તમને લીમડાનો રસ કડવો નથી લાગતો?
29/03/2017, બુધવાર. ચૈત્ર સુદ બીજ, ચેટીચાંદ.
રાશિ :મીન
નક્ષત્ર: રેવતી
અમદાવાદ.
પ્રિય સપ્તક,
તારા પત્રની રાહ જોયા વિના આ લખવા બેઠી છું. આજે ચૈત્ર સુદ બીજ. ચેટીચાંદ. મને કોણ યાદ આવ્યું ખબર? તારા પેલા કાકીબા. આપણે જ્યારે જેકી ચાનની ફિલ્મોની વાત કરતા ત્યારે એ બહુ ગુસ્સે થતા ને ભાષણ ચાલુ કરતા : ‘આવી મારામારીની પ્ચ્ચરો તે જોવાતી હસે? આપણા છોકરાં વંઠાડી કાઢવાનું ચીનકાઓનું કારસ્તાન છે. એટલે જ આવી બધી ફિલમો એ લોકો એક્સપોટ કરે છે અહીં...’ હાહાહા… કેટલું બોલતાં,નહીં? ચીનકા એટલે ચીનાઓની વાત કરે છે એ મને તેં કહ્યું તો ખબર પડેલી બાકી મને બાઉન્સર જ જાત. (તારી બુદ્ધિ જરા સ્લો છે એવો ડાયલોગ તેં માર્યો જ હશે, મને ખબર છે) ને જેકી ચાન ને બદલે ચેટીચાંદ જ બોલતા… પણ પ્રેમાળ બહુ હતા. ઘરે જેવું કોઈ આવે કે એને જરાય અતડું કે એકલું ન લાગવા દેતા. ને છેવટે આગંતુક જેને મળવા આવ્યું હોય એના સિવાય પણ કાકીબા સાથે એક નવી માયા બાંધતો જ જાય. જગતમાં કશું જ અકારણ નથી બનતું. આપણે મળ્યા, મૈત્રી થઈ, થોડો સમય સંપર્ક ખોરવાયો, વળી પાછાં કોઈ પડાવ પર મળ્યા... આ બધું નિર્માયેલું જ હોય છે. ખલિલ જિબ્રાને પણ કંઈક એવા મતલબનું લખ્યું છે એવું મને યાદ રહી ગયું છે. 'whatever is the destiny, shall be' કદાચ ખોટું યાદ રહી ગયું હોય એવું ય બને. આપણે ત્યાં ગ્રંથોમાં કહે જ છે ને આવું બધું કે જે થવાનું હશે એ થશે જ... તું તો 'ઓશો' બહુ વાંચતો (અથવા ફાંકા મારતો) એમણે ય કહેલું જ ને. અરરર… ક્યાં બોલી પડી ને આ હું? ઓશો પુરાણ ચાલુ કરશો તમે તો વ્યાસપીઠ પરથી ઉતારવા મુશ્કેલ થઈ જશે. એના કરતાં ચાલ, બીજી કંઈ વાત કરીએ.
નક્ષત્ર વાંચ્યું મેં લખ્યું છે એ ? રેવતી. કુલ નક્ષત્રો કેટલાં છે એ ખબર છે? જો કે છોડ. તને પાછો મહાત્માભાવ આવી જશે કે આપણે આવું બધું ભંકસ માનતા નથી ને બધું ધતિંગ છે ને ફિતુર છે ને એવું બધું માનવા ને બદલે વાંચ સારું ને કંઈ કેટલું સંભળાવશે.
રેવતી નામની એક સાઉથ ઇન્ડિયન હીરોઈન હતી. યાદ છે? યસ્સ.. એ જ સલમાન ખાન સાથે આવેલી... 'લવ' ફિલ્મમાં. ગીતો સારાં હતાં. મને ખાસ નહતુ ગમ્યું. ચીલચાલુ ટાઈપ સ્ટોરી. પછી એક 'અંજલિ' નામની ફિલ્મમાં રેવતીનો કો-સ્ટાર હતો રઘુવરન... આ ફિલ્મ મને ગમેલી. ફિલ્મનો પ્લોટ કંઈક આવો હતો. રઘુવરન અને રેવતી પોતાનું ત્રીજું બાળક પ્લાન કરે છે. સમયાંતરે ખબર પડે છે કે આવનારું બાળક અસાધ્ય બિમારી સાથે જન્મશે અને અલ્પાયુષી જ હશે. પતિ (રઘુવરન) અને હોસ્પિટલ ઑથોરિટીઝ આ વાત પરિવારથી છૂપાવે છે અને પૂરા સમયે પત્નીએ મૃત બાળકને જન્મ આપ્યો એવું જાહેર કરવામાં આવે છે, હકીકતમાં આ બાળકનું સત્ય અલગ હતું. એને હોસ્પિટલમાં જ રાખીને ઉછેરવામાં આવી રહ્યું છે. માનસિક વિકલાંગ આ બાળકી ‘અંજલિ’ને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ મળેલો એવી અફલાતૂન એક્ટિંગ કરેલી. ખરી ફિલ્મ પછી શરુ થાય છે. જાતે જોઈ લેજે. તૈયાર ભાણે જમી નહીં લેવાનું… ;) વચ્ચે ય કોઈ ફિલ્મમાં આવેલી રેવતી પણ યાદ નથી. છેલ્લે આપણા એન્ગ્રી યંગ મેન અમિતાભ સાથે 'નિ:શબ્દ' ફિલ્મમાં જોયેલી. જો કે, સાઉથની ફિલ્મોમાં તો એ અભિનયના ઓજસ પાથરતી જ હતી. ( બિલકુલ તારી છાપાળવી ભાષામાં લખ્યું)
આજે યાદોં કી બારાત નિકલી છે. આ વાંચ જો.
‘ના મળે તાજી તો વાસી સાચવો
આ જમાનામાં ઉદાસી સાચવો
જેમ જૂની થાય કેફી થાય છે
યાદને જોઈ તપાસી સાચવો.’
None other than Chinu Modi ' iirshaad'
કાવ્યાને સારું છે જાણીને જરા હાશકારો થયો છે. કામ હોય તો કહેજે.
બિહાગ અને જૈતશ્રીએ યાદ લખાવી છે.
એ જ લિ.
સર્વનું કલ્યાણ થાઓ એવું પ્રાર્થતી,
હું.
***
30/03/17,
Thursday,
New Delhi .
પ્રિય અંતરા ,
guess what.. ચલ હું જ કહી દઉં. કેદારના પપ્પા ત્રણ દિવસથી લીમડાનો રસ આપી જાય છે. માંડમાંડ પીઉં છું હું તો. તને યાદ જ હશે તારી મમ્મી ગામઆખાનો રસ કાઢતી અને ઘરમાં જે હાજર હોય એ દરેકને કંપલસરી પીવડાવતી. કામવાળો ય બચારો મોંઢુ બગાડતો બગાડતો પી જતો. "એ ય માણસ તો છે જ ને? આપણે માંદા ન પડીએ એ માટે જો રસ પીતા હોઈએ તો એને ય આપવો જ જોઈએ ને? ને એને કોણ આપે આવું ?" આ ડાયલોગ હજી યાદ છે આપડાને. જોઈ આપડી યાદસક્તિ? એમનું ચાલતે તો માંડવો પાડીને આવતા જતા બધા ય ને રસ પીવડાવતે. હજુ ય ત્રાસ કોન્ટી કે? મને તો ભયંકર કડવું લાગતું આખો દિવસ પણ હું જે બહાના કાઢતો એના સોલ્લીડ જોરમાં ફટકા મારીને છેદ ઉડાડી દેતા માસી. એ સામે ઊભા રહીને પરાણે રસ પાતા ત્યારે મને હિટલરનો અવતાર જ લાગતા. જ્યાં સુધી હું પીઉં નહીં ત્યાં સુધી ધરાર ઊભા જ રહે. તું ને કાવ્યા તો ફટફટ પી જતાં. તમને કડવું ન લાગતું? જે હોય તે… આ તારી ચમચીને ય ખાસ કડવું નથી લાગતું. એ ય ટેસથી ગટગટાવી જાય છે. કાવ્યાએ મારી બહાનાંબાજી વિષે કહ્યું હશે તે અંકલ હું જ્યાં સુધી રસ ન પીઉં ત્યાં સુધી મને તાક્યા જ કરે ને મલકાયા કરે. આજે તો મોટું ભાષણ બી ઠપકાર્યું ગુણકારી લીમડા વિષે. તમારા લોકોનો ત્રાસ છે યાર. સિરીયસલી. લવ યુ ઓલ... કેટલું ધ્યાન રાખો છો? આટલું બધું વહાલ ક્યારે વાળી રહીશ? જોજે હં કે… જરાક પણ સેન્ટી નથી હું અત્યારે. ક્યું કિ… મર્દ કો દર્દ નહીં હોતા( એમ તો હોતા હે પણ દેખાડતા નહીં હે… તુમારી તરા પોપલગારા નઈ હે)
કાવ્યાબેન પાછા મોજમાં આવી ગયા છે. અમે બધા ય એને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણાથી થાય એ બધું જ કરી છુટીએ પછી પરિણામ ઉપરવાળાના હાથમાં.. તને થસે કે હું વળી ક્યારથી ભગવાનમાં માનતો થઈ ગયો.. તો માય ડીયર દોસ્ત.. લેટ મી ટેલ યુ કે અપનોં કા પ્યાર સબ કુછ કરવા લેતા હે.. પર રેને દો રુપલી.. તુમ નહીં સમજોગી.
શું વાંચે છે હમણા? મોબાઈલના મેસેજીસ એવો વાસી જવાબ ના આપીસ બાપા. થોડીક તો grow up થા. મને ખ્યાલ છે જ કે તું જરા સ્લો સમજે છે પણ હવે તો હદ થાય છે. આપણે આટલા સમયથી રિયુનાઈટેડ ને તુ હજી ઠેર ની ઠેર.. તારી નહીં તો મારી ઈજ્જતનો તો વિચાર કર.. તું કોની બેનપણી છે એ ન ભુલીસ. ને હું કહું એ વાંચવા માંડ . જે થોડો ઘણો સુધારો આવે તો બિહાગબાબુને જરા સાંતિ મલે ને એ મને આસીર્વાદ આપશે. ;) એ વિફર્યા જોગમાયા તો... ભાગોઓઓઓઓ..
એ જ લિ. લીમડારસ પર્વ ક્યારે પુરું થસે ની રાહ જોતો ,
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર