ગાંધીજીએ દોઢ કરોડ શબ્દો લખેલા
18-8-2016 ધનિષ્ઠા નક્ષત્ર ,ગોધૂલિ
અમદાવાદ .
પ્રિય સપ્તક,
સારું થયું તેં વાત કરી લીધી બિહાગ સાથે. તારી ફિકર મારા કરતા એને વધુ હતી. એટલી બધી વાર મને પૂછ્યું ને તારા વિશે કે ત્રાસ થઈ ગયો. વરસાદ નડે નહીં તો સારું, સાઉથમાં આપણા કરતા વરસાદ ઘણો વધારે હોય... વગેરે વગેરે... બિહાગ દેખાય છે એના કરતા કંઈ કેટલા ગણો લાગણીશીલ છે. મને ખ્યાલ છે કે ' બિહાગ-ચાલીસા ચાલુ કર્યાં' એવું બોલશે જ. ;) ગુજરાતમાં ને ખાસ કરીને અમદાવાદમાં વરસાદ મન મૂકીને વરસ્યો નથી કારણકે આ વખતે 'ભૂવો પડ્યો' એવા સમાચાર ઓછાં વાંચવામાં આવ્યાં છે. દેશમાં ઉત્તર પૂર્વનાં મોટાંભાગનાં પ્રદેશો જળબંબાકાર છે. ખરા અર્થમાં ત્યાં આભ ફાટ્યું છે. હમણાંથી જૈતશ્રી ગુજરાતી વાંચતી થઈ છે. આવડે ખરું પણ જો પસંદગી કરવાની આવે તો એ અંગ્રેજી જ વાંચે. કેટલાં લમણાં લીધાં ગુજરાતી વાંચે એટલા માટે પણ મારી બેટી વાંચે જ નહીં એટલે હારીને મેં એને કહેવાનું બંધ કર્યું. મારી અકથ્ય નારાજગી પારખીને હવે છાપાં વાંચતી થઈ છે. એણે આ આભ ફાટ્યું એવું ક્રિયાપદ વાંચ્યું અને મને એનો અર્થ પૂછ્યો. જવાબમાં મેં અર્થ સમજાવતો મોટ્ટો ફકરો કહ્યો પછી પૂછ્યું કે 'પડી ખબર? ' તો એનું એણે તારણ એક જ શબ્દમાં કહી દીધું : 'cloudburst' :p પછી એ તો જતી રહી પણ મારા મનમાં વિચાર રમતા કરી ગઈ. આપણે કેટલું બધું બિનજરુરી બોલતા હોઈએ છીએ, નહીં? જ્યાં એક વાક્ય કે શબ્દની જરુર હોય ત્યાં દસ બાર વાક્યો બોલી દઈએ. ક્યારેક એવા વાણી વિલાસમાં ગેરસમજો ય સર્જાય .. એનીવેય્ઝ.. તું કહે.. ગોઠવાઈ ગયો નવાં ઘરમાં? નવું ઘર જ ને વળી… તું આ ઘરમાં લગભગ બે મહિના રહેવાનો છે એટલે એક પ્રકારની માયા થઈ જશે આ ઘરથી. જોજે તું. આપણે કોઈ સ્થળ પર એક રાત પણ વીતાવીએ એટલે બીજી સવારે એ સ્થળ આપણાને પોતીકું લાગવા માંડે. થયો છે તને એવો અનુભવ? એવું ધ્યાન જ નહીં ગયું હોય મને ખાતરી છે. તારા જાતજાતનાં ડિવાઈસીસ PROPPPER WORK કરે છે કે નહીં એ ચેક કરવામાં જ તારું ધ્યાન વધારે રહેતું હશે. રૂમની બારીમાંથી આજુબાજુમાં શું નજરે પડે છે એ તારા રુટિનમાં ન આવે. તદ્દન વર્કોહોલિક..
પરમ દિવસે 'નવજીવન પ્રેસ' ગયેલી... 'કર્મ કાફે'માં ચ્હા-નાસ્તાને ન્યાય આપ્યો અને 'સ્વત્વ'માંથી ખાદીનું એક ટોપ લીધું. અદ્ભુત જગ્યા છે આ'નવજીવન પ્રેસ' . અહીં આવીએ એટલે પુણ્યભૂમિ પર આવ્યાની લાગણી થાય. કર્મ કાફેમાં પુસ્તકો જ પુસ્તકો... મરજી પડે એ પુસ્તક ઉઠાવો, મરજી પડે એટલીવાર વાંચો... પછી પાછું યથાસ્થાને ગોઠવી દો, મન થાય તો ખરીદી પણ શકો. એ ય ને બહાર વરસાદ પડતો હોય...! ગાંધીજીના પ્રિય ભજનો કે દેશભક્તિના ગીતો ધીમા સૂરે વાગતા હોય, સાથે આદુફુદીનાવાળી ગરમ ચ્હા હોય... અહાહાહા... બીજું શું જોઈએ વરસાદી બપોરે? અમદાવાદમાં ગાંધીજીએ પોતે સ્થાપેલી ચાર સંસ્થાઓમાંની એક એટલે નવજીવન પ્રેસ. ગાંધીઆશ્રમ, કોચરબ આશ્રમ, નવજીવન પ્રેસ અને મજૂર મહાજન ; આ ચાર સંસ્થાઓ ગાંધીજીએ સ્થાપેલી. ગાંધીઆશ્રમમાં તો હું મન થાય ત્યારે અને તક મળે મુલાકાત લઉં જ. દર વખતે નવી જ અનુભૂતિ થાય. ગાંધીજી કોઈવાર આ જગ્યાએ ટહેલ્યા હતા એ વિચારીને ય આ સ્થળ માટેનું વળગણ વધતું જાય... આઈન્સટાઈને લખ્યું છે ને કે ' Generations to come, it will be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this Earth.' how true!
ગાંધીજી પત્રકાર પણ હતા એ તને ખબર છે ને? એમણે જીવનભર કેટલું બધું લખ્યું છે બાપ રે... લગભગ દોઢ કરોડ શબ્દો લખ્યા છે...' 'એમાંનો એક પણ શબ્દ મેં વગર વિચાર્યે ,વગર તોળ્યે લખ્યો હોય, કે કોઈને ખુશ કરવાને ખાતર લખ્યો હોય એવું મને યાદ નથી.' આવું એમણે એમની આત્મકથામાં જણાવ્યું છે. ઇ.સ. 1927મા એમની આત્મકથા પહેલીવાર પ્રસિદ્ધ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 53,81,000 થી ય વધુ નકલો વેચાઈ છે. અફ કોર્સ, આ આંકડો અંગ્રેજી સહિત બધી ભાષાઓનો કુલ વેચાણ આંકડો છે. હવે ભારતની દરેક ભાષામાં ઉપલબ્ધ આ આત્મકથાનું ભારતમાં વિક્રમ વેચાણ મલયાલી (સાત લાખ ,પિસ્તાલીસ હજાર) અને તમિલ ભાષામાં (છ લાખ, પંચોતેર હજાર) થયું છે. ગુજરાતીમાં વેચાણ આંકડો આજની તારીખે છ લાખ અગિયાર હજારે પહોંચ્યો છે. અંગ્રેજીમાં ઓગણીસ લાખ નેવુ હજાર ને હિન્દીમાં છ લાખ ત્રીસ હજાર નકલો વેચાઇ છે. આ તો ફક્ત નવજીવનના જ વેચાણ આંકડા છે. ઇ.સ. 2009મા 'કોપીરાઈટ' પૂરા થયા પછી ગાંધીજીનું બધું જ લખાણ સાર્વજનિક બન્યું અને કોઈ પણ વ્યક્તિ એ લખાણોનો ઉપયોગ પોતાની રીતે કરી શકે એવી પરિસ્થિતિમાં ગાંધી કેટકેટલે પહોંચ્યા હશે વિચાર કરી જો.
ચાલ, બહુ મઝા પડી આજે. ગાંધીજીને યાદ કરવા એ પણ મારા માટે ઉત્સવ છે. તું ખાવામાં ધ્યાન રાખજે. મળ્યું નથી કે મળશે નહીં માનીને ખાઉધરાવેડા ન કરીશ. સાચવજે.
આપની વિશ્વાસુ ,
અંતરા.
*****
૨૦ ઓગસ્ટ,૨૦૧૬
બેંગલુરુ .
પ્રિય અંતરા,
આવી પહોંચ્યો આપણા દેશમાં. સ્વાતંત્ર્ય દિનની ઊજવણીઓ હજુ મગજ પર છવાયેલી છે. કેટલાં બધાં વરસો પછી હું આ દિવસે અહીં છું. રક્ષાબંધન પણ કાયમ કુરિયર મળે ત્યારે જ ઉજવી છે. આ વખતે બેંગલુરુ વાયા દિલ્હી આવ્યો. કાવ્યા દિલ્હી છે ને... એને અને બૈજુને એરપોર્ટ બોલાવી લીધેલાં. છ કલાકનો હોલ્ટ હતો પણ હું બહાર જઈને પાછો આવુ એના કરતા એ લોકોને બોલાવી લઉં તો વધુ સમય સાથે રહેવાય... અમે બંને ભાઈબેન એકબીજાને વળગીને ખૂબ રડ્યાં. એણે શરમાતા શરમાતા મને સમાચાર આપ્યા કે હું મામા બનવાનો છું. જસ્ટ ગઈકાલે જ કન્ફર્મ થયું. અત્યારે તો કોઈ તકલીફ નથી પ્રેગનન્સીમાં. આઈ એમ સો હેપી... મમ્મી-પપ્પા હોત તો બઉ ખુશ થયા હોત. કેદારનાથવાળી જળહોનારતે બંનેને સાથે જ કૈલાસધામ બોલાવી લીધા. હોનારતમાં બંનેના મૃત્યુના સમાચાર મળ્યા પછી કાવ્યા ડિપ્રેશનમાં હતી મેં કહેલું ને તને? કારણકે મમ્મી-પપ્પાને જવું જ નહતું ને કાવ્યાના આગ્રહને વશ થઈ એ લોકો જાત્રાએ ગયેલા. એટલે એમના મૃત્યુ માટે પોતે જ જવાબદાર છે એવું એને ઠસી ગયેલું. અમે ખુબ સમજાવેલી પણ કોઈ રીતે માને જ નહીં. પ્રોપર ટ્રીટમેન્ટથી શી ઈઝ કમ્પલિટ્લી ઓલરાઈટ નાઉ. બૈજુ બહુ સમજદાર પાર્ટનર સાબિત થયો. મારી બહેનને જાળવી લીધી એ માટે હું એનો જિંદગીભર ગુલામ બની રહીશ.
બઉં સેન્ટી સેન્ટી થઈ ગયો, નહીં?
મારે બેંગલુરુમાં જે અપાર્ટમેન્ટમાં રહેવાનું છે એ ફુલ્લી ફરનિશ્ડ... માઈક્રોવેવથી માંડીને વોશિંગમશીન બી છે. જાતે જ કરી લેવાનું બધું. કેટલા વરસો પછી મેં મેગી બનાવી બોલ! એટલી મઝા પડી ગઈ ને ખાવાની તો. રોજિંદી ભારતીય રસોઈ માટે આપણે કહીએ એ પ્રમાણે લોટ, શાકભાજી,ચા ખાંડ, ચાનો મસાલો બધ્ધું જ અવેલેબલ. ટૂંકમાં ઘર જ છે. મને અહીં ગમી ગયું છે મસ્ત. રસોઈ મારો શોખ નથી પણ ભૂખ્યા ન રહેવું પડે એટલી તો આવડે જ છે રસોઈ. કોઈ દિવસ તમને લોકોને જમાડીશ. બાય ધ વે, મિસીંગ તારા બનાવેલા ઢોકળા... તારી જોરદાર માસ્ટરી છે એમાં. મને તો પેલું જ બઉં યાદ રહી ગયું છે તારા સસરાએ કહેલુ ને... 'બાફવાનું બધું બેસ્ટ આવડે છે તને...' હા હા હા... સોલીડ પંચ.
ચલ, પછી વાત. રસોડે જઉં હવે. કંઈ નહીં આવડે તો કોલ કરીશ. એ વખતે પત્ર લખવામાં નહીં આવે. પડી ખબર?
બિહાગને કહેજે ફિકર ન કરે મારી. જરુર પડે તમને લોકોને જ કૉલ કરીશ. જૈતશ્રીને યાદ. પેઇન્ટિંગ કરે છે ને હજી? કે આરંભે બામણભાઈ શૂરા ?
વ્હાલ.
પત્રની પ્રતિક્ષામાં,
સપ્તક.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર