ઠંડીએ માઝા મૂકી છે
08/01/2017, પોષ સુદ દશમ, શુભ ચોઘડિયું,
અમદાવાદ.
પ્રિય સપ્તક,
જોરદાર ઠંડી પડે છે આજકાલ. કશ્મીર ઠંડું થાય એની સાથે ગુજરાત પણ ટાઢુંબોળ… ઠંડી પડે એટલે તાપણાંઉદ્યોગ જોર પકડે. ચારેકોર તાપણાંનું સામ્રાજ્ય. રસ્તાઓ મોડી સાંજથી સૂમસામ થઈ જાય. બિચારા ફૂટપાથવાસીઓની હાલત ખરાબ થઈ જાય.માથે છાપરું હોવાની કિંમત આવી ઋતુમાં બરાબર સમજાય. કોઈ પરોપકારી વળી એમને ધાબળા ઓઢાડી જાય તો એમના નસીબ, બાકી તો એમણે ઠંડી સહન કરે જ છૂટકો. હજુ થોડા દિવસ કોલ્ડવેવ છે એમ વેધર રિપોર્ટ્સ છે. લારી-ખુમચાવાળા વહેલી વસ્તી કરી દે, જો કે, મેગી કે ઈંડા-ઑમલેટની લારીઓ પર ભીડ દેખાય ખરી. હમણાં તો અમદાવાદમાં બર્ડફ્લૂના વાવરથી ઈંડા-ઑમલેટ કે ચીકન મુર્ગી કે એની વાનગીઓ જેવા ખાદ્ય પદાર્થો પર સારી એવી અસર પડેલી છે. અમુક વિસ્તારોમાં તો આ ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ પણ છે.
Anyways, ઠંડી બહુ છે એ માટે છાપાળવી ભાષામાં કહું તો ઠંડીએ માઝા મૂકી છે. જ્યારે પણ આ શબ્દપ્રયોગ વાંચું ત્યારે તને યાદ કરું. તારી પેલી PJ તો કાયમ યાદ રહેશે. ‘ઠંડી પેપ્સી કે કોકાકોલા મૂકે ત્યારે ખરી. કાયમ સુ માઝા જ મૂકવાની? આપડે માઝાના આસિક નથી.’ છે ને યાદ તારો ડાયલોગ શબ્દશ:? એની ક્રેડિટ તારી લાડકી બહેનપણી J ને જાય છે. જ્યારથી એને આ ડાયલોગ કહ્યો છે ત્યારથી બે ત્રણ દિવસે ઠંડીમાં ફેરફાર થાય એ પ્રમાણે એ ડાયલોગ બોલે જ બોલે. ચમચી છે તારી. એની મમ્માને બોલવામાં એક તું જ પહોંચી વળે છે એટલે એને તારા વિશેની વાત સાંભળવાની બહુ ગમે. મારાથી તારી વિરુદ્ધ એક અક્ષર ન બોલાય. તરત વકીલાત કરતી આવી જાય પટમાં. મારા કરતા વધારે એ તને એનો મિત્ર ગણે છે જેની મને સહેજ પણ ઇર્ષા નથી. તારી સાથે એ વધુ નિખાલસ થઈ શકે છે એ બિહાગ અને મેં બંનેએ અનુભવ્યું છે. બિહાગને પણ વાંધો નથી એ વાતનો. ઘરમાં કોઈની સાથે લાગણી વહેંચે એ જ મોટી વાત છે. અમે માતા-પિતા તરીકે અમુક સમયે એના પર નિયંત્રણ લાદીએ એ વાત એ તને બેધડક કરે એ ઈચ્છનીય છે. બહાર કોઈ અજાણ્યા કે અળવીતરા સાથે મનની વાત વહેંચવાના પરિણામો છાપાંમાં આપણે વાંચીએ જ છીએ ને? હવે એની ઉંમર એવી નથી કે સહેજ જોરમાં કહીએ ને બાજુમાં બેસી જાય. હવે એ તાર્કિક દલીલ કરી શકે છે. કોઈ કોઈવાર તો અમે નવાઈ પામી જઈએ કે આ એ જ છે કે જે માંડ માંડ બોલતા શીખી હતી? કેટલી બાધા માનતા માન્યા હતા એ બોલતી થાય એ માટે તો! સમજણ આવે એમ બાળકો અને આપણા સંસ્કાર પર ભરોસો મૂકીને દુનિયામાં છૂટાં મૂકવા જ પડે. આપણે કંઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યા કે કાયમ એને રક્ષણ આપીશું ને કાયમ એવું કમ્ફર્ટ ઝોન આપવું ઉચિત પણ નથી. આપણા મા-બાપે આપણાને કદી બાંધ્યા હતા કે? એને લઈને ઝેન કેફે ગઈ હતી થોડાં દિવસ પહેલાં… તું બે દિવસ આવ્યો એમાં ય એની સાથે સમય કાઢીને કોલ્ડ કોફી ને નચોઝ ખાવા ગયો એમાં બહેનબા ખુશખુશાલ છે. ને એ બાબતે મને કેટલીય વાર સંભળાવી ય ચુકી છે. :p નાચોઝ - સાલસાને તું ઈટાલિયન ફાફડા ચટણી કહે છે એ વાત તો એણે એના ગ્રુપમાં વાઈરલ કરી દીધી છે કે એના બધા મિત્રો નાચોઝને હવે ઈટાલિયન ફાફડાં જ કહે છે ;)
એ આજે મને પેલું સપનું ફરીથી આવેલું. તું અહીં આવી ગયો છે એ વાળું. મને લાગે છે કે આપણા વિચારો જ આપણા સ્વપ્નામાં ય આકાર લેતાં હશે. મનના કોઈ અનજાન ખુણે સળવળ્યા કરતા હોય ને ઊંઘમાં એ સ્વપ્નું બનીને સામે આવી જાય.
કાવ્યાની ડ્યુ ડેટ નજીક આવતી જાય છે. કોઈવાર એની સાથે વાત કરતાં 'મમ્મી પપ્પા નથી'નો ભાવ અનુભવી શકી છું. જોજે તમે લોકો ખોટું ન લગાડશો . આવા સમયે દરેક દીકરીને મા બાપ જરા વધારે જ યાદ આવે. કાચના વાસણની જેમ એની લાગણીઓ સાચવી લેવી પડે. ને મને ખાતરી છે કે તમે બંને એની ખુબ સારી રીતે જ સંભાળ લેશો ને ખુશ રાખશો જ. ગીત જેવું પાત્ર મળવા બદલ ભગવાનનો આભાર.. એની ઉંમર કરતા વધુ સમજદાર છે.
એ જ લિ.
તમે લોકો અહીં આવી જાવ એ માટે કંઈક માનતા માની લઉં એવું વિચારતી,
અંતરા.
***
07/01/17
NZ.
પ્રિય સખી અંતરા,
ચલ મારાથી હવે આ સમાચાર આપ્યા વિના નહીં જ રહેવાય. આ પત્ર તારા હાથમાં આવસે ત્યારે બંદા ઇન્ડિયા આવવાનું પેકિંગ કરીને બેઠા હસે.કદાચ વિમાનમાં " કૃપયા અપની પેટી બાંધ લે" ની સુચના સાંભળતા હોય એમ બી બને. આપડી કંપનીએ અેક બ્રાન્ચ દિલ્હીમાં ઓપન કરવાનું વિચાર્યું છે ને એમાં હેડ તરીકે આપડે અપોઈન્ટ થયેલા છે. દસમી તારીખે અહીંથી ફ્લાય થઈસ ને સીધ્ધો તારા ધાબે. સાહેબ અને J મારા નવા પોસ્ટિંગ વિશે જાણે છે. મને કેમ ના કહ્યુંની બબાલો ના કરીસ બાપા એ લોકો સાથે. મેં જ ના કહેલી તને કહેવાની. કારણકે છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય તો મારા ઈન્ડિયા આવવાના પ્લાનમાં ય ફેરફાર કરવો પડે.ને તહેવારના દિવસોમાં તુ ઉદાસી પકડે એના કરતા કંઈ ખબર જ ન હોય તો ઉલ્લાસથી પતંગ પકડે એ અમને બધાને વધારે ગમે. હા, મારા આવવાની તારીખ સહુથી પહેલી તને જ જણાવી છે. તું કહે તો આપણે એ બે ને સરપ્રાઈઝ આપીએ. પણ જ્યાં સુધી હું તને ઓળખું છું ત્યાં સુધી તું બિહાગને કહ્યા વિના નહીં જ રહે. ઓકે ચલ એક કામ કરું, હું નથી કહેતો બેમાંથી એકેયને. તારે કહેવું હોય તો કહેજે ને ન કહેવું હોય તો ય તારી મરજી.બધું પેકિંગ કરવા માંડ્યુ છે અમે તો. ચોપડીઓ તો પહેલા જ પાર્સલ કરવી પડસે એમ લાગે છે એટલું બધું વજન નહીં લવાસે અમારાથી. દિલ્હીમાં કાવ્યાના ઘર પાસે જ ક્વાર્ટર મળી ગયું છે નસીબજોગે. Obviously, કંપનીનું જ તો. આપડાને દિલ્હી જેવા શહેરમાં ના ફાવે. એ મોટા લોકનું શહેર ને આપડે રહ્યા ગામડિયા ( તારા જેટલા નહીં હોં પણ ;) ) ઉતરાયણ અમદાવાદમાં જ કરીસું . ને એ , તલસાંકળી તું બનાવવાની હોય તો એને તોડવા માટે દસ્તા ખાંડણીની વ્યવસ્થા ય કરી રાખજે ભેગાભેગી. પેલી એકદમ પાતળી વણેલી બનાવજે. ગીતને નથી આવડતી. મારી મમ્મી બઉ મસ્ત બનાવતી એ. તને આવડે છે ને? ફ્લાઈંગ ડીસ જેવી મજબૂત ના બનાઈસ બાપા. નહીં તો સુદર્શન ચક્ર તરીકે કામ લાગસે. એ સોરી સોરી..
બોલ, બીજું સુ બનાઈ રાખસે? ઉંધિયુ તુ ના બનાવતી. મને માસીના હાથનું જ ભાવે છે. તું બનાઈસ જિંદગીમાં ઉંધિયુ નહીં ખાઈ શકું. ને ગીતે કોઈ દિવસ સુરતી ઉંધિયુ ચાખ્યુ નથી એને એમ થશે કે હું ખોટાખોટા જ સુરતી ઉંધિયાના વખાણ કરતો હતો . ;)
ચલ, મેડમ ઈજ કોલિંગ અપુન કો. રસોડે કંઈ અટવઈ લાગે છે એટલે હવે સંજીવ કપુર, ધ માસ્ટર શેફ એમને માર્ગદર્શન આપસે.
એ જ લિ.
વરસો પછી ઉતરાયણ અમદાવાદમાં કરવા મળશે એના ઉત્સાહમાં વગર દોરીએ ઉડતો.
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર