એક ઉત્તરાયણ અને બીજો તું

07 Jan, 2017
12:00 AM

શિલ્પા દેસાઈ

PC: khabarchhe.com

24/12/2016, શનિવાર, માર્ગશીર્ષ વદ 11, સ્વાતિ નક્ષત્ર, તુલા રાશિ.

અમદાવાદ.

પ્રિય મિત્ર સપ્તક,

તને મુનશીજીવાળો સેટ બિલકુલ સમયસર મળી ગયો એ બહુ ગમ્યું. શરુ કર્યું  કે નહીં એમાંથી વાંચવાનું? નહીં જ કર્યું હોય મને પુરેપુરી ખાતરી છે. જ્યાં સુધી મોકલી નહતી ત્યાં સુધી જુદી જુદી રીતે જીવ ખાઈ ગયેલો અને હવે જ્યારે પુસ્તકો હાથવગાં છે ત્યારે સામે ય નહીં જોતો હોય ને કોઈ વસ્તુ માટે અડિયલ ટટ્ટુ થઈ જવાની આદત હજી બરકરાર છે એમ ને ? આરંભે શુરા છો બસ.

ઉત્તરાયણ ઢુંકડી છે પણ હજી પતંગ દોરાનો માહૌલ  ખાસ જામ્યો નથી. ઠંડી ઠીકઠાક. આ વખતે પેલી નોટબંધી ને ચાયનીઝ દોરા પર પાબંદી બરાબર નડશે એમ લાગે છે. ચાયનીઝ દોરા તો સાચે જ જીવલેણ છે. તરત જ ગળું કાપી કાઢે એટલો કાતિલ દોરો હોય છે. તને હજી શોખ રહ્યો છે પતંગનો? મને હજી એટલો જ શોખ છે. કયો પતંગ સારો કે નહીં સારો એનું બધું પિષ્ટપીંજણ તને સોંપ્યું ભઈસાબ. આપણે તો ચગે એ બધા જ પતંગ સારા. પણ તો ય તારા લીધે હજી કોઈ કોઈ પતંગના નામો યાદ છે. ચીલ, ચાંદેદાર,ઢાલ,ઘેંસીયો,ફુદ્દી. કેવા ટંકશાળ પહોંચી જતા આપણે સોસાયટીમાંથી ભેગા થઈને? હું તો ખાલી પતંગ ઉંચકવા જ આવતી બાકી આપણાને પહેલાં માણેકચોક જઈને ખાવામાં વધુ રસ હતો. ;) જૈતશ્રીને ય પતંગ લેવા  કરતા માણેકચોક ખાવા જવાનો વધારે ચસકો છે." લાઈક મધર લાઈક ડોટર.." બોલ્યો કે નહીં? પતંગ ચગાવવા આવે ખરી ધાબે પણ ઉપર જઈને અમે બે જણાં નાસ્તા પર પહેલી ઝપટ મારીએ.જામફળ, બોર, તલસાંકળી ને એવુ બધું .. બિહાગના હાવભાવ જોવા જેવા હોય. એ પતંગ ચગાવવા તૈયાર હોય,મોટાંભાગે તો એનો પતંગ ચગી ય ગયો હોય ને અમે બે ખાવામાંથી ઊંચા આવીએ તો ઊંચે જોઈએ ને ? ;) ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવવાનું જોરદાર લોજિક છે. એ દિવસે જેટલો સુર્યપ્રકાશ મળે એટલું શરીર માટે સારું એવું આપણા પૂર્વજોના ય પૂર્વજોને ખબર હતી . એમનેમ ધાબે બેસવા કહો તો કોઈ બેસે નહીં એટલે માણસ ધાબે જ રહે એવી આ અદ્ભુત પ્રવૃત્તિ કોઈ કુશાગ્રબુધ્ધિએ શોધી કાઢી હોવી જોઈએ . જો કે પતંગની શોધ ચીનાઓએ કરેલી એવું તારું વિકીપિડીયા કહે છે. આપણે ત્યાં જેમ પતંગોત્સવ થાય છે એમ એશિયામાં પતંગોત્સવ પાકિસ્તાન, અફઘાનિસ્તાન,  વિયેટનામમાં ય થાય છે. તો વળી જાપાન, યુ.કે. મલેશિયા, ઇન્ડોનેશિયા, તાઈવાન, થાઈલેન્ડ, યુ.એસ.એ.માં પતંગ મ્યુઝિયમ પણ છે. નિકોલસ કુરિયર Nicolas Chorier  નામના ફ્રેન્ચ ફોટોગ્રાફરે તો પતંગ સાથે કેમેરા બાંધીને ફોટોગ્રાફી પણ કરેલી છે બોલ. અહીં એનું પ્રદર્શન આવેલું . લોકો કેવું કેવું  કરે છે,નહીં? ને એક તમે. નજર સામે મુકી રાખશે મુનશીજીને પણ એમ નહીં કે એમાંથી કંઈ વાંચીએ. 

ગીતને કહેજે કે એણે બધું તારું કહેલું માનવાની જરુર નથી. તું તો પછી માથે તાંડવ કરે એમાંનો છે. 

ચલ પછી વાત. માણેકચોક યાદ આવ્યું છે તો ખાવા જવું પડશે. નહીં તો માણેકચોકને ખોટું લાગે..;) 

એ જ લિ. 

ઉત્તરાયણની રાહ જોતી,

હું. 

 

*****

 

27/12/2016

NZ .

 

પ્રિય અંતરા,

જો આ . કાલે ફેસબુકમાં ફાંફા મારતો હતો ત્યાં નજરે પડ્યું. જાણે મારા જ મનની વાત કરી દીધી છે લખનારે .. મને તો એટલું બધું જુનું જૂનું યાદ આવી ગયું ને... લે તું ય વાંચ..

‘બાંધ  ગઠરિયા..

દેશમાંથી જ્યારે સામાન ભેગાં નવાં સપનાં ય બાંધીએ ત્યારે અમે અેક વણબુઝી તરસનો શ્રાપ પણ અમારી અંદર અજાણતા જ રોપતા હોઈએ છીએ. સપનાં સાચાં પડ્યાંના ગળચટ્ટા ભાવમાં આ અભાવો મનનાં પાતાળમાં ય સળવળતો તો રહે જ છે ..અમે મનાવેલી હોળીનાં ચોરીછૂપી હીરાકણી ભેળવેલાં રંગ, દિવાળીનાં લક્ષ્મી છાપ ટેટાં પહેલીવાર તારામંડળને બદલે અગરબત્તીથી હાથમાં સળગાવીને છૂટ્ટા ફેંક્યાનો અકલ્પ્ય રોમાંચ..ઊત્તરાયણમાં ધાબામાં સંતાઈને પાછળનાં ધાબાવાળાનો લૂંટેલો દોરો..નવરાત્રિમાં કરેલા દોઢિયા પોપટીયા ને આડેધડીયા સ્ટેપ્સ, બહેનપણીઓને ખુશ જોવા માંડમાંડ જોગવેલા મ્યુિઝક કોન્સર્ટના પાસનાં અડધિયાં..કંઈ કેટલાંય સંસ્મરણો ય આ સામાન સાથે બાંધતા હોઈએ છીએ જે આવનારાં વર્ષોમાં અમારાં સંતાનોને કહેતી વખતે અવાજમાં હરખ અને આંખોમાં ભીનાશ ભરવામાં કામ લાગવાનાં હોય છે.

અર્પણ : પોતાના ભાગે આવેલો ધરતીનો ટુકડો મુકીને નવું આકાશ શોધવા નીકળેલાં તમામને ..."

વાંચ્યું? હું તો તરત જ connect થઈ ગયો આ વાત સાથે. કારણકે આપડે આવું બધું જ કરેલું કોઈ જમાનામાં. 

યાદોં કી બારાત નીકલી હૈ આજ દિલ કે દ્વારે..જ્યોર્જ માઇકલ યાદ છે ? હી એક્સપાયર્ડ. કહે છે કે એણે આપઘાત કર્યો. તો કોઈ વળી એમ કહે છે કે હાર્ટ ફેઈલ્યોરને લીધે એનું મૃત્યુ થયું. જે હોય એ.. પણ બહુ કંઈ મોટો નહોતો.  

53 વરસ કંઈ ગુજરી જવાની ઉંમર થોડી છે? આયો યાદ?  પેલો WHAM  વાળો બ્રિટીશ સિંગર ? Wake me up before you go go ??? આયુ કસુ યાદ? તારો ક્રશ ;) પઈની ખબર નતી પડતી બેહનબાને ઈંગ્લીશ ગીતમાં ને વહેમ એવો કે સુ ય મોટા જાણકાર હોય .. :D  મેડમ આ ભઈની આંખો પર ફિદા થઈ ગયેલા એમાં તો આખું એલ્બમ મારીમચડીને ગોખી કાઢેલું..ખીખીખીખી.. પેલું ગીત તો જો કે મને ય મને ગમતુ હતું હોં . ખોટું નહીં બોલું. " લાસ્ટ ક્રિસમસ.." વાળું.  આ ગૂગલ બાપાએ સારું એવું ભલું કરીયુ છે હોં. બાકી આવા બધાં ગીતો આપણાને ક્યાં સાંભળવા મળતે જે? ને પેલી યાદ છે ? મડોના ? ગુડ ગર્લ્સ ગો ટુ હેવન ....;) ફેંકી દીધેલી તમોએ મારી એ કેસેટ. કારણમાં એક જ કે એ મને મારી એક નાટકવાળી બેનપણીએ ગિફ્ટ કરેલી. મને ય નોહતી ગમતી મડોના પણ એટલે કંઈ કોઈએ પ્રેમથી આપેલી વસ્તુ ફેંકી દેવાય? So ruthless ! :p એ સોરી સોરી..  " એને તારુ ગ્રામોફોન જોઈતુ તુ એટલે ચાંપલી થતી હતી બાકી એને કંઈ લાગણી બાગણી નહોતી " આ તારી સ્ટાન્ડર્ડ દલીલ ;)  ને આફ્ટર સમ ડેયઝ આઈ ઓલ્સો રિયલાઈઝ્ડ કે યુ વર એબ્સોલ્યુટલી રાઈટ.  Any ways, સર્ફીંગ કરતા કરતા કયું એલ્બમ મળ્યું હસે કેહ જોય. આમ તો એક નહીં પણ બે એલ્બમ્સ મળ્યાં. Yessss... There u r..  Boney M ..and 12 commandments..એટલી તો મઝા આઈ ગઈ ને. ગીતને ય બેસાડી દીધી બાજુમાં કે "લે હેંડ,  પછી ભેગાં થઈને રસોઈ કરીસુ પણ અત્યારે તો આ જ સાંભળવાનું કંપલસરી છે. " મને એટલો બધો ઉત્સાહ આઈ ગયો ને 12 commandments -London Boys . મલ્યું તો.  એની કેસેટ તો હતી પણ એની cd માટે કેટલું રખડેલો? યાદ છે? મુંબઈમાં ય કોઈ જતું આવતું હોય તો કહી મુકેલું. કાવ્યાને ય એકે ય ગીતમાં તારી જેમ પઈની ખબર નહતી પડતી પણ તારી કોપી કરવામાં એ ય હાવ ખોટ્ટેખોટ્ટાં જ રાગડા તાણતી. ઉ.....રેડિયો.. માય ચાઇનીઝ રેડિયો.... કેવું મસ્ત ગાતી . નહીં? એટલે કે આ બે જ શબ્દો. આખું ગીત તો ભોજ્યાભઈને ય  ખબર નહતી પડતી. ;) તારા પેલા ગીતમિત્રને મોકલજે આ ગીતોની લિંક. જો કે , રહેવા દે. ના મોકલીશ. આપણા જેટલી મઝા ન ય આવે એને. કારણકે આપણે આ ગીતો સાંભળીએ ત્યારે એની સાથે કેટકેટલાં સ્મરણો જડાયેલાં છે ! તમે કોઈ ગીતની  લિંક કોઈને ચોક્કસ ફોરવર્ડ કરી શકો  પણ એની સાથે આપણા સંવેદનો કેવી રીતે અટેચ કરી શકો? 

આજે બહુ જ મઝા પડી સ્મરણવનમાં વિહરવાની.એક ઘટના સાથે બીજું કેટલું ય યાદ આવી જાય. હેં ને ? તને શું યાદ આવ્યું?  

એ જ લિ. 

હજુ ય બારમા ધોરણવાળા અવતારમાં રાચતો,

આઈ એમ જાત્તે. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.