મારી પ્રિય અંતાક્ષરી
22/01/2017, પોષ વદ દશમ, વિ.સં. 2073
પ્રિય સપ્તક,
હજુ બહુ જ મોજમાં છું. પૂછ, કેમ? તે એમ કે અમે કાલે 'થોળ પક્ષી અભયારણ્ય' ગયેલાં. બે ત્રણ વરસ તો થઈ જ ગયાં છેલ્લે ગયેલાં એને. તને ખ્યાલ તો છે ને આ અભયારણ્ય વિશે? મને ખબર છે કે તું થોળ શબ્દ વાચશે એટલે મારો પત્ર વાંચવાનો પડતો મુકીને ગૂગલ સર્ચમાં લાગી જશે. એટલે હું જ તને એ બધી માહિતી આપી દઉં ચાલ. મહેસાણાનું આ ગામ અમદાવાદથી લગભગ 40 કિમી દૂર આવેલું છે. ઈ.સ. 1912મા ગાયકવાડી શાસન દરમ્યાન આકાર પામેલું આ સુંદર તળાવ ખરેખર તો નજીકના ખેતરોમાં સિંચાઈના હેતુથી બાંધેલું. ચારેકોર લીલોતરીથી ઘેરાયેલા આ તળાવને ઈ.સ. 1988મા 'થોળ પક્ષી અભયારણ્ય ' તરીકે જાહેર કરવામાં આવ્યું. જંગલ અને પાણી, એમ બેવડી બક્ષિસવાળા આ સ્થળ પર 150 થી વધુ પક્ષીઓની પ્રજાતિમાં 60%થી વધુ તો પાણીના પંખીઓ જ છે. એમાં ય ફલેમિન્ગો અને સારસ આ અભયારણ્યની મુખ્ય પ્રજાતિ છે. તળાવમાંથી એકસામટાં સેંકડો ફ્લેમિન્ગો જ્યારે ઉડાન ભરે ત્યારે આખું આકાશ ગુલાબી ઝાંયવાળું અને બોલકું થઈ જાય. તમે લોકો આવો ત્યારે આપણે જઈશું ત્યાં. અમે પહોંચ્યા ત્યારે ચાર વાગેલા બપોરે. પક્ષી નિરીક્ષણ માટે વહેલી સવાર એટલે કે સૂર્યોદય અથવા તો આથમતી બપોર ઉત્તમ સમય છે. સૂર્યોદય થાય એ પહેલાં જો પહોચી જવાય તો સારામાં સારું. પક્ષીઓ આળસ મરડતાં મરડતાં જાણે સ્કૂલમાં હાજરી પુરાવવાની હોય એમ એક પછી એક માળામાંથી બહાર નીકળતા જાય ને માળામાં રહેલા સભ્યોને બાય બાય ટાટા કરતા જાય. સવારે નવ સાડાનવ સુધી ચહલકદમી ચાલે એમની પછી બધાં એકદમ અદ્રશ્ય. જાણે સ્કૂલની ડિસીપ્લીન ! એ ય ને વહેલી પડે સાંજ. પાછો એવો જ કલબલાટ બપોર નમતા થવા માંડે. માળામાં પાછાં ફરતાં પક્ષીઓથી આખો વિસ્તાર વધુ રળિયામણો બની જાય.
આ વખતે અમને પાણી બહુ છે તો પાણીના પક્ષીઓ ઓછાં જોવા મળશે એવી આશંકાથી સાવ વિરુદ્ધ પક્ષીઓ તો ખૂબ જોવા મળ્યા પણ સાથોસાથ અસામાજિક તત્વો દ્વારા ફેલાવાતા આતંકનો ય વરવો અનુભવ થયો. શરુઆત તો અમે પ્રવેશ લીધો ત્યારથી જ થઈ ગયેલી એમ કહી શકાય. કેમેરા-ફી અને વેહિકલ- ફી ઊંચા હોય તો અંદર અમથેઅમથાં આંટા મારતા મવાલીઓ ઓછા આવે એ વાત અહીં ખોટી પડી. ખૈર, ઊંચી ફી વસુલ્યા પછી ય કારમાં ખરેખર કેટલાં કેમેરા કે વ્યક્તિ છે અથવા તો કારનું વ્યવસ્થિત ચેકિંગ ન થયું એટલે નવાઈ લાગી. અમને બહારથી જ સુચના આપી દેવાઈ કે અંદર કઈ જગ્યાએ કાર પાર્ક કરવી. અમે અમારી રીતે કાર પાર્ક કરીને ખૂબ રખડ્યાં. ફોટાં પાડ્યાં. અંદર જાવ એકવાર એટલે કોઈ પુછનાર નહીં. રામરાજ્ય પ્રજા સુખી ! બે એક કલાક કુદરત સાથે વિતાવ્યાનો અાનંદ પાછાં ફરતી વખતે અવસાદમાં પલટાઈ ગયો. સામાન્ય રીતે અભયારણ્યમાં અવાજ, વાહનોનો બિનજરુરી હોર્ન મારવા કે ઝડપથી વાહન ચલાવવા પર અંકુશ હોય છે. પણ અહીં તો અમે બે અદ્યતન કારને રેસીંગ અને ઉપરાછાપરી હોર્ન મારતી જોઈ. We were shocked. Sadly, Nobody was there to stop them . તો થોડીવાર પછી બીજા સહેલાણીઓના એક ગૃપમાં એક ટપોરીએ એરગન ફોડી. બિચારાં પક્ષીઓએ ગભરાઈને આકાશ ગજવી મૂક્યું. અમે ફરિયાદ કરવા માટે વિચાર્યું પણ તો કેબિનમાં કોઈ નહીં. અમારી સામે જ ત્રણ ચાર વાહનો બેધડક કોઈ જ ફી વિના અંદર જતાં રહ્યાં. આમ તમે પક્ષી અભયારણ્યમાં કેવી રીતે વર્તવું એની મોટી મોટી સુચનાઓ મુકો પણ એનું પાલન થાય છે કે નહીં એ ન જુઓ અથવા તો કોઈ પ્રકારની સિક્યુરિટી ન હોય એ કઈ જાતનું? અન્યનું ધ્યાન આકર્ષિત કરવા સારું થઈને કોઈનાથી મુંગા જીવોની લાઈફ સ્ટાઈલમાં કાંકરીચાળો કેમ થઈ શકે એ મારી સમજની બહાર છે. ANYWAYS, ફ્રસ્ટ્રેશનમાં તને ભાષણ આપી દીધું . Sorry for that.
બધું બરાબર ગોઠવાઈ ગયું ને ? આવીએ છીએ 24મીએ. મને ખબર છે કે આ પત્ર અમે ત્યાં આવીએ એ પછી તને મળશે. પણ પત્ર-સાંકળ તૂટવી ન જોઈએ એટલે લખવો જ પડે. ને હા, 'બરાબર' બોલીશ તો ત્યાં આવું ત્યારે મારાથી હિંસા થઈ જશે એ હદ સુધી તારા આ 'બરાબર' થી ત્રાસી ગઈ છું.
ગીત અને કાવ્યાને કહેજે કે હું આવું એટલે આ સપ્તકડાને સીધો કરીશું.
એ જ લિ.
કેટલી બેગ દિલ્હી લઈ જવાશે એની મથામણમાં,
અંતરા.
*****
22-1-17 રવિવાર બપોરે ચારનો સુમાર..
પ્રિય સખી અંતાક્ષરી,
ઈન્ડિયા આઈને બોસ આપડે જાડા ભમ્મ થઈ જવાના છે પાછા. બકાસુરની જેમ જે કોઈ જેટલું આપે એ ઝાપટી જઉં છું. આ દિલ્હીની હવામાં જ કંઈ છે સાચ્ચે. આખ્ખો વખત ખાયા જ કરું છું. ઠંડી બી સરસ પડે છે . એ અહીં કાવ્યાના પડોશમાં કોઈના દીકરાના લગ્ન હતા તો એમને ત્યાં બંદાને ય બોલાવેલા. ‘કાવ્યાબેટી કા ભાઈ હે તો મેરા તો બેટા હુઆ ના?’ આવું એ બાજુવાળા આંટી ઉવાચ. મને એમ થાય કે કઈ જાતનો ઋણાનુબંધ છે આ? બેંગલોરમાં ધીમનઅંકલ અને સુરુપાઆંટીએ ખુબ લાડ લડાવ્યા. ત્યાં ય કશું લેણું બાકી રહી ગયું હશે કોઈ જનમનું. એ વિના તો કોઈ આપણાને ન જ મળે ને ? આ જો ને, તું ય મારા લમણે લખાયેલી જ છે ને ? વચ્ચે સાવ નહિવત્ સંપર્ક થઈ ગયેલો ત્યારે મને તો હાશ થઈ ગયેલી કે આ હવે નઈ આવે પાછી. પણ માતાજીએ તો પુન: દર્શન દીધા ને અમ અબૂધોને ન્યાલ કરી દીધા હોં કે ;) sorry sorry,,, chilllll..just pulling your legs.. હે મા ..માતાજી .. મુજ અબૂધને ક્ષમા કરો .. સાંભળ ને પણ, અહીં પેલા ખન્નાઅંકલને ત્યાં લગ્નમાં એક દિવસ પ્યોર પંજાબી જમણ હતું ને એક દિવસ પંજાબી -ગુજરાતી મિક્સ. પુછ કેમ? કારણકે વહુ ગુજરાતી છે.. તે ય નાગર ..આપણાને તો મઝા આઈ ગઈ.. ને પાછી વાત એમ છે કે એ લોકો ધીમનઅંકલના કોઈ સંબંધી નીકળ્યા. કહ્યો તો ખરો કોઈ સંબંધ પણ as usual આપણાને ગુંચવાડો થયો તે યાદ નથી. ફોન કરીને વાત કરી. એ લોકો ય આવવાના જ હતા અહીં લગ્નમાં પણ ટિકીટમાં ગરબડ થઈ તો માંડી વાળ્યું. તને ને બિહાગબાબુને ય યાદ કર્યા અમે. મને યાર નાગર લોકો બઉ મલી જાય ગમ્મે ત્યાં. મને લાગે છે કે હું ચંદ્ર પર તમારા ત્રણના નામની તક્તી લગાડવા જઈશ તો ત્યાં ય કોક નાગર મારી રાહ જોઈને બેઠો કે બેઠી હશે..;)
આ કાગળ તને મળે એ પહેલા તો તમે લોકો દિલ્હી મધ્યે હશો પણ પેલો કયો શબ્દ તું કહે છે એ તુટવુ ના જોઈએ એટલે મેં લખ્યો. સુલેમાન સુધર ગયા ને? તો પછી?
એ તને મઝા પડે એવા એક સમાચાર વાંચ્યા અબીહાલ. કેલિફોર્નિયામાં કોઈ ચકલીએ માળો બાંધીને ઈંડા મુક્યા. હવે આ માળો કોઈ બ્રિજ બનાવવાના પ્રોજેક્ટમાં નડતો હતો. પણ ત્યાંની ઑથોરિટીએ શું કર્યું ખબર છે? ઈંડામાંથી બચ્ચાં બહાર ન આવે ત્યાં સુધી પ્રોજેક્ટ જ અટકાવી દીધો. જીવસૃષ્ટિની કેટલી જાળવણી ! તારા બર્ડવોચિંગના શોખ મને યાદ છે એટલે ખાસ લખ્યું.
કાવ્યા અને ગીત પાસે મારા માટે સમય નથી ,બોલ. બે ય જણીઓ ખુસરપુસર કર્યા કરે ને એકબીજાના તાળીઓ લીધા દીધા કરે. ઘણીવાર કાવ્યાના સાસુ ય આ ષડયંત્રમાં જોડાય. મને લાગે છે કે આ ગીતડીના જ કારસ્તાન છે મને ચીઢવવાના. ચાંપલી નહીં તો!
ચલ હેંડ બહાર લટાર મારી આવું. 26મી જાન્યુઆરીના માનમાં દિલ્હીની રંગત બદલાવા માંડી છે.
એ જ લિ.
24મી છે....... 24મીએ કેમ આવે એવું વિચારતો ,
હું .
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર