અંતરા, હું હમ્પીમાં ફરું છું

12 Nov, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

3/11/2016,

અમદાવાદ,

પ્રિય સપ્તક, 

કેમ છે દોસ્ત? અત્યારે હું કાફે પર છું ને મારી સામેના ટેબલ પર ત્રણ યંગસ્ટર્સ બેઠા છે બે. છોકરાઓ અને એક છોકરી. ત્રણેય વીસની અંદરના હોય એવાં લાગે છે. એમને જોઈને કોઈને ય પોતાની કોલેજ લાઈફ યાદ ન આવે તો જ નવાઈ. પાણીપુરી ખાવી કે સેવપુરી એ બાબતને લઈને ચડસાચડસી કરી રહ્યા છે. એટલી ઉગ્ર ચર્ચા કરી જરાવાર પર તો કે એમ જ થાય કે આ ત્રણે ય ને છોડાવવા પડશે કે શું? પણ વળી પાછાં હાહાહીહી કરતા એક થઈ ગયા. મને પહેલાં સહેજ ગુસ્સો આવ્યો પણ પછી મને જ મારા કોલેજના ને હું શું કરતી એ યાદ આવતાં જ હળવાશ અનુભવી અને આ લોકોની ધમાલની સાક્ષી બની રહી. શું દિવસો હતા એ તો !  Gone were the days ! સ્કૂલમાં પણ એટલું જ એન્જોય કર્યું છે. 

Of course ,શિસ્તમાં રહીને . કોલેજમાં આવીએ એટલે જાણે પાંખો ફુટે. એકદમ શિસ્તમય વાતાવરણમાંથી ખુલ્લા આકાશમાં ફંગોળાઈ ગયા હોઈએ એવું લાગે. એ ય ને કેમ મોડાં આવ્યા ને કેમ વહેલા જાવ છો , ક્યાં જાવ છો વગેરે વગેરે પ્રશ્નોના જવાબ આપવાનું  બંધન નહીં.  મેં તો કદાચ ચ્હાની શોખીન હોવાને લીધે કોલેજ કરતા ચ્હાની કીટલીએ વધારે હાજરી ભરી હશે. ;) તારો શું સીન હતો કોલેજમાં ? ભણ્યો તો ખરો કે પછી  હરિ : ૐ ? જો કે આઈ.ટી.એન્જિનીયર થયો છે એટલે ભણ્યો ન હોય એવું તો ન બને . પણ તોફાન તો કર્યા જ હશે. નાનો હતો ત્યારે ય વડનાં વાંદરા ઉતારે એવો હતો. એમ તો કંઈ લક્ષણ બદલાય નહીં . હેં ને ? જો મારી ભુલ ન થતી હોય તો કાવ્યા ડાહી ખરી પણ રડતારામ હતી. જરા જરામાં આંખમાં મોતીડાંના તોરણ બંધાતા. ને તું તરત જ ડિફેન્સ માં આવી જતો. ત્યારે ય તું કાવ્યાનું ખુબ ધ્યાન રાખતો. એક વાત કહું? મને તમારા બંનેના આ વ્હાલની છાની ઈર્ષ્યા આવતી. આ રીતે વહાલ વહેંચનારું મારે કોઈ નહીં એવી મીઠી ફરિયાદ પણ મમ્મી આગળ કરેલી બે ત્રણ વાર.  પણ મમ્મીએ હસીને વાત ટાળી દીધેલી.. પછી તો સમજણ આવતી ગઈ એમ મેં એવા કશા સવાલ જવાબમાં પડ્યા વિના પુસ્તકો સાથે મૈત્રી વધારી. આજની તારીખમાં પણ પુસ્તકો મારા સાચાં મિત્રો છે. પણ , તારાં જેટલાં નહીં ;) તું એટલે તું . તમે લોકો જેટલો સમય અહીં રહ્યા એટલો સમય તું મારા લાખ દુ:ખો કી એક દવા રહ્યો. ને મને તારી મૈત્રી એવા વળાંક પર મળી કે હવે હું બીજા કોઈ સાથે આટલું તાદાત્મ્ય અનુભવી શકતી નથી. ભલું થજો ગીતનું અને બિહાગનું કે એ આપણી મૈત્રી સમજી શક્યાં છે. બાકી ઘણાં એવાં નમુનાં હોય છે જે જડપણે એવું માનતા હોય કે બે વિજાતીય પાત્ર વચ્ચે કોઈ દિવસ મૈત્રી સંભવી જ ન શકે. પ્રેમ હોય જેને એ લોકો 'લફરું' એવું સસ્તું નામ આપે છે. એમાં ને એમાં કેટલાંય સાચાં મિત્રો એકબીજાની યાદીમાંથી તડીપાર થઈ ગયા હશે અને કોઈવાર છાના છપનાં એકબીજાં સાથે વીતાવેલો સમય યાદ કરીને થોડું ભુતકાળમાં ફરી જીવી લેતાં હશે, નહીં? 

ચાલ, લાગણીશીલ નથી થવું. કાવ્યા ને ગીત પાછા પહોંચી ગયાં? ગીતના exhibition માં લગભગ તો નહીં જઈ શકું પણ જૈતશ્રીને ચોક્કસ મોકલીશ. તારે ક્યાં સુધી રહેવાનું થશે અહીં? હવે અહીં આવ્યો જ છે તો અમદાવાદ પણ એક આંટો મારી જ જજો બંને જણ exhibition પછી . . કોણ જાણે ફરી ક્યારે આવી શકાય તમારાથી. કાવ્યાની delivery વખતે તો તમે આવશો જ પણ કેટલો સમય હશે તમારી પાસે એ જોવાનું . 

લિ. 

અંતરથી તમારા બધા સાથે જોડાયેલી,

અંતરા. 

 

********

05/11/16

હમ્પી,

પ્રિય અંતલી,

નવાઈ લાગી ને હમ્પી વાંચીને ? યસ્સસ... બંદા ઈઝ @હમ્પી. દિવાળીની રજાઓ adjust કરવાની હતી અને મારી સાથે જે ટ્રેઈની છે એમને બ્રેક જોઈતો હતો. એટલે આપડે ચાન્સ લીધો. ત્રણ દિવસ માટે બધાને રજા આપી. એમાંથી ત્રણ જણાં મારી સાથે આવ્યાં છે હમ્પી. તેં કહ્યું હતું એમ જ બેંગલોરથી 6 કલાકની રોડટ્રીપ છે. સવારમાં 7 વાગ્યે શાર્પ નીકળી ગયેલા તો બપોરે અરાઉન્ડ 1  વાગ્યે  તો  ટચ્ડ હમ્પી. Anyways, ફટાફટ હોટેલ પહોંચીને રુમમાં સેટલ થઈ ગયા. અહીં અંધારુ જરા વહેલું જ ઉતરી આવે છે એમ ધીમનઅંકલે માહિતી આપેલી એટલે અમે જમીને રિસોર્ટમાં જ થોડું આમતેમ ટહેલીને સાડાત્રણે તો નીકળી જ પડ્યાં. ચારે બાજુ લીલુ છમ્મ.. કેળાની વાડીઓ,શેરડીના અને ચોખાના ખેતરો મસ્ત...સૌથી પહેલાં ગણેશની મુર્તિ જોઈ. 'સાસીવ કાલુ' ગણેશની આ મુર્તિની ખાસિયત એવી છે કે એને તમે સામેની બાજુથી જોવો તો તમને ગણેશ એકલા જ દેખાય પણ પાછળ જઈને જોવો તો માતા પાર્વતીના ખોળામાં બેઠેલા લાગે. સુંદર મુર્તિ છે. ત્યાંથી ચાલતા ચાલતા નીચે આવો એટલે ' વિરુપાક્ષ મંદિર ' આવે. આ મંદિર અત્યંત પવિત્ર ગણાય છે અને મઝાની વાત એવી છે કે હજુ પણ ,અહીં રોજ પુજાપાઠ થાય છે. એ હિસાબે આ સૌથી જૂનું તેમ છતાં ય ચાલુ હાલતનું મંદિર કહેવાય. એટલું મોટ્ટું કેમ્પસ છે કે ના પૂછો વાત. હાથીઓનો તબેલો ય જોયો. સવારમાં હાથીઓને રોજ નવડાવે ને ઉનાળામાં તો સવાર સાંજ બે વાર નહાવાનું. પહેલે દીવસે તો આટલું જોવામાં જ સાંજ પડી ગઈ. બીજા દિવસે સવારમાં તુંગભદ્રા નદીના ચક્રતીર્થ પર પહોંચી ગયા. સુ અદ્ભુત જગ્યા છે ! ગીતને ચોક્કસ આ જગ્યા ગમી જસે. માય ડાર્લિગ ગર્લફ્રેન્ડ ' J' ઓલ્સો વુડ લવ ધીસ પ્લેસ. ચક્રતીર્થ પર નદી ઉત્તર તરફ વહેણ બદલતી હોવાથી આ સ્થળ અતિ પવિત્ર છે.ત્યાંથી અમે પહોંચ્યા ' વિટ્ઠલ મંદિર' .  એને ગાર્ડન ઑફ આર્ક્ટેક્ચર પણ કહે છે. મ્યુઝિકલ પિલર વિશે જાણીને તો એમ જ થયું કે સુ સાલું આપણા વડવાઓનું જ્ઞાન હતું ! નાના મોટા પિલર લાગે પણ એ બિલકુલ ગણતરીપૂર્વક કર્યા છે. જુદા જુદાં વાજિંત્રોનો અવાજ આવે એમાંથી. અહીંના કેટલા બધા મંદિરોમાં આખી રામાયણ કોતરેલી છે બોલ.  એક જ પથ્થરમાંથી આખું દ્રશ્ય કોઈ મશીનની મદદ વિના માત્ર હથોડી, ટાંકણાની મદદથી કંડારવું જરાય સહેલું નથી. બેનમુન આર્કીટેક્ચર.. હવાઉજાસ, ઓરડામાં સીઝન પ્રમાણે ટેમ્પરેચર કંટ્રોલ કરવું... બાપ રે...મારી જોડેવાળા ત્રણે ય ભુરીયા તો છક્કડ જ ખાઈ ગયા. અત્યાર સુધી મને directly તો નહીં પણ indirectly  મદારીઓનાં દેસવાળા ને કાળા જાદુવાળા ને what not...ટોણાં મારતા તા તે હવે ચુપ જ થઈ ગયા. વિજયનગર સામ્રાજ્યમાં રાજા કૃષ્ણદેવનું શાસન હતું તે દરમ્યાન સૌથી વધુ ઉત્તમ સ્થાપત્યો મલ્યા છે. 1986મા યુનેસ્કોએ હમ્પીને હેરિટેજ સાઈટ ડિકલેર કર્યું પછી ય દુનિયાનું ખાસ ધ્યાન પડ્યું ન હતું . 2001 પછી પરદેસીઓ આવવા મંડ્યા અને હવે તો હમ્પી પ્રખ્યાત છે. ત્રણ દિવસમાં ફરાય અેટલું ફર્યાં પણ હવે ગીતને લઈને આવીશ ત્યારે બધું શાંતિથી જોઈસ.,એ પછી તને આ બધા સ્થળો વિષે પાના નાં પાન ભરીને નિબંધ મોકલીસ.તારે વ્યાકરણની ભુલો કાઢ્યા વિના વાંચવાનાં . Agree? અમારો ગાઈડ બી સારો મલી ગયેલો. બી.એ. વીથ હિસ્ટ્રી ભણ્યો છે . એ પછી એણે આ ગાઈડની પોસ્ટ માટે ટ્રેઈનીંગ લીધી ને અત્યારેઆખા કર્ણાટકમાં એણે જ્યાં ગાઈડ તરીકે કામ કરવું હોય ત્યાં કરી સકે એટલો  ક્વોલિફાઈડ છે.    

ચલ, હવે પછી વાત. થોડા ફોટોગ્રાફ્સ મોકલું છું સાહેબને બતાવજે. તને નઈ ખબર પડે. ઊંચી ક્વોલિટીના છે ; J એટલે જૈતશ્રી..મારો ને એનો જુદો વહેવાર ચાલે છે. એ મને અંકલ 7 કહે ને હું એને J કહું   :p

Luv .

લિ. ફરીથી હમ્પી ક્યારે જવાસેની ફિરાકમાં જુગાડ કરતો ,

સપ્તક .

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.