અને આ છેલ્લો પત્ર લખું છું...

27 May, 2017
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: livingasunshinelife.com

10/05/2017

અમદાવાદ. 

પ્રિય સપ્તક, 

બહુ જ મઝા પડી દિલ્હીમાં. કાવ્યાની બેબલીનું નામ મેં પાડ્યું એ હિસાબે હું એની ફોઈ કહેવાઉં.;) એટલે એનો સીધો અર્થ એ થયો કે હું છોકરાવાળાના પક્ષમાં ને આપશ્રી છોકરીવાળા... હવે મોસાળિયા ;) પણ નામ ગમ્યું તો ખરું ને? Actually speaking, મને આ નામ બહુ જ ગમે. મારી જૈતશ્રીની રાશિ જો તુલા આવી હોત તો મેં એનું નામ  'તરજ' જ રાખ્યું હોત. તમે લોકો રાશિમાં માનતા નથી ખાસ પણ નસીબજોગે એની રાશિ એ જ આવી તો મસ્ત નામ મળી ગયું. આશા રાખું કે તમને બધાને ગમ્યું જ હશે. ન ગમવા જેવું નામ નથી આમ તો પણ એવું હોય તો બદલી નાંખજો. બહુ મસ્ત છે ઢીંગલું. નાના નાના ગુલાબી ગુલાબી હાથ પગ , રેશમથી ય સુંવાળો સ્પર્શ કોને ન ગમે? આંખો બહુ ભાવાવાહી ને પાણીદાર છે આ છોકરીની. તારા પપ્પા મમ્મીનો બહુ જ અણસાર છે. પણ આંગળીઓ કેદાર જેવી છે. ને હાઈટ પણ કેદાર જેવી થવાની જોજે. પણ એક વાત કહું? દીકરીઓ બહુ જલદી મોટી થઈ જતી હોય છે. આ વાત અમને તો ખબર હોય જ કે ના ? દીકરી જન્મે એ સાથે જ એના લગ્નના ઢોલ સબકોન્શ્યસ માઈન્ડમાં ઢબૂકવા માંડે. મોટાભાગે તો ડેડીઝ ડાર્લિંગ જ હોય દીકરી… એટલે બાપ-દીકરી એક જ ટુલ્લીમાં હોય ;) ને વખત આવે  બાપની ય મા થઈ શકવાની એમનામાં ગજબ ફાવટ હોય છે. Self experience, you know ;) 

અહીં થોડાં દિવસ પહેલા પેઈન્ટિંગનો એક ગ્રુપ શૉ હતો. સરસ હતો. જુદા જુદા કલાકારોના દૃષ્ટિકોણ જોવા મળે. મને ચિત્રનો અર્થ સમજ ન પડે બહુ પણ કામ સારું છે કે નથી સારું એ તો ચોક્કસ સમજ પડે છે. ગીતને બહુ યાદ કરેલી. એ હોત તો જૈતશ્રીને પણ જરા સમજાવી શકતે કે કલાકાર કહેવા શું માગે છે. આ શૉ થયો એમાં એક અજબ જેવું જોયું. એક મુસલમાન કાકા આવેલા દિલ્હીથી ખાસ આ શૉમાં હાજરી આપવા મોટો બધો થેલો લઈને. (તારી મમ્મી શાકમાર્કેટ જતા ત્યારે લઈ જતા એવો જ. ) તને થયું હશે કે હા તે એનું શું પણ ? કોઈ માણસ ન આવે એ રીતે? તો માય ડિયર મિત્ર, આવે ને.. શું કામ ન આવે? પણ આ કાકા જરા જુદા પ્રકારના મુલાકાતી નીકળ્યા. એ થેલામાં શું હશે એ તને કોઈ કાળે કલ્પના નહીં આવે. એ થેલામાં પીંછીઓ હતી. નાની મોટી, જુદા જુદા નંબરની દોઢ - બે હજાર નંગ પીંછીઓ. પહેલાં એમણે ગૅલેરીની બહાર ચૉકમાં મોટું કપડું બિછાવી દીધું પછી જતનથી થેલામાંથી પીંછીઓ કાઢીને કપડાં પર નંબર પ્રમાણે ચીવટથી ગોઠવી. હવે મારી ધીરજ ખૂટી ગઈ એટલે મેં જઈને વાત શરૂ કરી. 72 વરસના આ કાકાનું નામ જ બાબા છે.એમના વિઝિટીંગ કાર્ડ પર પણ 'બાબા'  જ લખેલું છે.ચાંદનીચૉકના મૂળ રહેવાસી બાબા જુદા જુદા રેલવે સ્ટેશનો પર પોર્ટર તરીકે સરકારી નોકરી કરતા. નિવૃત્ત થયા પછી પરિવારના આઠ પેટના ખાડા કેવી રીતે ભરવા એની મથામણમાં કોઈએ આ પેઈન્ટ બ્રશ વેચવાનું સૂઝાડ્યું. પ્રારંભિક મુશ્કેલીઓની વૈતરણી તરી ગયા પછી આજે કાકા આ સ્મોલ સ્કેલ બિઝનેસ થકી યુ.પી.માં આવેલા વતનમાં પોતાનું ઘર બનાવી શક્યા છે.દિલ્હીમાં ય પોતાની માલિકીની બે ઓરડી છે. પ્રામાણિક્તાનો કોઈ પર્યાય નથી એવું કહેતા કાકા આખા ભારતમાં આવી રીતે થેલામાં પીંછીઓ વેચવા જાય . જેટલી કિંમતની પીંછી હોય એ જ કહે. મોટા મોટા કલાકારો એમના કાયમી ગ્રાહક છે. જે જગ્યાએ કોઈ ટિકિટ આપીને  બોલાવે ત્યાં જાય અને બધો માલ વેચાઈ જ જાય. જેણે ટિકિટનો ખર્ચ આપ્યો હોય એ જ મોટેભાગે તો કાકાને નફો થાય એ ધ્યાન રાખે.એટલે કાકા કહે કે મારે જરૂર છે એટલું તો ખુદા આપે જ છે. ઈમાન હૈ તો ખુદા ભી કયું બુરા કરેંગે? નાના માણસો ઘણું સમજાવી જાય, નહીં ?

આ પત્ર તને સ્પીડ પોસ્ટમાં મોકલવાનું કારણ એ કે તું સિંગાપોર જાય એ પહેલા મળી જાય.મને કેમ એવું લાગ્યું કે તમે લોકો કંઈક છૂપાવો છો? ગીત પણ જરા બુઝાયેલી બુઝાયેલી લાગી. કાવ્યા ને કેદાર તો બરાબર હતા પણ એક બે વાર એમના માટે ય મને એવો વહેમ પડ્યો કે કંઈક તો છે . બિહાગને મેં વાત કરી તો એણે મારો વહેમ છે કહીને હસી નાંખ્યું. એના હાસ્યમાં ય મને  કંઇક જુદી feel આવી .અહીં આવ્યા પછી ય ક્યારેક એ મારાથી નજર ચોરતો હોય એમ લાગ્યું. બધું બરાબર છે ને ? 

જૈતશ્રી તો તરજ , કાવ્યા અને ગીતની વાતોથી ધરાતી જ નથી. 

તું પહોંચીને પત્ર તો લખજે જ. હું જવાબ પાછો અહીંના સરનામે લખીશ. 

એ જ લિ.

સહુ સારૂ થાઓ એવી મંગલકામના કરતી ,

અંતરા. 

***

 

14/05/17

New Delhi.

પ્રિય મિત્ર અંતરા,

તારો સ્પીડ પોસ્ટવાળો પત્ર મળી ગયો છે એ તો મેં તને વોટ્સઅપ પર જણાવ્યું જ. આ પત્ર અત્યારે ચાલુ ફ્લાઈટમાં લખી રહ્યો છું.  સિંગાપોર એરપોર્ટ પર પોસ્ટ કરીશ. 

આ કવલી ને એની ઢબુડીના રમખાણમાં પેલા મ્યુઝિયમ મેપવાળી વાત તો ભૂલાઈ જ ગઈ પૂછવાની. જોરદાર કોન્સેપ્ટ છે સાચે. મારા માટે એક મેપ લઈ રાખજે. અમને કામ લાગસે. ને હા, અમને બધાને તરજ નામ બહુ જ ગમ્યું છે. ધીમન અંકલ અને આંટી પણ એકદમ મોજમાં આવી ગયા કે વાહ અદ્ભુત નામ છે. આપડે કહ્યું કે સોધ્યું કોની બેનપણીએ? મસ્ત જ હોય ને તે… ;) 

ને… તારી વાત એકદમ સાચી છે. અમે સૌએ તારાથી એક વાત છૂપાવેલી. સિંગાપોરથી પાછાં આવીને મારે તરત એક જ અઠવાડિયામાં ન્યૂઝીલેન્ડ પરત જવાનું છે. આ વખતે ન્યૂઝીલેન્ડમાં અને ઑસ્ટ્રેલિયામાં  જુદી જુદી જગ્યાઓએ ત્રણ મહિનામાં જ કંપની બ્રાન્ચીસ એસ્ટાબ્લિશ કરવાનું છે એટલે મારું કોઈ નિશ્ચિત સરનામું નહીં આપી શકું. આ વાત મને ય કઠે છે તો તને તો કઠવાની જ. મારે કાવ્યાને અને બેબલીને મૂકીને હમણાં ક્યાંય નહતું જવું પણ this is the way of life. Move on... જો કે ગીત સાથે નથી આવવાની. એ મારું ટુરિંગ ઓછું થાય અને મુકામ પોસ્ટ નક્કી થાય પછી આવશે. ત્યાં સુધી અહીં કાવ્યાને ત્યાં જ રહેશે. કદાચ તારે ત્યાં ય ટપકી પડે. રાખસે ને ? ;) સાલું માયા બંધાઈ જાય પછી બહુ તકલીફ પડે છે. પત્ર નહીં લખી શકાય એ વ્યથા તો છે જ પણ સાથે એટલું આશ્વાસન બી છે કે આ વખતે સાવ કહેતા સાવ ક્લુલેસ નથી એકબીજા વિશે. વોટ્સઅપમાં પત્ર જેટલું વિગતે ન લખી શકાય પણ કેમ છે તો પૂછાય ને? E-mail પણ છે જ. એક જ વાત એવી થસે કે આપણે પત્ર લખીએ ને પત્રનો ઉત્તર આવે એ વચ્ચે જે પાંચ દસ દિવસ રિપ્લાયની  રાહ જોતા હતા એ રાહની મઝા અને પત્ર મળ્યો તો હશે ને કે ગેરવલ્લે ગયો હશે એવી ચટપટીનો અંત આવી જશે. પણ તો ય, દુનિયાને ન સમજાય એવા સંબંધના તાણાવાણામાં આપણે સહુ જોડાયેલા છીએ એ કંઈ નાનીસુની વાત છે? 

ચાલ, હવે વિરમું. ACTUALLY, ચા નાસ્તો serve થઈ રહ્યા છે એટલે મારું મન ત્યાં જ છે કે આ હારાઓ ટિકિટના પૈસા બરાબર પડાવે પણ ખાવાનું આપવાનું આવે ત્યારે નરી વેઠ વાળે. ડુચા વળે એવી ટાઢીબોળ વેજ સેન્ડવીચ જેમાં વેજના નામે મકાઈના દાણા ,છુટુંછવાયું ટામેટું ને કાકડીના બે ચાર પપીતા.. બોગ્ગસસ… એના કરતા તો તું સારી સેન્ડવીચ બનાવે છે.. :p ભાગોઓઓઓ.. માતાજી કોપાયમાન ..શ્રાપ આપીને પરચો દેખાડે એ પહેલાં બાય બાય ટાટા બિરલા અંબાણી…

એ જ લિ. 

મુકામ પોસ્ટ મળે એની પ્રતીક્ષામાં,

સપ્તક..

તા.ક. : તમે બધા તો ત્યાં સાથે છો. હું એખલો અટુલો શું કરીશ?  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.