હેપી બર્થ ડે અંતરા...

22 Oct, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

17/10/2016

અમદાવાદ.

પ્રિય મિત્ર સપ્તક, 

હવે તો અમારા ટપાલી ખાનચાચાને ય ખબર પડી ગઈ છે આપણી ભાઈબંધીની. દર બીજા દિવસે એ ય મારી જેમ રાહ જોતા થઈ ગયા છે. કાલે જ કહેતા હતા કે 'આ કવર હવે એકાદ દિવસ પણ મોડું પડે તો મૂઝે ટેન્સન હો જાતા હૈ બિટીયા રાની... ઈન્શાલ્લાહ આપ ઔર આપ કે યે દોસ્ત હમેશા યુંહી ચિઠ્ઠી લિખતે રહો. આમીન...' કેટલી અદ્ભુત દુઆ આપી દીધી અજાણતા જ આ ભલા માણસે! નહીં? એક કબૂલાત કરું? મને થોડું આળસ આવે છે આજકાલ પણ ખાનચાચાના આ શબ્દોએ પત્ર લેખનનાં નિર્ધારમાં તેલ પૂરી આપ્યું ને જો, દીવો ઝગમગ ઝગમગ... હવે આળસ નહીં કરું એવું મેં મારી પાસેથી વચન લઈ લીધું. તારાથી કોઈ કારણસર વળતી ટપાલમાં લખાય કે ન લખાય, હું લખીશ જ. 

એ ટાઈમ ટેબલ, મારી વર્ષગાંઠ આવે છે 24મી એ. ભૂલી ન જતો. જો ભૂલ્યો તો હું આખી જિંદગી તને ટોણાં-સ્ટ્રાઈક કરી કરીને અધમૂઓ કરી નાંખીશ. ભૂલી શેનો જાય? ખાવાનું તો કંઈ ભૂલતો નથી. આટલા વરસોથી બહાર છે પણ law garden ને માણેક ચોકની ખાઉગલીના મેન્યુ ખાસ્સા મજેના યાદ રહે છે. સારું ચાલ, આજનો તને ખખડાવવાનો ક્વોટા પૂરો. બાકીનું આવતા અંકે.

અહીં તો દિવાળી દેખાવા લાગી છે બજારોમાં. આમ તો નવરાત્રિથી જ વાતાવરણ તહેવારમય થવા લાગે છે. લગભગ બધી મોટી કહી શકાય એવી દુકાનો / મોલ્સ પર  લાઈટની ચાઈનીઝ  સિરીઝ ઝૂલતી થઇ ગઈ છે. તો નાની નાની દુકાનવાળા પણ એમના ગજા પ્રમાણે દુકાન સજાવીને ગ્રાહકોને આકર્ષવાની હોડમાં પડેલાં છે. ને જે ધાબાવાળા ઘરો છે એની પાળીઓ પર ગાદલાં ગોદડાં તપતાં દેખાય છે. ઘણી જગ્યાએ વળી અડધા ઉપરની ઘરવખરી ઘરોની બહાર મૂકાયેલી નજરે પડે છે. જેથી ઘર સરખી રીતે સાફ કરી શકાય. નવરાત્રિ અને દિવાળી દરમ્યાન જ આ બધી સાફ સફાઈ એટલે કરવામાં આવે કે ચોમાસા દરમ્યાન લાગેલો ભેજ શોષાઈ જાય. ત્રણ ત્રણ ઋતુનો વૈભવ ધરાવતાં ભારતમાં હવે તરત જ ઠંડીની સિઝન આવવાની એવા સમયે જો ગોદડાં તાપે તપાવ્યા ન હોય તો એમાં રહેલા ભેજના લીધે શ્વાસને લગતી બિમારીઓને પગપેસારો કરતા વાર ન લાગે. તો આ છે ગાદલાં ગોદડાં કે અન્ય ઘરવખરી તડકે મૂકવાનું વૈજ્ઞાનિક કારણ.હવે જો ઘરમાં આ બધું ભેજવાળું જ પડ્યું રહે તો જે બિમારીઓ આવે એમાં પૈસાટકા ય વપરાવાના. હવે જો તું કમાલ... સદીઓ પહેલાં કેટલાક ડાહ્યાઓએ સૂત્ર રમતું કરી દીધું કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ વસે છે. લક્ષ્મીજી સ્વચ્છતા હોય તો જ ટકે... વગેરે વગેરે...  આપણી પ્રજાને તો જો કોઈ પણ વાતમાં શાસ્ત્રો કે ધર્મ ઘુસાડીએ નહીં તો આવું કશું માને નહીં. એટલે નવા વરસને વધાવવા સ્વચ્છતાને પણ મહત્ત્વની ગણી. ખોટું ય શું છે જો કે ? ગુજરાત સિવાય આવું સાફ સફાઈવાળું કેવુંક જોર છે એનો મને ખયાલ નથી પણ  વિદેશોમાં તો આ ખયાલ સહેજ પણ પ્રચલિત નથી. એટલે આપણી આવનારી પેઢીઓ ય દેખાદેખીમાં આ રીતની સાફસફાઈનાં કોન્સેપ્ટને જ તડકે મૂકી દે તો નવાઈ નહીં. અમે ય ઘર ચકચકિત કરી નાંખ્યું છે. પણ જ્યાં બિનજરુરી પુસ્તકોનો યોગ્ય નિકાલ કરવાની વાત આવી કે ત્રણે ય જણે પોતપોતાને ગમતાં પુસ્તકો તારવી લીધાં ને છેવટે પાછાં યથાસ્થાને કબાટમાં મૂકી દીધાં. પુસ્તકોની બાબતમાં અમે સરખાં જ પઝેસિવ છીએ. જો હમણાં જ સ્ફુરી નવી કહેવત એ કહું : પાંસળી તૂટે પણ પુસ્તક ન છૂટે ;) 

ગીત ત્રેવીસમીએ ઇન્ડિયા - દિલ્હી આવશે એમ કહ્યું મને. કોન્ટેક્ટ નંબર એકવાર અહીં આવી જાય એટલે આપશે એમ કહ્યું છે. 

કાવ્યાને અત્યારે તો થોડી મુસાફરીની છૂટ આપી છે એટલે એ કદાચ ગીત સાથે મુંબઈ જશે. એક અઠવાડિયું રોકાશે એમ કહેતી હતી. હું શું કહું છું સપ્તક, તું ય એ સમયે મુંબઈ જાય તો કેવું? 

એ જ લિ. 

અંતરા. 

*********

20 Oct 2016 

પ્રિય અંતરા,

Here is a surprise for you. લે આ જાતે બનાવેલું કાર્ડ. તારી B'day પર કદાચ તને wish ન કરી શકું તો? એમ વિચારીને આ કાર્ડ વહેલું પોસ્ટ કરી દીધું. I hope તને 24th સુધીમાં મળી જાય. ગીત સાથે રહીને આવાં ગતકડાં કરવાની મને ય મઝા આવવા લાગી છે. મને ખબર છે કે તને ય આવું બધું ગમે છે. તારાં જાતે બનાવેલાં કાર્ડ્ઝ હજી આપડે સાચવી રાખ્યા છે. વોટેવર..HAPPY BIRTHDAY DEAR. MAY ALL YOUR DREAMS COME TRUE. BEST WISHES. ભગવાન તને જગતભરની બધી જ ખુશીઓ આપે અને ઉદાસીઓ સહન કરવાની શક્તિ આપે એવી સપ્તકપુર્વક શુભેચ્છાઓ. (ટપાલ ટિકીટના પૈસા બચાવવા કાર્ડમાં જ પત્ર લખ્યો એવું આડું વિચારવાની જરુર નથી. ભાવનાઓ કો સમજો.. ભાવના કોણ એવી pj મારવાની ય જરુર નથી કારણકે બહુ પ્રાચીન થઈ ગઈ હવે એ pj ;) )

જૈતશ્રીને ગમે છે કે નહીં આવી આર્ટ એક્ટિવિટી? ને સાહેબને? ગમતી જ હશે આમ તો. કારણકે કળાકાર ક્યારેય કોઈ એક જ કળાનો ચાહક ન હોય. એને અન્ય કળાઓમાં કદાચ સમજ ઓછી પડે પણ મઝા તો પડે જ. એ બંને મ્યુઝિકના શોખીન છે એ મને યાદ છે. ને જૈતશ્રીને પેઈન્ટિંગમાં રસ છે એ પણ યાદ છે. એ એક કામ કરજે, ગીત આવે ત્યારે જૈતશ્રીને મુંબઈ મોકલી આપજે. એને ય એક નવો એક્સપિરિયન્સ થસે ને ગીતને ય હેલ્પ રેહસે. કેમ લાગે છે? 

ઑફિસમાં હમણાં ખાસ કામ નથી હોતું. એટલે કે હોય છે પણ મેં કહેલું ને તને કે બધાને અસાઈન કરી દીધું છેતો મારે થોડી રાહત છે. તે ધીમનઅંકલ પાસેથી નાની નાની પુસ્તિકાઓ લઈ જઉં. નવરો થઉં એટલે વાંચું. Did you mark i used the word પુસ્તિકા? આંટીએ યાદ કરાવ્યો આ સબ્દ. અત્યારે મારી પાસે દુષ્યંતકુમારનું કંઈક સંગ્રહ જેવું છે. યસ્સ... સેઈમ દુષ્યંતકુમાર.. આપણા બંનેના ફેવરિટ. તું શું વાંચે છે હમણાં? કે રામ રામ? આખો દિવસ ફેસબુક ને વોટ્સઅપ ને હાઈક ને એવા બધાથી કંટાળતી ય નથી? ;) એ સોરી સોરી.. આ તારા ડાયલોગ્ઝ છે જે કોઈક જમાનામાં તેં મને કહેલા. આજે મને તારો સાચ્ચા દિલથી આભાર માનવો છે કે તેં જો ઇન્સીસ્ટ ન કર્યું હોત તો હું હજુ ય આ બધી આભાસી માયામાં જ રચ્યો પચ્યો રહેત અને મને કદી જાણ પણ ન થાત કે હું આટલું સારું ગુજરાતી હજુ લખી શકું છું. તું કહેતી રહી કે લખી તો જો અને હું ટાળતો રહેલો. મને એ વખતે તેં દુષ્યંતકુમારની પંક્તિઓ લખેલી એ મેં મારા વોટ્સઅપ સ્ટેટસમાં કોતરી રાખી છે. Here they are, 

કૌન કહતા હૈ આસમાં મેં સુરાખ નહીં હો સકતા,

એક પત્થર તો તબિયત સે ઉછાલો યારો...

Too good lines.. Thanks નહીં કહું.. વળી પાછી વડચકું ભરસે. 

ફરી એકવાર.. Happy birthday my dear friend, thanks for being always there for me. તારા જેવું સ્વજન મળવું એ સાચ્ચે ગયા જનમના જ કોઈ પુણ્ય બાંધ્યા હશે એ encash થયા.

Truly yours,

સપ્તક . 

PS.. જૈતશ્રી અને સાહેબને યાદ કહેજે અને આપડું પાક્કું છે એમ બી કહેજે. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.