મારા ગળે ડૂમો બાઝ્યો છે અંતરા…

11 Feb, 2017
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

28/01/17, સવારે 6.30 (આશરે)

પાલમ ડોમેસ્ટિક એરપોર્ટ,

નવી દિલ્હી.

પ્રિય સપ્તક,

બહુ મઝા પડી ગઈ. તમારા લોકો સાથે આ ચાર દિવસ. સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. કાવ્યાના સાસુ સસરા સાથે ય એમ ન લાગે કે પહેલીવાર મળ્યા છે અથવા તો ' સાસુ-સસરા' પદનો જરાય ભાર ન વર્તાય. કાવ્યા તો ખરી જ પણ આપણે બધા ય બહુ ખુશનસીબ છીએ કે આવી ઉમદા વ્યક્તિઓ સાથે જોડાવાનું બન્યું. કેદાર ઉર્ફે બૈજુ પણ અદ્ભુત માણસ  કેટલું ધ્યાન રાખે! ને તો ય જરાય અભિમાન નહીં. એકદમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી. બાકી આવડી મોટી કોર્પોરેટ બ્રાંચ ઑફિસના હેડ હોય તો ઘરમાં સ્ટાફ રાખીને મહેમાનનવાજી કરી જ શકે. પણ દરેક નાની નાની વાતમાં અંગત સંભાળ લેવી, ઑફિસની સાથોસાથ મહેમાનનેય સમય આપવો… Not easy for all... દિલ જીતી લીધું એ છોકરાએ તો. ને એમાં ય એ જ્યારે અમને વર્ષો પહેલાં હું મારા મમ્મી પપ્પા સાથે રહેલી એ 'ચૌબીસ બટ્ટા તેઈસ, ઑલ્ડ રાજિન્દરનગર' લઈ ગયો ત્યારે તો હું અવાક્. એને કદાચ કાવ્યાએ કહ્યું હતું અમારા દિલ્હી વસવાટ વિશે. તું જ કહે, આ છોકરા માટે મને શા માટે વહાલ ન આવે? જનપથનું રોડસાઈડ શોપિંગ કે પાલિકા બજારની વિન્ડો શોપિંગનો વૈભવ કે પછી કનોટ પ્લેસનો દબદબો  હજુ એટલો જ છે. કનોટ પ્લેસમાં અમે નિરુલ્લાનો આઈસ્ક્રીમ ખાતાં રિગલ સિનેમા પાસે. મને બહુ ન ભાવે પણ જઈને કઈ કઈ ફ્લેવર્સ છે એ જોવાનું જ. જંતર મંતર, રાજઘાટ, લોટસ ટેમ્પલ, કુતુબ મિનાર, અક્ષરધામ, સરોજિનીનગર, કરોલબાગ, લાલ કિલ્લા, પરેડ, ચાંદની ચોકમાં પરાઠા ગલી, જાતજાતની વસ્તુઓથી ઊભરાતું બજાર, મિર્ઝા ગાલિબવાળું બલ્લિમારાગુલઝારનાં ઘેઘૂર અવાજવાળો મિર્ઝા ગાલિબ ટીવી સિરીયલનો ડાયલોગ... નિઝામુદ્દીનમાં કરીમ હોટેલ, જનપથ પર બંધ થઈ ગયેલી પેલી સાઉથ ઇન્ડિયન સોના-રૂપા રેસ્ટોરંટ, કે દાસપ્રકાશમાં ખૂબ શરદી થયેલી એ મટાડવા મોંઢે માંડેલો તીખાતમતમતા રસમનો બાઉલ..પ્રગતિ મેદાનમાં વર્લ્ડ બુકફેરમાં દસ દસ દિવસ ગાળવા છતાંય હજુ બાકી રહી ગયુંની લાગણી…  અહાહાહા... કેટકેટલું રીલ ફરી ગયું ફ્લેશબેકમાં… Thanks to Kedar...

પાછું એને આભાર માનીએ તે ગમશે નહીં. કાવ્યા મને 'તુકારો' કરતી તો કેવા ડોળા કાઢતો એના પર? પણ એને આપણા બધાની ઘનિષ્ઠતા સમજાઈ પછી એ ક્યારે મને તુકારો કરતો થઇ ગયો એ એને ય ખબર નહીં પડી હોય..;) કાવ્યાએ સાચ્ચે પાંચેય આંગળીએ ગોરમાને પૂજ્યા હશે કે એને આટલું સમજદાર કુટુંબ મળ્યું. પણ આપણી કાવ્યા માટે કેદાર કે એના પરિવારમાં શું વ્રત કર્યા હશે? ચાર દિવસમાં મોટા ભાગે હું ફ્લેશબેકમાં જ રહી. એ પેલી લાલ ફ્રોક પહેરીને તારી પૂંછડી થતી કાવ્યા.. બે ચોટલાવાળી, ભરતકામ કરેલા ચણિયાચોળીમાં સ્કૂલના ગરબા મહોત્સવમાં ભાગ લેતી કાવ્યામાત્ર એક શરત જીતવા માટે ક્ષણનોય વિલંબ કર્યા વિના કમર સુધીનાં લાંબા ને લીસ્સા વાળને બોય કટ કરાવી દેતી કાવ્યાતડ ને ફડ સાચાને સાચું ને ખોટાને ખોટું જ કહેતી કાવ્યાજરા જરામાં ખોટું લગાડતી  કાવ્યા… સ્કૂલમાં દરેક શિક્ષકનાં ઉપનામ પાડતી અને એમનાં કાર્ટૂન દોરતી કાવ્યાબેનપણીની છેડતી કરનારા રોમિયોને ભરી કોલેજમાં લાફો મારતી કાવ્યા.. આ તોફાની બારકસ ક્યારે આટલી મોટી થઇ ગઈ? જો કે તારા સંયુક્ત કુટુંબમાં એણે પહેલેથી જ બધાને એકબીજા સાથે અનુકુલન સાધતા જોયા હોય એટલે એને સ્વાભાવિક રીતે જ અનુકુળ થતાં આવડે જ. કાકા-માસી ઉપર રહ્યા રહ્યા ય આપણાને કિલ્લોલ કરતા જોઈને ખુશ થતાં હશે ને આમ જ કિલ્લોલતા રહીએ એવા આશીર્વાદ આપતા હશે. નહીં?

ગીતને બધા સાથે ભળી ગયેલી જોઈને મારા મનમાં રહી સહી શંકાય દૂર થઈ ગઈ છે. ઘણીવાર ઘરમાં એક પાત્ર નઠારું આવી જાય તો આખો માળો વિંખાઈ જતાં વાર નથી લાગતી. ભગવાન તમને સૌને આમ જ મજબૂતીથી જોડેલા રાખે એવી હ્રદયપૂર્વક શુભેચ્છાઓ. બિહાગને ય બહુ મઝા પડી. એ બોલે ઓછું પણ એના વર્તન પરથી મને ખબર છે કે એને બહુ મઝા આવી છે. ને તારી ખાસને તો હવે દિલ્હી JNUમાં ભણવા આવવાની ઈચ્છા જોર પકડી રહી છે તે આપની જાણ સારું.

અરે... આ એકદમ મને કેમ ઝાંખુ દેખાય છે? આંખમાં કંઈ કચરો પડ્યો લાગે છે. તો લખાશે નહીં. ગીત, કાવ્યા, કેદાર, અંકલ આંટીને સ્નેહભરી યાદ.

એ જ લિ.

અંતરા.

***

28/01/17 5.50pm ,

Basant bahar colony,

New Delhi.

પ્રિય અંતરા,

સવારે તમે લોકો ગયા પછી આમ અંદરથી કંઈક છૂટું પડી ગયું ને ડૂમો જેવો ભરાઈ ગયો છે. જબરા પાછાં જોડાઈ ગયાં આપણે તો, હેં? આ ગીત તો મસ્ત ધ્રુસકે ને ધ્રુસકે રડીને હળવી થઈ ગઈ. ગઈકાલે સાંજે કાવ્યાના ઘરેથી બિસ્તરાપોટલા ઉઠાવ્યા આપડા ત્યારે મને ખુદને ય હું આટલો લાગણીશીલ થઈ જઈશ એવી કલ્પના નહતી. કારણકે, મર્દ કો દર્દ નહીં હોતા, યુ નો..;) પણ આફેરી તો હમો ય ભાવુક થયા છીએ જે આપની જાણ સારુ. સારુ છે કે કાવ્યા અહીં છે.

સોલ્લિડ જલસા કર્યા ,નહીં? મેં તો 26મીએ પરેડ રુબરુમાં પહેલીવાર જોઈ. દંગ થઈ જવાયું સાલું. ને રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયા એ જુદું. પાલિકા બજાર પાસે તું કોઈ મલિક કે એવું કંઈ નાસ્તાવાળાનું કહેતી હતી ને? ત્યાં ના ગયા ને આપણે? કંઈ નહીં , અમે જઈસું ત્યારે તને યાદ કરીને સમોસા ખઈ લઇશું મસ્ત. ચાંદની ચોક ગયા ત્યારે મને આપણા માણેકચોક અને લો ગાર્ડનની ખઉધર ગલી યાદ આવેલા. તું હજી ય એવી ને એવી જ ખઉધરી રહી છે એ જોઈને હમો હર્ષાન્વિત થયેલા છે. એટલા માટે કે 'હુ એવું બધું જન્ક ફુડ અવોઈડ કરું છું ' એવું ચાંપલુ ચાંપલુ બોલીને મને આ બે જગ્યાએ ના લઈ જાય એવું તો નહીં જ કરે. અમદાવાદ આવું ત્યારે આ બે જગ્યાએ તો તમારે મને લઈ જ જવો પડશે યાદ રાખજે. ખાવા માટે તો બંદા અમદાવાદથી સુરત લાંબા થયેલા યાદ છે ને , ટુંકી યાદદાસ્ત? ભુલવાવાળુ તારુ જબરુ છે બાપા. જોવાની ખુબિલિટી એ છે કે તારે યાદ રાખવું હોય એ તો તું યાદ રાખે જ છે. ટોણા મારવા હોય ત્યારે તો વરસો જૂનું ય અક્ષરશ : યાદ રાખે છે. થેન્ક ગોડ કે મારી જૈતશ્રી તારા જેવી નથી સ્વભાવે. નહીં તો બિચારા બિ.કુમારને વસમુ પડતે. આઈ હોપ કે એ અહીં કંટાળ્યા નહીં હોય. આમ તો  કવુનાં સસરાએ ધ્યાન રાખેલું એમનું એવો મારો ખ્યાલ છે. આપડે તો હાહહીહીમાં ક્યાં કોઈને કશું ધ્યાન આપ્યું જ છે વળી? કાવ્યાનાં સાસુ સસરા તો બહુ પ્રભાવિત છે બિ.કુમારથી. બપોરે ગયેલો એમના ઘરે એક પુસ્તક આપવા ત્યારે કહેતા હતા. તારા વિષે કંઈ બોલ્યા નથી. મીન્સ.. તને બરાબર ઓળખી ગયા હશે. તારા માટે ય કહેતા હતા કેબહુ ઠાવકી છે અંતરા .." ખીખીખી....અંકલ આટલા બધા રમુજી હસે એ મને ખબર નહીં હોં ;)  :p sorry sorry..હેપ્પી હતા પણ બંને. ગીતને તારી જોડે લાગણી બંધાઈ ગઈ છે. તારા નામની માળા જપે છે સવારની. "અંતરાદીદી આમ કહેતા તા ને અંતરા દીદી તેમ કહેતા તા". બેસ બેસ ચિબાવલિ .. જોઈ તારી દીદી..લે ,નામ લખતા જ તારી ચમચી પ્રગટ થઇ. ઉતરી ગયેલી કઢી જેવું મોંઢુ થઈ ગયું  છે એકદમ.. બહાર લઈ જઉ કશે .. જરા મનફેર થાય તો અમારા બંને માટે સારુ.

જૈતશ્રીને અહીં ભણવા આવવું હોય તો વાંધો નથી. કાવ્યાના ઘરે રહેશે. બિહાગબાબુને યાદ.

એ જ લિ.

ખબર નહીં સેની પણ રાહ જોતો ,

સપ્તક..

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.