યમરાજને પણ કહ્યું ઈર્શાદ...
20 માર્ચ, 2017, ફાગણ વદ સાતમ, સોમવાર, વૃશ્ચિક રાશિ.
અમદાવાદ.
પ્રિય સપ્તક,
કેમ છે? માર્ચ મહિનો શરૂ થયો ત્યારે કલ્પના ય નહતી કે જમડો ઘર ભાળી ગયો છે. પહેલી તારીખે યમરાજાએ તારક મહેતાને ઉપાડ્યા ત્યારે જ લિસ્ટમાં બીજું નામ ચિનુ મોદીનું લખી જ દીધેલું હશે. સત્તરમીએ ચિનુ મોદીને હોસ્પિટલાઈઝ્ડ કર્યા છે એવા સમાચાર વહેતા થયા. પહેલાં તો અફવા જ લાગેલી. કારણકે વોટ્સઅપના યુગમાં અફવાઓ વાયરાની જેમ વાઈરલ થઈ જાય છે. પણ સાંજ થતાં ‘ન્યૂઝ સાચાં છે’ ની માહિતી મળી. હાર્ટએટેકના લીધે ચિનુ મોદી 'ઈર્શાદ' icu માં છે એ વાત સાચી નીકળી. અઢારમીએ એમની પરિસ્થિતિ એવી જ છે એવી માહિતી મળેલી. ઓગણીસમીએ સાંજના અરસામાં ડોક્ટરોએ ચિનુભાઈને ઘરે લઈ જવા કહ્યું. બધાં જ જાણતા હતા કે હવે પરિણામ શું હોઈ શકે પણ સ્વજનનું મૃત્યુ સ્વીકારવાની હિંમત કે તૈયારી કોની હોય? ખૈર, ઓગણીસમીની સાંજે એમને ઘરે લઈ જવાયા પછી ગણતરીના કલાકોમાં એમણે યમરાજાને ઇર્શાદ કહી દીધું અને ગુજરાતી સાહિત્યના ફલકમાં કવિતા વધુ એકલી પડી ગઈ. તારકકાકાએ હાસ્યજગતમાં સોપો પાડી દીધેલો એમ ચિનુકાકાએ કવિતા, નાટક, વાર્તા જેવા ક્ષેત્રોમાં કલમ અજમાવીને સાહિત્યકારોને રીતસરનો આંચકો આપેલો. સ્વભાવે બંડખોર ચિનુકાકા નવોદિત કવિઓને ઉંમર કે આવડત વચ્ચે લાવ્યા સિવાય જબરું પ્રોત્સાહન આપતાં. આજે એમના હાથ નીચે તૈયાર થયેલાં કવિઓ કાઠું કાઢી ગયાં છે. દરેક માટે એકસરખો પ્રેમ હોવો અને દરેકને કોઈ એક જ વ્યક્તિ માટે એકસરખો આદર હોવો એવું જવલ્લે જ બને. ચિનુકાકા એમાંના એક હતા એમ કહેવું જરાય અતિશયોક્તિ નહીં લેખાય. સાહિત્યને બિરદાવવા ચિનુકાકા હંમેશાં તત્પર રહેતા. ન એમને કોઈ વાડાબંધી કે વિવાદ નડતા હતા કે ન એ કોઈની તરફેણ/વિરુદ્ધમાં હતા. એમ કહેવાય કે એ નખશિખ સાહિત્યની તરફેણમાં જ હતા. ફેસબુકમાં ય ખાસ્સા સક્રિય હતા. તાજેતરની બે ત્રણ પોસ્ટ્સ વાંચતા એમ ખ્યાલ આવે કે કદાચ થોડાં સમયથી એમને મૃત્યુનો પૂર્વાભાસ થઈ ગયો હતો. જો શું હતી એ પોસ્ટ…
‘હેઇ, હલો;
કેમ નિશદિન એમ બબડો
એકલો ,હું એકલો.
હેઇ, હલો.
ભેખડો ભાંગી અને ધસમસ વહે
પાણી વહે
જેમ પર્વત ટોચ પરથી પયગંબરી
વાણી વહે;
મુઠ્ઠીમાં આવી જતી કટિ પાતળીનો
રણઝણ થતો છે મેખલો;
શું કામ બબડો એકલો?
પાંચ પડછાયાથી ભરચક ભીંત
આડી ભીંતને ઠેલી શકો;
સ્હેજ ધક્કો મારીને
ચસચસેલાં દ્વાર
હડસેલી શકો;
શ્વાસ મૂક્યા તે આ મૂક્યા;
એમ શીદને ટેક લો?
હેઇ, હલો
ચિનુ મોદી.
13 /03/17
બીજી આ વાંચ ..
heng it upto the death...
-ચિનુ મોદી
14/3/17
લાગે ને કે આ માણસને આગોતરી જાણ થઈ ગઈ હશે આવનારા સનાતન સત્યની?
હવે સૌના લાડીલા ચિનુકાકા 'ઈર્શાદ'ના સ્મરણો જ એમની અઢળક રચનાઓ સ્વરૂપે આપણી વચ્ચે રહ્યાં છે. જમાનાની થપાટ ખાધેલા આ માણસની અનેક રચનાઓ યાદગાર છે એમાંની એક મારી ઑલટાઈમ ફેવરિટ...
‘કોઈ દૂભાશે એ ખયાલે
હું દૂભાયો વર્ષોથી....’
અદ્ભુત છે ને? I think i should stop here. કેટલાંક લોકો વિશે આપણે પાનેપાનાં ભરીને લખી શકીએ. હેં ને?
બાકી બોલ... All good? કાવ્યાને સારું છે ને? બધું સરખું પાર પડે એવી ભગવાનને પ્રાર્થના. ગીત શું કરે છે? હજુ મને પેલો ફડકો તો છે જ હં કે… અંકલ આંટીને સાદર સ્મરણ.
બિહાગ અને જૈતશ્રી પોતપોતાના તાનમાં મસ્ત…
એ જ લિ.
અંતરા.
***
28/03/17
નવી દિલ્હી.
પ્રિય અંતરા,
પત્ર મળી ગયો છે તારો. ઈશ્વરને કદાચ સાહિત્યરત્નો ભેગાં કરવાની બહુ ઉતાવળ લાગે છે. એટલે જ એક પછી એક સાહિત્યકારોને તેડાં મોકલવા માંડ્યા છે.
પણ, sorry to say this but its a bitter reality . ચિનુકાકા ગયા એથી ય વધુ દુ:ખદ એમના મૃત્યુ પછી થનારી શોકસભા અંગે થતી ચડસાચડસી ને વાદવિવાદ છે. જેને આ તો શું બીજાં ય કોઈ વાદવિવાદમાં તસુભાર રસ નહતો એની જ શોકસભા માટે આટલો બધો વિવાદ? ચિનુકાકાને જાણ હોત કે એમના મૃત્યુ પછી આ પરિસ્થિતિ આવવાની છે તો એમણે મૃત્યુને પાછું કાઢ્યું હોત!
મને તો એમ થઈ ગયું છે કે આ આપણા સાહિત્યકારો? આટલા બધા સંવેદનહીન? સામાન્ય રીતે સાહિત્યકાર હોય એ સંવેદનશીલ હોય . પણ અહીં તો સંવેદનની બાદબાકી થઈ ગયેલી દેખાય છે.. Anyways, આ બધી હૈયાહોળી આપણે કરવાનો કશો અર્થ નથી. આપણા વાંધા વિરોધ બહેરાં કાનો પર જ અથડાવાના છે એ આપણે સમજી લેવું રહ્યું અને કહેવાતા સાહિત્યકારોના ઓરા ( 'aura' ) માંથી જલદી બહાર આવી જઈએ એ જ સારું રહેશે.
જો ચિનુકાકાની તેં લખી એ " કોઈ દુભાશે....."અમર પંક્તિઓથી પ્રેરાઈને આપણે ય બે લીટી લખી કાઢી:
" ભુલવું એટલું સરળ હોય તો કોઈ દુભાય શા સારુ? વર્ષો સુધી.."
કેવી છે? સરસ જ કહેવાનું.
ચલ , કંઈ બીજી વાત કરું.
આજે અમારા ન્યુઝીલેન્ડના એક પ્રોજેક્ટ માટે ગુગલ સર્ફ કરતો હતો . બાજુમાં એઝ યુઝુઅલ કંઈ ન્યુઝ સ્ક્રોલ થયા કરતા હતા . અચાનક એક ન્યુઝ ફ્લેશ જોઈને આપડે ડિટેઈલમાં વાંચવા પ્રેરાયા. રાજસ્થાનમાં એક ગામડું છે. લાંબાહલ્દુ નામનું. (નામેય બાપા કેટલું વિચિત્ર છે! ) અહીં પાણીની સખ્ખત તંગી. ગામ ખરું પણ કુવો નહીં એકેય . ટુ મચ કહેવાય ને? આઝાદી મળ્યાને સાત સાત દાયકા થવાના તો ય આવું ! જે હોય એ.. એક કુટુંબની ચાર વહુઓએ નક્કી કર્યું કે આપણે કુવો ખોદવો. ને બોસ.. કરી બતાડ્યું માતાજીઓએ તો..૩ વરસ થયાં કુવો ખોદતાં પણ પાણી લાઈ દીધું. ને સાધનો કયાં ? તો કહે કે છીણી અને પાવડા...કેટલાં ફુટ ઊંડો કુવો? તો કહે ૪૦ ફુટ .. ..Hats off. . નારીસક્તિ જિંદાબાદ. મને એમ થાય કે આ ચાર જણીઓ મંડેલી તે ગામનો પુરુષવર્ગ શું કરતો હતો? લખે છે કે સરપંચને અનેકવાર કહ્યું પણ કંઈ વળ્યું નહીં .એટલે જિદે ભરાઈને આ ચાર જણીઓએ પોતે જ કુવો ખોદી નાંખ્યો. પણ પાછો મને એમ બી વિચાર આયો કે ધારો કે સરપંચે કંઈ ન કર્યું પણ એમના ઘરનો પુરુષવર્ગ મદદમાં નહીં આવ્યો હોય? એ વિષે કંઈ માહિતી નથી ગુંગાબાપા પાસે. આ બધી મહિલાઓનું સન્માન કરવું જોઈએ. બાકી દર વરસે મહિલા દિવસ આવે એટલે એ જ વરસોથી જેના સન્માન થતા આવ્યાં છે એની એ જ મહિલાઓ.. એની એ જ ભાષણબાજી ..અલ્યા ભઈ.. કુછ તો હટ કે કરો.. બેટી બચાવો ને બેટી પઢાવોના સુત્રો પ્લે કાર્ડ પર લખી લખીને રેલીઓ કાઢવાની , બે પાંચ એવોર્ડ આપવાના.. ને બે પાંચ દિવસમાં પ્લે કાર્ડ ક્યાંય ઊંચા મુકઈ જાય. મોટાભાગે આવું જ થાય છે ને?
અલી આ તો મેં ભયંકર લખી કાઢ્યું. જોજે તું પાછી વિરોધ નોંધાવતી કુદી ન પડીશ. જરા પુણ્યપ્રકોપ ઠાલવ્યો છે બસ.
કાવ્યાને આવતા અઠવાડિયે લગભગ તો બેબી લઈ જ લેવું પડસે એમ ગઈકાલની અપડેટ છે. હોપ ફોર ધ બેસ્ટ. અમે સહુ ચિંતામાં છીએ. કદાચ તને બોલાવું તો આવી જજે. આવશે ને? ગીત કાવ્યાને એની દીકરી હોય એમ જ સાચવે છે. બાળક નહીં હોવાની એની ફરિયાદ કદાચ હવે નિર્મુળ થઈ ગઈ છે. સઘળું વાત્સલ્ય કાવ્યા પર ઢોળી રહી છે એમ હું અનુભવી રહ્યો છું. આમ તો હવે અમે જ કાવ્યાના મા-બાપ કહેવાઈએ ને? બરાબર ને?
બિહાગબાબુને ય કાગળ બીડ્યો છે આમાં. હું કંજુસ છું એટલે મેં જુદું કવર નથી કર્યું. એમ જ કહેવું છે ને તારે ? ઓકે. છું કંજુસ . બસ?
જૈતશ્રીને વહાલ.
એ જ લિ.
હવે કંઈક અણધાર્યું થવાનું છે એવો ફડકો અનુભવતો,
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર