એ સપ્તક્યાઆઆ...
09/10/2016, આસો સુદ આઠમ, 11.56 રાત્રે.
અમદાવાદ
આવો તો રમવા ને.. ગરબે ઘૂમવાને... માડી મારે જોવા છે તમને રમતાં રે... ગરબે ઘૂમતાં રે...
આ ગરબો મને પ્રિય થઈ પડ્યો છે. આજે અહીં ગરબા અને ખેલૈયાઓ એકદમ હિલ્લોળે ચડ્યાં છે. જે પ્રજા વરસતા વરસાદમાં ય ગરબા રમવાનું સામર્થ્ય ધરાવતી હોય એને વળી બીજું શું નડવાનું? ગઈકાલથી વરસાદ પણ આ ગરવો ગુજરાતી મહોત્સવ જોવા વરસવાનું ભૂલ્યો છે. તને નવરાત્રિ તો યાદ છે ને? કે બધું ભુલી ગયો, અંગ્રેજ? ટિપિકલ છાપાળવી ભાષામાં કહું તો ગરબો શેરીમાંથી નીકળીને હવે પાર્ટી પ્લોટ્સ અને ક્લબોમાં ઠરીઠામ થયો છે. દરેક જણને હવે ક્લબ કે પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જવું છે. આપણે ત્યાં પણ બધાને બહાર જવું જ હોય પણ સોસાયટીમાં નિયમ કર્યો છે કે અહીં ગરબા પૂરાં ન થાય ત્યાં સુધી બધા એ અહીં જ ગરબામાં ભાગ લેવાનો. આમ પણ બધે ગરબા મોડાં જ શરુ થાય છે તો હજુ સુધી તો આ નિયમનો કોઈએ વિરોધ કર્યો નથી.
સુમેળ સારો છે અમારી સોસાયટીમાં. ગરબા ગાય કે નહીં પણ દરેક જણ બહાર આરતી ને ગરબા માટે ચોક્કસ આવે જ. ગરબા રમનાર કરતા પ્રેક્ષકોની સંખ્યા વધુ હોય પણ મઝા પડે છે. આવી સામુહિક પ્રવૃત્તિમાં એક જણે નેતાગીરી લેવી પડે તો જ કામ પાર પડે. આરતી, ગરબાના રાઉન્ડ પતે એટલે ચ્હાના રાઉન્ડ ચાલુ થાય. તો ય, એક -સવા કલાકમાં તો ફ્રી થઈ જ જવાય. ને તો ય પાર્ટી પ્લોટ્સમાં તો હજી 'એ હાલોઓઓઓ...' ના બૂમબરાડા જ ચાલતા હોય. આઠમનું બહુ મહત્ત્વ હોય છે. ગુજરાતીઓ ઉપરાંત બંગાળીઓ પણ આ તહેવાર 'દુર્ગાપૂજા' તરીકે ઉજવે છે. એમને ય આઠમનું બહુ મહત્ત્વ. અમદાવાદમાં ય હવે બંગાળીઓની વસતી છે સારી એવી. એટલે આખા અમદાવાદમાં જુદી જુદી પાંચેક જગ્યાએ 'પંડાળ' થાય છે. એ ય ને દુર્ગામાની મોટીમસ મૂર્તિ હોય અને બધા દર્શન કરવા આવે. દશેરાને દિવસે પરિણિત સ્ત્રીઓ 'સિંદુરખેલા'નો લહાવો લે જેમાં પરણેલી સ્ત્રીઓ મા દુર્ગાને કપાળે અને પગે સિંદુર અથવા કંકુ થી પુજા કરે અને પછી એકબીજાને પણ ગાલે, કપાળે સિંદુર કે કંકુ લગાડી સૌભાગ્ય માટે શુભકામનાઓ આપે. પાર્વતી આ દિવસોમાં દીકરી સરસ્વતી અને લક્ષ્મી, દીકરાઓ ગણેશ અને કાર્તિકને લઈને ચાર દિવસ માટે પિયર આવે ને વિજયા દશમીએ પરત પતિગૃહે હિમાલય જાય એવી દંતકથા છે. આપણો દરેક તહેવાર કોઈ ને કોઈ દંતકથા સંકળાયેલો છે એ તેં નોંધ્યું છે કદી?
ગીતને આવડે છે ગરબા રમતા? કે ડિસ્કોવાળી જ પાર્ટી છે?કાવ્યાને તો ગરબા આવડે છે એ મને યાદ છે.નાની હતી ત્યારે કેવી મસ્ત ઢીંગલીની જેમ તૈયાર થઈને 'મલ્લામાતાની આઈતી માતે ચલો..' બુમ પાડતી! યાદ રહી ગયું છે મને બરાબર. ને તને એ જે લહેકાથી 'એ સપ્તક્યાઆઆ...' કહેતી એ લહેકો તો મને કદી નહીં ભુલાય.
ચલ, અહીં વિરમું. સ્કુટર પાર્ક કરવા જતાં જમીન માપી છે ને કાયમની માફક ડાબા હાથ પર જ વાગ્યું છે એ દુખે છે.ચિંતા ન કરીશ. મૂઢ માર જ છે. બે એક દિવસમાં મટી જશે.
લિ.અંતરથી યાદ કરનાર ,
અંતરા.
********
13/10/2016,સાંજે 6.
બેગલુરુ.
અલા ડેમેજ પીસ,
હજુ ય તારી ગમે ત્યાં ગબડી પડવાની આદત ગઈ નહીં? જ્યાં ને ત્યાં ગબડી જ પડે. બિહાગને કહે કે એક કેર ટેકર રાખે તારા માટે. દિવસના ભાગે એ આવે. સાંજે તો બિહાગ આવી જાય પછી જરુર નહીં. પહેલાં ય પડી ગયેલી ને ત્રણ ચારવાર સ્કુટર પરથી? એવું તે કેવું સ્કુટર ચલાવે ને પણ? આને વધારે પડતી કેરલેસનેસ કહેવાય. એકવાર સ્કુટર સ્ટેન્ડ પર નથી એ યાદ ન રહેવાથી સ્કુટર સહિત આપ જમીનદોસ્ત થઈ ગયેલાં. આ વખતે ય એમ જ કે ? તું બંધ કર વેહિકલ ચલાવવાનું જ. રિક્ષાવાળા કે હવે તો ઓલા કે ઊબર કેબવાળા ના નહીં પાડે તને. એમાંજ જવાનું કર બેન તું. બધાના જીવને નિરાંત . ચલ , ધ્યાન રાખજે હવે .
એક તને ગમે એવી વાત કરું . મેં નોન-વેજ ખાવાનું બંધ કરી દીધું. આજે પુરો એક મહિનો થયો 'નો નોનવેજ.' એગ્સ પણ નહીં. કાલે ' World Egg Day' છે. ધીમનઅંકલ એન્ડ ફેમિલીના લીધે મારા ' નો નોનવેજ ' મિશનને બળ મળ્યું એ મારે કહેવું જ પડે. લોકોમાં ઈંડા પ્રત્યે જાગૃતિ વધે અને સુગ ઓછી થાય એવા આશયથી ઈ.સ. 1996થી દર વરસે ઑક્ટોબરનો બીજો શુક્રવાર ' World Egg Day' તરીકે ઉજવાય છે. તને જાણીને રમૂજ થસે કે ત્રીસ મિનિટમાં 427 ડબલ એગ ઑમલેટ બનાવવાનો વિક્રમ અમેરિકાના કોઈ હાવર્ડભાઈના નામે છે. આપડે હવે ઈંડા ફીંડા ખાવાના બંધ કરી દીધાં છે બાકી સહુથી સ્વાદિષ્ટ ઑમલેટ આપડે જ બનાવતા. તેં તો મેં બનાવેલી ઑમલેટ ચાખી પણ નહીં ના કોઈ દિવસ?લુઝર. તું કદી ખાતી નહીં ઈંડા અને તું સાથે હોય તો ખાવા દેતી પણ નહીં. સોલ્લિડ દાદાગીરી હતી તારી. દાદાગીરી તો મારો જન્મસિધ્ધ અધિકાર છે એમ કહેતી પાછી. ગેંગસ્ટર હારી.
અહીં આવ્યા પછી મારે ને સોશ્યલ મિડીયાને જરા ડિસ્ટન્સ થઈ ગયું છે.જો કે શરુઆતમાં એવું લાગતું હતું કે હવે મારું સુ થસે ? પણ આપણા કોરસપોન્ડન્સે મને બચાવી લીધો.તને ખબર નહીં હોય પણ મારે એન્ટી ડિપ્રેશનની ટ્રીટમેન્ટ લેવી પડેલી. એક તો પારકો પ્રદેશ અને એમાં જોઈએ એવી જોબ નહોતી. ફેમિલી આખું ઈન્ડિયામાં. એમને સાચું કહેવાય નહીં. મારા પર કેટલી બધી આશાઓના મિનારા ઊભેલાં. એ મિનારાઓને લીધે જ ન્યુઝીલેન્ડમાં તકલીફો ભયંકર હતી તો ય ટકી રહ્યો. જે ભણ્યો એ સિવાયનું જ બધું કરવાની ઑફર આવતી ત્યારે. એકવાર તો 'ગ્રેડર' ની જોબ પણ કરી 3 વીક. એમાં મારે નાનું ઈંડુ નાના ખાનામાં ને મોટું ઈંડુ મોટા ખાનામાં મુકવાનું. પૈસા નહતા એટલે એ ય કરી લીધું. પણ હું સાવ બદલાઈ ગયેલો. ફોરેઈનના ગ્લેમરસ ભુતથી અંજાયેલો હું વાસ્તવિક ધરતી પર આવી ગયો. ને પછી આ ડિપ્રેશન. છ આખા મહિના સેશન્સ કર્યા પછી ગાડી પાટે આવી. ગીત ત્યાં જ મળેલી મને. Blessing in disguise. એના એફર્ટ્સના કારણે હું જલદી રિકવર થઈ ગયો. એ બધી વાત માટે આપણે અલગથી પત્રો લખીશું સજનવા. મૈં તુઝે સુનાઉં તુ મુઝે સુના અપની પ્રેમ કહાની... રાઈટ?
હમણાં મારે જરા નિરાંત છે ટ્રેઈનિંગમાં. બધાને જુદા જુદા ટાસ્ક અસાઈન કર્યા છે એક વીક માટે. જવાનું ખરું સેન્ટર પર, પણ કોઈ પુછે તો તૈયાર ભાણું નહીં આપી દેવાનું. હીન્ટ જ આપવાની. એમાંથી એ કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરે છે એનો મારે રિપોર્ટ રેડી કરવાનો. બે જણ બહુ શાર્પ છે. કદાચ અમારી કંપનીમાં જ એમને અપોઇન્ટ કરી દઈશ. યસ મેડમ, આઈ હેવ ધ પાવર ટુ અપોઇન્ટ પીપલ હીયર.
ગીત આવતા અઠવાડિયે મુંબઈ પહોંચશે. એનાથી કેટલું રોકાઈ શકાશે એ હજી નક્કી નથી. ઈવન, મારા રોકાવાનું તો ઠીક જઈ શકું એક દિવસ માટે ય, તો ય બહુ છે.
જૈતશ્રીને કહેજે કે "all is well all is well." એનો અર્થ તારે જાણવાની જરુર નથી. બિહાગને ય આ જ વાત કરજે.
લિ. સપ્તાહના સાતે ય દિવસ કાગળ લખવા તૈયાર,
સપ્તક .
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર