શબ્દકોશ તો મજાની ચીજ છે!
23/02/2017,મહા વદ (?) , 2073
પ્રિય સપ્તક,
સારું થયું તારી સાથે વાત થઈ અને અમારા આગ્રહ પર તમે લોકો અહીં આવ્યા. અમુક બાબતો એટલી બધી સંવેદનશીલ હોય છે કે એ વિષે વાત કરતી વખતે બહુ જ સાવધ રહેવું પડે. જો તમારું સહેજ પણ ધ્યાન બીજે જાય તો ગેરસમજના બીજ રોપાઈ જતાં વાર ન લાગે. અને ગેરસમજના બીજને વૃક્ષ બનતા બહુ ઓછો સમય લાગે છે. એના મૂળિયાં એટલાં તો ઊંડા હોય છે કે એને કાપી નાંખો તો ય ફરીથી ઉગે જ. એટલે એ બીજ રોપાય એ પહેલાં બાળવું જ રહ્યું. અત્યારે તો ગીત ડિપ્રેશનમાં નથી પણ વાર ન લાગે હાલના સંજોગો જોતાં. તમે બંને સમજુ છો એટલે જે પણ નિર્ણય લેશો એ લાંબા ગાળાના પરિણામનો વિચાર કરીને જ લેશો એવો અમને વિશ્વાસ છે. બહુ ભારે થઈ ગયું, નહીં?
ચાલ ,બીજું કંઈ લખું.
મુનશી વાંચવાના શરુ કર્યા કે નહીં? આદુ ખાઈને પાછળ પડી ગયો હતો મુનશી ગ્રંથાવલિ માટે તો. હમણાં મારું વાંચવાનું સાવ ઓછું થઈ ગયું છે. તમે લોકો ગયા પછી અમે ય જરા ઉદાસી અનુભવી રહ્યાં હતાં પણ પછી અચાનક જ બિહાગને તારા જૂના પત્રો વાંચવાનો વિચાર આવ્યો. એમાં એને એટલી મઝા આવી ગઈ છે કે હવે એ પણ તને પત્ર લખવાનું વિચારી રહ્યો છે. છે ને અદ્ભૂત વાત? કોઈ એક જણ તો પ્રેરાયું આપણા પત્રોથી. પત્રો આ ધન્ય છે;) એમાં એને દુષ્યંતકુમારની પેલી તારા વોટ્સપ સ્ટેટસની પંક્તિઓ બહુ ગમી ગઈ .
કૌન કહતા હૈ આસમાં મેં સુરાખ નહીં હો સકતા,
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો...
આ વાંચ્યા પછી માંડ એક પત્ર વાંચ્યો ને પછી ઊપડ્યો મ્યુઝિક સ્ટોર પર. કેટલી બધી cd લઈ આવ્યો. હું તો આભી જ થઈ ગઈ. જગજિતનો આખો ખજાનો ઊંચકી લાવ્યો છે. એનો મોસ્ટ ફેવરિટ સિંગર છે. હવે રોજ ઑફિસથી આવીને ગ્રીન ટી બનાવે મોટો મગ ભરીને અને પછી એ ય ને બહાર હીંચકે જઈને બેસે. હેડફોન ભરાવીને ઝુલ્યા કરે . વચ્ચે વચ્ચે તાનમાં આવી જાય તો વળી ગઝલ લલકારવા પણ માંડે. આજે તો વળી વહેલા આવેલા સાહેબ તો ચ્હા સાથે અશ્વિનિ ભટ્ટનું ‘આઈનો’ પુસ્તક પણ લઈને બેઠા તે પુસ્તક પુરું કરીને જ ઊઠ્યા. હું ને તારી બેનપણી તો જોઈ જ રહ્યા. આટલા રસથી એને વાંચતો જોવો એ ય એક લહાવો છે હોં! અંગ્રેજી વાચન છે એનું થોડું પણ ગુજરાતી વાંચતો બહુ ઓછીવાર જોયો છે. જૈતશ્રીએ એને પૂછ્યું તો જવાબમાં એણે એમ કહ્યું કે એ આ પુસ્તક વિષે જ તને પત્ર લખશે. Be ready ;) જૈતશ્રી તો આશ્ચર્યમાં . આ માણસ પત્ર લખશે ? સાચે ? એણે તો કદાચ એના ઓલ્ડમેનને ફક્ત ચેક સાઈન કરતી વખતે જ હાથે લખતો જોયો છે. (જૈતશ્રી એના પપ્પાને ઓલ્ડમેન કહે છે. ને એના પપ્પાને એ ઓલ્ડમેન કહે તેની સામે જરાય વાંધો નથી. હું કહું તો તરત જ વડચકું ભરે કે તારાથી માત્ર ત્રણ વરસ જ મોટો છું એટલે જો તું મને કહેશે તો હું ય તને ઓલ્ડ વુમન કહીશ..;) ) જૈતશ્રીએ મને ખાસ કહ્યું છે કે બિહાગ પત્ર લખે ત્યારે મારે એનો એક ફોટો તો પાડવો જ. પછી જો એ એની એ ઉડાવશે મસ્ત. મારે એ જ જોવું છે કે બિહાગ શું રિએક્ટ કરે છે આ વાત પર. મઝા પડશે મને . કાયમ એ બે ભેગાં થઈને મારી ઉડાવે છે તો આ વખતે અમે બે બિહાગબાબુની ઉડાવીશું.
હવે હું રસોડે જાઉં ને કંઈક બનાવું. નહીં તો આ બે બાપ દીકરી માથે તાંડવ કરશે.
લિ. પાછી થોડી ઓરિજિનલ મૂડમાં આવેલી,
હું .
***
24/02/17
પ્રિય અંતરા,
સારું થયું અમે તમને લોકોને મળવા આવ્યા. થોડી મિસઅન્ડરસ્ટેન્ડીંગ થતા થતા રહી ગઈ મારી અને ગીત વચ્ચે. Thanks a lot. મહેરબાની કરીને દોસ્તી મેં નો સોરી ને નો થેન્કયુ ના બોલીસ. મને ભયંકર ચીડ છે તારા એ ફાલતુ ડાયલોગ માટે. સી ખબર આવા ડાયલોગ તને કેમના ગમી જાય છે ? હવે તો તારું સ્ટાન્ડર્ડ જરા સુધાર. હિન્દી ફિલ્મો જોઈ જોઈને તારુ મગજ બહેર મારી ગયું છે. સારી ફિલ્મો જોવાનું હવે તો શરુ કર બાપા. તને મારી કંપનીમાં આટલો તો ફરક પડવો જ જોઈએ. જે હોય એ, અમારા ,ખાસ કરીને મારા પોઈંટ ઑફ વ્યુમાં મને રિથિન્ક કરવા મોટીવેટ કર્યો એ માટે મારે આભાર તો કહેવું જ પડે. ગીત તો બિહાગથી બહુ જ ઈમ્પ્રેસ થઈ ગઈ છે. કેટલી લોજિકલી આખી વાત સમજાવી. મને બાળકનું મહતત્ત્વ છે પણ મારી ગીતની તબિયતના ભોગે તો નહીં જ.
ચાલ કંઈક બીજી વાત કરું. આજે ધીમન અંકલવાળો ખજાનો લઈને બેઠો. તો એમાંથી જોડણીકોશ નીકળી પડ્યો. પેલો ખિસ્સાકોશ. હવે તને ખબર પડી ને કે આજે મારે લખાણમાં જોડણીની ભુલો કેમ ઓછી છે. જબરા જબરા શબ્દો આપ્યા છે હોં એમાં તો. પછી હું પેલી ઇસ્કોતરા જેવી ફાઈલ ફંફોસતો હતો તો મને શું મળ્યું જો. માણસો કેટલા પ્રકારનાં હોય છે એની નોંધ સાથે એક મોટું ફુલસ્કેપ પેપર . બાપ રે... અ થી માંડી ને વ સુધીના લગભગ પોણા બસો જેવા શબ્દો છે. કેટલાંક શબ્દો મને સમજાયા નથી દા. ત. ખોચરા, ખુટલ, ઘરમુલા , જબરવસીલા.. હજુ ય છે થોડા પણ તને વોટ્સપ કરીશ લિસ્ટ. એક શબ્દ મને બહુ ગમી ગયો. લાખેશ્રી. આનો ખરેખર અર્થ તો ખબર નહીં પણ મેં એવો કાઢ્યો કે જે બહુ ફેંકાફેંક કરતું હોય એ . :p
પણ..અંતરા.. હું તને સાચું કહું? હજી મારું મન ખબર નહીં કેમ પાછું પડ્યા કરે છે. મર્દ કો દર્દ નહીં હોતા એવું નહીં બોલું. કારણકે હોતા હૈ. ગીતની સાથે જ હોવા છતાં હું એને પુરું સમજી ન શક્યો. એ મારી કે મારા સગાંવહાલાઓની આટલી કાળજી રાખે ને મને એની જ ખબર ન પડી? બહુ સ્વાર્થી કહેવાઉં ને? હું એમ જ વિચારતો રહ્યો કે એ ખુશ જ છે . ખરેખર મેં એને કોઈ દિવસ પૂછ્યું જ નહીં કે એ ખુશ તો છે ને ? મેં માની જ લીધું કે she is happy.. So very mean i am! તેં પણ મને કોઈ દિવસ ટપાર્યો નહીં કે ગીતથી તો બધા ખુશ છે પણ ગીત પોતે ખુશ છે કે નહીં? એ કોઈવાર ઉદાસ થતી તો મેં કેમ એનું મન ટટોળવાનો પ્રયત્ન ન કરી જોયો? એટલું તો guilt feel કરી રહ્યો છું કે મને મારા માટે જ ગુસ્સો આવી રહ્યો છે. ગીત તો તમને લોકોને મળીને ઘણી હળવાશ અનુભવી રહી છે. I hope કે હું પણ જલદી જ નોર્મલ થઈ જઈશ. ગીત અત્યારે ય મને સંભાળી રહી છે. જોરદાર સ્ત્રી છે આ! પોતાનું દુ:ખ વિસારે પાડીને મને સાચવી રહી છે.બિહાગને કહેજે કે હું એને ગમે ત્યારે ફોન કરીશ.એ પણ અત્યંત સમજુ વ્યક્તિ છે. જીવનમાં સમજુ માણસો બધાના નસીબમાં નથી હોતા. કોઈક જનમના પુણ્યના ભાથા બાંધેલા હોય તો જ શક્ય બને.
સખત emotional થઈ રહ્યો છું. આજે પપ્પા મમ્મી હોત તો સારુ થાત ! હવે વધુ નહીં લખી શકું.
જૈતશ્રીને વહાલ.
લિ.
સપ્તક
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર