ગજબ માણસ હતો આ ચાર્લી
18 Mar, 2017
12:00 AM
PC: kingofwallpapers.com
05/03/2017, ફાગણ સુદ આઠમ, શુભ ચોઘડિયું,
પ્રિય સપ્તક,
શું હાલચાલ ? All good? Same here. હવામાનની વાત કરું તો કંઈ સમજાય નહીં એવું છે. એકાદ દિવસ અચાનક તાપ લાગે તો એક રાત્રે ઠંડક થઈ જાય. હોળાષ્ટક બેસી ગયા છે એટલે લગ્નોની સીઝન જરા મોળી પડી છે. જો કે , વિદેશી વર-કન્યા હોય તો આવા શુભ મુહુર્તો કે ચોઘડિયા કયાંય આવતા નથી. દરિયાપાર બધા ચોઘડિયા સરખાં જ હોય. પછી તારે જવાનું થયું કે નહીં કોઈ લગ્નમાં? બકાસૂર... પહેલાં તો કેટલું ખાતો... બાવો બેઠો જપે ને જે આવે એ ખપે. યાદ છે એકવાર સોસાયટીમાં સ્નેહમિલનમાં તું કેરીનો બાર વાટકી રસ રીતસરનો પી ગયેલો માત્ર અને માત્ર એક શરત જીતવા માટે. ને સાથે રેગ્યુલર પૂરી શાક કઢી પુલાવ ને ઈદડાં તો ઝાપટેલાં જ. મને તો તને ખાતો જોઈને ય ગભરામણ થઇ ગયેલી કે તારે બીજાં દિવસે તબિયત ન બગડે તો સારું. પણ તારી પાચનશક્તિ તો ધન્ય છે. મને લાગે કે પથરાં વઘારીને આપ્યાં હોત તો ય તને પચી ગયાં હોત. Jokes apart, ધ્યાન રાખે છે ને હવે તો ? કારણકે હવે તું કંઈ ટેરિફિક ટ્વેન્ટીનો નથી કે બધું ચાલશે. Exerciseનો કંટાળો હજુ બરકરાર જ હશે એમ માની જ લઉં છું કારણકે નહીં તો તેં તારા ‘મિંયા અપને મુંહ મીઠ્ઠુ’ સ્વભાવ પ્રમાણે જાતે જ વખાણ કર્યાં હોત કે 'મેં આટલા પુલ અપ્સ ને સીટઅપ્સ કર્યા ને આટલું વજન ઉંચક્યું ને ટ્રેડમીલ પર આટલા કિમી દોડ્યો ને what not?’
કાલે હું ગુગલમાં આમતેમ સર્ફ કરતી હતી તો એક માહિતી વાંચીને મને જરા રમૂજ થઈ. ચાર્લી ચેપ્લિનનું 1977મા મૃત્યુ થયું પછી એમની કબરમાંથી મૃતદેહની ચોરી થયેલી. પૂરા અગિયાર અઠવાડિયા થયેલાં મૃતદેહ શોધવામાં. બે ઓટો - મિકેનિક પકડાયેલાં પણ ખરા. 6 લાખ ડોલર માગેલા મૃતદેહ સહીસલામત પરત કરવા માટે. જે રકમ આપવા માટે ચાર્લીની ચોથીવારની પત્ની ઊનાએ ના પાડેલી. ફોન-ટેપિંગના આધારે આ બે અક્કલમઠા પકડાઈ ગયેલા. ભગવાન જાણે આવી કમત કેમ સૂઝી હશે. કદાચ ચાર્લીને ઈંગ્લેન્ડનું સર્વોચ્ચ સન્માન 'સર' નો ખિતાબ એનાયત થયેલો તે એક કારણ હોઈ શકે. અદ્ભુત માણસ હતો ચાર્લી… લેખક, દિગ્દર્શક, એડિટર, અભિનેતા, મ્યુઝિક કંપોઝર આ બધું જ હતો. ચાર્લી ચોક્સાઈ માટે જરા દુરાગ્રહી હતો. કોણ યાદ આવ્યું તને કહે.. ;) યસ્સ… આપણા મહાવીરસિંહ ફોગટ ઉર્ફે ફુનસુક વાંગડુ ઉર્ફે રામ નિકુંભ ઉર્ફે ભુવન ઉર્ફે ધ આમીર ખાન. એમ જ લખ્યું છે જોજે પાછો ભાષણબાજીનો મારો ના ચલાવીશ. મને ખબર છે કે ચાર્લી ને આમીર ખાનની સરખામણી નેક્સ્ટ ટુ ઈમ્પોસીબલ છે. માત્ર એ બે જ નહીં પણ કોઈ પણ બે વ્યકિતની સરખામણી અસ્થાને છે.
ગીતનું શું વિચાર્યું અહીં મોકલવા વિશે? ક્યારે મોકલે છે? મોકલી આપ. She needs some change. આમ તો સમજુ છે એટલે વાંધો નહીં જ આવે પણ સહેજ વાતાવરણ બદલાય એ જરૂરી છે. એક તો તારી જિપ્સી જેવી જીવનશૈલી પણ જવાબદાર છે એમ અમે માનીએ છીએ. અત્યંત લાગણીશીલ અને લાગણીભૂખી છોકરી છે. સંભાળી લેવાની. એમ પણ તારા જેવા જડભરતને આ જ સાચવી શકે. મારા જેવી મળી હોત તો ક્યારની ય ચાલવા માંડી હોત.
જૈતશ્રી એની ગીત આન્ટી આવે ત્યારે શું કરવું એના પ્લાન્સ કરવા માંડી છે. રૂમ સરસ ગોઠવી દીધો છે ને ગીતની જેમ રોજ નવાં નવાં ફૂલ પાણીમાં મુકતી થઈ ગઈ છે. અમને આનંદ પણ થાય છે કે ચાલો કોઈક તો છે જે આ માતાજીની આદતો બદલી શકે છે. આ બદલાવ ક્યાં સુધી ટકે તે કહેવું મુશ્કેલ છે પણ એણે જાતે જ રૂમમાં ગોઠવણી કરી છે એ વાતને લઈને ખૂબ ઉત્સાહમાં છે. ગીતને જૈતશ્રીના ઉત્સાહની અસર થયા વિના રહેશે જ નહીં જોજે તું.
કાવ્યાને વહાલ. કેદાર અને અંકલ આંટીને યાદ આપજે. કાવ્યાનો ફોટો તો વોટ્સપ કર... કેવી દેખાય છે મારી રડકુરામ?
લિ.
ગીતની રાહમાં,
અંતરા.
***
06/03/1, monday, constellation : Mrigshirsha…
My dear friend Antara,
Surprised ne? Aam gujarati english ma kagal nahi j vanchyo hoy tme... Marvi sharat? bhaashan na apis bapa ke ‘tamara jeva o e j aapni matrubhasha gujarati ni haalat kharab kri chhe… Na sarkhu gujarati lakhi shako ke boli shako... bla bla bla... એ સોરી સોરી… Back to gujarati… હં, તો હમો શું કહેતા હતા? એમ કે, આપને આ પત્ર ગીત નામના ટપાલીના શુભ હસ્તે હાથોહાથ મલસે. ગીતને અમદાવાદ મોકલવાના તમારા આગ્રહે મને અને કેદારને વિચારતા કરી દીધાં. ફળશ્રુતિમાં ગીત મેડમ ત્યાં ઊતરી પડ્યાં છે. હવે તમારે સંભાળી લેવાની.
અહીં આવ્યા પછી મારું નેટ સર્ફીંગ ભયંકર ઓછું થઈ ગયું છે. કેટલું બધું છે આ દેશમાં! આ દેશની હવામાં જે હુંફ, પોતીકાપણું છે એ જગતમાં બીજે કશે નહીં જ હોય. સાવ અજાણ્યા બે જણ પણ અહીં ટ્રેઈનની સફરમાં ઘરના માણસ જેવા થઈ જાય છે. વસુધૈવ કુટુંબકમ !
જર્મનીથી મારા એક ફેસબુક મિત્રે વોટ્સપમાં ગાયની સૌંદર્ય સ્પર્ધાનો ફોટો મોકલ્યો છે. ગજબ ને? ખરાં ભેજાં પડ્યાં છે દુનિયામાં, નહીં? લંડનનું એક ફેમિલી છે એમને ઇલેક્ટ્રીક ઉપકરણોની એલર્જી છે તે હસબંડ વાઈફ ને એમનાં ત્રણ છોકરાં, એમ પાંચે ય જણા જંગલમાં માટીનું ઘર બાંધીને રહે છે. સાલું આપણે તો એક મિનિટ પણ લાઈટ જતી રહે તો ય હાંફળા ફાંફળા થઈ જઈએ છીએ ને ફોનાફોની કરવા માંડીએ લાગતા વળગતાને. જો એમાં ય ખબર પડે કે સામેવાળાને ત્યાં તો લાઈટ છે તો પત્યું. આખા ઈલેક્ટ્રીક બોર્ડને તો ઠીક પણ દેશની કથળતી સિસ્ટમને ય લપેટમાં લઈ લઈએ. તું ય એવું જ કરે છે ને ? ;)
શું વાંચે છે આજકાલ? હમણાંથી મેં ગુજરાતી સંગીત સાંભળવાનું શરુ કર્યું છે. માય ડાર્લિંગ J ને કહેજે કે એણે મને હું કહું એ ગીત સંભળાવવાના છે એ પ્રોમીસ યાદ રાખે. ઉધાસ બ્રધર્સ છે હજુ? મીન્સ કે ગાય છે હજુ? મને જરાય નહોતા ગમતા બેમાંથી એકે ય. એકનું એક બીબાંઢાળ ગાતા હોય એમ જ લાગે. " હા હવે, એવું ય ગાઈ દેખાડ તો ખરો " એમ કહેવાની જરા પણ જરુર નથી. તારી પાસે દલીલ ખૂટી જાય પછી માત્ર ટણી મારવા જ આવી ફાલતુ દલીલ કરે છે એ મને નહીં ખબર હોય તો લ્યાનત હે હમારી સૌ સાલ પુરાની દોસ્તી પર ;) એ હા… માતાજી કોપાયમાન ..
અલી તારા માજી ;) મુખ્યમંત્રી આનંદીબેને તો એમ.જે. લાયબ્રેરીને 300 પુસ્તક ભેટ આપ્યા. કહેવું પડે હોં. આવો ભવ્ય વિચાર હજુ સુધી કોઈ રાજકારણીને આવ્યો હોય એવું મારી જાણમાં તો નથી.
બાકી બોલ, શું ચાલે બીજું? ગીતને ગાંધી આશ્રમ, નવજીવન અને કોચરબ આશ્રમની જાત્રા ખાસ કરાવજે સમય કાઢીને. એને માટે ગાંધીજી જ ભગવાન છે. ‘ભગવાનને જોયા છે અથવા ભગવાન છે એવો કોઈનો દાવો પડકારી શકાય… જેને માત્ર ધર્મગ્રંથમાં જ જોયા છે એને માનીએ એના કરતા જે સદેહે હતા જ એને જ ન ભજીએ?’ આવા તર્ક આગળ આપડે કોઈ જ દલીલ કરતા નથી. ગાંધીજીની આત્મકથા તો છે અમારી પાસે પણ બીજાં ટાઈટલ્સ બી સજેસ્ટ કરજે.
બિહાગકુમારને યાદ આપજે. કેદારના પપ્પાએ કોઈ પુસ્તક મગાવેલું એની પાસે તે આવી ગયું હોય તો ગીત સાથે મોકલી આપજે એવું અંકલે લખાવ્યું છે. આંટી મઝામાં છે. રોજ કાવ્યાને નવું નવું બનાવીને ખવડાવે છે. મમ્મીની ખોટ ન સાલે એવાં ભરપૂર પ્રયત્નો કરે બિચારાં.. પણ..
જૈતશ્રીને એક્ઝામ પતી ગઈ હોય તો ગીત જોડે પાર્સલ કરી દેજે દિલ્હી.
લિ. બધું સારું થાઓ એવી શુભકામનાઓ,
સ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર