવી છેનું અભિમાન લે. પણ એ કેટલો સમય ટકવાનું? એક પેઢી? વધુમાં વધુ બે પેઢી? પછી? જેનાં મૂળિયાં જ રહ્યાં ન હોય દેશમાં એ કેટલો સમય પરિવર્તનથી દૂર રહેશે ભલા? ઓહહ... બહુ વધારે પડતુ થઈ ગયું . બીજી વાત કરીએ, ચાલ.

કાવ્યા અને ગીત આવ્યા એટલે તને કેવી મઝા પડેલી તે વાત કર . એ લોકોને જોઈને તારી આંખો પહોળી થઈ ગયેલી ને તું છે એનાથી ય વધુ બાઘો બની ગયેલો એવો ફોટો ગીતે મને મોકલ્યો છે. ;) દિવાળી કેવી રહી તે લખજે. ને એ મહાત્મા, તમારા ફોટોગ્રાફ્સ આવ્યા નથી હજુ. બહેન આવી એટલે બહેનપણીને તડકે મૂકવાની? તું મળે એટલે જો તારી વલે કરું તે.  

એ જ લિ.

પત્ર-ફોટોગ્રાફ્સની રાહમાં, 

અંતરા. 

PS: ધીમનઅંકલ એન્ડ ફેમિલીને અમારા તરફથી દિવાળી અને નવા વરસની શુભેચ્છાઓ આપજે. 

 

***************

 

31/10/2016 

બેગલુરુ. 

પ્રિય અંતુડી, 

 

So happy i am... As if on cloud nine... આ બે જણીઓએ તો મને સખ્ખત આઘાત આપ્યો( મને ખબર છે કે તું બોલી જ હસે કે 'આઘાત આપ્યો ન કહેવાય.'  પણ મારે કહેવું છે એટલે હું કહીસ જ. થાય એ ભડાકા કરી લે.) મઝા પડી ગઇ. આ વખતની દિવાળી મને કાયમ યાદ રહેવાની. અહીં સાવ અજાણી જગ્યાએ મને કુટુંબ મળી ગયું એનો ય એટલો જ હરખ છે. બેંગલોરમાં ખાસ ફટાકડાં બટાકડાં ફુટતાં નથી. કદાચ I T hub છે એટલે અહીં મલ્ટીનેશનલ કંપનીઓ બહુ છે. ને મલ્ટી નેશનલના એમ્પ્લોયીઝ ગામેગામનાં. એટલે ખાખરાની ખિસકોલીઓ જેવું કંઈક. હમજે જ નહીં હારા. સારું છે કે ધીમનઅંકલ છે અહીં તો જરા આપડા તહેવાર જેવું લાગે. ગુજરાતમાં તો જલસા હસે બોસ સોલ્લીડ... ફટાકડાંમાં સુ નવું આયું? હું હતો ત્યારે તો લવિંગીયા ને લક્સમી ટેટા ને દેરાણી જેઠાણી ને સાયરન, ચકેડી, કોઠી ને એવું બધું હતું. હજી મલે છે આ બધું? એ પેલા રમકડાં મલે છે હજી? સસલુ હોય તો કુદે ને પતંગિયુ હોય તો ઉડે ને એવું બધું. તને યાદ છે મારા હાથમાં ચકરડી ફુટેલી? બસ... એ પછી આપડે ભયંકર ફડક પેસી ગઈ છે. મને તો કોઈ ફટાકડાં ફોડતું હોય તો ય બીક લાગે છે હવે. તું ફોડે છે હજુ ફટાકડાં ? જૈતશ્રી ફોડે? કે ફટ્ટુ છે? ને સાહેબ? હારુ ચલ, બનાયું સુ દિવાળીનો નાસ્તા? આવડે છે ખરું કસુ બનાવતા? કે હરિ ૐ? ખવાય એવું હોય છે? અચલાભાભીએ બહુ મસ્ત ઘુઘરા બનાવ્યા છે. ચેવડો ય ટોપ છે. પણ એમાં ટોપરું નાંખ્યું છે એ મને નથી ભાવતું. મને એલર્જી છે ટોપરાની. ભયંકર ઉધરસ આવે ટોપરાથી. એ તો કવલી બોલી પડી એટલે એમને ખબર પડી. ભાભીને બિચારાને ખરાબ બી લાગ્યુ કે એમણે ટોપરુ નાંખી દીધું પણ એમાં એમનો સુ વાંક, હેં? એમને તો ખબર ના જ હોય ને કે મને સુ અનુકુળ નથી આવતું. એ તો તરત જ બીજો ચેવડો બનાવી લાવ્યા, બોલ. સાલું મને તો એવું થઇ ગયુ કે મેં કેવા સારા કામ કર્યા હસે ગયા ભવમાં કે કોઈ જ જાતની સગાઈ વિના આવા unconditional પ્રેમ બાંટે એવા મિત્રો મલ્યા. સુ કહેવું તારું? 

તમે લોકો બહારગામ જવાના કે નહીં? એમ કરો, આવો આ તરફ. સુ કે કવલી ને ગીત તો છે જ અહીં. તમે આવી જાવ તો મારો આખો પરિવાર અહીં મલી જાય. કાવ્યાને ખુશ જોઈ અમે પણ બઉ ખુશ છીએ. ગીત પુછતી હતી એને કે બાબો જોએ કે બેબી? તો એણે જવાબમાં એમ કહ્યુ કે  'ભાભલી, મને તો તારા જેવી બેબી જોએ. ભાઈ જેવો બાબો કે બેબી નહીં.' એટલે કવલીની ભાભલી તો મહાખુશ. બે ય જણ એકબીજાંને વળગીને રડતા હતા તે અમે તો ગભરાઈ જ ગયેલા કે સુ થયું? ને ગીત કદાચ રોકાઈ જસે એક્ઝીબિશન પછી. દિલ્હી જશે કાવ્યા સાથે. 

જૈતશ્રીને કહેજે કે મસ્ત રંગોળી કાઢી છે. તારા કરતા સારી આવડે છે ;) સાહેબને હેલો. 

એ જ લિ. 

હરખઘેલો સપ્તક. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.