પ્રાણલાલ દાદા અને નગીનદાસ કાકા
12/09/2016
અમદાવાદ.
પ્રિય સપ્તક,
પત્ર મળ્યો. દુષ્યંતકુમારની પંક્તિઓ કેટલી યથાર્થ છે આજે, નહીં? (યથાર્થ એટલે APT. સાથે લખી જ દઉં નહીં તો પાછો વોટ્સઅપ પર ઉઘરાણી કરશે.Anyways, ગઈકાલે ચિત્રલેખા વાંચ્યું .આ વખતના અંકમાં તારા પ્રિય નગીનદાસ સંઘવી વિશે માહિતી છે. વાંચી લીધું કે નહીં? કોમ્પ્યુટરનો કીડો બધું ઓનલાઈન વાંચી લે છે એવી મારી પાસે પાક્કી માહિતી છે. આ માણસ કેટલાં વર્ષોથી લખ્યા જ કરે છે. આ જમાનામાં રાજકારણ વિશે તટસ્થ રહેવું એ બહુ મોટો ગુણ છે. કદાચ અવગુણ પણ! 97 વર્ષે ય લખાણમાં એકસરખી ચીવટ અને ચોક્સાઈ હોય એવા દાખલા કેટલા? પેલું વાંચ્યું કે નહીં? કોલકાતામાં 176 વર્ષ જૂનો 'બોર્ન એન્ડ શેફર્ડ' સ્ટુડિયો બંધ થયો. કેટકેટલાં અવસર કે આફત જોયાં હશે આ સ્ટુડિયોએ! ત્રણ અંગ્રેજ ફોટોગ્રાફરનાં આ સંયુક્ત સાહસને કોલકાતાના ગુજરાતી મામા-ભાણેજે 1964મા ખરીદી લીધું. 1991મા સ્ટુડિયોમાં લાગેલી આગે સ્ટુડિયોના હાલ બેહાલ કર્યા અને અનેક મહત્ત્વનાં દસ્તાવેજો એ જ્વાળા ભરખી ગઈ. અનેક તકલીફોમાંથી પસાર થયા બાદ ઐતિહાસિક શહેરનાં ઐતિહાસિક સ્ટુડિયોનું શટર હવે કાયમ માટે પડી ગયું અને સ્ટુડિયો પોતે જ તસવીર બની ગયો.
ફોટોગ્રાફીની વાત આવે કે હું જરા ભાવુક બની જાઉં છું. અમદાવાદમાં પ્રાણલાલદાદાનો 'પટેલ સ્ટુડિયો' યાદ છે? મારા પપ્પા આપણને લઈ ગયેલા. એલિસબ્રીજના આશ્રમ રોડવાળા છેડા પર ઉપલા માળે હતો. હવે તો કદાચ તું એકલો અહીં નીકળે તો તને મળે ય નહીં. ટાઉન પ્લાનીંગમાં કપાતો કપાતો આ સ્ટુડિયો કેટલીય ઘટના દુર્ઘટનાનો સાક્ષી છે. અમદાવાદની કેટલીય દુર્લભ તસવીરો પ્રાણલાલદાદાએ પાડી છે. કોઈ પણ ઘટના વિશે પૂછો , એમના ખુલ જા સીમ સીમ પટારામાંથી નીકળે જ. દાદા પાસે ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલના ફોટોગ્રાફ્સ પણ મળે. કશ્મીર પર પણ સરસ કામ કર્યું છે એ જમાનામાં. કેવા ટાંચા સાધનોના જમાનામાં એમણે કામ કર્યું છે એ જોઈએ તો આપણું માથું સો ટકા આદરથી નમી જ પડે. 104વર્ષે દાદાએ આપણી વચ્ચેથી ઈ.સ. 2014મા વિદાય લીધી. છેક છેલ્લે સુધી એ માણસનો જુસ્સો જોવા જેવો હતો. એકવાર એમની તબિયત જરા નરમ હતી એટલે અમે મળવા ગયેલા તો શું કહે ખબર છે? અમને કહે કે 'હવે જરા ઘૂંટણ દુ:ખે છે, બીજી કોઈ તકલીફ નથી.' મેં પૂછ્યું 'દાદા, કેટલાં થયાં?' તો મને કહે કે 'સોમાં એક ઓછો.' બોલ, એમને સો વરસે 'જરા ઘૂંટણ જ દુ:ખે છે.' ને આપણે ચાલીસે પહોંચીને રોજ નવાં તડાં પડે! આજે આ દુ:ખ્યું ને કાલે પેલું. ને એ પાછાં ડિજિટલ ફોટોગ્રાફી શીખવા માટે ય એટલા જ તત્પર. જમાના પ્રમાણે તો ચાલવું જ પડે એવું દાદા માનતા. કોઈ પણ ફોટોગ્રાફી એક્ઝીબિશનમાં પહેલાં જ દિવસે મુલાકાત લેનારા દાદાને મારા ફોટોગ્રાફ્સના એક્ઝીબિશનનું ઉદ્ઘાટન કરવું હતું. માય બેડ લક!
ફોટોગ્રાફી જરા ઓછી થાય છે સંજોગોના લીધે પણ મેં હમણાં કાર્ટુન્સ દોરવાનું શરુ કર્યું છે પાછું. મઝા પડે છે. પર્સનલી મને એવું લાગે છે કે મારું લાઈનવર્ક ઈઝ વીક. વોટરકલર ઈઝ નોટ માય કપ ઓફ ટી. એક્ચ્યુઅલી પાણીનું પ્રમાણભાન નથી રહેતું. કોઈવાર સારો પેપર નથી મળતો. મને સ્કેચીંગ બહુ ગમે. ચારકોલ પણ ગમે.જો કે ખાસ કંઈ ઉકાળ્યું નથી હં કે હજુ. એ પેલું એપલનું આઈપેડ-પ્રો વિશે કંઈ ખબર છે? એમાં આઈ પેન્સિલ આવે છે એના રિવ્યુઝ કહેજે ને જરા. મેં પ્રયત્ન કર્યો સમજવાનો પણ કાયમની માફક મને એક પૈસાની ખબર પડી નથી. તારા વિના મને કોઈ સમજાવી શકશે નહીં મને ખાતરી છે. તું શિક્ષક કેમ ના થયો? એમાં સારો ચાલે એવો છે. એમાં ય વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓને સારું સમજાવી શકે. હેં ને ? :p
ચાલ, અહીં વિરમું છું. દાઝે ભરાયો હોય તો બે રોટલી વધારે ઝાપટજે. તારા ધીમનઅંકલ એન્ડ ફેમિલીને યાદ. બિહાગ અને જૈતશ્રી તું આવે એની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે જેથી તમે ત્રણેય ભેગાં થઈને મારી મજાક ઉડાવી શકો. પણ બચ્ચુ,એમ અહીં ગાંજ્યા જઈએ એવા નથી અમે. પડી કે સમજ?
લિ.અંતરા.
******
17/09/2016
બેંગલુરુ.
પ્રિય અંતરા,
હું ન્યુઝીલેન્ડ જઉં પછી ય આપણે આ પત્રવહેવાર તો ચાલુ જ રાખવાનો છે કહી દઉ છું. સખ્ખત મઝા આવે છે હાથે લખેલું વાંચવાની. તારા મોતીના દાણા જેવા અક્ષર જોઈને મને મારા અક્ષરની શરમ આવે છે. બહુ ખુસ થવાની જરુર નથી. It was a joke. ;)
આ વખતનું ચિત્રલેખા ફિઝીકલ કોપી પરચેઝ કર્યું ને વાંચ્યું. કેટલાં બધા વરસો પછી મેં આ રીતે 'ચિત્રલેખા' વાંચ્યું હસે. યસ્સ, નગીનદાદા વિશે વાંચ્યુ મેં. જબરો દાદો માણસ છે. I have no doubt about it.
પણ સમાચાર તો ઓનલાઈન જોવાની જ ટેવ પડી ગઈ છે. આ ઉરીમાં તો જબરું કરે છે પાકિસ્તાન. સુ લાગે છે ? યુદ્ધ થશે? થોડાં થોડાં સમય પર આવા કારસ્તાન કરે એટલે સાલુ ભયંકર ગુસ્સાઓ ચડે. એવું થઈ આવે કે ભારતે ચુપ સાનું બેસી રહેવાનું? એક જ વાર જરા જોરમાં જડબાતોડ જવાબ આપી દે તો સીધા થઈ જાય. કેટલાક લાતોનાં જ ભૂત હોય. એને વળી શેનું ભઈબાપા કરવાનું? ઘણાં વરસો પહેલા કોઈ મેગેઝિનમાં કશ્મીરની સમસ્યા વિશે પહેલીવાર વાંચેલું. એમાં કશ્મીર આપણાને દર વરસે કેટલામાં પડે છે કે એ ટાઈપનું કશુંક હતું. બહુ યાદ નથી પણ કશ્મીર પાકિસ્તાનને આપી દઈએ તો શું જેવું ય કંઈક હતું. દુનિયાનું સ્વર્ગ કહેવાતા કશ્મીરમાં કોઈ સમયે લોહીની નદીઓ વહેશે એવી તો કોણે કલ્પના કરી હોય? But its a fact. Sad.. Very sad. તું ગઈ છું કશ્મીર? એક સમય હતો કે જ્યારે આપણી બમ્બૈયા ફિલ્મોમાં કશ્મીરના બેકડ્રોપ વોઝ મસ્ટ. ફિલ્મમાં જરુર ન હોય તો છેવટે હીરોઈનનાં સપનામાં ય કશ્મીર ઘુસાડે. ખેર, આપણી સામાન્ય સમજ કરતાં આપણા દેશની નેતાગીરી અને વધારે તો આપણી સિક્યુરીટી સિસ્ટમ પર મને વધુ ભરોસો છે. એ લોકો જે કરશે એ આપણાથી બે ડગલાં આગળ વિચારીને જ કરશે ને? એમ જ તો ભારતનું સંરક્ષણ ખાતું નહીં સંભાળતા હોય ને? જે હોય એ, કંઈક તો નિવેડો વહેલી તકે લાવવો જ રહ્યો. એક બાજુ સરહદ સળગે છે તો બીજી બાજુ કર્ણાટકમાં પાણીએ આગ લગાડી છે. એ ય હવે પતે તો સારું.
કોલકાતાના સ્ટુડિયોનું વાંચ્યુ ત્યારે મને પ્રાણલાલદાદા જ યાદ આવેલા. મેં એમના કશ્મીરના ફોટાઓ વિશે એક મેગેઝિનમાં રિપોર્ટ વાંચેલો કદાચ 2009 કે 2010માં . Not sure.
આઈપેડ પ્રો વિશે હજી કંઈ ખાંખાખોળા કર્યા નથી. એકાદ દિવસમાં જોઈ લઈશ. ને એ દાંતરી, બહુ મશ્કરીઓ સૂઝે છે? હું આવીશ તો તારા સુ હાલહવાલ કરીશું અમે ત્રણ ભેગાં મળીને એ સોચ લો ઠાકુર.
ધીમનઅંકલને મેં આપણા પત્રવ્યવહાર વિશે વાત કરી તો એ તો એટલા બધા રાજી થયા કે ન પુછો વાત. તારા બધા પત્રો એમને વાંચવાની ઈચ્છા કરી તો તને પુછ્યા વિના મેં આપી દીધાં છે. ને બીજું, એમના ઘરે બધાંને બહુ જ મઝા આવી તારા પત્રોમાં. મારાં ખાવાનાં શોખ વિશે જાણીને અચલાભાભીએ મને રોજ સાંજે ફરજિયાત એમને ત્યાં જ જમવાનું એવો વટહુકમ બહાર પાડી દીધો જેને બધાએ એકસુરમાં વધાવી લીધો. મેં પણ , quite obvious ;)
ચલ, પછી વાત. અંકલે પેલી ફાઈલ આપેલી તે વાંચુ છું. મને ગમશે એમાંથી તો એ તને લખીશ.
બિહાગ અને જૈતશ્રીને કહેજે કે i am seriously thinking to visit you people. Will let you know.
લિ. સપ્તક
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર