રિવ્યૂ વાંચીને તે કંઈ ફિલ્મ જોવાતી હશે?

17 Sep, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: i.cbc.ca

01/09/2016 

અમદાવાદ. 

પ્રિય સાપ્તક, 

તારા પત્રની રાહ જોવાની ટેવ પડી ગઈ છે. એકાદ દિવસ પણ આમતેમ થાય તો કંઈક ખૂટે છે એવી લાગણી થાય. Any ways,આજે કશું જ ભારેખમ લખવાની ઈચ્છા નથી. એટલે ચલ એક કામ કરીએ. ફિલ્લમ ફિલ્લમ રમીએ. મને ફિલ્મના રિવ્યુમાં સહેજ પણ રસ પહેલાં ય ન હતો કે હજુ ય નથી. રિવ્યુ વાંચીને ફિલ્મ જોવી અમારા સ્વભાવ વિરુદ્ધ છે. બીજું, જે ફિલ્મનાં વખાણ થાય એ ફિલ્મ મને ઓછી ગમે ને જે ફિલ્મના માથે માછલાં ધોવાયા હોય ચારેકોરથી એ બહુ જ ગમી હોય એવું બને મોટાભાગે. મારું એવું માનવું છે કે આપણે જો મનોરંજન માટે ખર્ચ કરતાં હોઈએ તો એ હેતુ સિદ્ધ થાય એટલે ભયો ભયો. પછી એમાં સ્ટાર કાસ્ટ, મ્યુઝિક, દિગ્દર્શન, પ્રમોશન વગેરેનું પિષ્ટપેષણ નહીં કરવાનું. કારણકે એવું કરવા માટે ય થોડું જ્ઞાન હોવું જરુરી છે. ને મારું જ્ઞાન તો તને ખબર જ છે ને? ;) 

છેલ્લે કઈ ફિલ્મ જોયેલી તેં? મેં છેલ્લે ' કબાલી' જોયેલું. રજની સર વાળું. તાર્કિકતાનો સદંતર અભાવ. એકદમ ઝડપી ઘટનાક્રમ. ગળે જ ન ઉતરે એવા તર્ક. પણ ફિલ્મ મને તો ગમેલી. મગજ પર ભાર લઈને જ થિયેટરમાંથી બહાર આવવાનું હોય તો એનો શું અર્થ? દેશ અને દુનિયામાં જે સમસ્યાઓ છે એ તો છે જ. થોડું ભણેલાં ય એ વિશે જરાતરા તો જાણતા જ હોય. સમસ્યાને  વ્યવસ્થિત ફિલ્મ બનાવીને મૂકવાથી એ ઉકેલાઈ જવાની હોય તો ઠીક છે પણ કોઈની વેદનાને વિષય બનાવી રોકડી કરી લેવાવાળી વાત મને ગમતી નથી. આ મારી અંગત માન્યતા છે હં કે. બાકી એકતા કપુર બ્રાન્ડ સિરીયલ્સનો તોટો નથી. એનો ય એક જમાનો હતો . સ્ટાર ટીવી ને સોની ટીવી બે જ મુખ્યત્વે જોવાતી એન્ટરટેઈનમેન્ટ ચેનલો હતી. એમાં ય પ્રાઈમ ટાઈમ પર એકતા કપુર છવાયેલી હોય. 'ક્યું કી... સાસ ભી કભી બહુ થી...'એ તો બહુ ઉપાડો લીધેલો. બીજી ય ચાર પાંચ હતી. બેક ટુ બેક હથોડા મારે ...  કોણ કોના છોકરાં ઉછેરે છે એ જ ખબર ન પડે. વીસ વીસ વરસનાં જમ્પ આવે સિરીયલમાં. બાળકોને યુવાન દેખાડે પણ માતા પિતા કે દાદા દાદી એવા ને એવડાં જ. લાઉડ મેઈક ઓવર... ઘરેણાં અને ભારે ભારે બનારસી શેલા પહેરેલા, સતત કાવાદાવા સાથે જીવતા સ્ત્રી પાત્રો. બાઘા અને બુદ્ધિ વિનાના દેખાતા  પુરુષપાત્રો... અનબેરેબલ... ગુજરાતી કાર્યક્રમો સારા આવતા હશે પણ જોવાની તક મળી નથી એટલે એ વિશે શું લખું? તને એમ થશે કે હું અતિશયોક્તિ કરું છું પણ માય ડિયર ફ્રેન્ડ, સહેજ પણ એવું નથી. તને અહીં હતો ત્યારે ય આ બધું જોવાનો બહુ શોખ ન હતો તો હવે ત્યાં ગયા પછી તો શું શોખ હોય? અંગ્રેજી કીડો. અહીં છોકરીઓને પ્રભાવિત કરવા અમેરિકન છાંટવાળું અંગ્રેજી બોલતો. એ બધાં રાખડી બાંધે છે કે નહીં હવે? જબરું  થયેલું, નહીં? એ સોરી,  સોરી... દુખતી રગ દબાવી દીધી .  ;) 

હમણાં અહીં  ગુજરાતી ફિલ્મોનો રાફડો ફાટ્યો છે. રાજ્ય સરકારે સબસીડી જાહેર કર્યા પછી લગભગ દોઢસો ફિલ્મ ઓન ફ્લોર છે. I repeat, 150+ GUJARATI FILMS... can u believe ?  I am sure કે  એમાં ખરેખર ફિલ્મની કક્ષામાં આવે એવી ઓછી અને ફાર્સ ( ફારસ)  વધુ હશે. એકાદ આઈડિયા ક્લિક થઈ જાય એટલે એવી ફિલ્મોની વણઝાર ચાલે. જ્યાં સુધી આઈડિયા નવો હોય ત્યાં સુધી પ્રેક્ષકો મળે પણ પછી થિયેટર ખાલી! સરવાળે , 'ગુજરાતી ફિલ્મો ચાલે જ નહીં' એવાં તારણો આવવા માંડે . અલા, બહુ લખી નાંખ્યું, હેં ને ? 

તું જેમ પત્રમિત્ર છે ને એમ મારો એક ગીતમિત્ર છે. દિવસમાં બે લિંક મોકલે વોટ્સપમાં. સાથે એ ગીત વિષે ટૂંકી માહિતી હોય. મઝા પડે એવું નાનું અમથું લખાણ. ને એથી ય ચડિયાતું  ગીત. કરું ફોરવર્ડ તને? 

કાવ્યા સાથે વાત થઈ. લાગણીશીલ થઈ ગયા અમે બંને. અમે દિલ્હી જઈશું ત્યારે ચોક્કસ મળીશું. ગીતને ફોન કરીશ કાલે. મુંબઈ મોકલવાનું પાર્સલ તૈયાર છે એમ મેસેજ હતો વોટ્સપ પર. 

બિહાગ અને જૈતશ્રી પોતપોતાના  તાનમાં છે. 

લિ.અંતરથી યાદ કરનાર ,

અંતરા.

****

05/09/2016 

બેંગલોર.

પ્રિય અંતરા, 

પત્ર લખવાની આ તારી જિદ આપણાને પસંદ પડી ગઈ છે. જેવો પત્ર મળે કે ક્યારે વાંચી લઉં એવી ચટપટી રહે છે. તારી ફિલ્મો જોતી વખતે ઊંઘી જવાની  ટેવ હજુ સુધરી નહીં જ હોય મને પાક્કી ખાતરી છે. ને પછી જાગે ત્યારે વચ્ચે ડબડબ કરે. પિક્ચર શરુ થઈ જાય પછી આગળ બેઠા હોય એને ખભે ટપલી મારીને 'કેટલા વાગ્યા? ' પુછવું.. કોઈની ય સામે જોઈને સ્માઈલ આપવું...હોટલમાં વેઈટર સાથે compusory બાવાહિન્દીમાં જ બોલવું.. .બધું continue  ને? બિહાગને તો ધન્ય છે. એને ચોક્કસ ગયા ભવનાં કર્મો જ તારા સુધી ખેંચી લાવ્યા. :D 

તને યાદ છે આપણે 'ધ લ્યુસી શો' જોતાં ટીવી પર ? "ભલે ને કંઈ ખબર ન પડે પણ જોવાનું જ" તારા પપ્પાના  એવા ફરમાને મને ક્યારે અંગ્રેજીનો દિવાનો બનાવી દીધો એ ખબર નથી. અદ્ભુત વિશ્વનો ઉઘાડ કરી આપ્યો આ એક ઘટનાએ. માતૃભાષા પર પક્કડ હોય એ જગતની કોઈ પણ ભાષા પર પ્રભુત્વ મેળવી શકે એવી એમની વાત આજે ય યાદ છે મને. જો ને , એ પોતે તો દક્ષિણ ગુજરાતની ધૂળી નિશાળમાં ભણેલા પણ અંગ્રેજી ધાણીફૂટ બોલતા જ ને? મારા પપ્પા મમ્મીનું વાચન તો છાપાંથી શરુ થઈ છાપાંમાં પુરુ થઈ જતું.પણ મારા પપ્પાને શેરબજારની સરકીટ કે નિફ્ટી કે સેનસેક્સ સિવાય પણ વાંચવાનું હોય એવું ઠસાવનારા એ જ હતા .સરવાળે લાભ અમને બન્ને ભાઈબહેનને મળેલો. એમના વિના અમે આજે જ્યાં છીએ ત્યાં હોત જ નહીં. 

ગુજરાતી ફિલ્મો મને કદ્દી ગમી નથી. એ વાત પર આપણી સંસ્કૃિતના  લેક્ચર ન આપીશ  પણ તને ય નોતી ગમતી .ખરું ને? એવું નથી કે મને ગ્રામ્ય પરિવેશ, બોલચાલ કે પહેરવેશ નથી ગમતા. નથી ગમતું તો એકનું એક ચવાઈ ગયેલું વિષયવસ્તુ.. એ જ કેડીયા ચોયણી વાળા વિલન ,જે વિલન કરતા વિદૂષક જેવા વધુ લાગતા.. ઘેરદાર ચણિયાચોળીવાળી હિરોઈન, પ્રયત્નપુર્વક ગામઠી બોલી બોલતો હીરો...yukkk.. I wish  કે હવેની ફિલ્મોમાં આ બધું હોય તો ભલે હોય પણ સ્ક્રીપ્ટની ડિમાન્ડ મુજબ હોય.આર્ટિફિશીયલ લાગે એવું ન હોય.. હું ત્યાં હતો ત્યારે દૂરદર્શન પર આવતી ગુજરાતી સિરીયલ્સમાં છોકરીઓ કંટાળો આવી જાય એટલુ ચાંપલું ચાંપલું ગુજરાતી બોલતી. પેલી તારી બેનપણી હતીને ટીવીવાળી? ક્યાં છે એ ? એ ય એવું જ બોલતી. તને કહ્યું નતું કારણકે ' મારા ફ્રેન્ડઝ વિષે તારે કંઈ નહીં બોલવાનું. હું બોલું છું તારા કોઈ ભાઈબંધ વિષે?' એવું કહીને ઝઘડવા બેસે ને રિસાઈ જાય તો મારે મનાવવી ભારે પડી જાય. Wrong side Raju કેવું છે? કહે છે કે જરા હટ કે છે પિક્ચર. જોઈ આવે તો કહેજે. પછી નક્કી કરીશ મારે જોવું કે નહીં. હું તો ઓનલાઈન જોઈ લઈશ.

તારા પેલા ગીતમિત્ર લિંક મોકલે તે ફોરવર્ડ કરજે. નેકી ઓર પૂછ પૂછ? મને ચોક્કસ ગમશે જ. અહીં કાવેરીના પાણી માટે રોજ બખેડા થાય છે. ગમે ત્યારે તોફાન ફાટી નીકળે એવો માહૌલ છે. આજકાલ બનતી ઘટનાઓનાં અનુસંધાનમાં દુષ્યંતકુમારની કેટલીક પંક્તિઓ ટાંકુ છું  .

તુમ્હારે પાંવો કે નીચે કોઇ ઝમીં નહીં...

કમાલ હૈ! કિ ફિર ભી તુમ્હે યકિં નહીં. ...

આજ સડકો પર લિખે હૈ સેંકડો નારે ન દેખ...

ઘર અંધેરા દેખ તું , આકાશ કે તારે ન દેખ..

મેલે મેં ભટકે હો તો કોઇ ઘર પહુંચા જાતા..

હમ ઘર મેં ભટકે હૈ, કૈસે ઠોર ઠિકાને આયેંગે......

ચલ બાય,

સપ્તક.

PS : બિહાગ અને જૈતશ્રીને વહાલ . 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.