તારે ભાગે લાઈનમાં ઊભા રહેવાનું આવ્યું?

19 Nov, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

10/11/2016, ગુરવાર,( તિથિ,નક્ષત્ર યાદ નથી) 

અમદાવાદ 

 

પ્રિય સપ્તક, 

જબરી અફરા તફરી થઈ ગઈ બે દિવસમાં તો. વડાપ્રધાને પરમ દિવસે રાત્રે આઠના અરસામાં જેવી જાહેરાત કરી કે 500₹ અને 1000₹ ની નોટ રાત્રે બાર વાગે ચલણમાંથી રદ થશે કે તરત જ લોક બધું દોડ્યું સોનું ખરીદવા.  ના ના, હું નહીં હં કે. મને તો સહેજ પણ શોખ નથી ઘરેણાનો તને ખબર તો છે. સોનું ખરીદવા તો જેની પાસે વધારાના અધધધ પૈસા હોય એ લોકો દોડ્યા. આગલી તારીખોમાં ખરીદ્યું હોય એવા ખોટાં બિલ બનાવડાવી દીધાં ને બચાવાય એટલું નાણું બચાવ્યું. અફકોર્સ, કાળું જ તો. બધાં એવા કાળા નાણાંવાળા જ હશે એમ મારું કહેવું હરગીઝ નથી પણ મોટાંભાગના એવાં જ હશે એવી મારી માન્યતા છે. કાળા ધનનાં ઢગલાં પર બેઠાં હોય એને આ બે નોટો રદ થવાથી વધુ તકલીફ પડવાની. આ પૈસાવાળાને તકલીફ પડવાની વાતથી સામાન્ય માણસ ચોક્કસ રાજી થવાનો. અત્યારે તો સિનારીયો એવો છે કે બધાંએ લાંબી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. તકલીફ વેઠ્યા પછી પરિણામ સારું જ આવશે એવી આશામાં સૌ કોઈ ઊભાં રહે છે. આ પગલાંની દુરોગામી અસર તો થતાં થશે પણ  કોઈ ઠેકાણે લાઈનમાં ઊભેલાંઓ માટે ચા નાસ્તાની મદદ સુદ્ધાં કોઈ સાવ અજાણ્યું જણ કરી જાય છે તો કોઈ જગ્યાએ કાર્યબોજથી કર્મચારીનું મૃત્યુ થયું એવું ય બન્યું છે. જે જે લોકો આ મહાયજ્ઞમાં કોઈને કોઈ રીતે ભાગીદાર થઈ રહ્યા છે એમને સલામ છે દોસ્ત. છાપાળવી ભાષામાં કહું તો ચોરે ને ચૌટે એક જ વાત ચર્ચાઈ રહી છે. બધાં એકબીજાં પાસે 500/1000 ના છૂટાં હોય તો પૂછી રહ્યાં છે. અચાનક જ આવી જાહેરાત થાય એટલે સ્વાભાવિક રીતે જ મારા તારા જેવા આમ આદમી ગભરાઈ જાય કે હવે શું થશે? ને પરિણામે દોટ મુકે જ્યાં જરા જેટલી ય આશાની લકીર દેખાય એ ભણી. જે હોય એ, ઓછા પૈસે કેવી રીતે નિભાવવું એ ધીમે ધીમે બધાને આવડી જશે. દેખાદેખીના ચાળામાં ઊછીનાં ઠાઠમાઠ ઓછાં થઈ જશે એ નક્કી. 'ફલાણાંને ત્યાં લગ્નના જમણવારમાં ત્રણ દિવસનાં કાર્યક્રમ હતા, આપણે પાંચ દિવસ કરો. એને ય ખબર પડે કે આપણે કંઈ ભૂખડીબારસ નથી.' અથવા 'એણે જમણવારમાં પાંત્રીસ આઈટમ્સ રાખેલી, આપણે એકાવન રાખીશું. હમ કિસી સે કમ નહીં...' કે પછી,  'આપણે ₹ 2000 / પ્લેટ થવાના પણ લોકો યાદ કરે એવું કરવાનું એટલે કરવાનું.' આવા દેખાડાના દાખલામાં સરવાળે તો સમય, નાણાંનો વ્યય જ થતો હોય છે. પ્રસંગને બદલે પ્રસંગ પાછળ થતા ખર્ચાનું મહત્ત્વ વધી જાય. એટલા પૈસામાં કેટલાં વંચિતોને કેટલાં બધા દિવસ ભરપેટ ખાવા મળે! મને બહુ ગુસ્સો આવે જ્યારે કોઈને એમ પોરસાતા સાંભળું કે પ્રસંગમાં ખાવાનું વધ્યું તો ગરીબોને જઈને આપી દીધું. ફેંકી દેવું એના કરતા ભલે એ ય મોજથી ખાય,એમને ક્યાં મળવાનું આવું ખાણું?'  ન જોયાં હોય તો મોટાં દાનેશ્વરી કર્ણ. બહુ એટલું જ માન હોય પોતાની દાનવીરતા માટે તો બોલાવવા હતાં ને એ ગરીબોને જ તારા ઘેર પ્રસંગમાં? વધેલું શું કામ આપવાનું? બેસાડવા હતાને તારી સાથે જ? ઓહ, બહુ લખી નાંખ્યું, કેમ ને? ચાલ, એ વાત બંધ. બીજું કંઈ પુછું.

આપ અત્યારે હમ્પીની ટુંકી સફર પર છો એમ મને આપની ગર્લફ્રેન્ડે કહ્યું. એને ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા એ એણે મને ફોરવર્ડ કર્યા છે. સારાં પાડ્યાં છે હોં.. ;) ને એ ચાંપલા, મારી છોકરીને જો તું આપણા કોઈ પણ તોફાનો શીખવાડશે તો યાદ રાખ તારું છોકરું આવશે ત્યારે એને તારી બધી મૂર્ખામીઓ કહી દઈશ. મારી પાસે આપણું બાળપણ ડાયરીઓમાં વિસ્તરેલું છે. ડાયરી લખવાની ટેવ મને આ રીતે કામ લાગશે એ કદી વિચાર્યું નહતું  :p 

ચલ, પછી વાત.

ભૂખ લાગી છે કુછ ખા લું પહેલે. 

સી યુ સુન .

અંતરા .

 

*****

 

11/11/16

બેંગલોર,

 

પ્રિય બેનપણી,

 

બેક ટુ વર્ક. મઝા મઝા .. એકદમ ફ્રેસમફ્રેસ થઈ જવાયું. ત્રણ દિવસ તો પેલું સુ કહે છે એમ ફુર્રરરરર થઈ ગયા. ત્રણ દિવસ તો બહુ ઓછા પડે યાર આવી જગ્યાએ. એક્ચ્યુઅલી નોટ ઈવન થ્રી ડેય્ઝ. કંઈ નઈ પણ. પાછો જઈસ તેયારે પુરા પંદર દિવસ અઠે જ દ્વારકા 15 days my dear 15 days. Feeling envy ? Yessss... You should...ખીખીખીખી. 

અહીં આવીને જોયું તો બેંકોમાં લાંબી લાંબી લાઈનો. જ્યાં જાવ ત્યાં '₹ 500 and ₹ 1000 note are not accepted' એવા પાટિયાં વંચાય છે. મારે તો કોઈ તકલીફ નથી અથવા ગીતને ય તકલીફ નહીં થાય કારણકે અમે ક્રેડિટ કાર્ડ જ રાખીએ છીએ. અહીંની કરન્સી છે પણ એ બધી 100 ને 50 ની નોટ જ છે એટલે ફિકર નોટ. ધીમનઅંકલને થોડી તકલીફ પડેલી પણ એ તો પૈસા ભરી દેવા માટે. એક્સચેન્જ કરાવવાનું હતું નહીં કંઇ એટલે વાંધો નહીં. પણ in general ,it seems that a common man is happy with this step of prime minister. મને અહીંના ફાઈનાન્સ કે પોલિટિક્સમાં ખાસ ખબર પડતી નથી એટલે નો મોર કમેન્ટ્સ. બાકી બોલ. કેમનું છે તારા શહેરમાં? અબ તેરા ક્યા હોગા? હેં? 'પ્લાસ્ટિક મની આઈ હેઈટ' વાળુ હજુ ખરું કે બાજી ફીટાઉન્સ થઈ ગઈ આ પાનસો હજારની નોટ કેન્સલ થઈ એમાં? હવે તો તારે રાખવા જ પડસે પ્લાસ્ટીક મની. થોડો સમય પછી તો એવું થશે કે મોટાંભાગનું કામકાજ કેશલેસ થઈ જસે જોજે. નાના નાના ફેરીયાઓ, સાકવાળા કે રોડસાઈડ વેન્ડર્સ પાસે જ રોકડેથી હિસાબ થસે. એ તને ખબર છે કે સ્વીડન સૌ પ્રથમ કેશલેસ કન્ટ્રી થવાના પંથે છે? માત્ર  ત્રણેક ટકા વ્યવહાર જ કેશમાં થાય છે.  સોલ્લીડ ને ? આપણે ત્યાં ય આવું શક્ય છે ? હાલના સંજોગો જોતા મને અશક્ય લાગે છે. કારણકે હજુ ક્રેડિટ કાર્ડથી આપણી પ્રજા બહુ જાગરુક નથી. એ ટીચરજી, જાગરુક કહેવાય ? કે જાગૃત? જે કહેવાય તે, તને ખબર પડી ગઈ ને? એટલે ભયો ભયો. આ ભયો ભયો પરથી હમણે ધીમનઅંકલે સરિતા જોશીએ પઠન કરેલી કોઈની કાવ્યપંક્તિઓ મોકલી હતી તે યાદ આવી ગઈ. તને મોકલીશ. મઝાનું છે. શું ગ્રેસફુલ લેડી છે સરિતા તો. મને બઉ ગમે. એક નાટક જોયેલું 'સંતુ રંગીલી'. એમાં એ સંતુ બનેલા એમ મારા પપ્પા કહેતા પણ મને એવું બધું કંઈ યાદ નથી. પછી એક નાટક જોયેલું 'થેન્કયુ કોકિલા'. એ બરાબર યાદ છે... આખું નાટક યાદ છે એ તો. એ પેલું નાટક જોયું તેં? ' આજ જાને કી ઝિદ ન કરો..?' મને ચાન્સ મળે તો જોવું છે. કહે છે કે બહુ વખણાયું છે. 

તેં ફોટોગ્રાફ્સ જોયા કે નહીં? J ને મોકલ્યા હતા ને તને ફોર્વર્ડ કરવા કહ્યું હતું. સાહેબને e mailમાં મોકલ્યાં છે એ કેમેરાથી પાડેલાં છે. J ને મોકલેલા એ ફોનથી પાડ્યા'તા. ઓહહ... રહેવા દે, હું કોને કહું છું આ બધું. તને જરા ધીમે રહીને સમજણ પડે છે એ ભૂલી ગયેલો. સોરી હોં ;) 

ચલ, પછી વાત. પેટમાં ટરરરરરર ટરરરરર થાય છે ભૂખના લીધે. અચલાભાભીને ત્યાંથી ખીચડી કઢીની યમ્મી સુગંધ આવે છે. 

એ જ લિ. 

વહી પુરાના..

સપ્તક 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.