મને સુડોકુનું ચેટક લાગ્યું છે
16મી એપ્રિલ,2017
રવિવાર.
અમદાવાદ
પ્રિય સપ્તક,
સદીઓ પહેલાં જ્યારે પૈડું શોધાયું ત્યારે મહા ક્રાંતિ થયેલી મનાતી હતી. પણ એ જમાનાના લોકો પૈડું બનાવીનેય પૃથ્વીની બહાર તો ન જ નીકળી શક્યા. હશે. જેના જેવા નસીબ. બીજું શું? એ સમયે બધાને કંઈક કરી દેખાડવાનું જોશ હતું એટલે થોડાં થોડાં સમયે કંઈક ને કંઈક બખડજંતર કરી કરીને કશુંક તો ઉપયોગી શોધી જ નાંખતા. મજાક મજાકમાં કહો કે ચડસાચડસીમાં કહો , કેટલું બધું શોધ્યું છે, નહીં? પાણી બચાવવું જોઈએ . Green જંગલને બદલે GRILL જંગલ વધતાં જાય છે ને આપણે પર્યાવરણના નામે કાળો કકળાટ કર્યા સિવાય કશું કરી શકતાં નથી. જબરી કઠણાઈ છે. બાપ રે કેટલી ગરમી છે? ઝૂંપડામાં રહેવાવાળાનું શું થતું હશે? પરમદિવસે આવા બધાં ક્યાંય છેડા ન અડતાં હોય એવા વિચારોનો ટ્રાફિક મારા મગજમાં jam થઈ ગયેલો. કંઈ ખબર ન પડે કે શું કરું. અચાનક હાથમાં ‘ચિત્રલેખા’ આવ્યું. કશું જ ચોક્કસ વાંચવાની ઇચ્છા ન હોવાથી યંત્રવત્ આમતેમ પાનાં ફેરવતી હતી એટલાંમાં ચોક્ઠાં ભરો વાળું પાનું આવ્યું. એમાં ધ્યાન પરોવ્યું થોડીવાર . મઝા પડી ગઈ અને હું ક્યારે એમાં ખોવાઈને તરોતાજા થઈ ગઈ એ ખ્યાલ જ ન આવ્યો. Actually, ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ક્રોસવર્ડ પઝલ બહુ અદભુત માધ્યમ છે. મગજને કોઈ એક દિશામાં કામે લગાડવું પડે એટલે સ્વાભાવિક જ ધ્યાન એમાં જ રહે. શું કહેવું છે તારું? ‘ચિત્રલેખા’વાળી પઝલ ભરી કાઢી .ચાર શબ્દો ન આવડ્યાં. આમ હૈયે હોય પણ હોઠે ન આવે જેવું. રોજબરોજનાં કેટલાં બધાં શબ્દો ને વાક્યો આપણે બોલતાં હોઈએ છીએ ,નહીં? ક્રોસવર્ડ પઝલ ભરવાથી શબ્દભંડોળ તો વધે જ પણ યાદશક્તિ ય સુધરે.
‘ચિત્રલેખા’માં આવતી આ પઝલ હું કાયમ ભરતી એ યાદ છે? દર વખતે સ્પર્ધામા ભાગ લેવાનો કે કોઈવાર પેલી નોનસ્ટીક તવી ઈનામ લાગે તો ;) પણ કોઈ દિવસ ઇનામ લાગ્યું જ નહીં . તું કાયમ ચીડવતો કે એ લોકો જાણીજોઈને જ મને ઈનામ નથી આપતા કારણકે એમને જાણ છે કે મને રસોઈનો શોખ નથી એટલે એ તવી પર ઢોસા ઊતારવાને બદલે ફુલપાન ને વેલાં ચીતરીને ભીંત પર લટકાવે એવી છે. કેટલી થર્ડ રેટ પીજે હતી એ ? હજુ ય દાઝ ચડે છે મને.
બીજી વાત કરીએ ચાલ. તને સુડોકુ ગમે ? મને તો બહુ જ ગમે. આ જાપાનીઝ રમત અચાનક જ જાણે લોકપ્રિય થઈ ગઈ છે. છાપાંમાં નવ બાય નવ ના ચોક્ઠામાં છપાતી આ રમત જોરદાર છે. એકથી નવના આંકડા નવ ચોરસમાં ગોઠવવાના. એવા નવ નવ ચોરસના ચાર, કોઈવાર છ અને મોટાભાગે નવ ચોકઠા હોય. આડી ઊભી હારમાં એકેય આંકડાનો ફરીવાર ઉપયોગ નહીં કરવાનો. ખાસ કરીને મુસાફરી સમયે આ બંને રમતો મને બહુ ગમે. સ્માર્ટફોન નહતા ત્યારે છાપાંમાં આવું નવ બાય નવવું એક જ ચોકઠું આવતું. મને પહેલાં સમજ નહતી પડતી પણ હવે ફાવવા માંડી છે આ રમત.એટલે મેં મોબાઈલમાં ય સુડોકુ ઇન્સ્ટોલ કરી દીધું છે. એક રમત પુરી થાય કે તરત જ બીજા ચોક્ઠાં ચેલેન્જ હાજર… વાંચન ઘટ્યું છે એટલે ક્રોસવર્ડ પઝલથી ધ્યાન જરા હટ્યું છે. ફરી શરૂ કરી દઈશ ટૂંક સમયમાં જ. અહીં દર વર્ષે મે મહિનામાં નેશનલ બુક ફેર યોજાય છે. થોડાં પુસ્તકો ફરજિયાત ખરીદીશ જ. કયાં લેવાય ? Suggestion please . હા, ‘હવે, ઇ-બુક્સના જમાનામાં શું હજુ ય થોથાં ઉંચકવાના?’ એવું આપશ્રી બોલ્યા જ હશો. પણ, પુસ્તકના પાનાં ફેરવતા આવતો અવાજ, સુગંધ, સ્પર્શ મને આજે ય એટલાં જ ગમે છે જેટલાં દર વર્ષે નવા ધોરણમાં જતી વખતે પુસ્તકોને પૂંઠાં ચડાવવામાં , લેબલિંગમાં ગમતાં. તારાં પુસ્તકોના તો કાયમ માંડ મહિનો જ થાય સ્કૂલ શરૂ થાય ને પાનાં છૂટાં ય પડવા માંડતા. રેઢિયાળ ક્યાંયનો. જોવાની ખૂબી એ હતી કે નિશાળના પુસ્તકો જ તું એવાં રાખતો. બીજાં બધાં પુસ્તકો તો એટલાં સાચવતો કે મને એમ જ લાગતું કે જેમ પેલા રાક્ષસનો જીવ પોપટમાં હતો એમ તારો જીવ પુસ્તકમાં છે. કોઈ લઈ ગયું હોય અને જો સરખું સાચવ્યું ન હોય તો એની સાથે ઝઘડી પડતો. એકવાર તારી પાસેથી મેં પુસ્તક લીધેલું ને ક્યાંક આડા હાથે મૂકાઈ ગયેલું તો મને કેવી પાણીથી પાતળી કરી નાંખેલી? યાદ છે કે ? એ પુસ્તક પાછું મળી ય ગયું પછી ય મારે કેટલા મનામણા કરવા પડેલા શેઠના તો… રિસાળવી રાધા… :p
કાવ્યાની તબિયત સારી છે એ જાણીને હાશ થઈ. ગીત મેડમ કઇ દુનિયામાં છે? કાન આમળજે એનો . મારાથી નારાજ છે કે ? એના ભાઈને તો આખો દિવસ મેસેજ કરતી હોય છે પાછી. અંકલ આંટીને પ્રણામ.
એ જ લિ.
પુસ્તકપ્રેમી
હું.
***
18-04-17
New Delhi.
ડિયર અંતરા અને બિહાગભાઈ,
અત્યંત ટેન્શનમાં તમારી સાથે વાત કરીને મનને જરા રાહત મળી હતી. પણ અત્યારે આ પત્ર હોસ્પિટલમાંથી જ લખી રહ્યો છું. કાવ્યાને લઈ જ આવવી પડી છેવટે વહેલી. કાલે આપણે વાત થઈ ત્યારે મેં કહેલું કે જરા ગરબડ જેવું લાગે છે કાવ્યાની તબિયતમાં. રાત્રે કેદારની ધીરજ ખૂટી ગઈ અને એણે ડોક્ટર સાથે વાત કરી અને એમણે કહ્યું એ દવાઓ ઘરે જ આપી. પણ સવારે ય ખાસ ફરક જણાયો નથી એટલે અમે એને સીધી હોસ્પિટલ જ લઈ આવ્યા છીએ. અગિયાર વાગે ડોક્ટર આવીને નિર્ણય લે એ પ્રમાણે કરીશું. Pray for my doll… :( એને તકલીફ પડે એ કોઈથી સહન થતું નથી. ગીત હમણાં તો કાવ્યાના ઘરે ગઈ છે અને ત્યાં કાવ્યાની હોસ્પિટલની બધી તૈયારીઓ આંટીએ કરી જ મુકેલી તે પ્રમાણે કપડાં લઈને આવશે. અત્યારે તરત આવવાની ના કહી છે. ત્યાં ઘરે રહીને રસોઈમાં મદદ કરાવશે અને પછી અહીં નક્કી થાય એ પ્રમાણે હોસ્પિટલ આવશે.
મગજ સાવ બહેર મારી ગયું છે. બેટી કો તકલીફ મેં દેખ કર મર્દ કો ભી દર્દ હોતા હૈ. આજે કંઈ જ લખવું ન હતું પણ પ્રોમીસ ઈઝ પ્રોમીસ. પત્રસાંકળ તૂટવી ન જોઈએ. આ પત્ર તમને મળશે ત્યાં સુધીમાં તો સારા સમાચાર આપી જ દીધાં હશે.
એ જ લિ.
બધા મંદિર મસ્જિદમાં નત્ મસ્તક,
સપ્તક
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર