તાપીએ લાગણીઓ થઈને રાજીરાજી

24 Dec, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

09/12/2016

અમદાવાદ .

પ્રિય સપ્તક,

 

શું કરે છે દોસ્ત? તારા વિના ગમતું નથી. આપણે સંપર્ક ઓછો હતો ત્યારે આવું નહતું થતું. હવે એમ થાય છે કે તારે ત્યાં જવાની જરુર શું છે? ભારતમાં રહીને તું પ્રગતિ કરી શકે ને ? જોજે હોં , એમ માનીશ કે હું તારા પ્રેમમાં પડી ગઈ છું. તારા માટે અનહદ લાગણી હતી, છે અને રહેશે . જીવનમાં આપણે કેટલાં પૈસા કમાયા એના કરતાં કમાયેલા  કેટલા સંબંધ સાચવી શક્યા જો આપણી પ્રાથમિક્તા બની જાય તો દુનિયા છે એનાથી વધુ સુંદર બની જાય. જો એક પ્રયોગ કર્યો હાઈકુ ટાઈપ્સ લખવાનો. મને ખબર નથી કે આને હાઈકુ કહેવાય કે નહીં.

રેતઘડી,

 

તું થંભી ગઈ હોત

જરા બે ઘડી !

સત્તર અક્ષરનાં બંધારણમાં લખવું બહુ અઘરું પડે મારા જેવા માટે. પૂણેમાં મારા એક બુઝુર્ગ મિત્ર હતા - મેક્સ બાબી નામના. દસ ઉપરાંત ભાષાઓમાં પારંગત હતા. એમના પ્રોત્સાહનથી મેં લખવાનો પ્રયત્ન કરી જોયેલો. એમને સિવિયર હેલ્થ ઇશ્યુઝ થયા પછી મારાં પ્રકારનાં લખાણોના પ્રથમ વાચક હતા. નવું કશું પણ લખું તો એમને પહેલું મોકલું. 'હતા' એટલા માટે કે હવે સ્વર્ગવાસી છે. બે ત્રણ વાર પ્રયત્ન કરી જોયો પણ મેક્સ સિવાય મારા પ્રકારના લખાણો કોઈ મઠારી આપે એવું કોઈ મને હાલ પૂરતું તો મળ્યું નથી. નસીબ જરા વાંકા તે એમને મળવાનું કદી બન્યું. ઓરકુટ પર કોઈ કમ્યુનિટી અને મિત્ર દ્વારા પરિચય થયેલો. મારે પછી ત્રણવાર પૂણે જવાનું થયેલું પણ દરેક વખતે બહારગામ હતા. એકવાર તો અમદાવાદમાં હતા અને હું પુણે. જીવનમાં કેટલાક વસવસાઓ ફાંસ બનીને સમય સમય પર ભોંકાતા રહે. મિસીંગ યુ, મેક્સ.

 

શિયાળો સારો જામ્યો છે. તાપણી કરવાની મઝા પડે એવો. કશ્મીરમાં ઠંડી પડે એટલે ગુજરાતમાં ,અમદાવાદમાં, અમારી સોસાયટીમાં,અમારા ઘરમાં અને ખાસ કરીને મારા પર ખૂબ ઠંડી પડે. ;) કોઈને ના લાગે પણ મને બહુ ઠંડી લાગે. દાંત કકડે એવી. બિહાગ અને જૈતશ્રી પાસે એક કારણ પણ છે મારી ખિલ્લી ઉડાવવાનું. બે જણને તો મારી ઉડાવવા મળે તો ખાવાપીવાનું વિસારે પાડી દે એવા છે. પણ એમ હું કંઈ કમ નથી હં કે, તારી બેનપણી છું એટલે બરાબર પહોંચી વળું. મારા વખાણ મારે એટલે કરવા પડે કે બાકી તો કોઈને સૂઝતું નથી પોતાની બડાઈઓ હાંકવામાં. જો બીજું એક સત્તર અક્ષરનું બંધારણ લખ્યું. મેક્સ તો છે નહીં પણ તને વંચાવવામાં વાંધો નહીં.

 

તાપણે બેઠાં

 

તાપીએ લાગણીઓ

થઈને રાજીરાજી.

સરસ છે ને? સરસ કહેજે હોં. આપણે હમણેના જરા વધુ પડતા લાગણીશીલ થઈ ગયેલા છીએ. નામ પર ભગવતીકુમાર શર્માની   રચના મમળાવ.

 

અમે વૃક્ષ ચંદનના ચિરાઇ ચાલ્યાં,

 

છીયે લાગણીવશ તો લીરાઇ ચાલ્યાં.

રહીશું અમે ટેરવાની અડોઅડ,

 

હથેળીમાં તારી લકીરાઇ ચાલ્યાં.

અમે મહેતા નરસિંહની કરતાલ છીયે,

 

અને મંજીરા થઇ મીંરાઇ ચાલ્યાં.

પડી જળનાં ચરણોમાં કાંઠની બેડી,

 

છીયે આત્મા પણ શરિરાઇ ચાલ્યાં.

લિ.

લાગણીમાં આંખોમાં ઝળઝળિયાં ભરી બેઠેલી

અંતરા.

 

****

11/12/16

NZ

પ્રિય અંતરા,

 

કેમ છે? હું તો નથી મઝામાં. ત્યાંથી આવવાનો અહાંગરો લાગેલો છે. આપણે બધાએ સાથે વીતાવેલો સમય મારાથી છુટતો નથી તે ગળે વળગાડીને ફર્યા કરુ છુ. આમ કશુ તકલીફ નથી પણ મારુ મન બી કસે લાગતુ નથી હકીકત છે. એટલે શું કરવું એની ગડમથલમાં ધીમન અંકલવાળો ખજાનો લઈને બેઠો છું. એમણે મને એમના જીવથી વહાલા પુસ્તકો અને પોતાનાં શોખથી કરેલા છાપાના કટીંગોની આખી ફાઈલ આપી દીધા છે બોલ. આજે કશા હેતુ વિના બધું જોતો હતો તો કાકાસાહેબની ચોપડી વાંચવાનું મન થયું. 'રખડવાનો આનંદ' . યાદ છે ચોપડી આપડે મા.જે. પુસ્તકાલયમાંથી લાવીને વાંચેલી? કેટલા વરસ થઈ ગયા તો  તને યાદ હશે .આપડે તારી જેમ ડાયરી ફાયરી રાખતા નથી. રાત ગઈ બાત ગઈ. બધુ જુનુ જુનુ વાંચીને મઝા આવે ને પછી sad બી થઈ જવાય. ને તને તો ખબર છે ને કે મર્દ કો દર્દ નહીં હોતા..:D સારુ ચલ સુ કહેતો તો હું? હં, કાકાસાહેબ .. રખડવાનો આનંદ વાંચવાની શરુ કરી પાછી. ભયંકર મસ્ત ભાષા છે માણસની. જો મહેરબાની કરીને ભયંકર ને મસ્તવાળું રિપીટ ના કરીસ . મને આટલા વરસોમાં ગોખાઈ ગયુ છે. ને હવે પહલીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી.. કાકાસાહેબ લખે છે :  '  ( પશ્ચિમ હિંદમાં જે પ્રસિધ્ધ ગુફાઓ છે તેને વિશે હું એક પત્રમાળા લખવાનો હતો તે અધૂરી રહી ગઈ....એક રીતે સારું છે, કેમ કે આટલું અધૂરું વાંચીને કોઈ પ્રવાસરસિયો વીર યુવાન બધી ગુફાઓ જોઈ આવવા અને એને વિશે વિસ્તૃત ચોપડી લખવા પ્રેરાય......) વાંચીને મને આપણો પત્ર વૈભવ યાદ આવી ગયો.  Of course ,આપણે કાકાસાહેબના લખાણના સ્તરનો સોમો અંશ પણ નથી લખતા કે એવો કોઈ દાવો પણ નથી કરતા . પણ તો . We have written in quite a good range , dont you think ? કાશ, આપણા પત્રોથી પ્રેરાઈને કોઈ બે જણ બી પત્રો લખવાનું શરુ કરે તો આપણી  મોંઘી મિરાત atleast એક પેઢી તો આગળ જસે . શું કહે છે? જો મસ્ત છે. મુખથી શબ્દરુપે  ઉચ્ચારાતી વાણીને શું કહેવાય ખ્યાલ છે?વાંચ , અબુધ .. As  per '  રખડવાનો આનંદ - કાકાસાહેબ કાલેલકર '  : " વાણીનાં ચાર સ્વરુપ કહેલાં છે: પરા, પશ્યંતિ, મધ્યમા અને વૈખરી. એમાં પરાનું સ્થાન મગજ, પશ્યંતિનુ નાભિ, મધ્યમાનું છાતી અને વૈખરીનું મુખ છે. આમાંની પહેલી ત્રણ ગુહામાં રહેલી છે અને વ્યક્ત થતી નથી જ્યારે ચોથી માણસો બોલે છે એમ કહેલું છે. " પછી ઋગ્વેદની ઋચા લખેલી છે સંસ્કૃતમાં  પણ તારું કામ નહીં . એટલે લખતો નથી. પણ જો , વાંચ.. "કાલે રાત્રે મોટું તોફાન થયું. પવનના વંટોળિયા ચક્કર ખાવા લાગ્યા. અમે બારીબારણાં બંધ કરી પક્ષીનાં બચ્ચાં માળામાં બેઠાં હોય એમ બેસી ગયાં. એટલામાં કડાડ થઈને વીજળી પડી અને ઘરની અંદરની વીજળીની બધી બત્તીઓ ઓલવાઈ ગઈ.આવે વખતે અંધારાની લહેજત ખરેખર માણવા જેવી હોય છે. અંધારું કંઈ દારિદ્રય નથી પણ સમૃધ્ધિ છે....."

'લગ્નમાં તો વિઘ્ન હોય છે. પણ લેખનમાં પણ વિઘ્નો કેટલાં? હવે કાગળ પૂરો કરવા બેસું તો કોણ જાણે ક્યારે મોકલાશે?એટલે આટલો કકડો મોકલું છું. ' ( શબ્દો કાકાસાહેબના છે, મારા નહીં. જોજે પાછી પોરસાતી કે તારો ભાઈબંધ તો મોટ્ટા સાહિત્યકાર જેવું  લખે છે.;) )

મને લાગે  છે કે અહીં આખું પુસ્તક લખી નાખીશ કે શું? જાતે વાંચ પુસ્તક .   શું ને તૈયાર ભાણે જમવા બેસવાનું કાયમ? :p ભાગો .. જોગમાયા વિફરસે તો શ્રાપ આપી દેશે તો મારું આવી બનશે.

My darling dost J સાથે વોટ્સપ પર પણ વાત નથી થઈ બે દિવસથી . ક્યાં છે તેઓ? નોટ છે હેં i tell you. જો કે તારા જેવી તો એકેય નોટ નહીં. પેલું કહે છે ને .. ભૂતો ભવિષ્યતિ... બિહાગને ધન્ય છે.

લિ.

પાછા ભારતભેગાં થવાય તો કેવું સારુ એમ દિવાસ્વપ્નો જોતો

હું.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.